mariyam dhupli

Drama Inspirational

2.7  

mariyam dhupli

Drama Inspirational

પેચ

પેચ

7 mins
390


ઈમારત હજી બાંધકામ હેઠળ હતી. નવ માળના ખોખા તૈયાર કરી નખાયા હતા. ઠંડી ઠંડી ઈંટોની શ્વાસ હજી સિમેન્ટના પાકા થરમાં પુરેપુરી શોષાય ગઈ ન હતી. હજી બાંધકામ એ તબક્કે પહોંચ્યું ન હતું કે ઈમારતની દેખરેખ માટે વોચમેન બેસાડવો પડે. રવિવારનો દિવસ હતો. રજાના દિવસે બાંધકામની પ્રક્રિયાને સંપૂર્ણ વિરામ આપવામાં આવ્યો હતો. એ ઉજ્જડ અર્ધ બાંધકામમાં ફક્ત કબૂતરોની પાંખોની ફફડાટ સિવાય કશું સંભળાઈ રહ્યું ન હતું.

ઈમારત મારા મકાનથી પગપાળા અંતરે હતી. એ વિસ્તાર થોડો સુનો હતો. પણ મારી પતંગબાજીના મુહાવરા માટે એ જ શ્રેષ્ઠ જગ્યા હતી. અમારા નળિયાંના છાપરાથી ઢંકાયેલા મકાનમાં અગાશીની વ્યવસ્થા ન હતી. હું તો નળિયાં પર ચઢી આરામથી પતંગ ચગાવી શકું. પરંતુ થોડા સમય પહેલા મહોલ્લામાં થયેલા અકસ્માતે મારા પપ્પાના હૃદયને હચમચાવી મૂક્યું હતું. અમારા પડોશમાં રહેતા પરિવારનો એકનો એક દીકરો આમજ નળિયાં પર ચઢી પતંગ ચગાવી રહ્યો હતો અને પગ લપસ્યો. માથું ફાટ્યું અને પ્રાણ...

જો કે એ અકસ્માતથી મારા હૈયાને કશો ફેર પડ્યો ન હતો એવું તો ન જ હતું. તેથીજ કદાચ આ બંધાઈ રહેલી ઈમારતના નવમા માળે ઉપસ્થિત અગાશી મને સુરક્ષિત વિકલ્પ લાગી હતી. હું જોડે બધુજ લઈ આવ્યો હતો. મારા કન્નાઈ બાંધેલા પતંગ, મારો માંજો, માથા પર કેપ અને મમ્મીએ બનાવેલા મમરાના લાડુ અને ચીકી. 

ઉત્તરાયણ પહેલાનો રવિવાર હતો. એટલે મારા જેવા પતંગ રસિયાઓ એક અઠવાડિયા પહેલાથી જ પેચની પ્રેકટીશ આરંભી ચૂક્યા હતા. હું એકજ શ્વાસે નવ માળા ચઢી ગયો. અગાશી ઉપર પહોંચતાજ શ્વાસ ફૂલી ગયો. અમારા વિસ્તારની એ એક માત્ર ઊંચી ઈમારત હતી. બાકી બધાજ ઘર, મકાન અને ઈમારત પાંચેક માળમાં જ સમેટાઈ જતા હતા. ઉપરથી નજારો ખરેખર દિલધડક હશે એ વિચારે મારા હાથમાંનો બધો સામાન એક તરફ મૂકી હું અગાશીની પાળી તરફ આગળ વધ્યો અને મારા મોબાઈલનો કેમેરો ઓન કર્યો. એ ઊંચાઈએથી ઝીલાઈ રહેલા નજારાને હજી વ્યવસ્થિત નિહાળું એ પહેલાજ આંખો સામેના દ્રશ્યથી હું અવાક રહી ગયો. શું કહું અને શું નહીં એ વિચારોમાં અટવાતા હું ભાન ભૂલેલા માનવી જેમ થોથવાઈ ગયો. મેં દ્રશ્યથી તરતજ નજર હટાવતા મારી પીઠ ફેરવી લીધી. જાણે જે નિહાળી લીધું હતું એ જાણીજોઈને નિહાળવાનો મારો કોઈ ઉદ્દેશ્ય ન હોય એવું પુરવાર કરવું હતું. મારા હૈયાના ધબકાર એટલા વધી ગયા હતા કે મારા કાન સુધી સરળતાથી પહોંચી રહ્યા હતા. 

