પલ્લવી
પલ્લવી
"હરિ ઓમ,
આ બધી જીવન -જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે અનાજ, કપડા, નાની-મોટી ઘરવખરી અને પૈસા બધું જ સ્વામીજીએ તમારા માટે મોકલાવ્યું છે. તમારું મહિલા ગૃહઉદ્યોગનું કામ ખૂબ જ સારું છે. સ્વામીજી પ્રશંસા કરતા હતા અને રૂબરૂ મળવા આવવા માગતા હતા પરંતુ, આ વિશ્વમાં ચાલતી મહામારી વિરુદ્ધ થોડું તપ અને જાપ કરવા માંગે છે. જેથી આપની સમક્ષ આવી શક્યા નથી. પરંતુ,મને અહીં તેમણે મોકલ્યો છે. હજુ પણ કોઈ ચીજવસ્તુ ઘટે તો તરત જણાવવા કહ્યું છે. આપણી બધી જરૂરીયાતો સ્વામીજી પૂરી કરશે. આ અઠવાડિયે સેવાનો વારો નંબર 10 થી 30 સુધીનો છે. જે જે બહેનો આ નંબર કુપન ધરાવતા હોય એ સ્વેચ્છાએ આશ્રમમાં સેવા કરવા આવી શકે છે. સાથે કોઈ જ વસ્તુ લાવવાની નથી. બધું જ ત્યાં આપીશું. કોણ કોણ છે આ નંબર. . . . ?"
ખૂબ જ ઉત્સાહથી પલ્લવીએ આંગળી ઊંચી કરી, કેમ નહીં. ઘણાં સમયથી રાહ જોતી હતી આ મોકાનો. . ! સ્વામીજી પોતાના ઘરની બધી જ જવાબદારીઓ ઉપાડતા હતા. આંખમીચી બધા એમની ઉપર વિશ્વાસ કરતા હતા. એમાંની એક પલ્લવી પણ હતી. પોતાની વિધવા મા અને નાના ભાઈનું ભણતર અને ગુજરાન એની મદદથી ચાલતું હતું. આ વખતે સ્વામીજીને મળવાનો અવસર મળ્યો અને એમની સેવા કરવાનો મોકો મળ્યો તેથી તે જવા દેવા માંગતી ન હતી. ઘરે આવી પોતાની માને બધી વાત કરી તેની મા એ પણ અનુમતિ આપી દીધી.
નક્કી કરેલા દિવસે શહેરના છેડે આવેલા આશ્રમમાં પલ્લવી પહોંચી ગઈ. ગેટ પાસે જ એને આશ્રમના બધા નિયમો સમજાવવામાં આવ્યા. એક આઈ કાર્ડ આપ્યું અને સાથે કપડા. જેટલો સમય અહીં રહે તેટલો સમય સાદગીભર્યા સફેદ કપડાં જ પહેરવાના હતા. અને જમવામાં ફ્રૂટ જે લઈ રૂમમાં જતું રહેવાનું જે બીજા દિવસે ફરી રૂમ ઉપર આપી જાય. જ્યારે સ્વામીજી સાધના માટે બોલાવે ત્યારે જ બહાર નીકળવાનું. સીસીટીવી કેમેરા પણ હતા. કોઈ એકબીજા સાથે બોલતા ન હતા. બધા જ મૌન. . ! સ્વામીજી નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરતાં. પલ્લવી પોતાના ચાવી લઈ પોતાના રૂમમાં ગઈ. કપડાં બદલી અરીસાની સામે ઊભી રહી. સફેદ સલવાર સુટ અને દુપટ્ટામાં પણ પોતાની આકર્ષિત યુવાની છુપાવી શકી ન હતી. ખૂબ જ સુંદર અને મોહક લાગતી હતી. સ્વામીજીના પુસ્તકો રૂમમાં ગોઠવાયેલા હતા. પુસ્તક લઈને વાંચવા લાગી.
