ફોટોશૂટ
ફોટોશૂટ
મારા જીવનનો એ સૌથી પહેલો ફોટોશૂટ હતો. હું ખુબજ ઉત્સાહિત હતી. આ પહેલા એવો કોઈ અનુભવ મને થયો ન હતો. પ્રોફેશનલ લૅન્સ , કેમેરા , લાઈટિંગ્સ.... આ બધું જીવનમાં પહેલીવાર આટલી નજીકથી નિહાળી રહી હતી. નહીં, નહીં. હું કોઈ ફિલ્મ કે એડનું શૂટિંગ કરી રહી ન હતી. ન તો હું કોઈ મોડેલ હતી, ન કોઈ અભિનેત્રી. હા, પણ એ હોવાની લાગણી જરૂર થઇ રહી હતી.
એક અદાકારા જેમજ મને સજાવામાં આવી હતી. મારુ ગાઉન , મારો મેકપ, મારો લુક....... બધુજ પ્રોફેશનલ ટિમ દ્વારા પસંદગી પામ્યું હતું. એ મારા લગ્ન પહેલાનો ફોટોશૂટ હતો. પ્રિ વેડિંગ ફોટો શૂટ.
હું તો વ્યવસાયે કોલેજની પ્રોફેસર હતી. આ બધું મારા માટે નવું હતું. પણ મારા ભાવિ પતિ માટે નહીં. એ તો ફિલ્મોમાં કોરિયોગ્રાફર હતા. એટલે આ વિશ્વ જોડે ટેવાયેલાં હતા.
હું એમને બાળપણથી જાણતી હતી. અમારા બન્નેના પિતા જીગરી દોસ્ત હતા અને હવે એ મિત્રતા કૌટુંબિક સંબંધમાં પરિવર્તન પામી રહી હતી. બધાજ બહુ ખુશ હતા અને સૌથી વધારે હું. બાળપણથી જેને મનોમન પ્રેમ કરો એજ જીવનસાથી સ્વરૂપે મળે તો પગ જમીનને ક્યાંથી સ્પર્શે ? મારા પગ જમીનને જરાયે સ્પર્શી રહ્યા ન હતા. હું તો ઉડી રહી હતી. પ્રેમને પાંખો ફૂટી હતી.
લોરેન્સ વિશે તમને શું કહું? નૈનીતાલની પર્વતમાળાની ગોદમાં અમે ઉછેર પામ્યા હતા. બાળપણમાં સાથે લખોટીઓ પણ રમી હતી અને એકબીજા જોડે વિશ્વયુધ્ધો પણ થયા હતા. એકબીજા જોડે બને પણ નહીં ને એકબીજા વિના ચાલે પણ નહીં . એબ્સર્ડ ફ્રેન્ડશીપ!
હું ચોક ડસ્ટર લઇ એમની શિક્ષિકા બનવાની રમત કરું પણ એમને એમાં જરાયે રસ ન પડે. ભણવાનું એમને ગમતુંજ ક્યાં હતું? બળજબરીએ એમણે શાળાનું શિક્ષણ પણ પૂરું કર્યું હતું. એમના શાળાના પરિણામની વાત જવા જ દો. એ લાલ લીટીઓનું ફક્ત એક સંગ્રહ હતું. બીજું કઈ જ નહીં. ધ્યાન જ ન હતું એમનું ભણવામાં.બાળપણથી પ્રેમમાં પડી ગયા હતા એટલે.
નહીં,મારા નહીં. 'નૃત્ય'ના.
આખો દિવસ - રાત જાતજાતના ને ભાતભાતના નૃત્ય એ કરતા રહેતા. ઈશ્વર તરફથી એ કુશળતા એમને જન્મજાત મળી હતી. હી વોઝ ગિફ્ટેડ. અમારા મિત્ર ગણ માટે તો એ એન્ટરટેઇન્મેન્ટ ના મુખ્ય સ્ત્રોત હતા. એકજ શ્વાસમાં એ અગણિત નૃત્ય પ્રકારના નામો બોલી જતા. સાલસા,ક્લાસિક, હિપહોપ, વેસ્ટર્ન,બેલી, બૉલીવુડ, ફ્રી સ્ટાઇલ, કથક.... બાપ... રે... બાપ... મને તો જેટલા યાદ રહ્યા એટલાનો જ ઉલ્લેખ કર્યો. એમના નૃત્ય, એમની કલાને નિહાળતા નિહાળતા હું ક્યારે એમના પ્રેમમાં પડી ગઈ એની ન તો મને જાણ થઇ અને ન એમને. અને જાણ થતી જ ક્યાં હોય છે?
એક ટેલેન્ટ શોમાં ભાગ લેવા એ ખુબ જ યુવાન વયે મુંબઈ પહોંચી ગયા. એ ટેલેન્ટ શો જ નહીં એ મુંબઈ વાસીઓનાં દિલ પણ જીતી ગયા.એક પછી એક ઘણા રિયાલિટી શો એ જીતતા ગયા અને લોરેન્સમાંથી 'માસ્ટર લોરેન્સ' બની ગયા. તેઓ પોતાની મુંબઈ નગરીમાં પોતાના નૃત્ય જગતમાં અને હું અહીં નૈનીતાલમાં મારા અભ્યાસ જગતમાં પરોવાય ગઈ.
આમ તો હું અભ્યાસનો કીડો હતી. સોસીયલ મીડિયાના ઝગમગતા વિશ્વ જોડે મારો બહુ તાલમેલ બેસતો નહીં. આમ છતાં હું ફેસબુકનો ઉપયોગ કરતા શીખી. લોરેન્સનું ફેસબુક પેજ ફોલો કરવા. એ જ એકમાત્ર માધ્યમ હતું મને એમના જીવનની તાજી માહિતીઓથી માહિતગાર થવા માટે. એ ફેસબુક પેજ નિહાળી એમના પ્રત્યેનો પ્રેમ ગર્વમાં બદલાઈ જતો. પોતાની કલા અને પરિશ્રમ વડે એમણે પોતાના માતાપિતા અને શહેરનું નામ આખા દેશમાં ગર્વથી રોશન કર્યું હતું.
હું જેટલી અંતર્મુખી હતી એ એટલાજ સામાજિક બહિર્મુખ વ્યક્તિત્વ. કેટકેટલી અભિનેત્રીઓ એમના ઈશારે નૃત્ય કરતી. એમનું ફેસબુક પ્રોફાઈલ એમના સામાજિક સંબંધોની સ્પષ્ટ ચાડી ખાતું . કેટલી બધી પાર્ટીઓ અને કેટલા બધા મિત્રો ! મારુ અને એમનું વિશ્વ ઘણું વિરોધાભાસી હતું. મારી પ્રોફેસર તરીકેની કારકિર્દી અત્યંત સાદી હતી. ઘરે થી કોલેજ, કોલેજથી ઘરે અને નામનાજ મિત્રો . હું તો સ્વપ્નેય ન વિચારી શકતી હતી કે હું એમની જીવનસાથી બની શકું.
જે દિવસે લોરેન્સના માતાપિતા ઘરે લગ્નનો પ્રસ્તાવ લઇ આવ્યા હતા ત્યારે મને તો મારા કાન ઉપર વિશ્વાસ જ થયો ન હતો. શું એ લોરેન્સનો નિર્ણય હતો કે બે મિત્રો વચ્ચેની ગાઢ મિત્રતા બોલી રહી હતી?
