Kalpesh Patel

Drama Classics Inspirational

4.9  

Kalpesh Patel

Drama Classics Inspirational

પરદો

પરદો

9 mins
4.8K


દિયરવટું કરેલી સવલીએ દોડીને ઝટપટ ખોરડાના દરવાજે પરદો પાડી, તેના બંને હાથ ફેલાવી દરવાજો રોકી જીવલાની વાટ રોકી ઊભી. સવલી ટેકરી જેવડો નિઃશ્વાસ નાખી બોલી 'બળ્યો આ અવતાર, ધણી મો ફેરવે ટાણે આ ગધેડાની જેમ કામ કૂટકૂટ કરવાનો હું અરથ ?' સવલી બૈ… એક ભવમાં બે ભવ કર્યા તોય, શિયાળબૂનના ઉંવાએ ઉંવા…", સવલીની અંદર જ સવલીને, અ'ટાણે એવું તેને કોઈ કહેતું હતું.

સવલીથી ટેકરી જેવડો નિઃશ્વાસ મુકાઈ ગયો.એને લાગી આવ્યું. આંબે મરવા ફૂટવાના દા'ડામાંય ધણી... એની આંખો ભીની થઈ. ગળામાં ડૂમો બાઝતો હતો. જીવાને કગરીને જોડેલા એના હાથ થીજી ગયા. કૂણા કૂણા કાંડા ઉપર બે દિવસથી કાચની નવી રંગીન બંગડીઓ પહેરી હતી. હાસ્તો, વર ને રિજવવા  કોઈ તો ખરકલો કરવો પડે – છાણ માટી વાળી એકબે રબરની બંગડી થોડી ચાલે કંઈ ? સાસરે આવતાં પહેલાં રામુડો, બરેલીની લીલા કાચની બંગડીઓ તેના માટે શહેરમાંથી લાવેલો.

બહેનપણીઓ તો કહેતી'તી, 'તારો વર જીવલોતો ભડવીર છે મુંબઈના શેઠની આંબાવાડીએ રખોપું કરે, એની તો ઘરબેઠા મોટી કમાણી, ને તું પણ પેલી મુંબઈની સિનેમાવાળીઓને જીવલા ભેળી હવે જોવા જોવાની. સાવલી તારા વટનું તો શું કહેવાનું હોય ? મૂઈ, તું બીજી વાર તો ઘણું સારું મેળવી બેઠી એમ ગણાય, બીજવર કરતાં કુંવારો લાખ લડાવે લાડ…' સહિયરોનું અટાણે હસવાનું સાંભરી આવતાં એનો જીવ કરપાતો હતો.

આજે વૈશાખ વદિ તેરશનો દિવસ વીતી ચૂક્યો હતો, અને અમાસના ઓછાયા તેરસે જ ચાલુ થાય હોય તેમ આખું નભ કાળું ડીબાંગ હતું. ગામમાં લગનના મુરત વીતી ચૂક્યા હતા.બેન્ડ-વાજા અને કિસનલાઇટવાળા પાછા શહેર ભેળા થઈ ગયા હતા. વૈશાખી લગન પછી ઘેર આવેલી નવવધુઓના ઓરડાઓમાં બંગડીઓ-ઝાંઝરીઓના ઝીણા ઝીણા અવાજો તેમની પછીતની બહાર જાય એ પહેલાં જ ઠરી જતા હતા. આથમણા ખૂણાથી ઉપડેલા પવનની સાથે છૂટા છવાયા, કુતરા સાથે શિયાળવાંની લાળીની શરણાઈનો સ્વર છેક અટાણે અહી ઠાકોર ફળીયા લગી સંભળાતો હતો.

