પ્રેમ પરિમલ
પ્રેમ પરિમલ


મા-બાપનાં દેહાંત બાદ, નાના ભાઈ રમેશને વિજયે ખૂબ જ લાડકોડથી મોટો કર્યો હતો. ક્યારે પણ એને મા-બાપની ખોટ અનુભવવા દીધી ન હતી. પિતાજીનાં ધંધાને પણ વિજયે સારી રીતે વિકસાવ્યો હતો. ઉચ્ચ શિક્ષણ અપાવ્યા બાદ રમેશને પણ એણે ધંધામાં શામેલ કરી દીધો હતો. રમેશનાં લગ્ન પણ એટલી જ ધામધૂમથી કર્યાં. સહિયારા કુટુંબમાં થોડો સમય તો બધું બરાબર ચાલ્યું પણ આવનાર નવી વહુનાં કારણે તકરાર થવા લાગી. વિજય અને એની પત્ની બંને ખામોશ રહી ચૂપચાપ સહન કરી લેતાં. જો કે ધીમે ધીમે તડ તિરાડ થવા લાગી.
તે દિવસે અચાનક જ રમેશે જમવાનાં ટેબલ પર એક કાગળ મૂકીને કહ્યું "મોટાભાઈ, આ આપણી સહિયારી મિલકતની યાદી છે. એક વાર બરાબર જોઈ લો. પછી આપણે સાથે બેસીને એના ભાગલા કરી લઈએ. મને મારો ભાગ જોઈએ છે. હવે મારે સાથે નથી રહેવું." વિજયે કાગળ હાથમાં લઈને વાંચ્યા વગર જ કાગળના નીચેના કોરા ભાગમાં પ્રેમની શાહીથી લખ્યું - સાથે બેસીને વહેંચણી કરવાની જરૂર નથી. આ યાદીમાંથી તારે જેટલું જોઈતું હોય તે લઈ લે. કદાચ તને બધી જ મિલકત પર તારો હક જણાતો હોય તો તું સર્વસ્વ પણ લઈ શકે છે. નીચે સહી કરીને એણે કાગળ રમેશને પાછો આપ્યો. કાગળનું લખાણ વાંચતા જ રમેશની આંખો આંસુથી છલકાઈ ગઈ. એનો આત્મા એને ડંખવા લાગ્યો. કાગળના ફાડીને ટુકડા કરતાં એ મોટાભાઈને વળગીને ચોધાર આંસુએ રડી પડ્યો.
વાતાવરણ પ્રેમનાં પરિમલથી મહેંકી ઉઠ્યું.