પ્રેમ હત્યા (ભાગ ૧૨)
પ્રેમ હત્યા (ભાગ ૧૨)
આકાંક્ષા પરોઢિયું થતાં જાગી ગઈ. અને ઘરમાંથી પણ વ્યોમેશનું કોઈ પગેરું ન મળે એ રીતે એણે બારી બારણા, નકુચા આગળા, બેડરૂમના પલંગ, ડાઈનિંગ ટેબલ, તિજોરીઓ, ખુરશીઓ વગેરે કશુજ બાકી રહી ન જાય તે રીતે આખા ઘરની સાફસફાઈ કરી નાંખી. અગાશી અને દરેક રૂમોની ફલોરીંગ તથા જ્યાં કંઈપણ વ્યોમેશના ઉપયોગમાં આવવાની શક્યતા હોય તેવી જગ્યાઓ પાણીમાં ફિનાઈલ નાંખી ફિનાઈલવાળું પોતું ફેરવી સફાઈ કરી લીધી. ઘરનાં જૂનાં બધા કાંસકા શોધી શોધીને કચરાપેટીમાં નાંખ્યા! એની જગ્યાએ બજારમાંથી નવા કાંસકા લાવવાનું નક્કી કર્યું. ઘરની સાફસફાઈ કરવાનું કામ પુરું થયું એટલે એ ફટાફટ તૈયાર થઇ બહાર જવા નીકળી. એક રીક્ષામાં બેસી પહેલાં બજારમાં ગઈ. એક મોટા સ્ટોરમાંથી કાંસકા અને જરૂરી સામાન ખરીદી લીધો. મનમાં કંઈક વિચાર આવતાં બીજા વધારે કાંસકાઓ પણ ખરીદી લીધા. હવે રીક્ષામાં બેસી એ વિશ્વકુંજ એપાર્ટમેન્ટ પર ગઈ. આગલી રાત્રે એપાર્ટમેન્ટના પાર્કિંગ લોટમાં મૂકેલી કાર પાછી પોતાને હસ્તક લઇ લીધી. ગાડી હંકારી ઘરેથી દૂર આવેલા એક મદ્રાસીના ગેરેજમાં જઈ કારને એણે સર્વિસિંગ માટે સુપ્રત કરી. ગેરેજનો માલિક મદ્રાસી મોટી ઉમરનો અને જાડા કાચના ચશ્માં પહેરતો સ્થૂળકાય માણસ હતો. તેને આકાંક્ષા એ કારની ચાવી સોંપતા જણાવ્યું કે હું મારી મમ્મીના ઘરે બે દિવસ રહેવા માટે જઉ છું ગાડી હું બે દિવસ રહીને પરત લઇ જઈશ.”
વળી ગેરેજથી રીક્ષા કરી આકાંક્ષા સીધી રેલ્વે સ્ટેશન પહોંચી. ટિકિટવિન્ડો પર જઈ પિયરને ગામ જવાની ટિકિટ કઢાવી પ્લેટફોર્મ પર પહોંચી. થોડીવારમાં ટ્રેન આવી. ટ્રેનને ગંતવ્ય સ્થાને પહોંચતા સુધી સીટ ઉપર બેઠા બેઠા પોતે કરેલા દરેક કાર્યનું વિહંગાવલોકન કરી રહી. જેનાથી એને સંતોષ થયો.
એ બે દિવસ પિયરના ઘરમાં રહી તે દરિમયાન તાજી ખરીદેલી રેલવેની નવી ટિકિટ ફાડીને સળગાવી દીધી અને એની રાખને વોશબેસીનમાં વહેવડાવી દીધી. હવે બે દિવસ રહીને પાછા ઘરે આવ્યા પછી એણે પહેલું કામ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ વ્યોમેશનો ફોટો આપી તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પછી પોતાના પર શંકા ન જાય એ માટે આકાંક્ષા થોડા થોડા દિવસે જઈ પોલીસને વ્યોમેશ હજુસુધી કેમ નથી મળ્યો? એની નિયમિત ફરિયાદ કરતી રહી.
(ક્રમશ:)
