ઘસાઈને ઉજળા થઈએ
ઘસાઈને ઉજળા થઈએ
મારા એક ફોઈ નામે સદગુણબેન. નામ એવા જ ગુણ...! સર્વ ગુણોની ખાણ હતાં..! ખૂબ મોજીલાં..! કાયમ આનંદમાં જ હોય..!
અમે એમને વ્હાલી ફોઈનાં હૂલામણાં નામે જ બોલાવતાં. શરીરે ય પ્રમાણમાં ઘણું ચુસ્ત,સ્ફુર્તિવાન અને તંદુરસ્ત. કોઈનું દુઃખ એ જોઈ ના શકતાં. ઈશ્વર કૃપાએ એમની આર્થિક સ્થિતિ ખૂબ સારી હતી. પરિવારમાં, એમની આસપાસ કે સમાજમાં કોઈને પણ કશી પણ જરૂરિયાત હોય તો એ તૈયાર રહેતાં..!
આખાબોલા પણ હૃદયથી એકદમ સાફ અને સ્પષ્ટ. એ કાયમ કહેતાં કે મારે રીબાઈ રીબાઈને મૃત્યુ નથી પામવું. ઈશ્વર પાસે એમની એકજ માંગણી કે મૃત્યુ પછી પણ કોઈને કામ આવી શકું એવું મૃત્યુ દેજે..!
એકવાર એમણે સવારે નિત્યક્રમ પરવારીને કશુંક કામ કરવા રૂમ તરફ પ્રયાણ કર્યુ ને એકદમ એમનો પગ લપસ્યો..! એ બેભાન થઈ ગયાં. એમને સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા. ત્યાં એમને ડૉ એ બ્રેન ડેડ જાહેર કર્યા..!
એમની દીકરી-દીકરો બંને પરદેશથી તાબડતોબ આવી ગયાં.
ફૂવાને પણ જાણ કરવામાં આવી. ફૂવાને અલ્ઝાઈમેરની તીવ્ર તકલીફ રહેતી હતી. પરિવારનાં બીજા સભ્યોએ ફૂવાને સંભાળી લીધા.
પૂજ્ય ફોઈની સારવાર કરનાર ડૉ એમનાં જાણીતા અને પરિવારીક મિત્ર હતાં. એમણે પૂજ્ય ફોઈએ અંગદાનનું ફોર્મ ભરેલું તે સહુને યાદ કરાવ્યું..!
એમનાં બંને બાળકો દીકરી અને દીકરો એ માટે સહમત થયાં.
અંગદાન માટેની કાયદાકીય ફોર્માલીટી ફટાફટ પૂરી કરી દેવામાં આવી.
પૂજ્ય ફોઈનાં દરેક અંગોને તરત જ ઓપરેટ કરી કાઢીને એને જે તે પ્રક્રિયામાંથી પસાર કરી દાનની વ્યવસ્થા કરવામાં આવી..!
આંખો, લીવર, હૃદય, કિડની અને બીજા અંગો વગેરે એકદમ હેલ્ધી રીતે છેવટ સુધી કાર્ય કરતાં હતાં..!
જે જરૂરિયાતમંદ અને એ અંગોની જેમાં ખામી હતી તેવા પેશન્ટ્સમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે મોકલી આપવામાં આવ્યાં..! પૂ.ફોઈની અંતિમ ઈચ્છા પણ ઈશ્વરે પૂરી કરી..!
ખરેખર..એમનો પરગજૂ સ્વભાવ, બીજા માટે મદદરૂપ થવાની ભાવના છેવટ સુધી બરકરાર રહીને મૃત્યુ પછી પણ એ દાનની સરવાણી વહાવતાં ગયાં..!
સિવિલ હોસ્પિટલ, અમદાવાદનાં એ વખતનાં વિખ્યાત નેફ્રોલોજીસ્ટ અને પદ્યશ્રી સ્વ. ડૉ.એચ.એલ.ત્રિવેદી સાહેબનાં શ્રીહસ્તે પૂ ફોઈનાં મૃત શરીરને ઓમકાર મંત્ર લખેલ શાલ ઓઢાડી અને એમને મરણોપરાંત શીલ્ડ અને સર્ટીફીકેટ આપવામાં આવ્યું. જે હજીય એમની સુંવાળી, હૂંફાળી અને સોનેરી યાદ સ્વરૂપ સાચવી રાખવામાં આવ્યું છે.
મારા વહાલાં ફોઈ સદાસર્વદા પૃથ્વી પર તો સહુને ખુશ અને સુખી જોવા માટે ઉત્સુક રહેતાં જ હતાં..!
એ જ ફોઈ મૃત્યુ પછી ય કેટલાંયને પોતાનાં અંગોનું દાન કરી બીજા લોકોને ય સુખી કરતાં ગયાં..!
અંગોનું દાન એ મહાદાન છે. આધુનિક ટેકનોલોજીનાં સમયમાં એનાં થકી કેટલાય નાની ઉંમરમાં પોતાનાં અંગોને કોઈને કોઈ કારણસર ખોટકાઈ જવાથી કે બંધ પડવાથી અકાળે મૃત્યુને વરે છે એવાં લોકો માટે આવું અંગદાન થકી જીવતદાન આપવું નવસર્જન કરવા જેટલું અદ્ભુત અને પૂણ્યશાળી-ઉમદા કાર્ય છે.
આજે વિશ્વ અંગદાન દિવસ છે. આપણે પણ આપણાં અંગોનું દાન કરવાનો સંકલ્પ કરીએ.
મેં પણ મારૂ અંગદાનનું ફોર્મ ભરી દીધેલ છે.
સ્વર્ગમાંથી પૂજ્ય ફોઈની ચેતના હજીય અમારા સહુ ઉપર એમનું વ્હાલ એમની વરસાવતી હોય એવો અનુભવ થાય છે..!
ઘસાઈને ઉજળાં રહીએ એ ઉક્તિ એમણે ખરાં અર્થમાં સાર્થક કરી..! આપણે ય કરીએ..! મૃત્યુ પછીથી પણ જીવન છે એની આનાંથી રૂડી સાબિતી બીજી કઈં હોઈ શકે..?