" આમ સોરી. યુ કન્ટિન્યુ. હું આપને ડિસ્ટર્બ કરવા ઈચ્છતો ન હતો. મને ખબર હતે કે આપ...તો હું...."

મારા પીઠ પાછળ શું થઈ રહ્યું હતું એ જાણવાની મને જેટલી જીજ્ઞાશા હતી એટલીજ એ દ્રશ્યને ન જીરવી શકવાની ભાવના પણ...

મારા હાથમાં આછું કંપન હતું. પગ પણ થોડા ધ્રુજી ઉઠ્યા હતા. 

" જતા રહો અહીંથી. હું અહીં પહેલા આવી હતી." પીઠ પાછળથી સંભળાયેલા અવાજમાં ભારોભાર ક્રોધ અને હુકમભાવ હતો. 

" એક્ચ્યુલી આજે રવિવાર છે. આવતા અઠવાડિયે ઉત્તરાયણ છે. આખું અઠવાડિયું કામથી ભારોભાર વ્યસ્ત છે. મારે પેચની પ્રેકટીશ કરવી છે. એટલે આજની સાંજ સિવાય પ્રેક્ટીશનો અવસર મળશે નહીં."

ફેરવેલી પીઠ જોડે મારા ચહેરાના હાવભાવો એ સુંદર ચહેરો કળી શકશે નહીં એની ખાતરી જોડે ચહેરા ઉપર અંતરના ભાવો જેવાજ અજૂગતા હાવભાવો પ્રસરી ઉઠ્યા. થોડા ઉચ્ચારાયેલા શબ્દો થકી એકજ ક્ષણમાં ગુમાવી દીધેલો આત્મવિશ્વાસ ફરી રજ રજ કરી ભેગો થવા માંડ્યો. મારું શરીર આત્મવિશ્વાસ જોડે અગાશીની દરેક દિશામાં હલનચલન કરવા માંડ્યું. મારા સામાનને વ્યવસ્થિત ગોઠવવાની શરૂઆત કરતાં મેં સીધી એ બે મોટી સુંદર આંખોમાં ડૂબકી લગાવી. એક ઔપચારિક સ્મિત વેરી મારા પતંગ અને માંજાને યુદ્ધમાં ઉતારવા તૈયાર કરવા માંડ્યા. 

જાણે અગાશી મારી હોય એવા માલિકીભાવ મારા શરીરના હાવભાવોમાં નિહાળી એ સુંદર આંખો શોકથી ચકિત થઈ ઊઠી. પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો હોય એમ એ મને ટગર ટગર મોટી મોટી કીકીઓ ફેરવતી નિહાળવા માંડી. હું પણ નફ્ફટાઈ પર જડાઈ ગયો. અગાસી છોડી જવાની મારી કોઈ ઈચ્છા ન હતી. અને આંખો સામે હાજર એ ગુલાબ જેવા યૌવનની એવી મરજી હોય તો પણ...હુ કેર્સ ? મનોમન્થન વચ્ચે મેં મારી વાત હકથી આગળ વધારી.

"...તો ચિંતા નહીં કરો. હું તમારા કામમાં વિઘ્ન ન નાખીશ. ને આશા રાખું આપ પણ મને શાંતિથી પતંગ ચગાવવા દેશો. "

સ્પેસશીપમાંથી ઉતરેલા કોઈ વિચિત્ર એલિયનને નિહાળી રહી હોય એમ એણે હવામાં ઊડી રહેલા પોતાના લાંબા રેશમી વાળને કાન પાછળ હડસેલી મારી તરફ એક વેધક દ્રષ્ટિ ફેંકી. એના સુંવાળા કાનમાં હિંચકા ખાઈ રહેલી ઈયરિંગ એ ક્ષણમાં કેવી સંમોહક દીસી ઊઠી ! જાણે ધ્યાનમાં એકાગ્ર ૠષિનું ધ્યાનભંગ કરતી કોઈ અપ્સરા હોય એમ એનું આકર્ષક શરીર હું થોડી ક્ષણો માટે તાકતો રહ્યો. 

" એ ઢીલ આપ...ઢીલ આપ.... "

કોઈ દૂરની અગાશી ઉપરથી પડઘાયેલા શબ્દોથી હું ભાનમાં આવ્યો. મારો પતંગ આકાશને ચૂમી રહ્યો હતો. હવે બધુજ ધ્યાન એ તરફ કેન્દ્રિત કરવાનું હતું. મનને મક્કમ બનાવી મેં મારી નજર આકાશ ઉપર લાદી દીધી. એક ગરમ હુંકારો અગાશીના તાપમાનને ઉષ્ણ બનાવી ગયો. કદાચ કોઈનું માન હણાયું. જોકે એ અંગત અનુમાનનું પરિણામ હોઈ શકે. મારો એવો કોઈ ઈરાદો ન હતો. મારો ઈરાદો તો પાણી જેવો પારદર્શક હતો...

" મને વિશ્વાસ નથી આવતો. સાચેજ ? તમને કોઈ ફેર પડતો નથી ?"

બે સુંવાળા હાથ નાજુક કમર ઉપર આવી થોભ્યા હતા એવું અંતરે અનુમાન સાધ્યું. પરંતુ નજરને ઉપર જ કેન્દ્રિત કરવી યોગ્ય હતી. પતંગને વધુ ઢીલની જરૂર હતી. જો અચાનકથી દોરી અણધારી રીતે ખેંચી લઉં તો ખબર નહીં.

" જી, બિલકુલ નહીં. તમે વિશ્વાસ રાખો. આપણે બધા મુક્ત દેશમાં જીવીએ છીએ. આપણને કઈ પણ કરવાની સંપૂર્ણ મુક્તિ છે. તમને જે યોગ્ય લાગે તમે એ કામ કરી શકો છો. અન્યની ઈચ્છા, પસંદગીની દરકાર રહેવા દેવી જોઈએ. માઈ બોડી માઈ ચોઈસ, રાઈટ ? "

મારી આંખો હજી પણ ઉપરની દિશામાં સ્થિર હતી. હવે કેટલાક પતંગો મારા પતંગની આસપાસ ભમવા માંડ્યા હતા. મારા કૌશલ્યોની તાલીમ હવે કામે લગાડવાની હતી. ખુબજ હોંશિયારીથી કામ લેવાનું હતું. એક નાની ભૂલ...ને કામ તમામ....

સામે તરફથી ના ' હા ' પડઘાઈ, ન ' ના '. સપાટ સન્નાટો. મારું હૃદય થોડું જોરથી ધબકવા માંડ્યું. નો ન્યુઝ ઈઝ ઓલવેઝ નોટ એ ગુડ ન્યુઝ. કંઈક તો અવાજ આવે. એકાદ શબ્દ તો કાને અફળાય. કોઈ પ્રત્યાઘાત, ક્રિયા - પ્રતિક્રિયા....નજર નીચે લઉં કે પછી.

મનની દ્વ્રિધા હજી આગળ વધે એ પહેલા કાનમાં શબ્દો ગૂંજ્યા. 

" તમને કદી કોઈએ દગો આપ્યો છે ? "

પતંગને સંભાળવામાં વ્યસ્ત મારા તલ્લીન ચહેરા પર એક લુચ્ચું સ્મિત ખેંચાઈ આવ્યું. એટલે નહીં કે એ પ્રશ્નનો ઉત્તર રમુજી હતો. પરંતુ એટલે કે એ એક પ્રશ્ન મારા મનમાં સળવળી રહેલા હજારો પ્રશ્નોનો ઉત્તર આપી ગયો. 

એક હાથ વડે માથા પરની કેપને સૂર્યના તડકા સામે વ્યવસ્થિત કરતા મેં ધીમે ધીમે પતંગની દોરી પાછળની દિશામાં ખેંચવા માંડી. 

" તમે ચીકી ખાશો ? "

" શું ? તમારું મગજ તો ઠીક છે ? "

સામે તરફથી ઘૃણાની આંધી છૂટી.

હું શાંત મને એને પચાવી ગયો. 

" ચીકી નથી ભાવતી તો ભલે. મમરાના લાડુ છે. મમ્મી જેવા આખા વિશ્વમાં કોઈ ન બનાવે. અહીં નીચે આ ડબ્બામાં છે. "

મારા ચહેરા પર રમી રહેલું સ્મિત કદાચ વધુ લુચ્ચું અને સ્વાર્થી દેખાઈ રહ્યું હતું. મારા મગજે મને ચેતવ્યો. જો પતંગને આમ વધુ પડતા આત્મવિશ્વાસ જોડે ઢીલો છોડી મુક્યો તો...મારા હાથની દોરી ઉપરની પકડ વધુ મજબૂત થઈ. 

" જોક અપાર્ટ ! સાચું કહું તો હા. જેની ઉપર આંધળો વિશ્વાસ મૂક્યો હતો એણેજ..." વાક્ય પૂરું કરવું મને જરૂરી ન લાગ્યું. 

આટલા સમયથી આકાશમાં ભેરવી રાખેલી નજરને મેં ધીમે રહી અગાશી પર ઉતારી. સામે તરફથી મને તાકી રહેલી આંખોથી મનમાં ખલબલી મચી ગઈ. એ આંખોમાં કુતુહલ હતું, જીજ્ઞાશા હતી, દ્વ્રિધા હતી, મૂંઝવણ હતી. કદાચ મારી ઉપર વિશ્વાસ બેઠો હતો કે પછી...

પેચ લેવાઈ ગઈ હતી. મને સ્મરણ થયું. મેં નજર ઉપર ઉઠાવી. મારો પતંગ અને બીજો અજાણ્યો પતંગ. ઢીલ...લપેટ...ઢીલ...લપેટ...નિર્ણાયક ઘડી...

મંચ પર ઉભા પ્રતિભાશાળી અભિનેતા જેવા મારા ચહેરા ઉપર એક કટાક્ષમય સ્મિત લહેરાઈ ગયું. 

" કેટલું વિચિત્ર છે આપણું મગજ ! જીવનમાં ભલે હજારો બાબતો સારી થઈ રહી હોય. પણ આપણું મગજ એકાદ નકારાત્મક બાબત ઘટી રહી હોય ત્યાંજ જડાઈ બેસે છે. આપણો વિશ્વાસ જાળવી રાખનારા અસંખ્ય વ્યક્તિઓ, પરિવારના સભ્યો, મિત્રો, શુભચિંતકોની વચ્ચેથી 'સૌથી મહત્વ ધરાવનાર વ્યક્તિ'નો એવોર્ડ આપણો વિશ્વાસ તોડનાર એકાદ નકામી, સ્વાર્થી, તદ્દન ધૃણાસ્પદ વ્યક્તિ લઈ જાય છે અને એ વ્યક્તિનું આપણા જીવનમાં શ્રેષ્ઠ મહત્વ સાબિત કરવા આપણે મૂર્ખતાનું ચરમ પ્રદર્શન કરતા જરાયે ખચકાતા નથી... "

મારી ઉપર ઉઠેલી નજર આકાશમાં સ્થિર જડાઈ ચુકી હતી. મહત્તમ ઢીલ હું આપી ચૂક્યો હતો. વધુ ખેંચતાણ નકામી હતી. પેચ ચરમસીમાએ હતી. મારાં હૈયાનો ભાર બમણો થઈ ઉઠ્યો હતો. લાંબા સમયથી ધરબાયેલી ચિંતા હવે સ્પ્રિંગ સમી અંતરમા ઉધમ મચાવી રહી હતી. પતંગ કપાઈ ન જવો જોઈએ. બસ.

તાણની હદ વધતા મેં આંખો ચુસ્ત મીંચી લીધી. શું થશે અને શું નહીં...કોનો પતંગ કપાશે અને કોને...

ધડામ કરતો અવાજ અગાશીમાં ગૂંજયો. હૈયાએ એક ધબકાર છોડ્યો. મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. 

પટાક...પટાક કરતા સેન્ડલ મારી પીઠ પાછળથી પસાર થઈ ગયા. હું સ્તબ્ધ ઊભો રહી ગયો. અર્ધ ચણાયેલી ઈમારતની દાદરો ઝડપથી કોઈ ઉતરી ગયું. મેં ધીમે રહી આંખો ખોલી. 

"એ...કાઈપો છે ! " 

દૂરની કોઈ અગાશીમાંથી ચીસ પડઘાઈ. મારી નજર ઉપર તરફ ઊઠી. 

મારો પતંગ કપાઈ ગયો હતો.

એજ ક્ષણે ઈમારતના નીચે તરફ સ્કૂટીનું એન્જીન જીવિત થયું. હું તરતજ અગાશીની પાળી તરફ પહોંચ્યો. મારી દ્રષ્ટિ ગ્રાઉન્ડ ફલોરના ઊંડાણમાં પહોંચી. મને જાત ઉપર ગર્વ થઈ આવ્યો. થોડા સમય પહેલા અગાશીની આજ પાળી પર આત્મહત્યા કરવા ઊભી રહેલી સ્વપ્ન સુંદરી સ્કૂટી ઉપર ઘરે પરત થઈ રહી હતી. એક સુંદર પતંગ કપાતો બચી ગયો એ ગર્વ જોડે હું અન્ય પેચની તૈયારી અર્થે બીજો પતંગ પસંદ કરવા પાછળ વળ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama