mariyam dhupli

Tragedy Inspirational

3.5  

mariyam dhupli

Tragedy Inspirational

ફાધર્સ ડે

ફાધર્સ ડે

7 mins
627


કારમાં ગોઠવાતાંજ મેં એક ઊંડો શ્વાસ ખેંચી ફરી બહાર કાઢ્યો. આજે જાણે મારે મિશન ઇમ્પોસિબલ પર જવાનું હતું. એક નજર કારના ચળકી રહેલા અરીસા તરફ નાખી. હું પણ એના જેવોજ ચળકી રહ્યો હતો. કાળું શર્ટ, ક્લીન શેવ અને હેરજેલથી સ્ટાઇલ પામેલ સુંવાળા વાળ. મારા ગમતા ડેનિમ, પપ્પાનું ગમતું પરફ્યુમ અને એમણે ગયા વર્ષે ભેટમાં આપેલા કેનવાસ સૂઝ. આજે મારી પ્રતિભા પપ્પા જેવીજ દીપી રહી હતી. અરીસામાં હું મારા વ્યક્તિત્વમાં એમનુંજ પ્રતિબિંબ ખોજી રહ્યો હતો. એક ક્ષણ માટે જાણે અરીસામાં એમણે દર્શન આપ્યા અને મારા શરીરના રુંવાડા ઉભા થઇ ઉઠ્યા. 

મારા હોઠ ઉપર સ્નેહ સભર ભેજવાળું સ્મિત ફરકી ગયું. એમની સ્મૃતિ મારા મનને પ્રજ્વલિત કરી ઉઠી. મારી નજર ધીમે રહી મારી પડખેની સીટ ઉપર આવી પડી. મને લાગ્યું જાણે પપ્પા ત્યાંજ બેઠા હતા. ટેવ પ્રમાણે શિષ્ટ બદ્ધ પોતાનો સીટ બેલ્ટ બાંધ્યો હતો. એમનું ફોર્મલ લાઇનિંગ વાળું સાદું શર્ટ અને શર્ટના ખિસ્સામાં એમની એજ સાધારણ પેન. મોટી વર્તુળાકાર ફ્રેમવાળા કથ્થાઇ ચશ્માંમાંથી મને સ્નેહ સભર નિહાળી રહેલી એમની અનુભવી આંખો. હાથના કાંડા ઉપર શોભતી એમની લગ્ન સમયની ક્લાસિક રીસ્ટ વોચ અને મમ્મીએ પહેરાવેલ એન્ગેજમેન્ટ સમયની વીંટી. એમના ચહેરા પર ચળકતું એજ ધીરજ અને ધૈર્યસભર સ્મિત. 


"તૈયાર ? નીકળીએ ?"

મારા ચહેરા ઉપર ત્વરિત ઉત્સાહ ઉભરાઈ આવ્યો. 

"યસ, લેટ્સ ગો."

નિયત ટેવ પ્રમાણે પ્રતિઉત્તરમાં શબ્દો આપોઆપ મોઢામાંથી સરી પડ્યા. બીજી નજરમાં પડખેની ખાલી સીટ મનને શીઘ્ર નિરાશામાં ધકેલી ગઈ. સીટ ઉપર મારા દ્વારા મોલમાંથી તાજા ખરીદવામાં આવેલ ફૂલનો બુકે, ચળકતા ગિફ્ટ રેપરમાં સજ્જ વિવિધ ભેટસોગાતો અને 'હેપ્પી ફાધર્સ ડે ' શીર્ષકવાળો મોટો ગ્રીટિંગ કાર્ડ દ્રષ્ટિ આગળ ઉપસી મને ભ્રમણા જગતમાંથી એકસાથે ઉગારી રહ્યા. 

મને મારું મિશન ઇમ્પોસિબલ ફરી યાદ આવ્યું. મારા મનને દ્રઢ કરતા ફરીથી અરીસામાં હું નિહાળી રહ્યો. વાળને એક હાથ વડે થોડા વ્યવસ્થિત કર્યા. શર્ટના કોલરનો વણાંક ફરી ચકાસ્યો.ગળાના ખોંખારામાં અંતરની અરાજકતાનો નિકાલ લાવવાનો પ્રયાસ કર્યો. 

આજે ફાધર્સ ડે હતો અને મારે એની ઉજવણી કરવાની હતી. 

એ વિચાર પૂરતો હતો મારા તનમનમાં કડવાશનો સાગર ભરવા માટે. મન તો જરાયે ન હતું. મને આ ઉજવણી કરવી ન હતી.પણ ક્યારેક આપણા મન કરતા અન્યનું મન સાચવવું પડે છે. ખાસ કરીને જો આપણે કોઈને ખુબજ પ્રેમ કરતા હોઈએ અને આપણા મનમાં એમના માટે ભારોભાર માનસન્માન સચવાયા હોય ત્યારે તો ખાસ. પપ્પાએ વર્ષો પહેલા મમ્મીને એક વચન આપ્યું હતું. એમણે શબ્દેશબ્દ એ નિભાવ્યું હતું. 

હી વોઝ એ ટ્રુ જેન્ટલમેન ! મને એમના જેવુંજ બનવું હતું. મેં પણ એમને એક વચન આપ્યું હતું. જે આજે મારે નિભાવવાનું હતું. મનને મક્કમ કરતા મેં ગાડી સ્ટાર્ટ કરી અને મારા લક્ષ્યની દિશામાં ઉપડી પડ્યો. 

શહેરના રસ્તાઓ ઉપરનું ટ્રાફિક થોડા સમય માટે જાણે સિનેમાઘરનો પરદો હોય એમ એના ઉપર બાળપણથી લઇ યુવાની સુધીની પપ્પા જોડે માણેલી દરેક ક્ષણ એક પછી એક ભજવાઈ ઉઠી. બાળપણમાં મારો ગમતો સુપરહીરો સ્પાઇડરમેન હતો. એ ફેવરિટ હોવાનું કારણ એજ કે એ મુશ્કેલીના સમયમાં કે કટોકટીની પરિસ્થિતિમાં મદદ કરવા તરતજ ધપી આવે. પપ્પા પણ એમજ ધપી આવતા હતા. કોઈ પણ મુશ્કેલી હોય કે ગમે તેવી કટોકટી.પપ્પા મારી પડખે હાજર જ હોય.  એ મારા સુપર હીરો હતા. મારા સ્પાઇડરમેન !

મને તાવ આવે તો એ આખી રાત જાગે. મારા કપાળ ઉપર ઠંડા પોતા મૂકે. સવારે કામ પર જવાનું હોય એની પરવાહ કર્યા વિના. પરીક્ષા સમયે મારા અલાર્મ જાતે ગોઠવે. એ અલાર્મ બંધ કરવા મારી આંખો કદી ઉઘડે નહીં. એ અલાર્મ પણ એ જાતેજ બંધ કરે. મને જગાડે અને ગરમ દૂધ પણ લઇ આવે. હું એકલો વાંચન કરતા અકળાઈ ન જાઉં એ માટે એ પોતનું લેપટોપ મારા ઓરડામાં લઇ આવે અને સાથે સાથે પોતાનું ઓફિસનું કાર્ય પણ કરતા જાય. એક તીરથી બે નિશાન. 

પપ્પાને નીહાળીજ હું મલ્ટી ટાસ્ક કરતા શીખી શક્યો હતો. એક સાથે પરિવાર, સંબંધો અને વ્યવસાયિક કારકિર્દીનું તેઓ જબરું સંતોલન સાધી લેતા.  એક તરફ ઓફિસની મહત્વની મિટિંગ અને બીજી તરફ મારી શાળાના કાર્યક્રમો અને ફન્કશન. બન્ને જગ્યાએ પોતાની હાજરી એ સફળતાપૂર્વક નોંધાવી શકતા. મન હોય તો માળવે જવાય એ શબ્દોનું તેઓ જીવતું જાગતું ઉદાહરણ હતા. 

નિષ્ફ્ળતાઓ પ્રત્યે એમને અનેરો મોહ હતો. તેઓ હારવાથી કદી ડરતા નહીં. હારવું એ એમના માટે એક ઇનામ સમું હતું. મળેલી હારમાં તેઓ શાંતિથી અને ધૈર્યપૂર્વક પોતાની નબળાઈઓ, કચાસ અને ભૂલો શોધતા અને પછી એ સંશોધનના પરિણામો ઉપર કઈ રીતે આગળ કાર્ય કરવાનું છે એમાં હોંશે હોંશે પરોવાઈ જતા. પરિણામ સ્વરૂપે દરેક હાર પછી તેઓ વધુ 'પ્રોગ્રેસિવ ' અને વધુ ગુણવત્તાયુક્ત પ્રદર્શન આપતા. આવા વ્યક્તિત્વ જોડે સફળતા પણ પ્રેમમાં પડી જતી. 

બાળક શબ્દોથી નહીં વડીલોના કર્મોથીજ શીખે છે. હું પણ એજ શીખ્યો. મેં મારી દરેક નિષ્ફ્ળતાને મનથી ચાહી. મારી દરેક હારને લોટરી જેમ ઉજવી અને બસ સફળતા મારાં પ્રેમમાં પડીજ ગઈ. આખરે હું દીકરો કોનો ? મારા પપ્પાનો જ. 

