પ્લેટફોર્મ.
પ્લેટફોર્મ.
“ પ્લેટફોર્મ ”
મોક્ષ નગરી કાશી ના એક વ્યસ્ત રેલવે પ્લેટફોર્મ પર, દરરોજ સવારે ૮:૨૫ની લોકલ ટ્રેન પહેલા એક જ દૃશ્ય પુનરાવર્તિત થતું…
એક બાજુ — નિલી દુપટ્ટાવાળી યુવતી. હાથમાં પુસ્તક, આંખોમાં શાંતિ.
બીજી બાજુ — ઘડિયાળમાં વારંવાર નજર કરતો એક યુવાન, કદાચ ઓફિસ માટે દોડતો.
બન્ને એકબીજાને ઓળખતા નહોતા…
પણ અજાણતાં જ એકબીજાને ઓળખી ગયા હતા.
પ્રથમ દિવસ — માત્ર નજર મળી.
બીજો દિવસ — નજર થોડી વધુ ટકી.
ત્રીજો દિવસ — એક અજાણ્યું સ્મિત.
અને આમ…
દિવસો શાંતિથી વહેતા રહ્યા.
યુવતી દરરોજ પુસ્તક બદલતી…
યુવાન દરરોજ તે પુસ્તકના કવર વાંચવાનો પ્રયત્ન કરતો.
એક દિવસ વરસાદ પડતો હતો.
પ્લેટફોર્મ ભીનું હતું… લોકો છત્રીઓમાં ખોવાઈ ગયા હતા.
યુવતી પાસે છત્રી નહોતી.
યુવાન થોડો ખચકાયો…
પછી પોતાની છત્રીનો અડધો ભાગ તેની તરફ આગળ વધાર્યો.
કોઈ શબ્દ નહીં.
માત્ર એક સંકેત.
યુવતી એક પળ માટે અટકી …
અને,
છત્રી નીચે આવી ગઈ.
તે દિવસે, બંને પ્રથમ વખત નજીક આવ્યા…
અને બંને એ એક અજાણી શાંતિ અનુભવી.
પણ શબ્દો હજુ જન્મ્યા નહોતા.
દિવસો મહિનાઓમાં ફેરવાયા…
એક દિવસ — યુવતી આવી જ નહીં.
યુવાને નિયત સમય કરતાં વહેલું આવવાનું શરૂ કર્યું.
બીજા દિવસે પણ નહોતી…
ત્રીજા દિવસે પણ નહીં…
પ્લેટફોર્મ એ જ હતું…
ટ્રેન એ જ હતી…
પણ કંઈક ખૂટતું હતું.
એક અઠવાડિયા પછી…
યુવતી ફરી આવી.
પણ આ વખતે.
તેના હાથમાં કોઈ પુસ્તક નહોતું…
અને આંખોમાં પણ પહેલા જેવી શાંતિ પણ નહોતી.
યુવાને હિંમત કરી.
“તમે… ઠીક તો છો ને ?”
આ પ્રથમ સંવાદ હતો.
યુવતીએ હળવું સ્મિત કર્યું,
“હા… હવે ઠીક છું.”
થોડી ચુપ્પી પછી…
“તમે રોજ પુસ્તક વાંચતા હતા… હવે કેમ નહીં?”
યુવાને પૂછ્યું.
યુવતી બોલી,
“હવે હું વાર્તા ને જીવી રહી છું…
મારે વાર્તા વાંચવાની જરૂર નથી.”
યુવાનને કઈ સમજાયું નહીં…
પણ તેની અંદર કંઈક બદલાઈ ગયું.
કેટલાક દિવસો પછી…
યુવતી એક યુવાન ના હાથ માં એક નોટ મૂકી ગઈ.
“ક્યારેક અજાણ્યા લોકો આપણું જીવન સૌથી ઝડપથી ઓળખી જાય છે…
અને પછી એક દિવસ, એ જ અજાણપણું પાછું આપી જાય છે.”
તે દીવસ પછી…
યુવતી ક્યારેય આવી જ નહીં.
પણ યુવાન હજુ પણ દરરોજ ૮:૨૫એ ત્યાં ઊભો રહે છે.
થાકી,હવે તે તેને લોકોમાં તેને શોધતો નથી…
પણ વિચારે છે ખરો, કે ગઈ ક્યાં.
એક દિવસ…
સમય — ૮:૨૫.
ટ્રેન આવી…
લોકો આવ્યા… ગયા…
આજે પ્લેટફોર્મ કંઈક અલગ લાગતું હતું.
તેની નજર અચાનક પ્લેટફોર્મના એક ખૂણે જઈ અટકી ગઈ…
ત્યાં એક જૂનું બોર્ડ હતું —
જે તેણે ક્યારેય ધ્યાનથી જોયું નહોતું.
તે નજીક ગયો.
બોર્ડ પર લખેલું હતું:
સંભવિત અકસ્માત ઝોન.
પ્લેટફોર્મનું પુનઃનિર્માણ — ૫ વર્ષ પહેલા થયેલા અકસ્માત બાદ.”
યુવાન ચોંકી ગયો.
પાસે ઊભેલા એક વૃદ્ધ પોર્ટરને તેણે પૂછ્યું.
“અકસ્મત?”
પોર્ટર બોલ્યો,
“હા… પાંચ વર્ષ પહેલા અહીં એક યુવતી ટ્રેનની રાહ જોતી હતી…
હાથમાં પુસ્તક હતું…
અને અચાનક તે પ્લેટફોર્મ થી ટ્રેક પર પડી, અને અકસ્માત થયો…”
યુવાનનું દિલ જોરથી ધબકવા લાગ્યું.
“પછી…?”
તેના હોઠ સુકાઈ ગયા.
વૃદ્ધ બોલ્યા.
“પછી તો… એનો કુચો થઇ ગયો, તો ફરી જોવા ક્યાંથી મળે .”
યુવાનને ખીસા માંથી નોટ કાઢી …
એ જ નોટ —
જે યુવતીએ મૂકી હતી.
તે ફરી વાંચવા લાગ્યો…
“ક્યારેક અજાણ્યા લોકો… જીવન સૌથી ઝડપથી ઓળખી જાય છે…”
તેની આંખો ધૂંધળી થઈ ગઈ.
તેને અચાનક યાદ આવ્યું.
તે યુવતી ક્યારેય ટ્રેનમાં તો ચડતી નહોતી…કે
ક્યારેય ઉતરતી પણ નહોતી…
માત્ર…
તેના સાથે ઉભી રહેતી હતી.
યુવાન તે દિવસે ટ્રેન પકડવી છોડી ઘેર પાછો વળ્યો…
હવે પાછળ
પ્લેટફોર્મ ખાલી હતું.
પણ…
એક પળ માટે તેને લાગ્યું
નિલો દુપટ્ટો પવનમાં હળવે લહેરાયો…
અને પછી…
શાંતિ.
યુવાન સમજી ચુક્યો હતો...
કે
ક્યારેક આપણે જે લોકોને રોજ મળીએ છીએ…
એ લોકો આપણાં ચહિતા નથી હોતા.
પણ આપણાં ભાગ્યમાં લખાયેલા હોય છે.
