Participate in 31 Days : 31 Writing Prompts Season 3 contest and win a chance to get your ebook published
Participate in 31 Days : 31 Writing Prompts Season 3 contest and win a chance to get your ebook published

Dina Vachharajani

Thriller Others


4.8  

Dina Vachharajani

Thriller Others


પડછાયો

પડછાયો

6 mins 467 6 mins 467

દરવાજો બંધ કરી રસ્તા પર પડતી બાલ્કનીમાં એ દોડીને પહોંચી. આશય પહેલા માળેથી નીચે પહોંચી ગયો હતો. અવનિનું બા...ય... સાંભળી એણે ઉપર જોયું...જરા હસવા જેવું કરી હાથ હલાવ્યો અને પીઠ ફેરવી આગળ ચાલ્યો......એની દૂર જતી પીઠને તાકી રહેલી અવનિને ચારેબાજુથી એક અસહ્ય એવા સૂનકારે જાણે ઘેરી લીધી.....રુમમાં આવી એ ત્યાં રહેલી ખુરશી પર ફસડાઈ પડી.

હજુ થોડીવાર પહેલાં જ એ કેવી ખુશખુશાલ અહીં બેસી નીચે એને અઢેલીને બેઠેલાં આશયનાં વાળમાં આંગળા ફેરવી રહી હતી. અને આશય એને પોતાની નવી જ લખેલી રોમેન્ટીક કવિતા સંભળાવી રહ્યો હતો.....કવિતા સાંભળતા -સાંભળતા એ જાણે કોઈ સુંદર પ્રદેશમાં પહોંચી ગઈ. એને થયું એ અહીં આશયનાં હાથમાં હાથ પરોવી બેસી રહે...બસ બેસી જ રહે.

એ અચાનક બોલી ઊઠી " આશય આજની રાત તમે મારી પાસે રોકાઈ જાઓ ને ? " .....એના માદર્વભર્યાં અવાજને સાંભળતા જ આશયે ચમકીને ઘડીયાળમાં જોયું...ઓહ ! આઠ વાગી ગયાં? ને અવનિને કપાળ પર હળવું ચુંબન કરતાં એ બોલાયો " ડાર્લિંગ, મારી મજબૂરી તો તને ખબર જ છે ને ? મારી પત્ની મીનળ અને બેઉ સંતાનો પ્રત્યેની મારી ફરજ તો મારે પૂરી કરવી જ રહી ! "

વાત તો સાચી હતી....આજથી પંદર વર્ષ પહેલાં આશયે એને પોતાની બધી જ ફરજોથી વાકેફ કરી હતી...કહો ને ચેતવી જ હતી ! એક પ્રોફેસર-વિદ્યાર્થીના સંબંધ પર જ અટકી જવા ચેતવી હતી !

એફ.વાય.આર્ટસ ના પહેલા દિવસના પહેલા ક્લાસમાં જ સાયકોલોજી ભણાવતા હેન્ડસમ, યુવાન પ્રોફેસર આશયને, અવનિ મુગધતાથી સાંભળી જ રહી. સુંદર અને નિર્દોષ લાગતી અવનિએ પણ પ્રોફેસરનું ધ્યાન ખેંચ્યું જ હતું !... પછી તો ભણવામાં હોંશિયાર એવી મિસ અવનિ, આશયની ફેવરીટ વિદ્યાર્થીની થઈ ગઈ. એની અભ્યાસની મુશ્કેલીઓ એને પોતાની કેબીનમાં બોલાવી -સમજાવી એ સોલ્વ કરી દેતા. કેટલીએ વર્કશોપ કે બીજી પ્રવૃત્તિઓમાં પણ એ અવનિને આગળ કરતાં. પછી તો અભ્યાસ સિવાયની પણ બંને ઘણી વાતો કરતાં. કોલેજમાં સમય ન મળે તો હવે તો બહાર પણ મળતાં થઈ ગયા હતાં. આશય હતાં તો ખૂબ જ સજ્જન એણે ક્યારેય અવનિનો ગેરલાભ લેવાની કોશિષ પણ નહોતી કરી.....એની પોતાની પત્ની અને નાનાં ક્યૂટ દીકરા સાથે ઓળખાણ પણ કરાવી હતી. છતાંય ગ્રેજ્યુએશન પૂરું થતાંમાં તો અવનિ પૂરેપૂરી આશયમય બની ગઈ ! બંને એ એકબીજા માટેના પ્રેમનો એકરાર પણ કરેલો. પણ આશયની સજ્જનતા એને પોતાના કુટુંબથી તો દૂર થવાનો વિચાર જ કરવા દે એમ નહોતી ! વળી હવે તો એના કુટુંબમાં નાની દીકરીનો પણ ઉમેરો થયો હતો !

