આઝાદ
આઝાદ
આઝાદ થવું એ શબ્દને આપણે બહોળા પરિવેશમાં લઈશું. આઝાદી ફક્ત દેશને આઝાદ કરવા પુરતી કે ખુદ સ્વતંત્ર થાવ એનાં પુરતી મર્યાદીત ના રાખવી જોઈએ. સાચા અર્થમાં આઝાદ થવા માટે આપણે ખોટાં રીત રિવાજો, રસમો અને પ્રથાઓને ફગાવવી પડશે .જેને કારણે આપણે ખુબ સુંદર સોનાનાં પિંજરામાં સામાજીક રીતે કેદ થયાં છીએ એમાંથી નીકળવું પડશે, આઝાદ થવું પડશે !
અહીં પિંજરુ આ શબ્દ એક પ્રકારની જેલનાં અનુસંધાનમાં વપરાય છે. એવી જેલ કે જેમાં તમને કમજોર જાણીને, પૂરનારે પોતાના મનોરંજન માટે કે પછી પોતાના ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરવા પૂર્યા હોય. પિંજરામાં પૂરનારનો આશય તમને પ્રેમ કરવાનો હોય તો, ક્યારેય આવું બંધન ના આપે. કદાચ પ્રેમ કરેને તો એ પ્રેમ પણ ગુંગળાવી નાખનાર જ હોય. એટલે આવું પિંજરુ પછી તમને ગુંગળામણ સિવાય કશુંજ ના આપે.
બીજી તરફ, ભલે ખુલ્લુ આકાશ કે આઝાદી ના મળે એ સ્વીકારભાવ વિકસાવી દઈને ક્યારેક આવા પિંજરામાં પૂરાયેલ પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરે. કશીજ તકલીફ વગર પોતાની દરેક જરુરીયાત આપમેળે સંતોષાતી હોય. ભલેને પછી એને માટે પોતાનાં પંખ હાથે કરીને કાપવા પડે. આવી રીતે સ્વેચ્છાએ પીંજરામાં પૂરાયેલાં લોકો આપણે જોઈએ જ છીએ.એનું બહુ જ મોટું ઉદાહરણ સ્ત્રીઓ જ છે !
ભણતર,ગણતર અને આઝાદી બધુંજ સ્વેચ્છાએ કોરાણે મૂકી,સ્વેચ્છાએ પોતાની પાંખો કાપી પરતંત્રતાનું પિંજરૂ બનાવીને એમાં જ પડી રહે છે ! એમાંય પાછો એનો ગર્વ ભાવ એમનાં ચહેરા પર વર્તાય છે ! કેટલીક કોમ, જાતી, ધર્મ અને રીવાજ આવા જાતજાતનાં પિંજરાઓ તો બનાવે છે. જેમાં બૂરખો, પડદાપ્રથા, ઘુંમટો, હિજાબ, વ્રતો, મંગળસુત્ર, ઘરેણા, ચાંદલો, પોશાક, રુઢીઓ અને સંસ્કારો ફક્ત ને ફક્ત સ્રીઓને જ પાળવાનાં હોય છે અને પેઢીગત પેઢી આગળ ધપાવવાનાં હોય છે.
આવા બંધનોને સોનાનું પિંજરુ કહેવામાં મને કોઈ જ અતિશયોક્તિ નથી લાગતી. આવા સોનાનાં પિંજરામાંથી આઝાદ થવા માટે માણસે ખુદની પાંખો ફફડાવી, ખુદનાં વિચારનોં દાંત લોઢાનાં બનાવી આ બધાંજ નકામા બંધનો ફગાવવવા પડશે તો જ આઝાદ ગગનમાં વિહરવા મળશે.
