Mariyam Dhupli

Drama Tragedy Thriller

4  

Mariyam Dhupli

Drama Tragedy Thriller

પાઠ

પાઠ

13 mins
380


વિમાન ભારતની ધરતીને સ્પર્શી ચૂક્યું હતું. ગમે તે ક્ષણે માધવી બહાર નીકળશે એ આશાએ બધાની નજર એક્ઝિટ ડોર તરફ ખુશીથી ચોંટી ગઈ હતી. નાની સ્નેહલ તો ફોઈના આવવાના ઉત્સાહમાં આખો દિવસ અને રાત્રી પણ જાગતીજ રહી હતી. એના પ્રશ્નો હજી પણ અવિરત ચાલુજ હતા.

"પપ્પા, ફોઈ મારી ઢીંગલી લાવશેને ? "

"હા, સ્નહેલ. ચોક્કસ. તું જાણે છે ને ફોઈ તને કેટલો પ્રેમ કરે છે. જરૂર લાવશે." 

અંકિતે પોતાની છ વર્ષની દીકરીના અધીરા મનને ધીરજ ધરવાનો પ્રયાસ કર્યો. 

"ને ચોકલેટનો મોટો બોક્ષ ? "સ્નેહલનું મન ધીરજ ધરવાનું નામજ લઇ રહ્યું ન હતું.

"અરે હા, બધુજ લાવશે. યાદ છે ફોઈએ વિડીયો કોલમાં પેકીંગ કરતા તને પ્રોમિસ કર્યું હતું ? "આશાએ પણ પોતાની દીકરીના કુતુહલભર્યા મનને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો.

"આપણે ફોઈ જોડે ક્યાં ફરવા જઈશું ? "સ્નેહલની નાની મીઠી આંખો હજી ઝીણી થઇ.

"ઘણી બધી જગ્યાએ. પપ્પાએ બે અઠવાડિયા માટે રજા મૂકી છે. ફોઈની જોડે રહેવા માટે. આપણે ઘણી મજા કરીશું . "

પપ્પાની વાત પર નિશ્ચિતતાની છાપ મરાવવા સ્નેહલે બાળસહજ પ્રયાસ કર્યો.

"પ્રોમિસ ? "

"જેન્ટલમેન પ્રોમિસ."

"પણ ફુઆજી કેમ નહીં આવ્યા ? "સ્નેહલનું બાળહૃદય તર્ક શોધવા મથ્યું.

"એમને બહુ કામ હોય.એ ઘણા વ્યસ્ત છે. અહીં આવ. જો ફોઈ આવતાજ હશે. "

દાદીના મોઢે ફોઈના આવવાની વાત સાંભળતાજ સ્નેહલ પપ્પાના ગોદમાંથી ઉછળતી, કૂદતી નીચે ઉતરી દાદીના પડખે આવી ઉભી રહી ગઈ.

"ગેસ્ટરૂમમાં એરકુલર તો ગોઠવ્યું ને ? ગરમી બહુજ છે. એ ઓરડો ઘણો નાનો છે ને હવા ની અવરજવર પણ નહીંવત છે."અંકિતે ચિંતા ભરી દ્રષ્ટિએ આશા તરફ જોયું.

"આપ ચિંતા ન કરો. દીદીના રહેવાની સગવડ આપણા બેડરૂમમાં કરી છે. એરકુલર પણ ત્યાંજ ફિક્સ કર્યું છે. એમને કોઈ અગવડનો સામનો ન કરવો પડશે. "આશાના શબ્દોમાં યોજનાબદ્ધ કાર્ય સમાપ્તિનો સંતોષ પડઘાયો. 

એ શબ્દો સાંભળીને અંકિતની માતાના ચહેરા પર પણ નિરાંતના ભાવો ડોકાયા. બે અઠવાડિયા માટે પરદેશથી આવી રહેલી દીકરી આરામથી રહીને જાય. એક માનું હૃદય બીજું શું ઝંખે ?

"તો આપણે... "અંકિતના અધૂરા વાક્યને આશાએ તરતજ પોતાના વાક્યમાં ઝીલી લીધું.

