પૌરાણિક છતાંય આધુનિક
પૌરાણિક છતાંય આધુનિક
શ્રીમદ્ ભગવદ્ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન,પૌરાણિક છતાંય આધુનિક અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. એક અદનો મોટીવેશનલ પુસ્તક ગણાય ! ગીતા હિંદૂ ધર્મ ગણાતો હોવા છત્તા એ ફક્ત હિંદૂ પ્રત્યે સિમીત ન રહેતા પુરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધુ છે. ગીતા માનવને - પૃથ્વીના પુત્રને સંબોધીને કહી છે. હિંદૂ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે પરંતુ ગીતાનું મહત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે.
ગીતામાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ સંસ્કૃત શ્લોકો છે. પુરી ગીતા થોડા શ્લોકોના અપવાદ સિવાય અનુષ્ટુપ છંદમાં છે. ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે ૩૦૬૬ માનવામાં આવે છે. ભગવતગીતાની વિશ્વનો એકમાત્ર ગ્રંથ છે જેની જયંતિ ઉજવવવામાં આવે છે.આ જન્મ જયંતિ 5119 વરસોથી ધામધૂમથી વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. ભાગ્યેજ કોઈ ભારતીય હશે જેણે ભગવદ્ગીતાજીનું નામ ન સાંભળ્યું હોય.
માનવીનાં રોજબરોજનું દરેક ક્ષેત્રોમાં ગીતા જ્ઞાન ઉપયોગી થાય છે. ગીતાજીમાં વિશિષ્ટતાઓનો ભંડાર છે, ભાગ્યેજ કોઈ એનાંથી અજાણ્યું રહી શકે. એની અનુકંપાનો પાર પામવો ઘણો મુશ્કેલ છે. ભગવદ્ગીતા સાક્ષાત ઈશ્વરે પોતાનાં સ્વમુખે બોલેલ છે. અને એટલું બધું પ્રેકટીકલી એકેએક વાત વર્ણવી છે કે આજનાં સમયમાં પણ એ એટલી જ અધિકૃત છે.
એમાં જીવનની રોજબરોજમાં ઉપયોગી નાની ટીપ્સ થકી તમે તણાવમુક્ત જીવન જીવી શકો તેની ચાવી બતાવેલી છે.
ગીતાજીમાં કુલ 700 શ્લોક છે. જેમાં 575 ભગવાન ખુદ બોલ્યા છે. 75 શ્લોક અર્જુનજી બોલ્યા છે. 39શ્લોક શ્રી સંજયજી અને ફક્ત એક જ શ્લોક ધુતરાષ્ટ્રને ભાગે આવેલ છે. ગીતાજીનાં કુલ અઢાર અધ્યાય છે, ગીતાજી 1થી 6અધ્યાયમાં કર્મ, 7થી 12 ભક્તિ અને 13થી 18અધ્યાયમાં જ્ઞાનનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. ધર્મ, કર્મ, ભક્તિ અને જ્ઞાનની એક પણ મુંઝવણ એવી નથી જેનો ગીતાજીમાં ઉકેલ ન હોય. ગીતાજી એક સંપૂર્ણ શાસ્ત્ર છે. એટલે જ આપણી અદાલતોમાં પણ એનાં પર હાથ રાખી સચ્ચાઈનાં કસમ ખવડાવે છે.
ત્યાગીને ભોગવવાની વાત ગીતાજીમાં કરી છે. પરિવર્તન સંસારનો નિયમ છે એ સત્ય એમાં ઉજાગર થાય છે.કર્મનાં ફળ દરેકે યેનકેનપ્રકારેણ ભોગવવા જ પડે છે. ગીતાજીમાં હિન્દુ શબ્દનો ક્યાંય પ્રયોગ નથી એટલેકે સર્વધર્મ સમભાવ અને બહોળા પરિવેશમાં પ્રયોજાયેલ ગ્રંથ છે. જ્યારે દરેક ઠેકાણેથી થાકેલા અને હારેલાં વ્યક્તિઓને કોઈ જ શરણ ના મળે ત્યિરે ઈશ્વર ખુદ કહે છે કે, સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ । અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ
અર્થાત, તારા મનના માનેલા બધા ધર્મોને છોડીને તું મારે એકને શરણે આવ. હું તને સર્વ પાપમાંથી મુક્ત કરીશ અને તને મોક્ષ આપીશ. તું શોક ન કર.
કેટલી મોટી વાત કરી છે !પૌરાણિક છતાંય આધુનિક ગ્રંથ..!
