mariyam dhupli

Tragedy Others

4  

mariyam dhupli

Tragedy Others

પીડ પરાઈ

પીડ પરાઈ

3 mins
465


એણે શયનખંડનું બારણું ધીમે રહી ખોલ્યું અને પોતાને પણ ન સંભળાઈ એમ જરાયે અવાજ ન કરવાની તકેદારી જોડે ધીમે રહી વાંસી દીધું. ચોર ડગલે એ સીધી મારી દિશામાં છટકી આવી. થોડા સમય પહેલા જ હું પણ તદ્દન આ રીતે જ એ શયનખંડમાંથી બહાર નીકળી આવ્યો હતો. એણે જ આંખોથી ઈશારો કર્યો હતો મને બહાર નીકળી જવા માટે. કે જેથી અદિતિને, અમારી સાત વર્ષની એકની એક દીકરીને શાંતિથી નિંદ્રાવશ કરાવી શકે. મારા પડખે સોફા ઉપર એ આવી અફળાઈ. માતૃત્વનો થાક અને ચિંતા એના શરીરના એકેક અંગમાં નીતરી રહ્યા હતા. મેં પણ અર્ધો દિવસ ઓફિસમાં રજા મૂકી હતી. 

"ઊંઘી ગઈ ?" મેં મારા જ ઘરમાં ચોર માફક કાનાફૂસી કરી. જવાબમાં મીંચાયેલી આંખો જોડે એણે પણ ચોર માફક કાનાફૂસી કરી. 

"થેન્ક ગોડ. ફાઈનલી દવામાં ઘેન છે. નહીંતર ..." એટલું કહેતા એની આંખો બેચેની જોડે ઉઘડી ગઈ. અમારી બન્ને વચ્ચે જગ્યાનો કોઈ અવકાશ હતો નહીં. આમ છતાં એ થોડી વધુ નજીક સરકતા મારા શરીરની એકદમ અડોઅડ આવી ગઈ. એના શરીરના હાવભાવોમાં અચાનકથી ઘૃણા છૂટી આવી. શયનખંડમાં માંડમહેનતે પોઢી રહેલી અમારી દીકરીને જગાડી ન મૂકે એની સંપૂર્ણ સાવચેતી રાખતા એણે મારા કાનની નજીક આવી અંતરની અગ્નિ પ્રગટાવી મૂકી.

"મહોલ્લામાંથી કામિની અને દેવકીનો જોરજોર અવાજ પડઘાઈ રહ્યો હતો. એ તો દવામાં ઘેન હતું એટલે અદિતિની આંખ લાગી ગઈ. કેટલી નાલાયક છે એ બન્ને ! કોઈની નિંદા કરી રહી હતી. અન્યના દુઃખમાં પોતાના સુખ સંતોષ શોધે એ કેવા માનવી ?"  

આટલું બોલતા એ સોફાને ટેકો લઇ બેઠી. એની બન્ને આંખો ફરી મીંચાઈ ગઈ. એની આંખોની નીચેના કાળા કુંડાળા મને સ્પષ્ટ દેખાયા. વાળમાં સવારથી કાંસકો ફર્યો ન હતો. રસોડામાં એની સવારની ચાનો મગ હજી એમનો એમ પડ્યો હતો. બપોરનું જમી પણ ન હતી. પોતાના અંતરની તાણ અને ચિંતા ચીઢ બની બહાર નીકળી રહી હતી. રાતોનો ઉજાગરો એના મગજને પજવી રહ્યો હતો. હું કશું બોલ્યો નહીં. ફક્ત એના માથા ઉપર હેતથી હાથ ફેરવી દીધો. મારા સ્પર્શ થકી જાણે થોડી રાહત મળી હોય એમ એની આંખો વધુ ચુસ્ત મીંચાઈ ગઈ. 

બીજી જ ક્ષણે દૂર ટેબલ પર રાખેલા એના મોબાઈલની ગુંજી ઉઠેલી રિંગથી હેમખેમ ઘરમાં જળવાયેલી શાંતિના ધજાગરા ઉડી ગયા. રિંગટોનના ઊંચા સાદથી અદિતિ ઉઠી ન જાય એ ડરે દાંત ભીંસતી એ વિફરેલી સિંહણ જેમ મોબાઈલની દિશામાં ધપી ગઈ. મોબાઈલ પર તરાપ મારતા એણે સુપર વુમનની ઝડપ જોડે કોલ રિસીવ કરી નાખ્યો અને અકળામણના હાવભાવો જોડે બહાર બાલ્કનીના સૂના વિસ્તાર તરફ જતી રહી કે જેથી થનારી વાતચીતનો અવાજ શયનખંડની અંદર પહોંચી શકે નહીં. મારી ચિંતિત નજર શયનખંડના બારણે ડોકાઈ. થોડી ક્ષણો સુધી બધું નિયંત્રણ હેઠળ રહ્યું એ જોતા જીવમાં જીવ આવ્યો. ત્યાર બાદ હું મારો મોબાઈલ સાઇલેન્ટ મોડ પર કરી સ્ક્રોલ કરવા લાગ્યો.

પાંચ મિનિટ બાદ એ બાલ્કનીમાંથી ફરી ચોર ડગલાં જોડે બેઠકખંડમાં પ્રવેશી. પરંતુ આ વખતે મારી દિશા તરફ આગળ વધી રહેલા એના ડગલામાં અદમ્ય ઉતાવળ હતી. આંખોની કીકીઓમાં ચળકાટ હતો. શરીરના હાવભાવો વિશિષ્ટ પ્રકારના ઉત્સાહનું પ્રદર્શન કરી રહ્યા હતા. અંતિમ ત્રણ દિવસના તાણ, ચિંતા, ફિકર અને થાક જાણે અંતિમ પાંચ મિનિટે શોષી લીધા હોય એમ અંતરની રાહત હોઠ પર વિસ્તરી ગયેલા ઉમળકાભેર સ્મિતમાં સ્પષ્ટ ડોકાઈ રહી હતી. સોફા પર બેઠક લેતા એનું શરીર ફરી મારા અડોઅડ ગોઠવાઈ ગયું. મારા કાનની નજીક આવી ગોઠવાયેલા એના અધીરા હોઠમાંથી કાનાફૂસી એ રીતે છૂટી કે જાણે સમાચાર આપવા માટે જરાયે ધીરજ ધરવી અશક્ય હોય. 

"દક્ષાનો ફોન હતો. એની દીકરી પણ અંતિમ ત્રણ દિવસથી બીમાર છે. એટલું જ નહીં, અદિતિના વર્ગની અન્ય દસેક વિદ્યાર્થીનીઓ પણ પરીક્ષામાં બેસી શકી નથી. એ જ તાવ, ઉધરસ, શરદી અને ફલૂ."

આટલું કહેતા તો એ શાંતિથી સોફા પર લંબાઈ ગઈ અને એણે નિરાંતે આંખો મીંચતા રાહતનો ઊંડો દમ ભર્યો. 

"હાશ ! મને તો એમ હતું કે મારી અદિતિ એકલી જ બીમાર છે અને એની જ પરીક્ષા આપવાની બાકી રહી ગઈ. થેન્ક ગોડ. અમિત, જરા મારી ચા ગરમ કરી આપ ને."

એના ચહેરા પર છવાયેલા સંતોષને નિહાળતો હું હેરત જોડે સોફા છોડી ઉભો થઇ ગયો. મારા ચહેરા પર મૌન હાસ્યનું મોજું ફરી વળ્યું. જેને સદ્ભાગ્યે એની મીંચાયેલી આંખો નિહાળી શકી નહીં. 

માઈક્રોવેવમાં ગોળ ગોળ ફરી રહેલા ચાના મગ જોડે મારા મગજમાં હજી પણ થોડા સમય પહેલા મારી ધર્મપત્નીએ ઉચ્ચારેલા શબ્દો ગોળ ગોળ ફરી રહ્યા હતા.

"અન્યના દુઃખમાં પોતાના સુખ સંતોષ શોધે એ કેવા માનવી ?"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy