પ્રેમ હત્યા (ભાગ : ૧૭)
પ્રેમ હત્યા (ભાગ : ૧૭)




સવારે જ ઈ.મિહિર હવલદાર પાંડુરંગ સાથે માયાના ઘરે પહોંચી ગયા. સુંદરતાની મુરત સમાન માયાના દર્શન થશે એવા વિચારે ઈ.મિહિરે દરવાજાની ઘંટડી વગાડી. થોડીવારમાં માયાએ દરવાજો ખોલ્યો, સામે ઉભેલ માયાને અવાચકપણે જોઈ રહેતા ઈ,મિહિરના મગજમાં ઝડપથી વિચાર આવીને ઊડી ગયો કે “ઉમરની સાથે સાથે માયાનું શરીર કેવું વધી ગયું છે!” પરંતુ પોતાને સંભાળી લેતા ઈ.મિહિર પહેલીજ વાર બહેનનું સંબોધન કરતાં બોલ્યા કે “બહેન તમને પોલીસસ્ટેશનમાં લઈ જવા આવ્યો છો... ત્યાં બેસી હું આખો કેસ સમજી લઈશ.”
માયાએ કહ્યું,”અરે ઘરમાં તો આવો, આખો દિવસ દોડધામ કરતાં તમે થાકતાં નથી? અને આટલી દોડધામ કરો છો તોય શરીર કેટલું ફૂલી ગયું છે!”
ઈ.મિહિર અને પાંડુરંગ અંદર ગયા. માયા નાસ્તાની છલોછલ ભરેલી ડિશો લાવી. મિહિરે જોયું કે નાસ્તો જરૂર કરતાં વધારે છે પણ સાથે પાંડુરંગ છે એટલે નાસ્તાની ડિશ પૂરી કરવામાં કોઈ સવાલ રહેશે જ નહિ. નાસ્તો પતાવી તેઓ પોલીસસ્ટેશન ગયા. ઈ. વિનોદે દૂરથી જ ઈ. મિહિરને આવતાં જોયાં તરત તેણે ખુરશીમાંથી માનભેર ઊભા થઈ આવકારભર્યું સ્મિત વેર્યું “ધન્ય ભાગ હમારે જો આપ પધારે.”
ઈ.મિહિરે કહ્યું, “શર્મ કરો હમ પધારે ક્યોંકી તુમ હારે... આ મેડમને સાથે જોઈને તમે સમજી જ ગયા હશો કે હું કેમ આવ્યો છું !” ઈ.મિહિરને કેસની વિગતો સમજાવતાં ઈ.વિનોદે કહ્યું કે “સાહેબ એમણે દેખાડેલ સ્થાન પર કોઈ જ લાશ મળી નથી છતાં તેઓ જિદ્દ છોડતાં નથી. કે મેં પોતે સાંભળ્યું છે કે આકાંક્ષા બોલી હતી કે મેં તમારી કબર ઉપર.....”
ઈ.મિહિરે કહ્યું “અરે સાંભળ્યું હશે એટલે જ તો એ આમ બોલે છે. વળી માયાબેનનો સ્વભાવ પણ પોતાની વાતને વળગી રહેવાનો છે. ઠીક છે આપણે હમણાં જ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી લઈએ.”
ઈ.વિનોદ બોલ્યા “ભલે, હું ડોગસ્કવોડને બોલાવી લઉં છું.”
કંઈક વિચારી ઈ.મિહિર બોલ્યા “ના.. ડોગસ્કવોડ નહિ પણ એને બદલે બોરિંગ ખોદવામાં વપરાય અને રસ્તા પર હોલ પાડી શકે તેવા મશીનની વ્યવસ્થા કરો. વળી મને એક મોટી પાઈપ પણ જોઈશે અને બે ત્રણ સાફ કાચની બોટલ.”
કંઈ સમજાયું નહિ છતાં ઈ.વિનોદે કહ્યું ”વ્યવસ્થા થઈ જશે સર.” તો ઠીક છે અમે ઘટના સ્થળ પર પહોંચીએ છીએ તમે પણ જરૂરી વ્યવસ્થા કરી ત્યાં પહોંચો.”
ઈ.વિનોદ બોલ્યા “સર હું આકાંક્ષાને પણ ત્યાં બોલાવું લઉં?”
ઈ.મિહિર “ના... જરૂર લાગશે તો બોલાવી લઈશું. હાલ તમને જે કીધું છે માત્ર એટલું જ કરો.”
ઘટનાસ્થળે ઈ.મિહિરે માયા સાથે મુલાકાત લીધી. જ્યાં આકાંક્ષાએ ફોટોગ્રાફ્સ સળગાવેલા એ જગ્યા માયાએ ઈ.મિહિરને બતાવી. ઈ.મિહિરે બરાબર એ જ જગ્યાએ ડ્રીલ મશીન દ્વારા ઊંડે સુધી એક હોલ પાડવાનું કહ્યું. મશીન એના કામે લાગી ગયું. ઈન્સ્પેક્ટર મિહિરે પાઈપના એક છેડે હવાચુસ્ત રીતે બોટલ લગાવી અને બીજો ખુલ્લો છેડો પોતાના હાથમાં રાખી તેઓ ઊભા રહ્યા. જેવું મશીને એનું કામ પૃરું કર્યું. તરત ઈ.મિહિરેએ ડ્રીલ મશીને પડેલા હોલમાં પાઈપ નાંખી. સાથે ઊભેલ હવલદારને હવે એમણે ઊંડે સુધી પાઈપ નાખવાનું કહ્યું. પાઈપ ઊંડે સુધી પહોંચી છે એમ જણાતાં ઈ.મિહિર પાઈપના બીજા છેડા પાસે ગયા. ત્યાં પાઈપ જોડે લગાવેલ બોટલવાળો છેડો હાથમાં પકડી ઉભેલા હવલદારના હાથમાંના પાઈપના છેડામાંથી બોટલ કાઢી લઈ બોટલને ચુસ્તપણે બંધ કરી દીધી અને સાથે લાવેલ બીજી બોટલ ત્યાં લગાવી દીધી. થોડીકવાર ઊભા રહી એમણે એ બીજી બોટલ પણ કાઢી લીધી. તેને પણ ચુસ્તપણે બંધ કરી બંને બોટલ ઈ.વિનોદને આપતા કહ્યું, “ઈન્સ્પેક્ટર આ બંને બોટલને લેબોરેટરીમાં તપાસ માટે મોકલો. આમાં કયા પ્રકારના વાયુની હાજરી રહેલી છે તે મારે જાણવું છે.”
આમ બોલી ઈ.મિહિર જીપમાં જઈને બેઠા.
પાસે આવી ઈ.વિનોદ બોલ્યા “આ સાથે આવેલા પોલીસજવાનોનું હવે કંઈ કામ છે?”
ઈ.મિહિર “એમને કહો કે અહીનું આજે પુરું થયું છે. એમને જવા દો. અને તમે લેબોરેટરીમાં જઈ જરા ઝડપથી રીપોર્ટ તૈયાર કરવાની સુચના આપી પોલીસ સ્ટેશનને મળો. આગળની તપાસ આપણે રીપોર્ટ આવ્યા પછી જ કરીશું.” ઈ.મિહિરે પાંડુરંગને ઈશારો કર્યો. પાંડુરંગે જીપ હંકારી મૂકી.
(ક્રમશ:)