આંખ
આંખ
આપણે પુસ્તક તો રોજ વાંચીએ છીએ ક્યારેક કોઈકની આંખો વાંચી છે..? વાંચી જોજો..!
એમાં હાસ્ય, રુદન, ગુસ્સો, પ્રેમ, ઘૃણા, આશ્ચર્ય, કરુણા, ડર, અભિમાન, બીભત્સતા જેવા નવરસ જોઈને વાંચી શકાશે.
આંખોમાં એક ગજબની ઊર્જા હોય છે .આ ઊર્જા એકમેકની આંખોને વાંચી આદાનપ્રદાન કરી શકાય છે.
પછી એ આંખો બંધ હોય કે પછી હોય ખુલ્લી..!
બંધ આંખની ઊર્જાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગાંધારી છે..!
કહેવાય છે કે મહાભારત કાળમાં ગાંધારીએ આંખે કાળી પટ્ટી બાંધી રાખેલી.અને જો એ પટ્ટી ખોલે તો જેની પર પણ પહેલી દ્રષ્ટિ પડે તે વ્યક્તિનું શરીર ફોલાદી થઈ જાય...!
એની વાત એમ છે કે,
જ્યારે રાણી ગાંધારી સાંભળે છે કે દુર્યોધન સિવાય તેના દરેક પુત્ર મૃત્યુ પામ્યાં છે ત્યારે તે વિક્ષુબ્ધ બની જાય છે. દુર્યોધન કપટી છે અને તેના પક્ષે અધર્મ છે તે જાણવા છતાં પણ તે તેની મદદ કરવા જાય છે. તેણી તેને નહાઈને સંપૂર્ણ નિર્વસ્ત્ર રીતે પોતાનાં તંબૂમાં આવવા કહે છે, જેથી તે વર્ષો સુધી બંધ રહેલી તેની આંખોની શક્તિ વાપરીને તેના શરીરને એવું કવચ લગાડી દે જે સર્વ આક્રમણથી તેના શરીરના સર્વ ભાગને અજેય બનાવી દે પણ જ્યારે કૃષ્ણ રાણીને મળીની પાછા ફરે છે ત્યારે તેમની મુલાકાત નહાઈને સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને ગાંધારીને મળવાં જતાં દુર્યોધન સાથે થાય છે. કૃષ્ણ નાટ્યાત્મક રીતે દુર્યોધનની મજાક ઉડાવે છે અને આ રીતે માતાને મળવા જતાં પુત્ર વિષે લોકો શું કહેશે તેની ચેતવણી આપે છે. ગાંધારીનો ઉદ્દેશ્ય જાણતા કૃષ્ણ દુર્યોધનની નિંદા કરે છે અને શરમનો માર્યો દુર્યોધન તંબુમાં પ્રવેશતા પહેલાં પોતાના ગુપ્તાંગને ઢાંકી દે છે. જ્યારે ગાંધારીની દ્રષ્ટી દુર્યોધન પર પડે છે ત્યારે તેની દ્રષ્ટીની દૈવી શક્તિથી દુર્યોધનનાં શરીરનો ભાગો દરેક હુમલાથી સુરક્ષિત થઈ જાય છે પણ તેની સાથળના મૂળના ભાગ પર દૈવી દ્રષ્ટિ ન પડતાં તે ભાગ રહી જાય છે, અને પછી ભીમ એ ભાગ પર ગદાનો પ્રહાર કરી એને મોતને ઘાટ ઉતારે છે.
આ વાત થઈ બંધ આંખની ઊર્જાની..! પણ,
ખુલ્લી આંખોની ઉર્જ પણ ગજબ હોય છે.
જેને આપણે યોગની ભાષામાં ત્રાટક કહીએ છીએ.