"આપણે ગેસ્ટ રૂમમાં શિફ્ટ થઇ જઈશું. દીદી આપણા માટે આટલું બધું કરે છે. તો આપણે એમના માટે થોડી અગવડ ન વેઠી શકીએ ? "

આશાના 'આટલું બધું' શબ્દોમાંજ પરિવાર પ્રત્યેનો માધવીનો સંપૂર્ણ પ્રેમ અને સમર્પણ સમાઈ ગયો. માનસિક કે આર્થિક કોઈ પણ તાત્કાલિક પરિસ્થતિમાં માધવી પર સંપૂર્ણ આધાર રાખી શકાય. લગ્ન કરી અમેરિકા જવાને ફક્ત એકજ વર્ષ થયો હતો. આ એક વર્ષ દરમિયાન પરિવાર પર આવેલી દરેક નાની - મોટી સમસ્યાઓમાં માધવીએ પોતાના તરફથી બમણો સહકાર આપ્યો હતો. ભારત અને અમેરિકા વચ્ચે સમયનો કેટલો પણ તફાવત હોય એ તફાવત માધવીની લાગણી અને ભાવો આગળ નહિવત. માધવીને ગમે તે સમયે કોલ કરો એ ઉપાડતીજ. અંકિત ને વ્યવસાયમાં આવેલી ખોટ સમયે પણ માધવીએ તરતજ વેસ્ટ્ન યુનિયન દ્વારા મની ટ્રાન્સફર કરી એકજ સાંજમાં સમસ્યાનું નિરાકરણ લાવી દીધું હતું. બાના આંખોના ઓપરેશન માટે પણ રકમ સમયસર બેંકમાં પહોંચી ગઈ હતી. સ્નેહલ માટે અંકિતે પોતાના બજેટ પ્રમાણે એક સાધારણ સ્કૂલમાં એડમિશન કરાવવાનો નિર્ણય લઇ લીધો હતો. ત્યારે આશાએ દીદીને વાત કરી જોવાની સલાહ આપી હતી. અંકિતે વાત કરી પણ હતી. માધવીનું વિશાળ હ્રદય દર વખતની જેમ આગળ આવ્યું હતું. આખરે સ્નેહલના ઉજળા ભવિષ્ય માટે શહેરની સૌથી જાણીતી શાળામાં એનું એડમિશન કરાવવામાં આવ્યું. એડમિશન ફીથી લઇ નિયમિત ઊંચા આંકડાની માસિક ફી માટે માધવીએ દર વખતની જેમજ પરિવારને આર્થિક સધિયારો આપવામાં સહેજે ઢીલ કરી ન હતી. જમાઈનું વિશાળ હૃદય જોઈ બાનું હ્ય્યુ પણ ફુલું ન સમાયું હતું.

લગ્ન કરી ઠરીઠામ થયેલી એકની એક દીકરીનું સુખી લગ્ન જીવન વૃદ્ધ આંખોને અનેરી ટાઢક આપી રહ્યું હતું. એ છે તો જાણે કોઈ ચીંતાજ નહીં.........

"તમે દીદી જોડે વાત કરી ? જો હું અમેરિકા સેટ થઇ જાઉં તો પછી વાંધો નહીં. પાછળથી આશા,સ્નેહલ અને તમને પણ બોલાવી લઉં. સ્નેહલ માટે ત્યાં ઘણો સ્કોપ છે. ત્યાંનું ભણતર તો જુદુંજ. એનું ભવિષ્ય સચવાઈ જશે, બા."અંકિતે ફરી એકવાર બાને સમજાવી જોયું.

"તું ચિંતા ન કર. એ આવી રહી છે ને. ફોન પર વાત કરવા કરતા આપણા ઘરના અંગત વાતાવરણમાં શાંતિથી વાત છેડી જોઇશ. " 

બાના શબ્દોથી અંકિતને આશ બંધાઈ. પોતાના સ્વપ્નો હવે વાસ્તવિકતામાં બદલવામાં જાજો સમય ન હતો.

"ફોઈ, ફોઈ...."