સગાઈ થઇ ત્યારથી લોરેન્સ જોડે બહુ વાતો થઇ હતી નહીં. એમ પણ એ તો મુંબઈ સ્થાયી હતા. નૈનીતાલ તો ફક્ત પ્રસન્ગ ગત જ આવવાનું થતું. મારો વ્હોટ્સ એપ નમ્બર હતો એમની પાસે. પણ મેસેજ કદી આવતો નહીં. લોરેન્સ પોતાની પ્રોફેશનલ કારકિર્દીમાં કેટલા વ્યસ્ત રહેતા એ સમજી શકાય. સગાઈ પહેલા બે વાર નૈનીતાલ આવી ચુક્યા હતા. બન્ને વાર એમની જોડે મુલાકાત થઇ હતી. પણ પરિવારની હાજરીમાં. એકાદ વાર એકાંતમાં વાત કરવાની તક મળી હતી. પરંતુ ઔપચારિક વાતો થી વાત આગળ વધી જ ન હતી. અરેંજ મેરેજ ને લવ મેરેજ સુધી પહોંચાડવા આ ફોટોશૂટ જાણે એક પ્રથમ પગથિયું બની ગયું હતું. પ્રેમનું પ્રથમ પગથિયું .
ફોટોશૂટ શરૂ થયો અને જયારે ફોટોગ્રાફરે મને અને લોરેન્સને એકબીજાની આંખોમાં જોવાનું કહ્યું ત્યારે એ રોમાન્ચક ક્ષણમાં મારુ આખું શરીર ધ્રુજી ઉઠ્યું હતું . લોરેન્સે પહેલીવાર મારી આંખોમાં આંખો પરોવી હતી એ આંખોનું ઊંડાણ મને શું કહી રહ્યું હતું?
પછી અમને એકબીજાના હાથ પકડવાની સૂચના આપવામાં આવી. અને બસ એ પહેલો સ્પર્શ..... જાણે આખા વિશ્વમાં એનાથી સુંદર અનુભૂતિ શક્ય જ ન હોય.
"મોર એનર્જી"
અમને પ્રોત્સાહન અને જોમ પૂરો પાડવા ફોટોગ્રાફર કોઈ કચાસ બાકી રાખવા ઈચ્છતો ન હતો. 'એનર્જી' શબ્દ સાંભળતાજ લોરેન્સે મને કેવી બાથમાં ભીડી લીધી હતી! અને મારુ આખું વિશ્વ એ સ્નેહસભર આલિંગનમાં સમાઈ ગયું હતું. જાણે એ આલિંગન લોરેન્સના અશાબ્દિક પ્રેમનું વચન બની ગયું હોય.
"વ્હેર ઇઝ ઘી ઇન્ટિમસી?"
ફોટોગ્રાફરના પ્રશ્ન થીજ હું શરમથી કેવી પાણી પાણી થઇ ગઈ હતી! લોરેન્સ પોતાનો ચહેરો મારા ચહેરા ની તદ્દન નજીક લઇ આવ્યા હતા. જાણે મારા હોઠ ઉપર પોતાના હોઠ મૂકવા.... હું તો એ ક્ષણમાં જાણે થીજી ગઈ હતી. શરીરમાં જાણે લોહીજ ન હોય. પ્રકાશનો એક ફ્લેશ અને" પરફેક્ટ " શબ્દ હવામાં ગુંજ્યો. ત્યારે આજુબાજુ હાજર લોકોથી સભાન થવાયું અને બન્ને શરીર ફરી પોતાના અંતરની મર્યાદામાં ગોઠવાઈ ગયા.
"જસ્ટ પ્રપોઝ હર" ફોટોગ્રાફરના સુચનાસભર શબ્દોથી વાતાવરણ રોમેન્ટિક થયું અને ફોટોશૂટની ટુકડી તરફથી કેટલીક તાળીઓ, સીટીઓ અને વો....વો... વો... રૂપી શબ્દોના ફીડબેક જોડે લોરેન્સ ઘૂંટણ ઉપર ગોઠવાયા .એમના હાથમાં ગુલાબ થમાવવામાં આવ્યું અને માહોલને વધુ વાસ્તવિક બનાવવા લોરેન્સે મારો હાથ હળવેથી થામી પૂછ્યું ,
"વીલ યુ મેરી મી ?"
અને એમની આંખોમાં ઊંડે ઉતરી મેં હળવા સ્વરે "યસ " કહ્યુજ કે પ્રકાશના ફ્લેશ સાથે એ યાદગાર ક્ષણ કેમેરામાં હંમેશ માટે કેદ થઇ ગઈ.
"બ્યુટીફૂલ"
ફોટોગ્રાફરના શબ્દથી ઉત્સાહિત થઇ ઉઠેલ લોરેન્સ મારો હાથ છોડી તરતજ કેમેરામાં કેદ એ ક્ષણની સુંદરતા ચકાસવા કેમેરાની નજીક જઈ પહોંચ્યા. મારી આંખો એ ઉત્સાહને ચોરીછૂપે ગર્વથી નિહાળી રહી .
"આઈ વોન્ટ એવરીથીંગ ટુ લુક વેરી રિયલ એન્ડ એફર્ટલેસ. "
ફોટોગ્રાફરને પોતાની અપેક્ષાથી માહિતગાર કરી રહેલા મારા બાળપણના પ્રેમ જોડે હું જાણે ફરી એકવાર પ્રેમમાં પડી રહી હતી. ત્યાર બાદ અન્ય અનેક તસવીરો ખેંચાતી રહી. ક્યારેક પહાડને પૃષ્ઠભૂમિ બનાવી તો ક્યારેક વાદળને બેકગ્રાઉન્ડ ઇફેક્ટ બનાવી. ક્યારેક હું એમના ખભાને અડકી તો ક્યારેક તેઓ મારા ગાલને અડક્યા. ક્યારેક બન્ને લીલાછમ ઘાંસ ઉપર આળોટ્યા તો ક્યારેક એમણે મને ગોદમાં ઉંચકી ગોળ ગોળ ફુદરડી કરાવી. સ્વપ્નસૃષ્ટિને વાસ્તવિક જગતમાં પરિવર્તિત થતા જોવું એના કરતા મોટો સંતોષ જીવનમાં કશો હોય ખરો ? એ ફોટોશૂટ મારા સ્વપ્નોને હકીકતના રંગે રંગી રહ્યો હતો. હું ખુબજ ખુશ હતી. આઈ વોઝ ટોપ ઓફ ઘી વર્લ્ડ. પ્રકાશના ફ્લેશ ચારે તરફ દરેક દિશામાં ઝીલાતા ગયા. હું લોરેન્સના આલિંગનમાં દરેક ખૂણેથી સમાતી રહી અને જોતજોતામાં અમારો ફોટોશૂટ સમાપ્ત થઇ ગયો.
"ધેટ્સ ઈટ"
અંતિમ નિર્ણાયક શબ્દો દ્વારા ફોટોગ્રાફરે પોતાનો સંતોષ અભિવ્યક્ત કર્યો અને હું એ પ્રકાશની ઝાકમઝાળ દુનિયામાંથી મારા રોજિંદા જીવનમાં પરત થઇ.
એ સાંજે લોરેન્સ ફરી મુંબઈ જતા રહેવાના હતા. મને હજુ થોડો સમય એમની જોડે રહેવું હતું,એકાંતમાં .પણ અવસર જ ન મળ્યો. મોડી સાંજ સુધી તેઓ પોતાની ફોટોશૂટ ટુકડી જોડે વ્યસ્ત હતા. એડિટિંગ ની પ્રક્રિયા ઘણી લાંબી ચાલી અને એ આખી પ્રક્રિયા અન્ય કોઈને સોંપવાની જગ્યાએ તેઓએ જાતેજ વ્યક્તિગત રસ લઇ બધું ફાઇનલ કરાવવાને પ્રાધાન્ય આપ્યું. એક ફોટોશૂટ માટે આટલો રસ તો પછી એના પાયામાં ઉપસ્થિત આ સંબંધમાં તો કેટલો બધો રસ હશે?
એ વિચારમાંજ મારી સાંજતો પસાર થઇ ગઈ અને લોરેન્સ મુંબઈ માટે નીકળી પણ ગયા.