આજે જયારે હું મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દે કાર્યરત હતો, સી ફેસિંગ બઁગલાનો માલીક હતો અને ચાર બંગડીવાળી ગાડીમાં જે ઠાઠથી ફરી રહ્યો હતો એનો બધોજ યશ સંપૂર્ણપણે પપ્પાએ મારામાં સીંચેલ મહેનત, ધગશ અને શિષ્ટતાને જ જાય. 

પપ્પા કદી સીધેસીધા 'આઈ લવ યુ ' ' 'આઈ મિસ યુ ' કે 'આઈ કાન્ટ લિવ વિધાઉટ યુ ' જેવા શબ્દો પ્રયોજતા નહીં. ન મારા માટે, ન મમ્મી માટે. પણ હા, મમ્મી બીમાર પડે ત્યારે એમના ચહેરાનો રંગ બદલાઈ જતો. જ્યાં સુધી માંદગીમાં હોય એ એમને ઘરનું એક પણ કામ કરવા દેતા નહીં. એ બધાંજ કાર્યો એ જાતે ઉપાડી લેતા. મમ્મી યોગ્ય આરામ લે એની સૂક્ષ્મ તકેદારી રાખતા. જયારે મમ્મી સાજા થઇ જતા ત્યારે પપ્પાના ચહેરા ઉપર ઉત્સવ જેવી ખુશી ઉભરાઈ આવતી. ઓફિસેથી પરત થતા મમ્મીને ગમતી મોગરાની વેણી નિયમિત સાથે લઇ આવતા. સાંજે મારું ઘરકામ ચકાસવાને બહાને આખો દિવસ શાળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ થઇ એની માહિતી મેળવતા. જો કોઈ સિનિયર બુલિંગ કરતું તો શાળામાં પ્રત્યક્ષ આવી એની રિપોર્ટ કરતા. જ્યાં સુધી યોગ્ય પગલાં ન ભરાય ત્યાં સુધી મારી નજર સામેથી હટતા નહીં. મારી સુરક્ષા એમના જીવનની પ્રાથમિકતા હતી.  તેથીજ કદાચ એમને માન આપવાની અને એમના દરેક શબ્દ અને દરેક શીખામણને અનુસરવાની ફરજ મારા જીવનની પ્રાથમિકતા હતી. 

મારા પપ્પા. મારા મમ્મીનાં જીવનનો સ્નેહ અને મારા જીવનનો ઠંડો સુરક્ષિત છાંયડો. 

મંઝીલ ઉપર ઉભેલી મારી ગાડી પપ્પાના વિચારો ઉપર આવી અટકી હતી. ફરી મેં એક ઊંડો શ્વાસ ભર્યો. પરિસ્થિતિનો સામનો કરવા એ ઊંડા શ્વાસમાંથી હિંમત ભેગી કરવાનો પ્રયાસ કર્યો. એક અંતિમ વાર અરીસામાં ડોકિયું કર્યું. મારું વ્યક્તિત્વ બરાબર ચળકી રહ્યું હતું.પણ નજરમાં આત્મવિશ્વાસનો છલોછલ અભાવ હતો. પડખેની સીટ ઉપરથી ફાધર્સ ડે ની ઉજવણી કરવા વસાવેલો સામાન આખરે મારા હાથમાં ગોઠવાયો અને હું કારમાંથી બહાર નીકળ્યો. 

ડોરબેલ વગાડતા મારો હાથ થોડો ધ્રૂજ્યો. અંદર તરફથી સંભળાઈ રહેલા ડગલા જોડે મારું અંતર કંપન અનુભવી રહ્યું. ધીમે રહી બારણું ખુલ્યું. મમ્મી જેટલી આયુ ધરાવતી સ્ત્રી મને હેરતથી તાકી રહી. 

"અવિનાશ......" 

પોતાના પતિને એણે અચરજવાળા હાવભાવો જોડે સાદ પાડી. 

પત્નીના અનિયમિત સ્વરથી તેઓ તરતજ ઓરડા બહાર નીકળી આવ્યા. મને નિહાળતાંજ તેમના ચહેરા પર પણ આશ્ચર્યનું પૂર ઉમટી આવ્યું. 

"સૌરભ....."

એમના હોઠ પરથી ગુંજેલું મારુ નામ મને ખુંચ્યુ. જાણે કે અસંખ્ય કાંટાઓ મારી આત્માને વીંધી રહ્યા.  ધીમે ધીમે મારી દિશામાં આગળ વધી રહેલા એ આધેડ પુરુષના શરીર ઉપર મને ધુત્કાર છૂટી રહ્યો. મારા હાથમાંના સામાન મારી અસહ્ય પકડથી ભીંસાવા લાગ્યા. 

મારી સામે આવતાજ એ આધેડ હાથોએ મારા બન્ને ગાલ પોતાના હાથમાં ભરી લીધા. વર્ષોની ઈચ્છા આખરે પુરી થઇ હોય એ હાવભાવો જોડે મને નિહાળી રહેલી એ આધેડ આંખોને મારી આંખો મૌન રહેંસી રહી. મન થયું કે એક એવો થપ્પડ લગાઉં કે મારો જીવનભરનો બદલો એકજ ક્ષણમાં વસુલાઈ જાય. મારી મમ્મીએ વેઠેલા દરેક અન્યાયનો હિસાબ ચૂકતો થઇ જાય.  અંતરમાંથી નફરતનો અનિયંત્રિત સ્ત્રોત ફાટી નીકળ્યો. મારો ચહેરો મારા બાયોલોજીકલ પિતાના હાથમાં હતો. હા, જે ફક્ત મને જન્મ આપનારો હતો. એ પપ્પા કહેવાને લાયક હતો ખરો ?

હું માત્ર એક વર્ષનો હતો જયારે એણે થોડા અંતરે ઉભેલી મારા નજર સામેની એ સ્ત્રી માટે મને અને મારી મમ્મીને પોતાના જીવનમાંથી કચરા જેમ ઊંચકી ફેંક્યા હતા. મમ્મીનું શું થશે, મારુ શું થશે કશુંજ વિચાર્યા વિના. પણ નિયતિના હિસાબકિતાબ બહુ પાકા હોય છે. બીજા લગ્ન દ્વારા જયારે સંતાનસુખ ન મળ્યું ત્યારે એણે મારી કસ્ટડી મેળવવા ઘણા પ્રયાસો કર્યા. 

પણ મારા પપ્પા મારી મમ્મીની પડખે હતા. મારા સ્પાઇડરમેન ! એમણે સમાજની વચ્ચે માનસન્માન જોડે મમ્મી જોડે લગ્ન કર્યા. મારી કસ્ટડી મમ્મીને મળે એ માટે દરેક કાયદાકીય લડત લડી. મને મારા મમ્મીથી કોઈ છૂટું પાડી શક્યું નહીં. એટલુંજ નહીં એમણે લગ્ન સમયેજ મમ્મીને વચન આપ્યું હતું કે હું જ એમનો એકમાત્ર સંતાન અને વારસદાર રહીશ. મારા ભાગનો પ્રેમ વહેંચાશે નહીં. 

"મને માફ કરી દે..."

સામે ઉભા પુરુષના મોઢે ઉચ્ચારાયેલા શબ્દોથી મારા તનમનમાં અગ્નિ સળગી ઉઠી. મારો હાથ કઈ કરી બેસે એ પહેલાજ કોરોના વાયરસે છીનવી લીધેલા મારા સ્વર્ગસ્થ પપ્પાએ અંતિમ સમયે મારી પાસે લીધેલું વચન યાદ આવ્યું. 

"હું જાણું છું તું અને તારી મમ્મી એને નફરત કરે છે. એનો ચહેરો પણ જોવા નથી ઇચ્છતા. પણ એ હકીકત કોઈ ભૂંસવી ન શકે કે એ તારો પિતા છે. તારો જન્મદાતા છે. તારા મમ્મી અને એની વચ્ચે થયેલો સંબંધ વિચ્છેદ પણ નહીં. તું મારો દીકરો છે અને મારા સંસ્કારો તારા લોહીમાં વહે છે. એક પિતાને એનો અધિકાર આપજે. અન્યાય કરનાર સાથે અન્યાય કરવાથી કદી ન્યાયી ન બની શકાય. મારો દીકરો હંમેશા ન્યાયની પડખે રહે એજ મારી અંતિમ ઈચ્છા છે. વચન આપ. મારા ગયા પછી તું દર વર્ષે ફાધર્સ ડે ઉજવીશ. એટલાજ ઉત્સાહ અને ઉલ્લાસ જોડે જેમ મારી જોડે ઉજવતો હતો. તારી મમ્મીને કદાચ ન ગમશે. પણ સમય જોડે એ પણ સ્વીકારી લેશે. એ તારા અને તારા પિતાના સંબંધ વચ્ચે ન આવશે."

સ્મૃતિમાં ઉપસી આવેલા પપ્પાના શબ્દો જોડેજ મારા હાથમાંનો સામાન ભોંય ભેગો થઇ ગયો. સામે ઉભા પુરુષે મને આલિંગનમાં લઇ લીધો. આધેડ રુદનની ધાર વડે મારું શર્ટ ભીંજાવા લાગ્યું. મારો હાથ અનાયાસે એ આધેડ ખભા ઉપર જઈ પડ્યા અને મોઢામાંથી એકજ શબ્દ ધ્રૂજતો સરી પડ્યો.

"પપ્પા..."


Rate this content
Log in

Similar gujarati story from Tragedy