ફાધર્સ ડે
ફાધર્સ ડે


પેરેન્ટ્સ ગ્રુપ ઓફ કંપનીના માલિક શ્રી અચ્યુત શર્માએ પોતાના પિતા શ્રી રાધેશ્યામ શર્માની તિથિ અને ફાધર્સ ડે જે આ વખતે સાથે આવવાના હતા તેને અનોખી રીતે ઉજવવા બધાં કર્મચારીઓને ધંધે લગાડયાં.
" આજે તમને બધાને રજા આપું છું. પણ આ રજામાં તમારે તમારાં મોબાઈલમાં રહેલ સોશિઅલ મીડિયાઝ ફેંદી પોતાના પિતાને અનન્ય પ્રેમ કરતો એક એવો વ્યક્તિ શોધી લાવવાનો છે જેને આપણે શ્રવણકુમાર એવૉર્ડ આપી શકીએ.
બીજા દિવસે સાંજે સર્વાનુમતે કમિટીએ એક અદભુત મેસેજના આધારે શ્રી શ્રવણકુમાર મોહનલાલ નામનાં વ્યક્તિની પસંદગી કરી. બધાં તેનો તેના પિતા સાથેનો ફોટો અને ફોટોસ્ટોરી જોઈને રડી પડ્યા હતાં.
બીજા દિવસે આ સરપ્રાઈઝ એવૉર્ડ આપવા એક ટૂકડી સમર્પણ સોસાયટી પહોંચી. "પિતૃ છાયા " લખેલ ઘરનો દરવાજો ખૂલતાં શ્રવણકુમાર અને તેમના પત્ની દેખાયાં. તેમને દસ લાખના એવોર્ડની જાણ થઈ. પણ તેમનાં બાપુજી ક્યાંય દેખાતા નહોતા. ટુકડીએ કહયું કે બાપુજીને બોલાવો એટલે ઈનામ આપી, ઇન્ટરવ્યૂ લઈ શકીએ. પતિ -પત્ની અંદર જઈ કઈક ગુસપુસ કરવા લાગ્યાં. બહેન બહાર આવી બોલ્યાં ," બેસો ને બાપુજી મંદિરે ગયાં છે એ હમણાં જ લઈ આવે."
આ બાજુ ઘરથી 50 કિલોમીટર દૂર આવેલા એક વૃદ્ધાશ્રમનો ફોન રણક્યો.