Rohit Kapadia

Tragedy Thriller

4.1  

Rohit Kapadia

Tragedy Thriller

પ્રાર્થનાનો પ્રત્યુત્તર

પ્રાર્થનાનો પ્રત્યુત્તર

2 mins
220


૮' × ૬' ની નાની ઓરડીમાં પલંગ પર સૂતાં સૂતાં સુમનરાય દિવસો અને મહિનાઓ ગણી રહ્યા હતાં. પત્ની લીલાના મૃત્યુના એક મહિના પછી છેલ્લા ચૌદ મહિનાથી એ આ ઓરડીમાં કેદ હતાં. એમણે વિચાર્યું કે કોરોનામાં પણ ચૌદ દિવસ જ એકલા રહેવાનું હોય છે જ્યારે મારો તો ચૌદ મહિના પછી પણ છૂટકારો નથી થયો. પુત્ર અને પુત્રવધુના ત્રાસને કારણે એ સાવ પરવશ થઈ ગયાં હતાં. 

સારા નસીબે આ નાનકડી ઓરડીમાં એક બારી હતી. જેમાંથી આવતો ઠંડો પવન તેમને શાતા આપતો હતો. જો કે કાળ બનીને આવેલી કોરોનાની બીજી લહેરના કારણે એમ્બ્યુલન્સની અવરજવર સતત વધી ગઈ હતી. એમ્બ્યુલન્સનાં હોર્નના કર્કશ અવાજ સાંભળીને એમના કાન પાકી ગયા હતાં. રાતની ઊંઘ પણ વેરણ થઈ ગઈ હતી. એ ઈશ્ચરને સતત પ્રાર્થના કરતા કે મને આ કેદમાંથી એક વાર બહાર કાઢ, મારે કોઈ પણ જાતના અવાજ વગર શાંતિથી સૂઈ જવું છે. 

 તે દિવસે સવારના અચાનક જ તેમને સખત શરદી થઈ ગઈ. ઉધરસ આવવા લાગી. ગળામાં દુખાવો થવા લાગ્યો અને તાવ પણ ભરાયો. દીકરાને જાણ થતાં જ એમને કોરોનાની મ્યુનિસિપલ હોસ્પિટલમાં મૂકવા એમ્બ્યુલન્સ બોલાવી લીધી. દરવાજાની બહારથી જ સામાન તૈયાર કરવાનું જણાવ્યું અને કોરોનાની શંકા હોય એકલા જ જવાનું છે તેમ જણાવી દીધું. એક પળ માટે તો એમને ખૂબ દુઃખ થયું પણ બીજી જ પળે એ ખુશ થઈ ગયા. એમને લાગ્યું કે ઈશ્ચરે એમની પ્રાર્થના સાંભળી લાગે છે. કોરોનાને કારણે બહાર તો જવા મળશે અને હોસ્પિટલમાં કદાચ નીંદર પણ આવી જશે. નાની એવી થેલીમાં એકાદ જોડ કપડાં, જરૂરી સામાન અને ભક્તિ માટે માળા લઈ એ નીકળી પડ્યા. એમ્બ્યુલન્સમાં ચઢવા જતાં એ જરા લથડી પડ્યા. પી. પી. ઈ કીટમાં સજ્જ સહાયક ચાલકે એમને સંભાળી લીધાં અને સૂવાડી દીધાં. સૂતાંની સાથે જ બધુંજ દુ:ખ દર્દ ભૂલીને કેદમાંથી મુક્ત થયાનો આનંદ માણવા લાગ્યા. કર્કશ હોર્ન સાથે એમ્બ્યુલન્સ ચાલુ થઈ. અચાનક જ તેમનો શ્ચાસ ધમણની પેઠે ચાલવા લાગ્યો. આંખો ઊંચે ચઢી ગઈ. હાથ લબડી ગયો અને પછી એક પળમાં જ શ્વાસ બંધ થઈ ગયો. મ્યુનિસિપાલિટીનો માણસ પરિસ્થિતિ સમજી ગયો. એણે ઘીરેથી સુમનરાયની આંખો બંધ કરી અને દરવાજો ખખડાવીને કહ્યું "હોર્ન બંધ કર. દર્દી મરી ગયો છે." હોર્ન બંધ થયું અને શીતળ વાતાવરણમાં અનોખી શાંતિ છવાઈ ગઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy