પહેલો પ્રેમ
પહેલો પ્રેમ
આખો દિવસ કામનાં ઢસરડા, બાળકો સાસુ, સસરા. આ બધાની જવાબદારી સંભાળી રહી છું. એવું નથી કે એ લોકો ને મારી કદર નથી. મને બધા ખૂબ પ્રેમ કરે છે. છતાંય કઈક ખૂટે છે. શું એ નથી ખબર." ચારુ એ પતિ વિહાન ને કહ્યું.
" શું ખૂટે છે તારે? " વિહાને ચારુ ને પોતાના બાહુપાશમાં ભરતા પ્રેમથી કહ્યું.
" એજ તો સમજમાં નથી આવતું. ઘણા દિવસથી એકલપણાનો અનુભવ થઈ રહ્યો છે. હું મારી જાતથી જ વિખૂટી પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. કેમ આવું થઈ રહ્યું છે !
વિહાન થોડી વાર ચારુ સામે જોઈ રહ્યો." મને ખબર છે શું ખૂટે છે. "
" શું?"
વિહાને ચારુને બેડ પર બેસાડી. અને કબાટનો દરવાજો ખોલી કશુંક શોધી રહ્યો હતો. ચારુ વિહાનને વારંવાર પૂછતી રહી. પરંતુ સામો કોઈ પ્રત્યુત્તર આપ્યા વગર વિહાન કબાટ ને ફંફોસી રહ્યો હતો. પૂછી પૂછીને થાકેલી ચારુ અરીસા સામે પોતાનું મોં કરી બેસી ગઈ.
એ નીરખી નીરખી ને પોતાનો ચહેરો જોઈ રહી હતી. શું ઘટે છે લગ્નના દસ વર્ષે ચહેરા પર પહેલા જેવીજ રોનક છે. પહેલા પણ મોર્ડન સ્ટાઈલ થી જીવતી હતી.અને અત્યારે પણ એવીજ છું. મારામાં ક્યાં કંઈ બદલાવ આવ્યો છે. તો પછી હમણાં હમણાંથી કેમ ઉચાટ રહે છે. શું કારણ હશે આવું થવાનું.
" ચારુ! અહી આવ. જો આ ઘટે છે તારે. મને તારી મૂંઝવણનો ઉકેલ મળી ગયો.
" શું ઉકેલ મળ્યો તમને? "
" લે આ રહ્યો તારો ઉકેલ" વિહાને હાથમાં કાળા રંગનું પાઉચ ચારુ નાં હાથમાં આપતા કહ્યું.
" ઓહ!! આ તો મારી ડાયરી. ને કૉલેજનાં પ્રોફેસર રામજી દવેએ ઇનામ રૂપે આપેલી તેમની આ પેન છે. આ તમે મને શા માટે આપો છો ?"
" આ ખૂટે છે ચારુ!!"
"એટલે ?"
" એટલે એમ કે ,તું તારા સપનાઓ ને ભૂલી ગઈ હતી. મારા પરિવાર ને સચવવામાં તે કોઈ કચાશ નથી રાખી. પરંતુ તે તારી જાતને, તારા શોખને તારા સપનાઓને આ પાઉચમાં પૂરીને મૂકી દીધા.
લે ફરી ઉડવા માટે તારી પાંખોને ફેલાવ ખુલ્લા આકાશમાં તારા સપનાઓને આંબવા માટે. અમારા માટે ખૂબ જીવી તું. હવે તારી જાત માટે જીવ. ચારુ ડાયરી અને પેનને જોઈ રહી.
" આ તો મારો પહેલો પ્રેમ હતો વિહાન." ચારુ એ પ્રેમ પૂર્વક વિહાન ને આલિંગન આપતા કહ્યું.
પાછળ છૂટી ગયેલા સપનાઓને ફરી અંકુરિત કરવા માટે વિહાને સમજણરૂપી પાણી સિંચ્યું હતું. આજે ફરી વિહાને ચારુ ને પોતાની જાત સાથે પ્રેમ કરતા શિખવ્યું.

