ફૂલની પરખ
ફૂલની પરખ




મધુરિમા આજે કોલેજથી જલ્દી ઘરે આવી ગઈ હતી. આવીને સીધી પોતાના રૂમમાં જઈ ડ્રેસિંગ ટેબલ પાસે ઊભી રહી ગઈ. આઈલાઈનર વાળી આંખમાંથી કાજલ આંસુ સાથે વહી ગયું હતું. લિપસ્ટિકવાળા અધરો રડી રડીને સૂકાઈ ગયા હતાં. કર્લ્સ હેર પણ સાવ અસ્તવ્યસ્ત થઈ ગયા હતાં. આજે જેવું તેણું ધાર્યું હતું તેનાથી સાવ ઊલટુ જ બન્યું હતું.
માત્ર બેજ વર્ષની મધુરિમાને મુકીને તેની મમ્મી પરલોક સિધાવી ગઈ હતી. મધુરિમાના પિતાએજ તેને ઊછેરી હતી. પિતા પોતાના બિઝનેસમાં વ્યસ્ત રહેતા, બને તેટલો પ્રયત્ન કરતાં કે તે મધુરિમા સાથે સમય વિતાવી શકે, પરંતુ એક માની ઉણપ દીકરીથી વધારે કોણ સમજી શકે ? મધુરિમા જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેના પપ્પાએ તેને ઉચ્ચ સાહિત્ય તરફ વાળી. મધુરિમા ભણવાની સાથે સાથે સારી સારી નવલકથા, ધર્મપુસ્તકો વાંચ્યા કરતી. આને કારણે સાદગીનું તેના જીવનમાં ઘણું મહત્ત્વ રહેતું. તે પોતાની જાતને અન્ય શણગાર સામગ્રીથી દૂર જ રાખતી. સાદા સલવાર કમીઝ અથવા લાંબુ ટી-શર્ટ અને જિન્સ જ પહેરતી. ખભાથી નીચે સુધીના તેના કાળા, ઘટાદાર કેશને અંબોડામાં કેદ રાખતી. પગમાં સાદી મોજડી અથવા શુઝ જ પહેરતી, હિલ્સ તેને ફાવતી જ નહિ.
મધુરિમા પંડિત દીનદયાળ સાયન્સ કોલેજમાં ભણતી, તેનો મેઈન સબ્જેક્ટ મેથ્સ હતો. તેને તો બસ મેથ્સના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા, પિતાનું ધ્યાન રાખવું અને પુસ્તકો વાંચવામાં જ રૂચિ હતી. તેની સાહેલીઓ ઘણીવાર તેને સમજાવતી કે, 'હવે આપણે કોલેજમાં છીએ તો તારે થોડા મેકઓવરની જરૂર છે.’ પણ મધુરિમાને આનાથી કોઈ જ ફરક પડતો નહિ. આમ ને આમ કોલેજનું એક વર્ષ વીતી ગયું.
વેકેશન પૂરુ થયું, એસ.વાય.માં આજે પ્રથમ દિવસ હતો. ક્લાસરૂમમાં ઘણા નવા ચહેરા પણ દેખાતા હતા. એમાંનો એક હતો અભય શાહ. અભયની પર્સનાલિટીથી કોલેજની બધીજ છોકરીઓ ઈમ્પ્રેસ થઈ ગઈ હતી. અભયની છાપ ક્લાસમાં એક ઈન્ટેલિજન્ટ વિદ્યાર્થી તરીકેની હતી. પ્રોફેસરમાં પણ ફેવરીટ હતો અભય.
મધુરિમાએ અભય વિશે ઘણું સાંભળ્યું હતું. અભય સાથે તેની મૈત્રી થઈ. શરૂઆતમાં તો અન્ય મિત્રોની જેમ જ તે વર્તતી, પણ અભયનું વ્યક્તિત્વ તેને પોતાની તરફ ખેંચી રહ્યું હતું. અજીબ ચુંબકત્વ હતું એ છોકરામાં. કોલેજની સુંદર અને અપટુડેટ રહેતી છોકરીઓ સાથે અભય ખૂબ હળવામળવાની કોશિશ કરતો. મધુરિમાની સાથે અભયની મૈત્રી માત્ર નોટ્સ અને એક્ઝામમાં સ્કોરિંગ માટેની હતી પણ મધુરિમા તેને અભય તરફથી લીલીઝંડી સમજવા લાગી હતી. મધુરિમા અભયને ચાહવા લાગી હતી.
