ફરેબ
ફરેબ
મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલી જયોતિનું પણ સપનું હતું કે, એક દિવસ પરણીને તે પણ સાસરે જશે.એનો પતિ એને સિરિયલોમાં બતાવે છે એમ,રાણી બનાવીને રાખશે તથા તેની દરેક ઇચ્છા પૂરી કરશે. જયોતિના લગ્ન તો પ્રતિક સાથે થઇ ગયાં, પણ હા, એણે જોયેલા ઘણા સપના અધૂરાં રહી ગયા.લ ગ્નનાં થોડા સમયમાં જ એને સમજાઇ ગયું કે કલ્પનાની દુનિયા તથા વાસ્તવિક દુનિયામાં ઘણું અંતર હોય છે.
જયોતિ રોજ સવારે વહેલી ઉઠી, પ્રતિક માટે ટિફિન તૈયાર કરતી. ધરના કામ પતાવતી. સાસુ સસરાની સેવા કરતી. ધરે મહેમાનોની તથા અઠવાડિયામાં બે વાર આવતી નણંદોની આગતા સ્વાગતા કરતી. પોતે આખો દિવસ થાકી જતી છતાં, આખો દિવસ બીજા આગળ હાસ્યનું મહોરું પહેરી રાખતી.
તેના સાસુ સસરા પણ તેને મ્હેણાં ટોણાં મારતાં. પરંતુ જયોતિના સ્વજનો આગળ એવો દેખાડો કરતા કે, જાણે તેઓ જયોતિને મહારાણી બનાવીને રાખતા હોય. પોતાના પતિ સાથે જયોતિને ઘણી બધી વાતો કરવી હોય છે પરંતુ પ્રતિકનું મૂડ સારું હોય તો તે વાતો કરતો કે સાંભળતો.જો ઓફિસમાં કશું થયું હોય કે, તેનો મૂડ ખરાબ હોય તો એનો ગુસ્સો જયોતિ પર થાલવતો.
એક દિવસ જયોતિ તેના પિયર ગઈ ત્યારે બજારમાં તેને કોલેજની બે,ત્રણ સખીઓ મળી ગઈ. બઘાએ ભેગા થઇ ભૂતકાળની યાદોની લટાર મારી. આમ,તો બધી જ સખીઓ દુખી હતી પરંતુ સુખી હોવાના મહોરા પહેરી એકબીજાની આગળ ડીંગ હાકતી હતી ! આવા મહોરા પહેરવાની આદત ઘણાં બધાને હોય છે.
રાત્રે પોતાની તિજોરી સાફ કરતા જયોતિને પોતાના ફોનનું વર્ષો જૂનું સિમ કાર્ડ મળી આવ્યું. તેણે કાર્ડ ફોનમાં નાંખ્યું અને ફોન ચાલુ થઇ ગયો. તેના ધણાં મિત્રોના નંબર તથા ફોટા તેને મળી આવ્યા.તેણે પોતાનું ફેસબુક એકાઉન્ટ ઓપન કર્યુ. જેમા તેણે પોતાની ફેવરિટ એશ્ચર્યારાયનો ફોટો ડી.પી.માં મૂક્યો હતો.
જયોતિએ પોતાના પતિ સાથે વાતચીત કરવા ફોન કર્યો પણ પ્રતિકે બે મિનિટ વાત કરી ફોન કટ કરી દીધો. જયોતિએ ફરી જૂના નંબરનું ફેસબુક ચાલુ કર્યુ. થોડી વાર પછી એફ.બી.પર અજાણ્યાં નંબરથી એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી.થોડીવારે ફરી એક મેસેજ આવ્યો.
"વિલ યુ બી માય ફ્રેન્ડ ?"
જયોતિ થોડી અટકી.ફરી મેસેજ આવ્યો.
"પ્લીઝ."
જયોતિને થયું મિત્ર બનવામાં શું વાંધો ?
"ઓ.કે."
પછી તો જયોતિએ પોતાના નવા મિત્ર પંકજ સાથે ઘણી વાતો કરી.બીજા દિવસે જયોતિએ ઉઠીને ફોન પકડ્યો ત્યાં તો પંકજનો ગુડ મોર્નિંગનો મેસેજ હતો. તેણે પોતાનો સિમ બદલી વચ્ચે પ્રતિક સાથે પણ વાત કરી.
બપોરે ફરી સિમ બદલતાં પંકજના ઢગલો મેસેજ હતા. આખો દિવસ બંનેએ મેસેજથી વાતો કરી.
"શું ખાધુ,પહોચ્યાં કે નહીં ?" વગેરે જેવી વાતોમાં જયોતિ પંકજની ચિંતા કરતી.તો વળી,પંકજ પણ,
"તમને શું ગમે ? તમારો સ્વભાવ ખૂબ સારો છે, બહુ કામ ના કરશો,આરામ કરજો." વગેરે જેવી જયોતિને ગમતી અને મીઠી વાતો કરતો.
દસ દિવસમાં તો બંને જણા વર્ષોથી ઓળખતા હોય એમ નજીક આવી ગયા. જયોતિને હવે પિયરમાંથી પોતાના સાસરે જવાનું હતું. પોતે પરિણીત છે એ વાત તે પંકજને કહી શકી નહોતી. બીજા દિવસે સાસરીમાં આવતા જયોતિ પંકજ સાથે વાત ના કરી શકી. આટલા દિવસ પછી બંને પતિ પત્ની મળ્યા છતા બંન્નેનાં ચહેરા પર કોઈ ખૂશી નહોતી. બીજા દિવસે બપોરે જયોતિએ ફરી જૂનો નંબર ચાલુ કર્યો કે, તરત જ પંકજના મેસેજની વર્ષા થઇ. પ્રતિક પાસે તેની સાથે વાત કરવાનો સમય નહતો. જયારે પંકજ હંમેશા જયોતિ માટે ફ્રી રહેતો. પછી તો જયોતિ પંકજ આગળ જ પોતાનું અંતર્મન ખોલતી. તે પ્રતિક સાથે રહેવા છતાં તેનું મન પંકજમાં ખોવાયેલું રહેતું.
આવું આઠ મહિના ચાલ્યું. આખરે, બંન્ને જણાએ શહેરથી દૂર એક રેસ્ટોરન્ટમાં મળવાનું નક્કી કર્યું. બંને જણા એક બીજાને ઓળખી શકે તે માટે તેમણે બ્લેક એન્ડ વાઇટ કપડાં પહેર્યાં. ધડકતાં હૈયે તથા પંકજ માટે લાલ ગુલાબ લઇ જયોતિ રેસ્ટોરન્ટમાં પહોંચી. પાછળથી બ્લેક એન્ડ વાઈટ કપડાંમાં એક યુવક તેને દેખાયો. તે યુવકની સામે ગઇ તો તેની આંખો ચાર થઈ ગઈ ! સામે હાથમાં લાલ ગુલાબ લઇને પ્રતિક ઊભો હતો !
"તમે ?"
"જ્યોતિ તું અહીં?"
"હું મારી મિત્રને મળવાં આવી હતી."
"હું પણ કામથી જ આવ્યો હતો. "પ્રતિકે અસત્યનું મહોરું પહેરી જવાબ આપ્યો.
"શું પોતે આટલાં મહિના સુધી પ્રતિક ઉર્ફે પંકજ સાથે વાતચીત કરતી હતી ?"
વિચારોના વાવાઝોડા સાથે શંકાનું, ફરેબનું, સુખદુખની લાગણીઆેનું મહોરું પહેરી જયોતિ પ્રતિક સાથે ધરે પરત ફરી.

