તહેવાર
તહેવાર
ભારત આમ તો તહેવારોનો દેશ છે. દરેક પ્રાંત અને જાતિ પ્રમાણે ઘણાંબધા તહેવારો ઉજવાય છે ! તહેવારો આપણને જીવતાં રહેવા માટે ઉત્તમ ટોનિક પૂરવાર થતાં હોય છે. તહેવારો આપણને ખુશીઓ વહેંચવા આવતાં હોય છે. એમાં ઉમંગ,ઉલ્લાસ,પ્રેમ અને ભાઈચારાનાં આદાનપ્રદાન થકી નિર્દોષ આનંદ લેવાનો હોય છે. પણ આપણે સહુએ એમાં પણ વહેવાર ઘુસાડી દીધો છે. દિવાળીમાં બોણી આપવાનો રીવાજ, એ બીજું કશું જ નહીં જબરજસ્તીથી ઘુસાડેલો વહેવાર છે.
સામાન્ય કે નબળી આર્થિક સ્થિતિવાળી વ્યક્તિ માટે આવાં તહેવારોમાં આર્થિક વ્યવહારોનું આદાનપ્રદાન એમની હાલત વધારે કફોડી બનાવે છે. દીકરીનાં સાસરે દરેક તહેવારોએ કાંઈને કાંઈ રોકડ,ભેટ-સોગાદો, મેવા, મિઠાઈ, નવાં પરિધાન અને જણસ આપવાનો વહેવાર એ અમુક જાતિઓમાં ફરજિયાત છે. જો દીકરીને એનાં પિયરથી આટલી વ્યવહારીક
રીત ના અપનાવાય તો રીતસર મહેણાંટોણાં અને કનડગત માટે એણે તૈયાર રહેવું પડે છે.
ખાસ કરીને ઉત્તર ભારત તરફ આવાં તહેવારોની સાથેસાથે અઘરાં વહેવારોને જોડી દેવામાં આવ્યાં છે. માવતરની ત્રેવડ ના હોય તો રીતસર દેવું કરી ઘી પીવડાવવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. કહેવાનું તાત્પર્ય એ જ છે કે તહેવારો આપણને એકમેકથી જોડવાં આવે છે, નહીંકે ભેટ સોગાદોથી તોલવાં ? કારણકે તહેવારોનો નિર્દોષ આનંદ લેવા માટે મોટાઈ બતાડવાની કોઈ જરૂરત હોતી જ નથી.
મોટાં ખાનદાન સાથે સંબંધ જોડવા માટે પણ તહેવારોના નામે ભારેભરખમ વહેવાર કરાતાં હોય છે. આ કેટલાં અંશે વ્યાજબી છે ? આને લીધે તમારો તહેવાર ઉજવવાનો ઉદ્દેશ બાજુ પર મુકાઈ જાય છે અને તહેવાર એક સોદાબાજી બની જતો હોય છે. એને બદલે તહેવારો પર અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, રુગ્ણાલયો કે અશક્ત વ્યક્તિઓ, મંદબુદ્ધિ બાળકો સાથે રહી ઉજવણી કરવી જોઈએ. આવા લોકોની સાથે ડિનર કે લંચ લઈ મીઠાઈ ખાવી અદ્રશ્ય આશીર્વાદથી કમ થોડું હશે. . . !
અને આવા વેદનાસભર ચહેરા પર નિર્દોષ આનંદની લહેરખી ઊઠતી જોઈ શકશો તે લટકામાં.
બાકી આપણાં વડવાઓ તો કહી ગયાં છે કે, "તહેવારમાં વહેવાર નહીંને વહેવારમાં તહેવાર નહીં " એમાં કાંઈક તો તથ્ય હશે જ.
