કલ્પના
કલ્પના
એક સુંદર કલ્પના ! પ્રભુ મારા પર પ્રશન્ન થાય તો હું શું માંગુ ? પ્રભુ મારા પર પ્રશન્ન થાય તો હું શું માંગુ ? આ તો યક્ષ પ્રશ્ન !
આમ તો ઈશ્વર પરમકૃપાળુ છે. એને આપણી નાનામાં નાની જરૂરિયાતો વિશે ખબર છે.ત્રિકાળ જ્ઞાની જો ઠેર્યો ! મારી ત્રૃટી વિશે પણ જાણતો હશે. એટલે હું કાંઈ એવું કરું અને એકદમ પ્રશન્ન થઈ ગયો તો ? તો સૌથી પહેલાં એની ઈશ્વર હોવાની સાબિતી માંગુ ! એમનું ઈશ્વર હોવાની સાબિતી આપતું ઓફિશિયલ આઈ કાર્ડ માંગું ! એ બાંહેધરી આપે કે એ મને વચન આપીને ફરી નહી જાય,એવું લખાણ લખાવી લઉં, સ્ટેમ્પ પેપર પર ! આ બધું કરવામાં મારો કે એમનો વાંક નથી, કારણકે એ કળિયુગમાં પ્રશન્ન થઈ રહ્યાં છે ! અને હું કળિયુગમાં જન્મ લીધેલ યાચક છું. માંગણીઓ કરવી તો આપણો જન્મસિધ્ધ અધિકાર છે !
ઓકે, પછી આ બધી કાયદાકીય પ્રક્રિયા પૂરી થાય એટલે એ એમનાં ઓરીજીનલ સ્વરૂપમાં મને દર્શન આપે, બરાબર ?
હવે મુદ્દો અહીં એ ઉભો થાય કે કયાં ભગવાન મને કયાં સ્વરૂપે દર્શન આપશે ? હું તો પાછી સનાતન ધર્મની ઉપાસક !
તો ય હું ઈશ્વરની સૌમ્ય પ્રકૃતિવાળી મુખાકૃતિ પસંદ કરૂં ! મારે માંગવાનું હોય એટલે સૌમ્ય ચહેરાંવાળા ઈશ્વર જોડે જરા સહજતા અનુભવાય ને ! માનવસહજ સ્વભાવ ! કડક ને કરડાકીવાળો ચહેરો હોય તો જરાં માંગવામાં ક્ષોભ અનુભવાય, એટલે હું એમાં મારા ફેવરીટ શ્રી વિષ્ણુ ભગવાન પર પસંદગી ઉતારૂ !
ઓહોહો ! એ પ્રશન્ન થયાં અને સાક્ષાત મારી સમક્ષ આવે એટલે હું તો એમને ટગર ટગર ટગર જોયાં જ કરૂં ! પછી એમને વળગી પડું ! મને ખબર છે એમને ય ખબર છે હું દરમિયાન ચોધાર આંસુએ રડતી હોઉં ! અને એ ય પણ ! અમે બે પાક્કા મિત્રો ખરાં ને ! એટલે હું મનુષ્ય જન્મ ધારણ કરી પૃથ્વી પર આવી અને એ ત્યાં સ્વર્ગમાં ! બહુ જ લાંબા અંતરાલ પછી મળ્યાં એટલે આવું રીએક્શન સ્વાભાવિક છે !
ઓકે, થોડીકવાર થઈ પછી અમે સ્વસ્થ થઈને એકબીજાની ખબરઅંતર પૂછીએ. પછી આવે મુખ્ય મુદ્દો ! મારો વિષ્ણુભગવાન મને પૂછે કે બોલ "માંગ માંગ માંગે તે આપું !" અને હું કળિયુગમાં શું માંગુ ? ખબર છે ? સતયુગ માંગું.
મને ખબર છે, બીજાનાં સુખમાં જ આપણું સુખ સમાયેલું છે. જે વિચારીશ એ જ ડબલ થઈને મારી પાસે થઈને આવશે !
પ્રકૃતિનો નિયમ છે. જો જૈસા બોયેગા, વો વૈસા પાયેગા ! જૈસી કરની વૈસી ભરની ! તો હું શું કામ મારી એકલી માટે માંગું ?
સમગ્ર માનવજાતનાં કલ્યાણ માટે બધું માંગું. બીજાનાં ભલામાં આપણું ભલું ! બધાં સુખી થશે,બધાં ખુશ હશે, બધા નિરોગી હશે તો હું કુદરતી જ સુખી જ થઈશ ને ! હું એમની સાથે જોડાયેલી એક કડી જ છું ને ! પછી એ કુદરત હોય, પશુ,પક્ષી હોય કે નાનકડી કીડી હોય !
એટલે હું ઈશ્વરને ફક્ત બે હાથ જોડી એટલું જ કહીશ કે, સર્વે ભવન્તુ સુખીન:,સર્વે સન્તુ નિરામયા । સર્વે ભદ્રાણી પશ્ચયન્તુ,મા કશ્ચિત્ત દુ:ખ ભાગભવેત ।।
આ સાંભળીને મારો વહાલો મિત્ર તથાસ્તુ કહી ફરી મળવાનાં કોલ સાથે અંતર્ધ્યાન થઈ જશે ! અસ્તુ.
