પ્રથમ નંબર
પ્રથમ નંબર


અમન મારો ખાસ મિત્ર. એક જ શાળામાં, એક જ બેન્ચ પર બેસી અમે સાથે ભણ્યા. રિસેસમાં અમે એકબીજાના ડબ્બામાંથી નાસ્તો કરતાં. મારો હંમેશાં પ્રથમ નંબર આવે અને અમનનો છેલ્લા દસમાં નંબર હોય. અમને માંડમાંડ એસ. એસ. સી પાસ કર્યા પછી ભણવાનું છોડી દીધું. નાના પાયે એણે ધંધો ચાલુ કર્યો.
મેં પછીનાં આઠ વર્ષમાં બી. કોમ, એમ. કોમ અને માસ્ટર ઓફ બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશનની ડીગ્રી મેળવી. ઘણા સમય સુધી સર્ટિફિકેટની ફાઈલ લઈને ફર્યો અને ઘણાં ઈન્ટરવ્યુ આપ્યા. ક્યાંય મેળ ન બેઠો. હું નિરાશ થઈ ગયો. ત્યાં જ અમને મને એની ઓફિસે બોલાવ્યો. કોઈ પણ જાતનો ઈન્ટરવ્યુ લીધાં વગર, કોઈ પણ સર્ટિફિકેટ જોયાં વગર એણે મને ઉંચા પગાર અને ઉંચી પદવીવાળી નોકરીએ એને ત્યાં જ રાખી લીધો. હું આભાર વ્યક્ત કરૂં તે પહેલાં જ એણે કહ્યું "ફરી રોજ રોજ ડબ્બો વહેંચીને ખાવાનું થશે. મજા પડી જશે." મિત્રતાને મહેકાવતો અમન આજે મારી નજરમાં પ્રથમ નંબર પર હતો.