પૌરાણિક
પૌરાણિક
સોમનાથના દરિયા કિનારે ફરતા, તેના તોફાની મોજાને જોતા નવલે પૂછ્યું," આ સોમનાથ મંદિરનું પૌરાણિક મહત્વ શું હશે ? તેની કોઈ કથા હોય તો કહે ને."
સોમનાથ જ્યોતિર્લિંગ. પશ્ચિમી તટ પર આવેલા ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું,12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ.
17 વાર જેને મોહમ્મદ ગજની દ્વારા લૂંટવામાં આવ્યું હતું તે સોમનાથ જ્યોતિર્લિંગ.
પૌરાણિક કથા પ્રમાણે દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓના લગ્ન ચંદ્રમા સાથે થયા હતા પણ ચંદ્રમાને 27 કન્યાઓમાંથી માત્ર રોહિણી ઉપર જ વધુ પ્રેમ હતો. બીજી બધી જ પત્નીઓ પ્રત્યે તે પક્ષપાત કરતો હતો અને રોહિણીને જ પ્રેમ કરતો હતો. બાકીની 26 પુત્રીઓએ દક્ષ પિતાને આ અંગે ફરિયાદ કરી અને દક્ષ પ્રજાપતિએ ચંદ્રમાને "ક્ષય રોગ થજો "તેવો શ્રાપ આપ્યો. જેવો શ્રાપ આપ્યો કે તરત જ ચંદ્રમાં ક્ષયરોગ ગ્રસિત થઈ ગયા અને ક્ષીણ થઈ ગયા. આખાયે બ્રહ્માંડમાં હાહાકાર થયો. ત્યારે બ્રહ્માજી પાસે જતા તેમણે જણાવ્યું કે 'પ્રભાસ પાટણમાં જઈ ત્યાં મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કરો અને સખત તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કરો.'
પ્રભાસ પાટણમાં જઈ ચંદ્રદેવે મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન અને તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા.
શિવજીએ વરદાન આપતા કહ્યું," ચંદ્રદેવ હું તમારો શ્રાપ પૂર્ણ રીતે મુક્ત નહીં કરી શકું પણ તમારી કળા પ્રતિદિન એક પક્ષમાં ક્ષીણ થતી જશે. જ્યારે બીજા પક્ષમાં વધતી જશે."
ચંદ્રમાની દ્રઢ ભક્તિ અને પ્રેમ જોઈ શિવજી પ્રભાસ પાટણમાં લિંગ રૂપે પ્રગટ થયા અને ત્યાં સ્થાયી થયા. તે સોમનાથ જ્યોતિર્લિંગ.