સવલીના હાથ રામુ સાથે પીળા થયેલા, રામુ ઠાકોર મુંબઈ મુકામે નોકરીએ હતો. લગન'ના ચાર દીમાં, મુંબઈ જે'લો સવલીનો ધણી, મુંબઈથી ઓણ હોળી એ આઠ આઠ મહિના વીતે અવતાવેત, ઠાકરડા હારે હોળીએ ગામમાં થયેલા ધીંગાણાંમાં ખપી ગયેલો. આમ સવલી, ભલેને નકરી વીંધાયા વનાની હોય, તોય એને કુંવારકા થોડી માને લોક ? એ તો રાંડી અને બીજ વારકી થઈ, એટલે નાતરાનો જ ધણી મળે. અને સવલીના વિધુર બાપે, રામુડાના નાના ભાઈ જીવલા હારે, વળાવી હતી. અને બુઢા બાપની મરજીને શીશ ચડાવી સવલીએ આખો જન્મારાનો ભાર ઉઠાવવા, આખરે જીવલા સાથે દિયરવટું કર્યું હતું.

મુંબઈના શેઠની વાડીએ, કેરીઓના ભારથી લચી પડેલા આંબાની રખવાળી માટે આંબાવાડિયામાં જ ખાટલી ઢાળીને સૂતેલા જીવલાના ભઈબંધો, ચંદુ અને ભીમો રોજ મોડી રાત સુધી બીડીઓના દમ મારતા, અને જીવલા હારે ગામ આખાની પટલાઈ કરી વાતો ડહોળતા. આજે રાત ઠીક ઠીક આગળ વધી ચૂકી હતી. ચંદુએ છેલ્લી અને ત્રીજી વાર મોટા ટીમરુનાં પાનમાં તમાકુ સાથે ચરસ ભરી વણીને બનાવેલ બીડીને ધખાવી ત્યારે કસ ખેચવા પડાપડી થઈ, અને વારા ફરતી વારો ઇમ ચંદુએ પેટાવેલી બીડીને ભીમાએ ફૂંકી બરાબર પ્રજ્વલિત કરી, પછી જીવલાને ધરતાં ભીમાએ કહ્યું:

"લે જીવા…તું પણ મારી લે એક બે દમ…"માન ના માન પણ હમણાંથી તું કાંક ડખોળાયેલો રહે છે….જીવા." ભીમાએ ટકોર કરી. જીવલાએ ખાટલીએથી બેઠાં થતાં જ બીડી હાથમાં લીધી. ઉપરાઉપરી ત્રણ ચાર ફૂંકો મારતાં, હવે બીડી ઉપરનો ગલ જીવાના મોં પર લાલ  ટમ-ટમતાં પ્રકાશની ઝાંય વેરી રહ્યો હતો. ટમ-ટમ થતાં બીડીના અજવાળે એના મોં પરની વિવશતા પકડી પાડતાં ચંદુ બોલ્યો, પહેલા તો "જીવલા…! સાંજ પડતાં તું રોજ સવલીભાભીનું મોઢું જોવા ઘરમાં પેસી જતો, તે સવારે દેખાતો હતો, બોલાઈ બોલાઈને થાકું તોયે તું ઘરની બહાર નેંહળતો નહીં. ને હમણાં અટાણે તું અડધી અડધી- પૂરી રાત લગી આંબાવાડીએ પડી રહે છે. એ બધું કાંય અમારાથી અજાણ્યું નથી." ચંદુની વાત સાંભળી જીવલાને ઉધરસ ચડી. ભીમાએ બીડી પાછી લઈ લીધી. દરમિયાન જીવાનો હાથ ધ્રૂજી જતાં બીડી પરનો ગલ એના પગ પર પડયો….ચંદુએ ત્વરાથી એ ગલ ખંખેરી નાખ્યો. પણ ત્યાં લગી જીવાના ધોતિયાને કાણું પડી ચૂક્યું હતું.

"કાણું તો પડી ગ્યું….…" ભીમો ગણગણ્યો..

"મારા તો જીવતરમાં, કાણું નઈ ભીમા, ભગદાળું પડી ગયુ છે ભઈ…પછી ધોતિયા પર કાણાં પડે એની કાંઈ નવાઈ ખરી ?" જીવાએ એ ભીમાની વાતને બીજે વાળી.

થોડીવાર સુધી ત્રણેય જણ ચૂપ થઈ ગયા. બીડી પતી, અને, ચરસના નશાની ભરમાર ચાલુ થઈ. અંધારિયો વૈશાખી પવન હવે જોર પકડી રહ્યો હતો. ખર…ખર…ઘસાતાં આંબાનાં પાનાં અને છૂટી છવાઈ તૂટી પડતી કેરીઓનાં ધીબાધીબ અવાજ જ વાતાવરણમાં પ્રભુત્ત્વ જમાવી રહ્યો. જીવલો આખરે બોલ્યો, જેને હું મારા જીવ કરતાંયે વધારે વહાલી ગણતો'તો એ બલા નેકળી. જેની પર મીં ભીમા તારા કરતાં વધારે વિશવા મેલ્યો તો ઈને જ વિશ્વાસઘાત કર્યો…..સા….લી….આ તે કેવી બૈરી…..ઈનો શો ભરોસો ?" જીવાનો સ્વર ઊંચો થતો જતો હતો.

"જીવા તારી વાત ખરી છે ….સવલીભાભીનું કરસનીયા હારેનું લફરું કોઈ માને ના એવી વાત છે. પણ આ બૈરાએ તો જીવલા તારું આખું ખોરડું લજવ્યું. આ તો જીવા, તું જ સહન કરે ભઈ….તારી જગાએ હું હોઉં તો, ધારિયા ઘાથી ઊભી વાઢિ નાખું ! બસ...એક ઘા ને બે કટકા…" 'હિસાબ પૂરો' …ચંદુએ પોતાનો વણ માંગ્યો મત રજૂ કરતાં, ન છેડવાની વાત પણ છોડી નાખી. ઘડીભર ફરીથી શાંતિ સ્થપાઈ.

ભીમાએ થોડીક હિંમત કરી પૂછી નાખ્યું. "જીવા ! ગામના લોકો તો જાતજાતની વાતો કરે છે. કોઈ કહે છે તું શેઠને ન્યા મુંબઈ હોય કે ખેતરમાં આઘોપાછો હોય ત્યારે ઘણીવાર કરસનીયો ઘેર આવતો. કોઈ કહે છે સવલીભાભીનો કરસનીયા હારેનો સંબંધ તારા અને તારા મરેલા ભાઈના લગ્ન પહેલાંનો હતો. પણ હાચી વાત શું છે ? જીવા તારે જો કરસનીયાને સીધો કરવો હોય તો તું કહે એટલી વાર…"

"ના ભઈ ના…ભીમા, મારો જ રૂપિયો ખોટો હોય ઈં કરસનીયાને દમ મારવાથી શું વળવાનું છે ! આખા ફળિયાની હાજરીમાં એ મારા ઘરમાંથી ઝડપાયો. હવે કાંઈ બાકી શું રહી ગયું છે, તે પાછો ઈને માર-ઝૂડ કરી ભવાડો વહોરવો નથી મારે ." જીવો ઘોર નિરાશા સાથે પાણીમાં બેસતા ઢીલા અવાજે બોલ્યો.

ભલે જીવા..."એ તો ભૈ જેવી તારી મરજી…બાકી તું કહેતો હોય તો." હું એકલો કાફી છું તે કરસનીયાની શાન ઠેકાણે લાવવા માટે.

"ના ભૈ ના…" કહેતો જીવો આખરે એકની એક વાત ચાલુ થયેલી હોઇ ઊઠયો.

જીવલો, પછી રાત્રે ઘેર પહોંચ્યો ત્યારે રાત છેલ્લી મંજિલે પહોંચવાની તૈયારીમાં હતી. ખોરડાનો પરદો બંધ હતો. જીવાના હડસેલતા જ એ ખૂલી ગયો. ફાનસ ઠરી ગયેલું હતું. બહાર આંગણામાં જીવાની બહેન ઝમકું અને એની માનો ખાટલો હતો. બંનેએ મોડો મોડો જીવાને આવેલો જોયો છતાં એને પૂછવાની કોઈની હિંમત નહોતી.