આખરે એક દિવસ, અવનિ બીજે લગ્ન કરવા દબાણ કરતા મા-બાપ નું ઘર કાયમ માટે છોડી આશય પાસે આવી ગઈ. થોડાક ગભરાયેલા આશયે એક મિત્રને ત્યાં અવનિનાં રહેવાની વ્યવસ્થા કરી. ને પછી બંને એ પ્રેમથી મજબૂર બની, મૈત્રી -કરાર કરી આ ઘર વસાવ્યું. થોડાં સમય પછી આશયની પત્નીને પણ આ વાતની ખબર પડી પણ એશો-આરામની જિંદગી ઉપરાંત બધી જ ફરજ નિભાવતા આટલા શાંત પતિથી જુદા થવાનું એને કંઈ ઠીક ન લાગ્યું.

કોલેજથી બપોરે ફ્રી થયે આશય અવનિ પાસે પહોંચી જતો. દરેક સાંજ એમના સંગે રંગીન થઈ જતી, પણ રાતના આંઠને ટકોરે એ રંગીની અવનિ માટે ગમગીનીમાં પલટાઈ જતી. એ આશયના પોતાના ' ઘરે ' જવાનો ટાઈમ હતો.

પોતાના રિક્ત સમયને થોડો જીવંત બનાવવા અવનિને એકવાર સંતાનની ઈચ્છા થઈ, પણ આશયે એને સમજાવ્યું કે એમના બંનેનો પ્રેમ કંઈ ચીલાચાલુ થોડો છે ? કે કોઈ ત્રીજાની જરુર પડે ? એ તો પોતાનામાં જ સભર છે.

આ વાતને થોડો સમય થયો હશે .....આશયનાં દીકરાના જનોઈનો પ્રસંગ ધામધૂમથી ઉજવવાનું નક્કી થયું હતું. અવનિની ઈચ્છા હતી અને ઊંડે ઊંડે આશા હતી કે આશય એને કંઈ નહીં તો, એક દોસ્ત તરીકે પણ એમાં શામેલ કરશે ! પણ આશય તો ચૂપ જ રહ્યો...પ્રસંગ પતે ત્રણ દિવસે અવનિને મળ્યો ત્યારે બધું પ્લાનિંગ પ્રમાણે પત્યું એટલે ખુશખુશાલ હતો. પણ કોણ જાણે કેમ અવનિને એવું લાગ્યું કે ક્યાંક, કંઈક મિસપ્લાન્ડ રહી ગયું.....!

એમ તો આશયને કવિ તરીકે કોઈ એવોર્ડ મળવાનો હતો ત્યારેય અવનિ ને જવાની...પોતાના આશયના થતા બહુમાનને માણવાની ખૂબ ઈચ્છા હતી. પણ ત્યાંય એને સહકુટુંબ આમંત્રણ હતું. એનું કુટુંબ પણ જવાનું હતું એટલે એ ન જઈ શકી ! એ વાત જુદી જ કે આશયે ફંકશન પતે સીધા અવનિ પાસે આવી એ ચંદ્રક એના ગળામાં પહેરાવી "મારી પ્રેરણામૂર્તિ " કહી એને ગળે વળગાડી.

આમ જ પંદર વર્ષ તો વીતી ગયાં....કદાચ જિંદગી જ નીકળી જાત .....પણ ત્યાં માનવજાત માટે ન ભૂતો-ન ભવિષ્યતિ જેવો કોરોના-કાળ આવ્યો.....આ જીવલેણ ચેપી વાયરસે માણસ જાતને ભરડો લીધો ને દુનિયા આખી એનાથી બચવા લોકડાઉનમાં પોત-પોતાના ઘરમાં જ કેદ થઈ ગઈ. સમય સ્થગિત થઈ ગયો. આશય પોતાના કુટુંબ સાથે અને અવનિ એકલી પોતાના ઘરમાં.....બહાર નીકળવાની જ મનાઈ હોવાથી પાંચ-છ મહીના તો આમ જ ગયાં......આશયની સજ્જનતા કે એણે અવનિને ઓનલાઈન ઓર્ડર કરી જીવન -જરુરિયાતની બધી જ વસ્તુઓ પહોંચાડી.......એટલીસ્ટ એને તો એવું લાગ્યું....! પણ આ રોગના ભયનાં ઓથાર નીચે રાત-દિવસ સાવ એકલતામાં જીવતી અવનિ ને પોતાની જરુરિયાત પહેલી વખત કંઈક સ્પષ્ટ થતી લાગી !

લોકડાઉનમાં છૂટ મળતાં જ આશય એક સાંજે આવી પહોંચ્યો. પંદર વર્ષ માં પહેલીવાર આટલો લાંબો સમય અવનિનાં સાંનિધ્યથી વંચિત એવો એ તો ખૂબ ઉત્તેજીત હતો.....પણ અવનિ હજી પોતાની એકલતાનાં ઓથારથી છૂટી નહોતી શકી એટલે કંઈક ઉદાસ જ હતી. બે-ત્રણ દિવસ વીત્યાં....અવનિ બધું ભૂલી ધીરે-ધીરે પોતાના હિસ્સે આવતી હપ્તાવાર હૂંફમાં પાછી લપેટાતી હતી ત્યાં.......આશયે આવી કહ્યું "હજી આપણા શહેરમાં તો કોવિદ કેર જ વરતાવી રહ્યો છે. અહીં સલામતી ન હોવાથી ગામમાં રહેતો ભાઈ, ત્યાં અમારા બાપીકા ઘરમાં આવી રહેવા ખૂબ દબાણ કરે છે....મારા ઘરમાંથી પણ દબાણ છે...શું કરું? જવું તો પડશે.....તું ચિંતા ન કરતી ! હું બધી વ્યવસ્થા કરી ને જઈશ...." ને એ ગયો...અવનિને પોતાની ગતઃ જિંદગીની ગણતરીમાં ગૂંચવીને.

આશય ફોન તો કરતો....અવનિને મિસ પણ કરતો.... એક દિવસ એણે ખૂબ ઉત્સાહથી વાત કરી કારણ બે મહિનામાં પરિસ્થિતિ ઘણી સુધરી હતી એટલે એ પાછો આવી રહ્યો હતો.

અવનિને થયું હવે પાછળ જોવું જ નથી. આવી ઉછી-ઉધારની જિંદગીમાં અટવાવું જ નથી.....આશય વગરનાં શ્વાસ લેવાની હિંમત આવી છે ....સમજાયું છે કે મનનાં મૃગજળથી કંઈ તરસ ન મટે....તો...? આશયને હવે આવવાની જ ના પાડું ?!! પણ તો પછી અધૂરી વાત અમને બંનેને આગળ વધતા નહીં અટકાવે ?!!

ના....મારે એને મળવું તો રહ્યું જ !!

દરવાજો ખૂલતાં જ આશયે અવનિને હગ આપવા હાથ લંબાવ્યા...અવનિ સીફતથી સરકતા બોલી...." મેં તને ભાવતી સ્ટ્રોંગ કોફી બનાવી રાખી છે...એ લઈને બેસીએ...." થોડીવાર આમતેમની વાત કરી. આશયને હમણાંથી અવનિનો ઉમળકો ઓછો તો પડતો હતો....આજે તો એ સાવ ખોવાયેલી જ લાગી. અચાનક અવનિ બોલી ચાલ, આજે તને હું એક કવિતા સંભળાવું.....મારા ખૂબ ગમતાં કવિની લખેલી છે.......આશય હંમેશની જેમ એના પગ પાસે ગોઠવાયો. પણ આજે અવનિનો હાથ એના વાળમાં નહોતો ફરી રહ્યો..

ગંભીર સ્વરે અવનિ એ શરુઆત કરી

" ઊંડે સુધી થઈ શોધ રાત્રિ ને દિવસ,

તો હાથ લાગ્યાં તડકો રેતી ને તરસ,

નિર્ણય કરી દે તું જ બસ કે મૃગજળોનાં;

મૂળમાં છે કોણ ? સૂરજ રણ કે હું ? "

આટલું વાંચ્યા પછી અવનિનો સ્વર ધ્રૂજયો...આશયે આશ્ચર્યથી એની સામે જોતા અવનિ બોલી " હા આશય ! કવિએ મારી જ મનોવ્યથા કંડારી છે.....મારી વ્યથાના મૂળમાં કદાચ હું જ છું...હું જ મૃગજળની પાછળ દોડતી રહી ને પછી તરસી-એકલી-અધૂરી રહી ગઈ. પણ હવે મારે કોઈનો પડછાયો જ થઈને નથી રહેવું......મને પણ મારા ભાગનો સૂરજ જોઈએ છે......જે મને સતત હૂંફ આપે. મારા માટે એ સૂરજ કદાચ હું પોતે જ કેમ ન બનું ? કોઈની રાહમાં ને રાહમાં રુંધાવા કરતાં મને વહેવું ગમશે......"

અવનિનાં અવાજની સચ્ચાઈ અને દર્ઢતાથી આશય ધ્રૂજી ગયો.....

અવનિ આગળ બોલી " તું સમજે છે ને આશય ? તું મારો રસ્તો નહીં જ રોકે એની મને ખાત્રી છે....."

થોડીવારે....દરવાજો બંધ કરી એ દોડીને બાલ્કનીમાં પહોંચી. આશય નીચે પહોંચી ગયો હતો.....દૂ...ર...જતી એની પીઠને તાકી રહેલી અવનિને લાગ્યું કે...એનું અસ્તિત્વ પડછાયો મટી નક્કર ને નવું નક્કોર બની ગયું છે..


Rate this content
Log in

More gujarati story from Dina Vachharajani

Similar gujarati story from Thriller