ત્રાટક એ યોગનો એક ભાગ છે. આંખોને કોઈ એક વસ્તુ પર સ્થિર કરીને અનિમેષ નજરે લાંબા સમય સુધી જોઇ રહેવાનો અભ્યાસ કરવો તેને ત્રાટક કહેવામાં આવે છે. ત્રાટકના નિયમિત અભ્યાસથી એકાગ્રતા કેળવાય છે અને મનોબળ દ્રઢ બને છે.
ત્રાટકથી સામેનાં વ્યક્તિને હિપ્નોટાઇઝ કરી શકાય છે. અને એની પાસેથી ધાર્યુ કામ કરાવી શકાય છે.
આપણે ઘણીવખત આંખોથી વસ્તુ ખસેડવી, બલ્બ ચાલુ બંધ કરવો, ચમચી કે કોઈ ચીજ વાળી દેવી જેવાં કાર્યો જોઈએ છીએ એ બીજુ કશું નહીં પણ આંખોથી કરાતાં હિપ્નોટીઝમનો એક ભાગ છે.
આંખોની ઊર્જા પુસ્તકની ઉર્જ જેટલી જ બળવાન કે વિશેષ છે..!
આંખો વાંચતાં આવડે તો આપણે પણ સામે વાળી વ્યક્તિનાં મનનાં ભાવો વાંચી અને એ પ્રમાણે વર્તી શકીએ છીએ.
કેટલાંય પતિ-પત્નિ કે પરિવારો એકબીજા સાથે જાહેરમાં ફક્ત આંખોનાં હાવભાવથી વાતચીત કરતાં હોય છે...!
આંખેઆખા નિર્ણયો ફક્ત આંખોથી લેવાઈ જતાં હોય છે.
એનો અર્થ કે આંખો પણ બોલે છે..જો સાંભળતા અને વાંચતા આવડે તો..!
પુસ્તક કરતાં પણ વગર બોલેલાં શબ્દો આંખો દ્વારા સરળતાથી અભિવ્યક્ત કરાતાં હોય છે.
બોલતી આંખો, લાલ આંખો, કપટી આંખો, નશીલી આંખો, મદમસ્ત આંખો, મસ્તાની આંખો, નિર્દોષ આંખો, ભાવવાહી આંખો, શુન્યમનસ્ક આંખો, નિસ્પૃહી આંખો, મારકણી આંખો, નખરાળી આંખો, ડરામણી આંખો, અફીણી આંખો, ચમકીલી આંખો, દરિયા જેવી આંખો, રોતલ આંખો, ચુલબુલી આંખો, માછલી જેવી આંખો, મહેંકતી આંખો, ધ્યાનસ્થ આંખો અને કજરારી આંખો....!
ઓ હો હો ....!
આ બધાં જ આંખોને અપાયેલા ટાઈટલ છે..!
એને કોઈએ વાંચીને જ તો આ ટાઈટલ આપ્યાં હશે ને..?
આમાં સૌથી સુંદર ભગવાન બુદ્ધની કરુણાસભર આંખો કેમ ભૂલાય...?
ફક્ત આંખોની સામે, એની આંખમાં આંખ પરોવીને , જોઈને વાત કરોને તો આખેઆખો માણસ પરખાઈ જાય..!
એ જુઠ્ઠુ બોલે છે, એ કશુંક છુપાવે છે, એ મુશ્કેલીમાં છે, એ ટાઈમપાસ કરે છે, એ બટરીંગ કરે છે , એ લબાડગીરી કરે છે કે પછી એ સાચો છે...એ બધી હકીકત એ વ્યક્તિની આંખો બયાન કરી દેતી હોય છે..!
પણ હા, આંખો વાંચવા માટે એનો મહાવરો કરવો એટલો જરુરી છે..!
એને માટે ખુદની આંખોની એરણે ટીપાઈને ધારદાર થવું પડે..!
મંદીરોમાં ય ઈશ્વરોની આંખોનાં ભાવ વાંચતાં આવડી જાય તો ભયો ભયો..!
એને ય આપણે આપણાં આંખોનાં ભાવ પ્રમાણે વાંચીને કેટલો બધો છેતરીયે છીએ..!
