Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Classics Inspirational

4.8  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Classics Inspirational

પિચકારી

પિચકારી

5 mins
360


નિયત આજે રવિવારીય મૂડમાં હતો...વેગનઆરના સ્ટીયરિંગને હાથમાં રમાડતો... પોતાના ચાંદખેડાના નિવાસસ્થાનેથી વૈષ્ણોદેવી સર્કલ તરફ સડસડાટ વહી રહ્યો હતો. 

અમદાવાદમાં આશરે આઠ વર્ષ પહેલાં નસીબની નૌકા લઈને હલેસાં હાંકવા આવી ચડેલ નિયત પટેલ હવે ચાંદખેડા વિસ્તારમાં કુશળ તથા સુખી બિલ્ડર તરીકે ઠીક ઠીક ઓળખ પામી રહેલ. દર વર્ષની જેમ જ બાંધકામ સાથે સંકળાયેલ મજૂર વર્ગ હોળીના તહેવારને માણવા રાજસ્થાનની વાટે વહેતો થયેલ અને તેથી જ તો, બધા બિલ્ડર પણ નાનું એવું વેકેશન માણી શકતા.

હોળીની સળંગ અઠવાડિયાની રજાઓ હોય ને નિયત વતનની વાટ ના પકડે તેવું બને ખરું !

વગડાનો વંટોળ, શેઢાનું કુમળું ઘાસ, બોરવેલમાંથી નીકળતા પાણીના પ્રચુર પ્રવાહની રંગત, આંબે આવેલ મોરની મહેક ને સીમમાં મહેકતી ફાગણની ફોરમ આ પટેલ બચ્ચાને અમસ્તું જ ગામડા તરફ ખેંચી રાખતી હતી.

નિયતનું મન પણ જાણે આજે...ગામડે પહોચી ગયું હતું.

કારની મ્યુઝિક સિસ્ટમમાં " તારી આંખનો અફીણી..." જેવું પ્રેમાભિવ્યક્તિની પરાકાષ્ઠા રૂપ ગીત રેલાઈ રહ્યું હતું ને બાજુની સીટ પર અપ્સરા જેવી સુંદર પત્ની પ્રિયા પોતે જ જાણે વસંતનો વૈભવ ભાસી રહી હતી. અલબત, નિયત આ સુગંધના દરિયાના સામીપ્ય છતાં ...આજે ગામ ભણી પોતાને ખેંચી રહેલ સડક પ્રત્યે વધુ ધ્યાનમગ્ન હતો જાણે !

હોળીને હજુ બે દિવસની વાર હતી છતાં આજુ બાજુ રોડ પર...ગરીબ શ્રમજીવી ના બાળકો રંગબેરંગી ને અવનવી પિચકારીઓ અને ગુલાલના પડીકા સાથે ઠેર ઠેર વેચાણ કેન્દ્રો સજાવી ઊભા હતાં તો ક્યાંક અંદરો અંદર પિચકારી અને રંગોથી હોળી રમી રહેલા બાળકો પણ દેખાતા હતાં. પ્રિયા...કારના ગ્લાસમાંથી આ બધું જોતી મલકી રહી હતી.

અચાનક, આગળની કાર થોભવાથી નિયતની તંદ્રા તૂટી ને બ્રેક મારી....કાર થંભાવી...ટ્રાફિક કલીયર થવાની રાહ જોતાં...ઊભા રહ્યા.

પણ આ શું...?

ડ્રાઈવર સાઈડ ના વિન્ડો ગ્લાસ ઉપર લાલ ગુલાબી પિચકારીની સેર અચાનક ચમકી...એક બાર તેર વર્ષની બાળકીએ કાર ને પીચકારી ની ધારે હોળીના રંગે રંગી દીધી...ને ખિલખિલાટ કરતી આગળ દોડી પડી.

પિચકારી એ છાંટેલા રંગીન દ્રાવણ થકી કારના વિન્ડો ગ્લાસ પર મેઘધનુષી રંગો ની લીટીઓ વાંકી ચૂકી વહી રહી હતી..

" નિયત, થોભો ...હું કપડાથી ગ્લાસ સાફ કરી દઉં બહાર જઈ ને...નહિ તો આ દાગ કાયમના થઈ જશે..''

કારના ગ્લાસ પર રેલાઈ રહેલ રંગોને જોઈ રહેલ નિયત પ્રિયાના આ કથન ને સાંભળી જાણે આઠ વર્ષ પહેલાં ના ભૂતકાળમાં ખોવાઈ ગયો.

***

નવું નવું લગ્નનું પાનેતર ઓઢ્યા પછી પહેલી હોળી એ પ્રિયા પોતાના સાસરે...આવી હતી. ગામડા ગામ માં વહુની પહેલી હોળીનું મહત્વ આમ પણ ઘણું ! નવી વહુ ને કુટુંબના નાનકા દિયરો ને વરના ભાઈબંધો હોળી ના બીજા દિવસે રમાતી ધૂળેટીમાં ધૂળે રગદોળી દે ને...રંગે રમાડી દે ત્યારે તેમનો વટ પડે. વર બિચારો મનમાં ને મનમાં ધૂંધવાઈ રહે ને પોતે પણ આ રંગ-ધૂળ ફેલાવતા ઝુંડનો ભોગ બની પડે એ વાતે પણ થોડું મન આઘુ પાછું રહે ખરું !

નિયત ને આ બધી ખબર હતી...વળી, મોટા કાકા નો છોકરો રઘુ કે જે...આખા ગામમાં આખડતો...ને ઓછા ભણતર ના કારણે...ખેતીના કામ માં પારંગત થઈ...નવા વિચારો કે રીતભાત અંગે સભાનતા વગરનો થઈ ફરતો.

નિયત ને તેના વિશે મનમાં જાત જાતની શંકા ને ચચરાટ રહ્યા કરતો.

" નિયતિયા...જોજે ને...આ વખતે... તારી બૈરીને એવી હોળીએ રંગીયે કે....રંગ નો ઉતરે કદી"

" રઘા, તું ક્યાં મારાથી નાનો સુ...તે, એ તો તારી ભાભી ના દિયર જેવા હોય ઈ લોકો રમશે...તું તો હરખે હરખો છ...મારાથી."

" અલ્યા, ભલે હરખો પણ...હજુ...કાસો કુંવારો ખરો કે નઈ મું...? એટલે...મું પણ દિયર જ સુ... તું તારે પોતે રંગાવાની તૈયારી રાખ ને તારી વઉ ને રંગાતી જોવાની તૈયારી રાખજે...નીયલા"

એમ, કરી ખડખડાટ હસતો...રઘો...ટ્રેકટર પર ચડી...સેલ મારી...વગડા ભણી ટ્રેકટર હંકારી ગયેલો.

***

ધૂળેટીની રંગીન સવાર ઊગી....ને કાકા બાપાના બંને ઘર વચ્ચે બ્લેક એન્ડ વ્હાઈટ અબોલા કરતી ગઈ.

બન્યું એવું કે, મોટા કાકા ને ઘેર સવાર સવારમાં ગાયનું દૂધ લેવા નણંદ હસુની સાથે...પ્રિયા પણ ગયેલી.

પાછળના..દરબાર ફળિયામાં તો વહેલી સવારથી જ ધૂળેટીની ડમરીઓ જાણે ઊડી રહી હતી...ને ચિચિયારીઓ, મશ્કરીઓ ને ઠીઠીયાળીના તરંગ આ ફળિયા સુધી જાણે પ્રસરી રહ્યા હતાં. પટેલ ફળિયામાં હજુ...શરૂઆત થઈ નહોતી.

પણ,... રઘુ જેનું નામ....નિર્દોષ ઉન્માદ આજે...ઉભરે ચડ્યો હતો.

દૂધ લઈ હસુ સાથે પરત ફરી રહેલી પ્રિયા રસ્તા વચ્ચે પગથી માથા સુધી કલર વાળા ગુલાબી ને જાંબલી મિશ્રિત પ્રવાહીમાં નહાઈ રહી હતી...ને રઘુની ચિરપરિચિત અંદાજવાળી બોલી ઠઠ્ઠા સાથે ઉમટી રહી હતી.

" નિયતિયો બસાવા નઈ આવે...પે'લી ઓળી એ તો પલળવાનું જ હોયને વળી..."

એમ બોલતાં....બાજુના નરભેરામ ના જેણકા રાજુની પિચકારી લઈ...શરમની મારી સંકડાઈ ઊભી પ્રિયાની પીઠ ઉપર પાણીની ધાર કરી...હસી રહ્યો હતો ..રઘુ.

આ તરફ...પોતાના ઘરના ઉપરના માળે બારીમાંથી આ દૃશ્ય નિહાળી રહેલ નિયત ઊભો ને ઊભો સળગી રહ્યો.

પ્રિયાની પીઠ પર પિચકારીની સેર....કલરના અવનવા મેઘધનુષ સર્જીને....કમરથી પગ તરફ કપડાં ભીંજવતી જઈ રહી હતી...

