પ્રેમ હત્યા (ભાગ : ૧૪)
પ્રેમ હત્યા (ભાગ : ૧૪)
આકાંક્ષા બોલી “મિસ્ટર વ્યોમેશ, તમારી કબર પર જ તમારી યાદો સળગાવી હું તમને એ અર્પણ કરું છું.” આમ બોલી એ ગાડીમાં જઈ બેઠી. કાંસકા અને ગ્લોવ્ઝને બીજી કોઈક જગ્યાએ ફેંકી દેવાનો નિર્ણય કરી તે ત્યાંથી નીકળી ગઈ.
આ બધું કરતી વેળા આકાંક્ષાને સહેજપણ એ ખ્યાલ આવ્યો જ નહોતો કે કોઈક આ ક્રિયા જોઈ રહ્યું છે. માયા આ બધું જોઈ રહી છે. એ જ્યારથી ફલેટમાંથી નીકળી છે ત્યારથી માયા એનો બરાબર પીછો કરી રહી છે ! એણે ફોટા સળગાવતા તથા આકાંક્ષા જે કંઈ બોલી એ બરાબર સાંભળી લીધું છે. જેવી આકાંક્ષા ત્યાંથી જતી રહી તેવી જ માયા સળગી રહેલાં એ ફોટોગ્રાફ્સ પાસે આવી. સળગેલી તસવીરોમાં દેખાતી નેગેટીવ પ્રકારની છાપને એણે ધ્યાનથી જોયું. ત્યાંજ પવનની લહેરખીથી કાગળોની રાખ ઊડવા માંડી એણે મામલો સમજવાનો પ્રત્યત્ન કર્યો. તે માટે હવે તે આકાંક્ષા વિષે તપાસ કરવા માંડી. તપાસ કરતાં જાણવા મળ્યું કે આકાંક્ષા એ જુલીના બોસ વ્યોમેશની પત્ની છે. અને જે દિવસથી વ્યોમેશ ગાયબ છે તે દિવસથી જ જુલી પણ ગાયબ છે. આ ખબર પડતાં જ માયા આખો મામલો સમજી ગઈ.
આખું પ્રકરણ સમજાતા માયા તરત પોલીસ સ્ટેશનમાં પોહોંચી ગઈ એણે સઘળી હકીકત પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત ઈન્સ્પેક્ટર વિનોદ અધ્યારૂને કહી સંભળાવ્યું સાથે સાથે એણે એમ પણ કહ્યું કે “જયારે હું બીજી વાર એને જુલી વિષે પૂછવા ગઈ ત્યારે એણે હાથમાં ગ્લોવ્ઝ પહેરી રાખ્યા હતાં ! મારા ખ્યાલથી એણે ઘરમાંથી તલાશી લઈ શોધી કાઢેલા ફોટોગ્રાફ્સ જ રસ્તા પર સળગાવી દીધા હશે. વળી એ લોકો જે દિવસે ગુમ થયા એની આગલી રાત્રે જ આકાંક્ષાએ એક ક્લબમાં બંને સાથે ખૂબ ઝગડો કર્યો હતો. એણે જુલીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બધી હકીકતોને આધારે હું ખાત્રીપૂર્વક કહું છું કે આકાંક્ષા એ મારી બહેનપણી અને પોતાના પતિ વ્યોમેશનાં ખૂન કરી એમની લાશને કેનાલ પાસે દાટી દીધેલ છે. ઈન્સ્પેકટર સાહેબ, તમે હમણાં ને હમણાં આકાંક્ષાની ધરપકડ કરી લો.....”
ઈન્સ્પેકટર વિનોદ બોલ્યા ‘મેડમ, આમ માત્ર તમારા કહેવાથી અમે કોઈની ધરપકડ ન કરી શકીએ. આકાંક્ષા વિરુદ્ધ કોઈ પુરાવા છે? તેને માટે આપણે સૌપ્રથમ તમે કહો છો એ સ્થળે જઈ ત્યાં તપાસ કરવી પડે. ત્યાંથી જો કોઈપણ લાશ મળી આવશે તો આપણે જરૂર આગળની કાર્યવાહી શરૂ કરીશું. કારણ ક્યારેક નજરે જોયેલું કે સાંભળેલું પણ ખોટું નીવડે છે. મારા ખ્યાલથી કદાચ એવી પણ શક્યતા હોય કે આકાંક્ષાને એનો પતિ જુલી જોડે ભાગી ગયો છે એવી જાણ થઈ હોય ! કારણ પાછલા બે દિવસથી આકાંક્ષા તેના પતિની પૂછપરછ કરવા અહીં આવી નથી ! તેથી જ તેની ખાતરી કરવા તે જુલીના ફ્લેટમાં ગઈ હશે ! ત્યાં એને જુલી જોડેના એના પતિના કઢંગી હાલતમાં હોય તેવા ફોટા જોવા મળ્યા હશે, એ ફોટાને ઘરે લઈ જવાને બદલે રસ્તામાં ક્યાંક ફેંકી દે અને જો કોઈના હાથમાં આવે તો એની જ બદનામી થાય એ બીકે એણે એ ફોટા સળગાવી દીધા હશે ! ફોટા સળગાવતી વખતે સ્વાભાવિકપણે વ્યોમેશ આજ પછી એના માટે મરી ગયો છે એમ ધારી તે આવું બોલી હશે કે “મિસ્ટર વ્યોમેશ, તમારી કબર પર જ તમારી યાદો સળગાવી હું તમને એ અર્પણ કરું છું... અને તમે કંઈ બીજું સમજ્યા હશો?”
માયા થોડું વિચારી પછી બોલી, ‘તો પછી જુલીના ફ્લેટની ચાવી એની પાસે કેવી રીતે આવી?”
ઈન્સ્પેકટર, “બની શકે કે એક ચાવી જુલીએ વ્યોમેશને આપી રાખી હોય જે કોઈ રીતે એના હાથમાં આવી હશે.”
માયા બોલી “તો હવે?”
(ક્રમશ:)
