ફરજમાં બેદરકારી ઘણાંને રડાવે
ફરજમાં બેદરકારી ઘણાંને રડાવે
વેરાન રણની રઢિયાળી રાતમાં ચાંદલિયાના અજવાળે સોના જેવું ચમકતું મીઠું જોઈ હરખાતા મોહલો પત્ની રાજુડી સામું જોઈ બોલ્યો,
"ઉણ તો મેઠું જોરદાર પાક્યું હે વાછડાં દાદાની દયાથી આપણી કાજુડીના લગ્ન શ્રાવણમાં કરી જ દઈશું."
છાપરામાં મા બાપાની વાતો સાંભળી હરખાતી જુવાન કાજુડી દોડીને શ્વેત મીઠાના ઢગલાને ચૂમતા બોલી,
"વાહ હવે તો મારા ને કાનાના ઘડિયા લગ્ન લેવાશે." તે ખુશીમાં ગાવા લાગી,
"હે વાગ્યો રે ઢોલ આજ વાગ્યો રે ઢોલ
મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ."
કાજુડીનો નાનો ભાઈ ભોલો પણ બહેનને ખુશ નાચતી જોઈ સાથે નાચવા લાગ્યો,
ભર ઉનાળે વૈશાખી વાયરામાં રણની રાત સાથે ગરીબ અગરિયા પરિવારોના હૈયા પણ ખીલી ગયા હતાં પણ માનવની આશાઓ ઝાંઝવા સમાન ગણાય છે.
મોડી રાત્રીએ મીઠા શમણાં સાથે બધા છાપરીની બહાર સુતા હતાં. અચાનક મોહલાની આંખ પગમાં પાણીનો સ્પર્શ રહેતા ઉઘડી ગઈ. ચમકીને જાગીને જોયું તો ખાટલા સુધી પાણી પહોંચી ગયું હતું. છાપરીમાંથી વાસણો તરી રહ્યાં હતાં.
એવું બનેલું કે નર્મદા કેનાલમાં ગાબડું પડતા અને ત્યાં કર્મચારી સુઈ જતા હજારો ગેલન પાણી રણમાં વેડફાઈ રહ્યું હતું.
મોહલાએ રાજુડીને ઢંઢોળીને જગાડતા તેણે ગભરાઈને ચીસ પાડતાં દીકરી કાજુડી પણ જાગીને બૂમ પાડવા લાગી. રાજુડી બોલી,
"હાય હાય મારુ મીઠું બધું તણાઈ જાશે હવે આપણે શું કરીશું ?"
મોહલો નિરાશ બની ધીરજ આપતાં બોલ્યો,
"ધીરા પડો હવે જેવા આપણા નસીબ બીજું શું કરીએ ? આ કુદરતી આપદા સામે માણહ હાવ લાચાર હોય હે."
તેમની મહેનતનો પાક મીઠું તો ઓગળી રહ્યું હતું પણ હવે જીવન આ પાણીમાં બચાવવાં સહુ વલખા મારી રહ્યાં હતાં. કાજુડીએ પાણીમાં પિતા સાથે મળીને છાપરામાં ઊંચે બે ખાટલા ઊભા કરી ઉપર એક ઢોલણી બાંધી અને મા રાજુડીને સુઈ ગયેલા ભાઈને જગાડીને લઈને ઊંચે ચડાવી. પાણી હવે કેડ્ય સમું વધી રહ્યું હતું. મોહલાએ રાજુડીને પણ ઉપર ચડાવી દીઘી..
વધુ વજન ન થાય એટલે મોહલો નીચે પાણીમાં થથરતો ઊભો હતો પણ રાજુડીએ જિદ કરીને પિતાને હાથ પકડીને ઢોલણીમાં ઉપર ચડાવી દીધો. પિતાને પલાંઠી વાળીને માની લગોલગ બેસાડીને રાજુડી તેના ખોળામાં ટૂંટિયું વાળીને સૂઈ ગઈ.
માતા પિતાના નયને આંસુ વરસી રહ્યાં હતાં તો રાજુડીનું હૃદય રડી રહ્યું હતું. મીઠું સરકારી કર્મચારીની બેદરકારીથી તણાઈ ગયું હતું તો વાંક પાણીને કેમ દઈ શકાય ? હવે તો સવારે પાણી ઉતરે ત્યાં સુધી બસ ભાંગેલ હૈયે રાહ જોવા સિવાય કોઈ આરો આ ગરીબ પરિવાર પાસે ન હતો. તેમને એ પણ ખબર નહોતી કે આ કુદરતી આપદા નહીં પણ માનવીય ભૂલનું પરિણામ તેઓ ભોગવી રહ્યાં છે.
કોઈ માનવની ફરજ પરની બેદરકારીથી બીજા ગરીબ લોકોના ઘર અને સપનાં ઉજડી જાય છે તે આ સત્યઘટના પરથી સમજી શકાય છે.