મધુરિમાની અંગત મિત્ર પાયલને આ વાતની જાણ થઈ એટલે તેણે મધુરિમાને સમજાવી... 'યાર, પ્લીઝ થોડા ચેન્જની જરૂર છે તારામાં. એમાં કંઈ જ ખોટુ નથી.’ મધુરિમાએ ખૂબ વિચાર્યું. એસ.વાય.નું એક સેમિસ્ટર પૂરુ પણ થઈ ગયું. અભયે મધુરિમાની મદદથી સારુ સ્કોરિંગ કર્યું હતું. દિવસો જતાં હતાં. આખરે મધુરિમાએ પોતાની જાતને બદલવા માટે મનાવી લીધી અને એકવાર તે બ્યુટીપાર્લરના પગથિયા ચડી ગઈ. વાળ કર્લ્સ કરાવ્યા અને લાઈટ મેકઅપ પણ. સ્કર્ટ મીડી અને હાઈ હિલ્સ પહેરી. આ બધુ તેને અનકમ્ફર્ટેબલ લાગતું હતું, પણ અભય માટે તે કંઈપણ કરવા તૈયાર થઈ ગઈ હતી. કોલેજના ગેટમાં પ્રવેશતાં જ સૌ તેના આ નવા રૂપને આશ્ચર્યથી જોતા હતાં. કોઈ હસતું હતું તો કોઈ અંદરઅંદર ગુસપુસ કરતું હતું. મધુરિમાને બીજા કોઈના ઓપેનિયનની પડી નહોતી. આજે તેને લાગતું હતું કે, અભય તેને આ રૂપમાં જોતાં જ પ્રપોઝ કરી દેશે, પણ તેની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું.
મધુરિમા અભયની પાસે પહોંચી કે, અભય તેને જોઈ જોરજોરથી હસવા લાગ્યો... 'મધુરિમા આ શું કર્યું છે ? તે કાર્ટુન લાગે છે કાર્ટુન...’ આજુબાજુ બધા લોકો મધુરિમાને હાંસી ઉડાવતા હતાં. આવું અપમાન મધુરિમાનું ક્યારેય થયું નહોતું. મધુરિમા રડવા જેવી થઈ ગઈ, તે ત્યાંથી ઉતાવળે પગલે નીકળી ગઈ, અને સ્કુટી સ્ટાર્ટ કરી ઘરે પાછી આવી ગઈ.
રડી રડીને બેહાલ મધુરિમા પિતાના આવવાનો સમય થયો એટલે મોં ધોઈ, જાણે કંઈ જ થયું નથી એમ જમવાની તૈયારી કરવા લાગી. મધુરિમાનો સૂઝેલો અને લાલ લાલ ચહેરો જોઈ સુમિતભાઈને આશ્ચર્ય થયું.
'શું થયું બેટા ? રડતી હતી તું ?’ પિતાએ વાત્સલ્યથી પૂછ્યું.
કંઈ નહિ પપ્પા, થોડી શરદી...’ મધુરિમાએ માંડમાંડ પોતાની વ્યથા છુપાવતા જવાબ આપ્યો.
'બેટા ! આ રવિવારે તારો કોઈ પ્રોગ્રામ નથી ને ? મારા એક મિત્ર આવવાના છે એમના દીકરા સાથે.... તો લંચ સાથે કરશે.’ સુમિતભાઈએ પૂછ્યું.
'ના ના પપ્પા. કોઈ પ્રોગ્રામ નથી.’ મધુરિમાએ જવાબ આપ્યો.
'ઓકે બેટા !’ કહી સુમિતભાઈએ જમીને હાથ ધોવા જતા રહ્યા.
મધુરિમાએ ટેબલ ઉપાડ્યું અને પોતાના રૂમમાં જઈ લંબાવ્યું.