" રીટા, તું હજી અહીજ છે ?" મમ્મીના શબ્દો પાછળથી સંભળાયા અને ફેસબુકમાં ખોવાયેલી મારી નજર ભાનમાં આવી. કોલેજ જવાનો સમય થઇ ગયો હતો. હું અંતિમ વાર લોરેન્સની ફેસબુક પ્રોફાઈલ નિહાળી રહી. જે ફોટોશૂટને નિહાળી હું મારા અને લોરેન્સના ભૂતકાળના ફોટોશૂટની યાદમાં ડૂબી ચુકી હતી એ લોરેન્સના એની ભાવિ પત્ની જોડેના તાજા નવા ફોટોશૂટ ઉપર મારી અંતિમ દ્રષ્ટિ ફરી રહી. એ તસ્વીરોમાં બધુ જ કેટલું અવાસ્તવિક અને એફર્ટફુલ લાગી રહ્યું હતું. જાણે કોઈ ફિકશન ફિલ્મ ચાલી રહી હોય. બધુજ ડ્ર્રામેટિક ભાસી રહ્યું હતું. હાવભાવોમાં અતિશયોક્તિ છલકાઈ રહી હતી. પ્રેમ કશેજ ન હતો. નો એક્સપ્રેશન, ઓન્લી ઇમ્પ્રેશન. એક ઊંડો શ્વાસ ખેંચી મેં લોરેન્સના ફેસબુક પેજને અનફોલો કરી નાખ્યું અને મારા ફેસબુક એકાઉન્ટ બન્ધ કરાવવા માટેની ઔપચારિકતા પણ પુરી કરી નાખી.
લેક્ચર માટેના પુસ્તકો હાથમાં થામી હું નૈનીતાલના પહાડી માર્ગ ઉપર નિયત ક્રમ અનુસરતી નીકળી પડી. આજની સવાર કેટલી ખુશનુમા હતી! તદ્દન પેલી સવાર જેવીજ. લોરેન્સએ મુંબઈ પહોંચી અમારી પ્રિવેડિંગ ફોટોશૂટ પોતાના ઓફિસિયલ ફેસબુક પેજ ઉપર અપલોડ કરી નાખી હતી. કોફીની ચુસ્કી માણતા એનું કેપશન વાંચી હું કેવી હર્ષવિભોર થઇ ઉઠી હતી! મારા ગાલ ઉપર પડી રહેલા ડિમ્પલ પણ ક્ષુબ્ધ હતા. ' બેટર ધેન ઘી બેસ્ટ ફોટોશૂટ ઓફ માઇ લાઈફ' - એ કેપશન હું વારંવાર વાંચી અતિ ઉત્સાહિત થઇ ઉઠી હતી. હું અને લોરેન્સ એકસાથે કેવા સુંદર દેખાઈ રહ્યા હતા! એ ફોટોશૂટની આલ્બમ કેટલી શેર થઇ હતી! લાઇક્સના ઢગલેઢગલા મળ્યા હતા. જાતજાતના ઇમોજીઓ ને અગણિત કૉમેન્ટ્સ. એક પછી એક બધી કૉમેન્ટ્સ હું વાંચતી ગઈ અને ગર્વથી ફુલાતી ગઈ. અમારી જોડીને કેટલો પ્રેમ ને કેટલા આશીર્વાદ મળ્યા હતા! એ નિહાળી હું તો દંગ જ રહી ગઈ હતી પરંતુ એક આશ્ચર્યએ મારુ સંપૂર્ણ ધ્યાન પોતાના તરફ ખેંચી લીધું. આટલી બધી કોમેન્ટ્સમાંથી કોઈની પણ કોમેન્ટ્સને લોરેન્સ દ્વારા પરત જવાબ મળ્યો ન હતો. ના, એ તો સમજી શકાય પણ નવાઈ ની વાત એ હતી કે એ અગણિત કોમેન્ટ્સમાંથી ફક્ત એકજ કૉમેન્ટને નામ સાથે પરત જવાબ મળ્યો હતો.