પ્રિયાની ને નિયતની નજર એક થઈ...પ્રિયાની નજરમાં નીરખેલી અસહાયતા અને થઈ રહેલી પિચકારીની સેર જાણે આગમાં પેટ્રોલ નાખી રહી.

ગુસ્સામાં ભાન ભૂલી જઈ... નિયત...સહસા... હાથમાં આવેલ બળદની ગમાણનું લાકડું લઈ...ઘરની બહાર દોડી ગયો.

રઘુ કંઈ સમજે તે પહેલાં તેની ખોપરીમાં મોટો ફટકો પડી ગયો હતો.

ગામડા ગામમાં હોહા થઈ પડી. રઘુને જિલ્લાની સિવિલમાં લઈ જવાયો...બંને ઘરના પુરુષ અને સ્ત્રી સભ્યોનું વાક્યુદ્ધ ને મારામારીએ...ધૂળેટીને...નફરતના વંટોળમાં ફેળવી નાંખી. ગામના બીજા આગેવાનો વચ્ચે પડયા ને...પોલીસ કેસ પાછો ખેંચાયો...રઘુ સારવારમાં બે મહિના રહ્યો ને માંડ સાજો થયો..પણ,...

ધૂળેટીનો એ વંટોળ બંને ઘર વચ્ચે અબોલા ને નફરતના ડાઘ મૂકી ગયો.

મહિનાઓ વીત્યા, અબોલા ને નફરત એવી જ રહી...પછીની ધૂળેટી પટેલ ફળિયાને અડી પણ ના શકી...જાણે, રંગની રંગત બ્લેક એન્ડ વ્હાઈટ થઈ ગઈ હતી આ ફળિયામાં !

આ બાજુ...નિયત..અમદાવાદ આવી ગયો અને ધંધામાં ખૂંપી ગયો. જો કે દર અઠવાડિયે ગામે માં-બાપ અને ખેતરોની મુલાકાત સતત જાળવતો રહ્યો..પણ ધૂળેટી ના જામેલા ડાઘ બંને ઘર વચ્ચે જાણે દીવાલની આડશની જેમ સ્થાયી થઈ પડ્યા હતાં. હોળી આવે ને જાણે આખું ફળિયું બ્લેક એન્ડ વ્હાઈટ !

રઘુ ગઈ ગુજરી ભૂલી ખેતીમાં ખોવાઈ ગયો...હતો. તે પણ હવે પરિવારવાળો હતો...જ્યારે, નિયત ઘરે આવે ત્યારે રઘુ સામે પોતાના આંગણામાં બેઠો એકટીસે તાકી રહેતો... જાણે તેની આંખોમાં એ જ નિર્દોષતા ને અલ્લડતાનો જંગ જામેલો રહેતો. નફરતની પ્રગટેલી હોળીને ધૂળેટીના ગુલાલ વાળું પાણી ક્યારે શાંત કરશે જાણે...! એવું મનમાં ને મનમાં બબડી રહેતો !

***

" નિયત..ક્યાં ખોવાઈ ગયા ?"

" હમમ..''

" કહું છું,... કાચ સાફ કરું કે નહિ?... ડાઘ પડી જશે તો તમને ગમતું નથી..લાવો સાફ કરી દઉં."

" ના, ભલે રહેતા...એ રંગ, હું આ ટ્રાફિક ખૂલે ત્યાં લગી ગાડી સાઈડ કરું છું ..તું ગુલાલના બે પેકેટ, ઓર્ગેનિક કલર તથા બે ત્રણ પિચકારી લઈ લે પેલી લારી પરથી."

નિયતની નિયત...પેલી છોકરીની પિચકારીથી છૂટેલા રંગે બદલી દીધી હતી. 

***

હોળી આવવાના બે દિવસ હજુ બાકી હતાં પણ, પટેલ ફળિયામાં આજે ભર બપોરે ધૂળેટીનો શોર જામ્યો હતો.

" નિયતિયા, અવ મું તન રંગ્યા વગર નઈ જવા દઉં હમજ્યો..!!!"

આંગણે ખાટલા પર બેઠેલા રઘુનું શરીર ખાટલા સમેત રંગ અને ગુલાલથી તરબોળ થઈ ગયું હતું. નિયતિયાના હાથમાં રહેલ પિચકારીની સેર તેના માથા ને મનને ભીંજવી રહી હતી...!

પ્રિયા... એક હાથમાં ભરેલી પિચકારી સાથે મોઢામાં સાડીનો પાલવ દાંત વચ્ચેથી દબાવી ...એકબાજુ ઊભી મલકી રહી હતી !


Rate this content
Log in

Similar gujarati story from Romance