સવાર ક્યાં પડી ખબર જ ન રહી, પણ આજે મધુરિમાને કોલેજ નહોતું જવું. પાયલનો ફોન આવ્યો પણ તેણે 'આજ મૂડ નથી’ કહી ફોન કટ કરી નાખ્યો. અભયનો 'સોરી’ માટે ફોન આવશે એવી આશા હતી મધુરિમાને પણ કોઈ જ ફોન નહોતો. આમ ને આમ બે દિવસ તે કોલેજ ગઈ જ નહિ. ઘરેજ સ્ટડી કરી લેતી અને પાયલ પાસેથી નોટ્સ લઈ લેતી. કંઈ ન સમજાય તો ઓનલાઈન સ્ટડી કરતી. પાયલને ચિંતા થઈ એટલે તે મધુરિમાના ઘરે આવી. તેણે કહ્યું, 'ભૂલી જા મધુરિમા તું એને, એ તારો ફાયદો ઉઠાવતો હતો. તેને માત્ર તારી નોટ્સથી જ મતલબ હતો.’ મધુરિમાના આંખમાંથી ટપટપ આંસુ પડી ગયા. 'છોડ હવે, એ વિશે કશું જ વિચારવું નથી મારે..’ કહી મધુરિમા પાયલ માટે કોફી લેવા ગઈ. થોડો સમય પાયલ સાથે રહી એટલે મધુરિમા ફ્રેશ થઈ ગઈ હતી.
આજે રવિવારે મહેમાન આવવાના હોવાથી મધુરિમા જલ્દી ઊઠી ગઈ, ડ્રોઈંગરૂમ ઓર્ગનાઈઝ્ડ કર્યો અને લંચ બનાવવા લાગી ગઈ. રોજ ઘરકામ માટે દસ વાગે આવતી માયાને પણ આજે મદદ માટે વહેલી બોલાવી લીધી હતી. ઘડિયાળમાં બાર વાગ્યા અને બેલ વાગી. મહેમાન આવી ગયા હતાં. 'આવ આવ જયેશ !’ કહી સુમિતભાઈ બાળપણના મિત્ર જયેશને ગળે વળગ્યા. જયેશભાઈની જોડે તેમનો દીકરો મોહિત પણ હતો.
'આ મારો દીકરો, એન્જીનિયરીંગ કરે છે.’ જયેશભાઈએ ઓળખાણ આપતા કહ્યું. મોહિત સુમિતભાઈને પગે લાગ્યો. 'આવ આવ બેટા !’ સુમિતભાઈએ મોહિતને પીઠ થાબડતા આવકાર્યો.
મધુરિમા પાણી અને શરબત લઈ આવી. જયેશભાઈને પગે લાગી... 'આ મારી દીકરી, મધુરિમા. એસ.વાય.બી.એસ.સી કરે છે. મેથ્સ સબ્જેક્ટમાં..’ સુમિતભાઈએ ઓળખાણ આપી. મોહિતે મધુરિમા સામે સ્માઈલ આપી, મધુરિમાએ પણ સ્મિત કર્યું. બધાએ જોડે લંચ કર્યું. મધુરિમાની રસોઈના જયેશભાઈએ ખૂબ વખાણ કર્યાં. મધુરિમાની મમ્મીના સંસ્મરણો પણ વાગોળ્યા. ચાર-પાંચ વાગતા જયેશભાઈ અને મોહિત પાછા વળ્યા. બીજે દિવસે સોમવાર હતો, કોલેજમાં મેથ્સની રૂટિંગ ટેસ્ટ પણ હતી. આજે જવુ પડે એમ હતું, એટલે મધુરિમા રોજની જેમ સલવારશુટ પહેરી તૈયાર થઈ કોલેજ ચાલી ગઈ. મોહિત સામે તેણે જોયું પણ નહિ. મોહિતને આનાથી કશો ફરક પડતો નહોતો. ટેસ્ટ સારી ગઈ. કોલેજ છૂટી એટલે ઘર તરફ જવા સ્કૂટી સ્ટાર્ટ કર્યું ત્યાં મોહિત મધુરિમા પાસે આવ્યો. 'ઓહ ! તમે ?’ મધુરિમાને આશ્ચર્ય થયું. `હા ! તમને કંઈક કહેવું હતું.’ મોહિતે કહ્યું.
