Rohit Kapadia

Others

4.0  

Rohit Kapadia

Others

ભગવાન

ભગવાન

2 mins
383


દસ વર્ષનો ગોપાલ એનાં બાપુને શકય એટલી મદદ કરતો હતો. સવારનાં વહેલા ઊઠીને ઘરે ઘરે છાપાં વહેંચવા જાય. પછી સરકારી શાળામાં ભણવા જાય. શાળાથી આવીને બાને કામમાં મદદ કરે અને પછી લોકલ ટ્રેનમાં પરચૂરણ વસ્તુઓ વહેંચવા જાય. ગોપાલના બાપુનું મન આટલી નાની ઉંમરે દીકરાને સતત કામ કરતાં જોઈ કચવાતુ હતું. પણ એ લાચાર હતાં. સવારથી સાંજ સુધી મજૂરીનું કામ કરવા છતાં એ બે છેડા ભેગા કરી શકતાં ન હતાં. 

છેલ્લા ત્રણ મહિનાથી વારંવાર ટોકવા છતાં ગોપાલ કંઈ ને કંઈ બહાનું કાઢી રાતે મોડો ધરે આવતો હતો. આવીને બાપુનાં પગ દબાવી એ સૂઈ જતો. પોતાના આવા ડાહ્યા અને મહેનતુ પુત્રને એને મનગમતા ભૂરા રંગનો નવો નક્કોર ડ્રેસ દિવાળીના દિવસે આવતા એનાં જન્મદિવસે અપાવવાનું એમણે નક્કી કર્યું હતું. એ માટે જે શેઠનું કામ એ નિયમિત કરતો હતો ત્યાં થોડાં થોડાં રૂપિયા મજૂરીના પૈસામાંથી બચાવીને જમા કરવા માડંયા હતાં. 

જેમ જેમ દિવાળી નજીક આવતી ગઈ તેમ તેમ એનાં દીકરાની ઈચ્છા પૂરી થશે એ વિચારથી મનોમન ખુશ થતાં હતાં. ખેર ! કુદરતને કંઈ જૂદું જ મંજૂર હતું. શરદપૂનમના દિવસે પેલા શેઠ અચાનક જ મૃત્યુ પામ્યા. હવે રૂપિયા પાછા મળવાની કોઈ શકયતા ન હતી. એને ભગવાન પર ખૂબ જ ગુસ્સો આવ્યો. એની ભગવાનમાંથી શ્રદ્ધા જ ઉઠી ગઈ.એણે મનભરીને ભગવાનને ગાળો આપી. 

દિવાળીનાં દિવસે છાપાં વહેંચીને ગોપાલ ઘરે આવ્યો. નિરાશ વદને ખાટલા પર સૂતેલા બાપુને પ્રેમથી બેઠાં

કરી એમનાં પગ લૂછયા અને પછી છાપાંના કાગળમાં વિટાળેલી ગાદીવાળી ચંપલ કાઢીને પહેરાવી. રડતાં રડતાં એણે કહ્યું "બાપુ, ફાટેલાને ઘસાઈ ગયેલા ચંપલથી તમારા પગમાં કેટલા છાલા પડી ગયા છે. હવે આ ચંપલથી તમને સારૂં લાગશે." ફરી એકવાર એણે બાપુને પગે લાગી લીધું. ગોપાલને ગળે લગાડી એને ચૂમીઓથી નવડાવી દેતાં બાપુએ કહ્યું " ભગવાન, માફ કરજે. મેં તારામાંથી શ્રદ્ધા ગુમાવી દીધી હતી પણ મને કયાં ખબર હતી કે તું તો અહીં મારી પાસે જ, મારી સાથે જ હતો ". ત્યાં જ ઝૂંપડીના દરવાજે કોઈને આવેલ જોઈ એ ત્યાં ગયા. આવનાર ભાઈએ શેઠના દીકરા તરીકે ખુદની ઓળખાણ આપતાં કહ્યું" મારા પિતાજી તમે જમા કરાવેલા રૂપિયા અંદર ઉમેરો કરી તમને આપવાનું મૃત્યુ પહેલાં કહી ગયા હતાં."

શેઠના દીકરાને અંદર આવકારતાં અને તેમની પાસેથી રૂપિયાનું કવર લેતા એણે ફરીથી ભગવાનની માફી માગી લીધી. વાતાવરણ ભગવાનની અદ્રશ્ય હાજરીથી મહેકી ઉઠયું.


Rate this content
Log in