પરદા, પાર અખવાળે ખાટલે અવળા હાથનું ઓશીકું કરીને સૂતેલી સવલી, સફાળી બેઠી થઈ અને બાજુમાં પડેલી દીવાસળી સળગાવી ટાઢું પડેલું ફાનસ પેટાવ્યું. કેડિયું ઉતારી જીવાએ ખીંટીએ ભરાવ્યું. સવલી પાણીનું પવાલું ભરી લાવી. જીવાએ એની તરફ જોયા પણ વગર બીજો નોખો પ્યાલો લઈ ખુદ પાણી પી લીધું. "ખાવા કાઢું…?" સવલીએ ધીમેથી પૂછયું. જીવાએ જવાબ આપ્યા વિના ખૂણે પડેલા ડામચિયા પરથી શણયુ ઉઠાવ્યું.

આજે પણ "બહાર સૂઈ રહેવું છે ?" સવલીએ પૂછયું.

"હોવે…" કહેતાં જીવાએ પગ ઉપાડયા. "ઊભા રહો." કહેતાં સવલીએ દોડીને ઝટપટ પરદો આડો કરી દીધો. જીવલો હાથમાં શણયુ પકડીને દરવાજે જ અટકી ગયો. એણે ફાનસના પ્રકાશમાં સવલી સામે નજર નાખી. એનો ચહેરો જોઈ પોતાનું કાળજું કપાઈ જતું હોય એમ લાગ્યું, "આ એ જોબન, કામણ વેરતી આંખ્યું, અને નમેલી પાંપણો, એ જ માંસલ શરીર, આ એ જ ગુલાબી ગાલ …એ જ દાંત …આ એ જ કમર…આ એ જ પગ…એ જ આંગળીઓ…એ જ નખ…એ જ લાંબો ચોટલો …એ જ કાન…એ જ સવલી- એ બધું જ મારું હતું- હા, આ જીવાનું હતું…પણ એ મારી નકરી માન્યતા હતી…એ બધામાં કોક પરાયો પણ ભાગ પાડતો હતો ! હે ભગવાન! મે તારો શું ગુનો કર્યો તો…કે તેં મારી સવલીને ય 'મારી' ન રહેવા દીધી ?" જીવો મનોમન બળાપો નાખતો હતો.

સવલી નજીક આવી જીવાના હાથમાંથી શણયુ લઈ લેતાં બોલીઃ "ખાવું નથી ?" "ખૂબ ખાદ્યું….હવે ભૂખ નથી."

"એક કોળિયો ખાવ….તો મને કળ વળે…." સવલીએ આજીજી કરી. "મારા એકલાના ખાવાથી તને થોડી કળ વળવાની છે ?" અનિચ્છાએ પણ જીવાએ સવલીને ટોણો માર્યો. અને સવલી ચૂપ થઈ ગઈ. "તમારે મને મારવી હોય તો મારી લ્યો…વાઢી નાખો…મીં તમારું ખોરડું લજવ્યું છે ને ! એની જે શિક્ષા કરવી હોય તે કરી લ્યો…ભૂખ્યા ના રહો.. એક કોળિયો ખીચડીનો પણ ખાતા જાવ."

સવલી, પરદો ખોલ, "શિક્ષા તો મારે મારી જાતને કરવાની છે…ચ્યમ કે મીં ભોળાએ બૈરાની જાત પર વિશ્વાસ મેલ્યો'તો…ઈનું ફળ મારે જ ભોગવવાનું હોય ને ?….હું તો સહન કરી લઉં પણ બચારી ઝમકુંનું…!"

"શું થયું, મારી ઝમકું ને ?" "તું તો જાણે જાણતી જ નથી…! ઈની સગાઈ શામજી મુખીને ઘેરથી આવવાની હતી…પણ આ તારી ભવાઈની વાત હાંભળી એ લોકો આવા ઘરની કન્યાને….લેશે ખરા?" અને સવલી સ્તબ્ધ થઈ ગઈ. મૌન થઈ ગઈ. પૂતળું થઈ ગઈ.

જીવલાની કોમમાં ખોરડે લટકેલા પરદાનું રખોપું, ગજવેલના ચાપડા જડેલા સાગનાં બારણાઓથી પણ નોખું અને ભારે, જે પરદો પાડે, તે જ સંકેલે, એ આમન્યા આખો ઠાકોર વાસ પાળે. આજે દબાયેલા અવાજે નિશાસો કાઢતા સવલીના વ્યંગ બાણથી ઘાયલ થયેલા જીવલાએ સવલીના  હાથમાં રહેલું  શણયુ  ખેચી લીધું, અને શણયુ પકડીને ખોરડાના પરદા પાસે જ અટકી ગયો. એણે ફાનસના પ્રકાશમાં સવલી સામે કોરી ધાકડ નજર નાખી. થોડીક ક્ષણો સુધી જયમ ને ત્યમ ઊભા રહી જીવો નિઃસાસો નાખતાં, આમન્યા નેવે મૂકી, સવલીએ પાડેલો પરદો હટાવી, આખરે બહાર ચાલ્યો ગયો.

બહાર વહી રહેલો ઠંડો પવન ખાટલામાં સૂતેલા જીવાના જીવને, જીવલાને મનની અંદરના ઉકળાટને શાંતિ આપી રહ્યો અને અકળાવી પણ રહ્યો. ભરઉનાળે પણ એ કદીય બહાર સૂતો નહીં. ઉનાળાના ઉકળાટમાં પણ એ સાવલીના સાનિધ્યમાં પરસેવાથી રેબઝેબ થતા શરીરે સાવલીના હાથના પંખે વાયરો ખાતાં આનદ અનુભવતો. પણ આજે એ બહાર સૂતો. છતાં એને શાંતિ કે શીતળતા પ્રાપ્ત થઈ નહીં. એનો આત્મા એક જ અવાજ પોકારતો હતોઃ

"સવલી …તેં આ શું કર્યું ? તું તો લૂંટાઈ પણ ભેગો મનેય લૂંટી લીધો !… હવે હું કોની પર વિશ્વાસ મૂકું ?…હે ભગવાન ! મારું મન તો હજુય માનતું નથી કે મારી સવલીમાં કોક પરાયાનો પણ ભાગ છે ! જે બની ગ્યું એ સપનું બની જાય તો…?" એમ ને એમ વિચારોમાં અટવાતા જીવાની આંખ માંડ મળી અને અચાનક કોઈના ઊબકાથી તે જાગી ગયો.

ખાટલામાંથી બેઠાં થતાં તેણે પાછળ પરસાળમાં નજર કરી. ઘરનાં નેવામાં બેઠું બેઠું કોઈ ઊલટી કરી રહ્યું હતું. બાજુમાં ડોશી એના ખભે હાથ ફેરવી રહ્યાં હતાં. એ ઊબકા ઝમકુંના હતા. જીવો ઊભો થઈ એની પાસે ગયો. ઝમકું શ્વાસ લીધા વિના ઊલટીઓ કર્યે જ જતી હતી.

જીવાએ પાણી લેવા જવા પરદો હાથથી ઠેલ્યો. "જીવલા બેટા….! આંય આવ તો." એની વૃદ્ધ માએ ધીમેથી એને પાસે બોલાવ્યો. ડોસીએ ધીમેથી જીવાના કાનમાં કહ્યું: "ભઈ! આ છોડીને ત્રીજો મહિનો જાય છે.આ ઈના ઊબકા છે."

કાપો તો લોહી પણ આ નીકળે એવી દશા જીવાની થઈ. ઉપરા ઉપરી આફતોથી ઘેરાતું જતું એનું મન હવે વિચાર શૂન્ય થઈ ગયું. ઝમકું એની એકની એક બહેન હતી, કુંવારી હતી. આજકાલમાં જ એના વિવાહ શામજી મુખીના છોકરા હારે થવાની વાત ચાલતી હતી.

"તને ચ્યમ ખબર પડી ?" જીવાએ, એની વૃદ્ધ માને પૂછયુ.

"એ મૂઈએજ કહ્યું…"

"કોઈનું પાપ છે ?"

"ભગવાન જાણે…કટાણે મુઇએ મો કાળું કર્યું." જીવો પાણી લેવા પરદો ધકેલતાં ઘરમાં દોડયો.

સવલીના નેણ 
જીવલાના માળામાં
અબોલ આંસુડાએ,રાત આખી રડી ઝૂકીચૂક્યા હતા ;
જ્યારે ખૂલ્યા  ત્યારે  તેણે નેણ બદલાઈ ગયા હતા  

અંધારામાં પ્યાલું ન જડતાં ફાંફાં મારીને એણે સાવલીના ખાટલે પડેલી દીવાસળી શોધી કાઢી. દીવાસળીથી ફાનસ સળગાવતાં એણે પ્યાલા માટે નજર ફેરવી.અચાન ક એની નજર સવલીના હાથ તરફ ગઈ. એનો એક હાથ ખાટલાની ઈસ પર ઢળેલો પડયો હતો. હાથની નીચે પ્યાલો ઢોળાયેલો પડયો હતો. પ્યાલામાંથી ઢોળાયેલું લીલું કાચ જેવુ પ્રવાહી એ પાણી નહોતું દીસતું. જીવાને ફાળ પડતાં એ સવલી તરફ ધસ્યો. સવલીનાં બંને બાવડાં પકડી એને ખૂબ ઢંઢોળી. એની બંધ આંખોના ખૂણામાં ભરાઈ રહેલાં આંસુ છલકાઈને એના ગુલાબી ગાલ પર રેલાઈ ગયાં. પણ સવલી ન જાગી તે ન જ જાગી. જીવાએ પ્યાલું સૂંઘી જોયું. એમાંથી ધંતૂરાની વાસ આવતી હતી. અને જીવો એક ત્રાડ પાડતો સાવલીને બાઝી પડયો, પરંતુ સવલીના જીવતર પર પરદો પડી ચૂક્યો હતો.

ઝમકું અને ડોસી બેઉ અંદર દોડયાં, અને ક્ષણમાં પરિસ્થિતિ પામી ગયાં.

"ભાભી ! ભાભી!" કરતી ઝમકું સવલીના પગે બાઝી પડી.

ઝમકું રડતી રહી અને બોલતી રહીઃ "ભાભી ! તમે મારી ખાતર આ શું કર્યું ?" અને ઝમકુંના શબ્દોએ ડોસીને અને જીવાને ચોંકાવી દીધાં.

"ઝમકું ?" ડોસીએ પૂછયું. "હા….બા…..આ ઘેર કરસનીયો મને મળવા આવતો'તો, ભાભીને નહીં. ભાભીએ તો મને ઘણીયે વાર ના પાડેલી. પણ મીં માનેલું નહીં. તે દન પણ કરસનીયો આયોને બધા જોઈ ગ્યા ત્યારે ભાભીએ મને ડામચિએ સંતાડીને બચાવી લીધી અને દોષનો ટોપલો ઈમના માથે આયો. બા…ભાભી તો દેવી જેવાં પવિતર હતાં." કહેતાં ઝમકું ફરી સવલીને વળગી પડી.

"તો આ…પાપ એ કરસનીયાનું જ છે ને ?…"ડોસીએ પૂછયું.

અને પ્રત્યુત્તરમાં ઝમકું ચૂપ રહી, બલકે એણે મૌન રહી હા પાડી.

પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. જીવાનું આક્રંદ ભગવાનને પણ પીગળાવી દે તેવું હતું. ભગવાન એકવાર પણ સાંભળી લે તો સવલીને તેઓ પાછી સુપરત કરી દે..પણ આ દુનિયામાં એવું કાંઈ બને છે ખરું ? મરેલું, ફરીથી જીવતું થોડી થાય ?

જીવલાએ તે રાતે હટાવેલા પરદા પછી કૂકડા બોલે, ઉગેલા નવ પ્રભાતે સવલીના જીવતર પર પરદો પડતાં વેત, ગામની કલબલ કરતી કાબરોને ભરપેટ ચણ વેરાયેલો મળતા, હવે જીવલાના ખોરડાની આબરૂ ઉપરથી પરદો ઉઠવાનો હતો. અને જીવાના હૈયાની ભૂમિ ઉપર, હોળીએ કોકના જીવતર ઉપર પરદો પાડવાના બીજ વવાઈ ચૂક્યા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Drama