'શું ?’ મધુરિમાએ પૂછ્યું.
'તમે મને ગમો છો. આઈ મીન મને ખબર છે, આપણે હજુ એક જ વાર મળ્યા છીએ અને હું આમ બીજી મુલાકાતમાં જ તમને.. થોડું અજુગતું લાગશે, પણ હું કાલે બેંગ્લોર જઉં છું કામથી. એક મહિના પછી આવીશ. તમને પણ વિચારવાનો થોડો સમય મળી રહે અને એક મહિના પછી તમે નિર્ણય જણાવી શકો એ માટે...’ મોહિતે વાત પૂરી કરી.
મધુરિમાને કંઈ સૂઝતું જ નહોતું. એને આમ કોઈ સામેથી ? છેલ્લા થોડા દિવસથી એને સમજાઈ ગયું હતું કે એનામાં એવું કંઈ જ નથી જેને ચાહી શકાય. તો આમને મારામાં શું દેખાયું ? મોહિત તેને બાય કહી ત્યાંથી જતો રહ્યો હતો પણ મધુરિમાને કંઈ જ ભાન નહોતું. પાયલે તેને હલાવી ત્યારે તે વિચારોમાંથી બહાર આવી. આખી રાત મધુરિમાને ઊંઘ ન આવી. બે-ત્રણ દિવસ રહી મોહિતનો ફોન આવ્યો. મધુરિમાએ ફોન ઉપાડી સીધુ જ પૂછી લીધું, કે 'તમને મારામાં શું દેખાયું ? મને જોઈને લોકો મારી ઠેકડી ઊડાવે છે અને તમને પ્રેમ સૂઝે છે ?’
મિસ મધુરિમા, કાલે અમારા ગયા પછી ધોધમાર વરસાદ આવ્યો અને તમે દોડતા તમારા ગાર્ડનમાં આવી વરસાદની મજા લેવા લાગ્યા. તમારા કાળા ઘટાદાર વાળ જ્યારે અંબોડામાંથી છૂટી ગયા અને વરસાદના એક એક બિંદુ ફૂલો પર રહેલી ઝાકળની જેમ તમારા અંગેઅંગને તાજગી આપી રહ્યા હતાં ત્યારે તમારી સુંદરતાને જોઈ હું મુગ્ધ બની ગયો હતો. રસ્તામાં કારમાં જ મેં મારા પપ્પાને કહ્યું હતું કે, મને તમે ગમો છો, પણ એકવાર તમારો નિર્ણય જાણ્યા પછી જ આ સંબંધમાં આગળ વધવું એમ નક્કી કર્યું હતું. મધુરિમા... તમારું રૂપ જ નહિ, તમારો આદરસત્કાર, મૃદુ સ્વભાવ અને સાદગી મને આકર્ષી ગઈ છે. તમારા પર હસનારાઓએ હજુ તમારી એ બાજુ નથી જોઈ જે મેં જોઈ છે.’
મોહિતે વાત પૂરી કરી પણ જાણે મધુરિમાને તો હજુ ઘણુંબધું સાંભળવું હતું. પોતાના માટે કોઈ આવું પણ વિચારે છે ? મધુરિમા આશ્ચર્ય સાથે આનંદ અનુભવી રહી હતી.
એક મહિનામાં લગભગ પંદરેકવાર મોહિત સાથે વાત થઈ હતી. આજે એરપોર્ટ પર મધુરિમા મોહિતની રાહ જોઈ રહી હતી. મોહિતની નજર મધુરિમા પર પડી અને તેની નજીક ગયો. મધુરિમા ખુલ્લા કેશ અને ગુલાબી સલવારકમીઝમાં હાથમાં બુકે સાથે મોહિત તરફ સ્મિત વેરી રહી હતી. મોહિત અને મધુરિમાના જીવનનો નિર્ણય જાણે બંનેના સ્મિતે જ કરી દીધો હતો.