'હૅપ્પી વેડિંગ'
'સેમ ટુ યુ સિમી'
જાણીતી યુવા કોરિયોગ્રાફર સિમીના પ્રોફાઈલ પિક્ચર ઉપર મેં ક્લિક કરીજ કે એના ઓફિસિયલ પેજ ઉપરના પ્રિવેડિંગ ફોટોશૂટ ઉપર મારી દ્રષ્ટિ અચંભાથી ફરી રહી. આલ્બમનું કેપશન હતું 'ઘી બેસ્ટ ફોટોશૂટ ઓફ માઈ લાઈફ ' અને અપલોડની તારીખ અમારી સગાઈના ફક્ત એક અઠવાડિયા પહેલાની હતી. એજ ક્ષણે મારા સ્વપ્નોની સૃષ્ટિ કણ કણ વિખરાઈ ગઈ. અમારો ફોટોશૂટ પ્રેમ તરફનું પહેલું પગથિયું નહીં, સિમી સામેના બદલાનું પહેલું પગથિયું હતું. અચાનક મારા કાનમાં લોરેન્સે ફોટોગ્રાફરને કહેલા શબ્દો પુનરાવર્તિત થયા.
" આઈ વોન્ટ એવરીથીંગ ટુ લુક વેરી રિયલ એન્ડ એફર્ટલેસ."
શું મારી તસવીરો ઈર્ષ્યા ઉપજાવવાનું એક માત્ર માધ્યમ હતી? હું બરફ જેવી ઠંડી થઇ ગઈ. હું લોરેન્સને પ્રેમ કરતી હતી. એની જીવનસાથી બનવા ઇચ્છતી હતી. નહીં કે એના બદલા માટેનું માધ્યમ માત્ર. એણે કોઈને પ્રેમ કર્યો, બ્રેકપ કર્યું, એ એક્સે અન્ય જોડે લગ્ન કરી લીધા તો લોરેન્સ મારી જોડે લગ્ન કરવા........
મેં પરિવારને વાત કરી. હું એક સામાન્ય યુવતી હતી. મને સોસિયલમીડિયા ઉપર મારુ જીવન શેર કરવું ન ગમશે. હું મારા પતિ જોડે ક્યાં જાઉં છું, શું કરું છું, કેવો સમય વિતાવું છું એ મારી અંગત ક્ષણોનો ભાગ છે. એ જગજાહેર હું ન કરી શકીશ. મારી વાત અમારા માતાપિતા દ્વારા લોરેન્સ સુધી પહોંચી અને બસ પછી શું?
હું થોડાજ દિવસોમાં આઉટ ડેટેડ જાહેર કરી દેવામાં આવી. લોરેન્સના ફેસબુક પેજ ઉપરથી મારુ આલ્બમ અદ્રશ્ય થઇ ગયું અને એમના જીવનમાંથી હું. હવે હું એમની એક્સ ફિયોનસી બની ચુકી હતી. પણ મને સંતોષ હતો એ વાતનો કે હું કોઈના જીવનની શોભાની પૂતળી ન હતી. મનના હાશકારા જોડે મેં હાથમાંના એક પુસ્તકમાં સાચવી રાખેલું લોરેન્સના ફોટોશૂટ વાળું ગુલાબ બહાર કાઢ્યું અને એની સુકાયેલી પાંખડીઓ નૈનીતાલની પહાડી ખાડીમાં વહાવી દીધી. મારું પુસ્તક હળવું થઇ ગયું અને હું પણ.
સ્વપ્નોને વાસ્તવિક સૃષ્ટિમાં પરિવર્તિત થતા જોવા કરતા વધુ સંતોષ તો ભ્રમણાયુક્ત સ્વપ્નોના આકાશમાંથી ઉડવું છોડી સત્યની જમીન ઉપર પગ ટેકવવામાં મળ્યો.