આપણી આંખોની જરુરીયાત પ્રમાણે એની આંખો આપણને વંચાય છે..!
એની આંખો તો મૂર્તીમાં પત્થરની હોય છે ને..?
જો ખરેખર આપણી સામે એ જીવંત રુપે મૂર્તીમાંથી પ્રગટ તો ..?
આપણને નવરસનાં જે ભાવ જુદીજુદી આંખોમાંથી મળેને એ નવેનવરસ સામે ઉભેલ ઈશ્વરની આંખોમાં એકસાથે દેખાય..!
પછી
જે આપણી હાલત થાય એ જોવા જેવી હોય..!
આપણે એવાં ગુંચાઈને કોકડું વળી જઈએ કે જીભ , આંખો, મગજ અને આપણું અસ્તિત્વ સાવ વામણું લાગે..!
ઈશ્વરની આંખો વાંચવા માટે એટલે જ ખુદની આંખો બંધ કરીને દર્શન કરીએ છીએ..!
બાકી ખુલ્લી આંખે તો એનાં શણગારનાં દર્શન જોરદાર થાય છે, પગની ટચલી આંગળીનાં નખથી એનાં માથાની ઝીણામાં ઝીણી લટોને આપણે ખુશ થઈને નિરખયે છીએ..!
કેટલો રુપાળો..ઈશ્વર..!
ભાગ્યે જ કોઈ હશે કે જે આવાં શૃગાંરીત ઈશ્વરનાં પ્રેમમાં ના પડે..!
આ બધુંજ ખુલ્લી આંખોથી થતું ઊર્જાનું આદાનપ્રદાન તો છે..! ઈશ્વરીય શૃગાંરીય શક્તિને આંખોથી ખુદમાં આરોપિત કરી આપણે પણ નખશીખ સુંદર જ છીએ..એવો ભાવ વ્યક્ત કરીએ છીએ.આ સૃષ્ટિ, આ પ્રકૃતિ, આ બ્રહ્માંડ પણ એની અપ્રતિમ સૌદર્ય દ્રષ્ટિનો પ્રપાત તો છે...!
એ ઈશ્વરની આંખો વાંચો તો જ સમજાય..!
આંખો વાંચવી એ પુસ્તકો વાંચવા કરતાં થોડુંક અઘરું કામ છે.પણ અશક્ય નથી.
એટલે જ તો આંખો પર ઢગલો કવિતાઓ રચાઈ છે.
કવિઓ માટે આંખો પર કવિતા રચવી એ સહજ સાધ્ય છે...!
અહીં કવિશ્રી રમેશ પારેખની એક મશહુર રચના રજૂ કરતાં મારી જાતને રોકી નથી શકતી..!
તમે ય માણો...
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો
આંખો તો મોગરાની ડાળીનું નામ
એને શમણું જોયાનું ફૂલ ઝૂલે
રુંવેરુંવામાં પડે મ્હેકતી સવાર
જ્યારે પાંપણની પાંદડીઓ ખૂલે
હાથમાંથી સરકીને વહી જાતાં ભાનસાન, વીંઝે રે દૂર દૂર પાંખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો
દીધું ન જાય કોઇ પંખીનું નામ
એવી હોઠોમાં ઉપડતી ગહેક
જાણે બધું નજરાઇ જાતું ન હોય
એમ – જેને જોઉં તે મ્હેક મ્હેક !
એટલું ય ઓછું ન હોય એમ ફળિયામાં, આંબાની લૂમઝૂમ સાખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો
– રમેશ પારેખ
કેટલી સુંદર રીતે આંખોને વાંચી હશે..!
એક વાત ચોક્કસ છે કે,
આંખોનું નામ નથી હવે ફક્ત આંખો,
એમાં જોતાં જ માણસ પુસ્તક રુપે વંચાઈ જાય આખેઆખો..!
શું કો'છો..?
