પ્રેમ હત્યા - ૧૦
પ્રેમ હત્યા - ૧૦
હવે રીમઝીમ વરસાદ શુરૂ થયો હતો. આકાંક્ષાએ વિચાર્યું કે સારું થયું પહેલાં વરસાદ ન પડ્યો ! નહિતર આ બધું સળગવવામાં તકલીફ પડી હોત. અત્યારે પડતો વરસાદ એના માટે આશીર્વાદરૂપ હતો કારણ ઘટનાસ્થળે જો કોઈ પગરવના નિશાન બચ્યા પણ હોય તો હવે એ ધોવાઈ જવાના હતાં ! નદીકિનારે પહોચી એણે આસપાસ નજર દોડાવી, અર્ધી ઉપરાંત રાત વીતી જવાને કારણે ત્યાં કોઈ જ હતું નહિ. બોટ મળી હોત તો સારું આમ મનમાં આકાંક્ષાએ વિચાર્યું પણ હાલ એની પાસે સમય ન હતો. પગમાંથી ચપ્પલ કાઢી એણે પહેરેલે કપડે જ નદીમાં છલાંગ લગાવી અને નદીની અધવચ્ચે જઈ એ વોમીટીંગ બેગ ઊંડા પાણીમાં પધરાવી દીધી. આમ સંપૂર્ણપણે તમામ પુરાવાઓનો નાશ થઇ ગયો. હવે એણે ડરવાનું કોઈ કારણ ન હતું. બધા પુરાવા હવે એણે સફળતાપૂર્વક નષ્ટ કર્યા હતા. રાત્રીનો અંધકાર અને વરસતો વરસાદ એના માટે આશીર્વાદરૂપ હતા.
એણે વિચાર્યું કે “નરાધમોને સજા આપવા કુદરત પણ તેની વહારે આવી.”
ત્યાંજ એની નજર ગાડીના ડેસબોર્ડ આગળ મુકેલ ફ્લેટની ચાવી પર ગઈ. ચાવી જોતાં જ અનાયાસે એના મનમાં વિચાર આવ્યો કે જયારે બધું જ ફેંકી દીધું છે ત્યારે જુલીના આ નાનકડા ફ્લેટની માયા રાખીને શું કરવું છે ? આજે નહીતો કાલે એ જુલીના ફ્લેટમાં જશે અને કોઈની નજરમાં આવી જશે તો ખોટી મુસીબતમાં ફસાઈ શકે છે. કારણ જુલીના ગુમ થયાની જાણ ક્યારેક તો થશે અને પોલીસ ગુમ થયેલ જુલીની શોધ પણ કરશેજ. પછી જુલી સાથે એના પતિના આડા સંબંધોની કડી જોડતા એ ખોટી શંકાના ઘેરાવામાં આવી જશે. એણે ચાવીનો ઘા નદીમાં કરવાનો વિચાર કર્યો પણ પાછો વિચાર આવ્યો કે જુલીના ફ્લેટમાં વ્યોમેશની કોઈ તસ્વીર હશે તો ? જૂલીની તપાસ કરતા પોલીસના હાથમાં એ ફોટોગ્રાફ્સ આવી જાય તો. પહેલાં જુલીના ઘરની તલાશી લઇ આવી ફોટોગ્રાફ્સ હોય તો મારે તેનો નાશ કરવો પડશે. આમ વિચારી એણે ત્યાંથી ગાડી હંકારી મૂકી.
હવે એ ગાડી લઇ સીધી ઘરથી દુર આવેલા એક વિશ્વકુંજ એપાર્ટમેન્ટ નામના છ માળ ઉંચા બિલ્ડીંગના પાર્કીગ લોટમાં આવી. ગાડી પાર્ક કરવા માટે જગ્યા જોવા નજર ફેરવી રહી. એપાર્ટમેન્ટના રહીશો માટે ફાળવેલી પાર્કિંગ સ્પેસ સિવાયની, કારપાર્ક થઇ શકે અને કોઈને નડતરરૂપ ન થાય તેવી જગ્યા જોઈ ત્યાં ગાડી પાર્ક કરી લોક કરી દીધી. બધું યોજનાસર પાર પડ્યું છે એનો સંતોષ થતાં એ ટેક્સી કરી શહેરના મોટા માર્કેટ પાસે આવી. ટેક્સીમાંથી ઉતરી થોડે દુર જઈ ઘર સુધીની બાકીની મજલ રીક્ષા વડે કાપી. રીક્ષાને પણ એણે ઘરેથી દુરના અંતરે ઉભી રખાવી. પછી ઘર ભણી ચાલતા જતાં રસ્તામાં આવતાં એક અવાવરું કુવામાં પોતાના ચપ્પલ ફેંકી દીધા અને ત્યાંથી જ તે ખુલ્લા પગે ચાલતી ચાલતી ઘરે આવી. ઘરે આવી એ સીધી પલંગ પર ફસડાઈ પડી અને અત્યાર સુધી ટકાવી રાખેલો જુસ્સો એકાએક ઉતરી ગયો પાંપણના બંધ છૂટી ગયા. આંખોમાંથી ચોધાર આંસુઓ વહી રહ્યા તેનું રૂદન આંક્રદનું સ્વરૂપ ધારણ કરી રહ્યું, ખુબ રૂદન કર્યા બાદ ન જાણે ક્યારે એની આંખોના પોપંચા ઢળી ગયા. એની આંખ મીંચાઈ ગઈ અને તે અત્યંત શ્રમને કારણે નિંદ્રાધીન થઇ ગઈ.
(ક્રમશ:)
