પિશાચ
પિશાચ


કેશવ દારૂનો બંધાણી થઇ ગયો હતો. રોજ રાતે શરાબ પીને એ ઘરે જતો. તેના પરિવારના સભ્યો તેની આ કુટેવથી પરેશાન હતા. એક દિવસ કેશવે તેના આઠ વર્ષના દીકરા જૈનીલને વહાલથી નજીક બોલાવ્યો ત્યારે જૈનીલ ડઘાઈને બે ડગલા પાછળ ખસી ગયો. કેશવને આ જોઈ અચરજ થયું, “શું થયું બેટા? નજીક આવ... આમ ડરે છે શું કામ?”
જૈનીલે નિર્દોષતાથી કહ્યું, “ના... હું નહીં આવું.”
કેશવે પૂછ્યું, “કેમ?”
જૈનીલ બોલ્યો, “કારણ તમે પિશાચ છો...”
કેશવે ડઘાઈને પૂછ્યું, “આવું તને કોણે કહ્યું બેટા?”
જૈનીલે કહ્યું, “રામુકાકાએ...”
કેશવે ગુસ્સામાં બુમ પાડી તેના નોકર રામુકાકાને બોલાવ્યો અને ખખડાવતા કહ્યું, “રામુકાકા, મારા દીકરાને તમે આ શું શીખવાડો છો?”
રામુકાકાએ હાથ જોડીને કહ્યું, “માફ કરો સાહેબ, મેં છોટેબાબાને માત્ર આટલું કહ્યું હતું કે દારૂ પીધાથી માણસને પોતાની જાતનું પણ ભાન રહેતું નથી અને તે માણસાઈ ભૂલી પિશાચ બની જાય છે.”
કેશવનો સઘળો નશો એક ઝાટકે ઉતરી ગયો. કેશવે હાથમાંના દારૂના પ્યાલામાં જોયું તો પ્રતિબિંબ સ્વરૂપે દેખાયો એક પિશાચ!