ત્યાં જ એ રૂમમાં અન્ય એક સ્ત્રી આવી. પલ્લવી થોડી ચોંકી ગઈ અને સમજી ગઈ કે આ રૂમમાં બે વ્યક્તિએ રહેવાનું છે. પોતાની રૂમ પાર્ટનર હશે. ઉત્સાહી પલ્લવીને ઘણી વાતો કરવી હતી. આશ્રમ વિશે જાણવું હતું . . ! પોતાની ખુશી વ્યક્ત કરવી હતી. પણ બોલવાનું હતું નહીં. મૌન જ રહેવાનું હોવાથી માત્ર સ્માઈલ આપી પુસ્તક વાંચવા લાગી. . . !! સામેથી સ્ત્રીએ પણ માત્ર સ્માઈલ આપી ન આપી, પોતાના બેડ પર ચાદર ઓઢીને સૂઈ ગઈ. એણે જોયું આશ્રમમાં ઘણા સ્વયંસેવિકાઓ હતા. ખુબ જ આહલાદક વાતાવરણ પલ્લવીના મનને પણ ખૂબ પસંદ કરતું હતું. બપોરે થોડું ફ્રૂટ જમી પોતાના રૂમમાં બેઠી. તેણે જોયું તો પેલી સ્ત્રી જાગતી હતી પણ બેડ પર સૂતી હતી. પલ્લવીને ઘણા પ્રશ્નો થયા . . . ! ઘણું પૂછવું હતું . . . ! પણ નિયમોનું કડક પાલન થતું હોવાથી કંઈ પણ બોલ્યા વગર પોતાના બેડ પર બેસી ગઈ. ફરી પુસ્તક વાંચવા લાગી. ત્યાં જ દરવાજો કોઈકે ખખડાવ્યો એને એક ચિઠ્ઠી આપી સેવક નીકળી ગયો. ચિઠ્ઠી વાંચતા જ પલ્લવી ખુશીથી ઉછળી પડી કે,આવતીકાલે સ્વામીજીને મળવાનું છે. . ! કંઈ પણ બોલ્યા વગર એ પોતાની જગ્યાએ બેસી ગઈ. પેલી સ્ત્રી પલ્લવીની ખુશી એની હરકતો ઉપરથી વાંચી શકતી હતી કે એ ચિઠ્ઠીમાં શું લખ્યું છે. ? સમજી જ શકે ને ઘણાં વર્ષો અહી આશ્રમમાં કાઢ્યા. . . આવી ચિઠ્ઠી પોતાને અગણિત વાર મળેલી. બંધ ચિઠ્ઠીના અક્ષરેસહ વાંચી લીધા. . અને ફરી આંખો બંધ કરી બેડ પર સૂઈ ગઈ. એને પણ ઘણું કહેવું હતું પણ જાણતી હતી કે આશ્રમની એક એક દીવાલને આંખ અને કાન છે. . !
સાંજે ફરી પલ્લવીએ થોડું ફ્રૂટ ખાધું અને પેલી સ્ત્રી હજુ આંખો ખુલ્લી રાખી બેડ પર સૂતી હતી. ઘડી ઘડી પલ્લવીએ અજાણી સ્ત્રીને સ્માઈલ આપતી. અને સામે પક્ષે માત્ર ઔપચારિકતા. . . !
સાંજે આખા દિવસમા પહેલી વાર એ સ્ત્રી ઊભી થઈ અને પોતાના રૂમમાં અરીસા સામે ઊભી રહી. એક મોટી બેગ કાઢી. પલ્લવીને ઉત્સુકતા જાગી કે બેગમાં શું હશે . ! પેલી સ્ત્રીએ પોતાના સફેદ દુપટ્ટાથી અરીસાને ઢાંકી દીધો. બેગ ખોલી એક લાલ ચટાક સાડી કાઢી. . અને સોનેરી બ્લાઉઝ સાથે પહેરી અરીસા સામે ઊભી રહી. માત્ર અડધી આંગળી જેટલી સાડીની પાટલી રાખી ખૂબ ટૂંકો પાલવ રાખ્યો. પલ્લવી પોતાના બેડ ઉપર બેસી ખૂબ નવાઈથી જોવા લાગી. પેલી સ્ત્રીએ મેકઅપ કીટ કાઢી અને આંખોને ખૂબ ઘેરા રંગથી રંગી. .! લાલ લિપસ્ટિકથી નિ:શબ્દ બનેલા હોઠને રંગ્યા. !કપાળ પર મોટો ચાંલ્લો કર્યો. . કાંચની દસ દસ બંગડી બંને હાથમાં પહેરી. . અને છેલ્લે બેગમાંથી વેણી કાઢી વાળમાં ગૂંથી. . . ! પલ્લવી પોતાના બેડ પાસે અચરજથી ઊભી રહી ગઈ કે આ શૃંગાર તો. .??
પેલી સ્ત્રીએ અરીસાને ઓઢાડેલો સફેદ દુપટ્ટો ખેંચી લીધો. . અને અરીસામાં જ ચાર આંખો મળી. . . એક પણ શબ્દો બોલ્યા વગર પેલી સ્ત્રી ઘણું કહી ગઈ. પોતાની ચપળતા અને બહાદુરી બતાવી પલ્લવી અડધી રાતે રૂમમાંથી ચાલી નીકળી. . !! એ સમજી ગઈ કે જીવનો જોખમ ખેડવો સારો પણ ચરિત્રનો નહીં. . . . ! અને આંખોમાં પાણીનો પ્રવાહ વહેવડાવી ચૂપચાપ અરીસા સામે ઊભેલી એ સ્ત્રીએ હાસ્ય રેલાવ્યું. જાણે દર્શાવી રહ્યું હોય કે મારા જેવી અન્ય બીજી સ્ત્રી ન બનવા દેવામાં પોતાને સફળતા, કોઈને અસફળ બનાવ્યાની ખુશી દર્શાવતું હતું. . . !