સ્નેહલના શબ્દોએ અર્ધી રાત્રીએ એરપોર્ટ ગુંજાવી મુક્યો. દીદીના સામાનની ટ્રોલી સંભાળવા અંકિત રીતસર દોડી ગયો. સ્નેહલ સીધીજ દોડતી, ભાગતી ફોઈના ગોદમાં પહોંચી ગઈ. ફોઈએ પ્રેમથી એનું કપાળ ચૂમી લીધું. આશા પણ આગળ વધી અને માધવીએ એને સપ્રેમ ગળે લગાવી દીધી. દીકરીને નજર સામે જોતાજ બાના આંસુ ન રોકાયા. એ આંસુઓને પોતાના હાથ વડે સાફ કરતી માધવી બાને ગળે લગાડી રડી પડી. એક વર્ષ પછી આમ બાને સ્પર્શ કરવાનો મોકો મળ્યો હતો. આંસુ રોકાવાનું નામજ લઇ રહ્યા ન હતા.

"બસ, બસ. હવે તું આવી ગઈ ને. ને આમ પણ હવે તો વ્હોટ્સએપ ને વિડીયો કોલ કરીએ એટલે જાણે આંખોની સામે."

બાના શબ્દોથી પૂરતું આશ્વાસન ન મળ્યું હોય એમ માધવી જાણે બાને છોડવા તૈયાર જ ન હતી, ન એના અશ્રુ એની દ્રષ્ટિને . અંકિતે દીદીના ખભે પોતાનો હાથ ટેકવ્યો.

"બસ દીદી. તું અમારાથી દૂર ભલે હોય પણ હમેશા અમારી સાથેજ છે. ટ્રસ્ટ મી. "

"હા, હું તમારી સાથેજ છું. અને તમારી જોડેજ રહીશ. હું અમેરિકા પાછી નથી જવાની." 

માધવીના રુદનમાં અનન્ય પીડા અને હૃદયભગ્નતા ઉભરાઈ આવી બાનું હૃદય એક ધબકાર છોડી ગયું. 

"આ શું બોલે છે માધવી ? "

આશા અને અંકિત પહોળી આંખોનો ઈશારો વહેંચી રહ્યા. બન્નેને પોતાના કાન ઉપર વિશ્વાસ જ આવી રહ્યો ન હતો. માધવીનું રુદન હજી યથાવત હતું. 

"પણ થયું શું એ તો....... " 

બાનું વૃદ્ધ કાળજું અતિવેગે ધ્રુજી ઉઠ્યું.

"આઈ બ્રોક અપ્પ વિથ હિમ. હું એની જોડે ન રહીશ. મને ડિવોર્સ જોઈએ છે. બસ હવે નથી સહેવાતું. હું અહીજ રહીશ. તમારા બધા જોડે. મારા ઘરમાં. આપણા ઘરમાં." 

શાંત ધરતી ઉપર જાણે ભૂકંપ આવ્યો હોય એમ પરિવારના બધાજ સભ્યો આંચકા જોડે એકબીજાને તાકી રહ્યા.

જાણે સાંપ સૂંઘી ગયો હોય એમ સૌ થીજી ગયા. આ એરપોર્ટ હતું, ઘર નહીં . બધીજ વાત અહીં ઉભા ઉભા ન થઇ શકે. એનું ભાન થતા અંકિતે ભારે હાથે માધવીનો સામાન ગાડીની ડિકીમાં ગોઠવ્યો. આશાએ બારી પાસે બેઠક લીધી અને આખો દિવસ ધમાલ મચાવીને થાકેલી સ્નેહલ પરિસ્થતીથી અજાણ પોતાની માની ગોદમાં ઘસઘસાટ ઊંઘી ગઈ. એને નિહાળતાંજ માધવીને બાના ગોદમાં વિતાવેલ પોતાનું બાળપણ સાંભરી આવ્યું. ગાડીમાં ગોઠવાતાજ જાણે હય્યાનો ભાર હળવો થઇ ગયો. હવે એ ભારત આવી ચુકી હતી. પોતાના પરિવાર પાસે. પોતાના ઘરમાં. આ ક્ષણ ની એણે કેટલી રાહ જોઈ હતી ? એ વિચારેજ એનું રુદન પણ અટક્યું. 

ગાડી ચલાવતા અંકિત પાસે બોલવા માટે જાણે એક પણ શબ્દ બચ્યો ન હતો. માધવી એની પરિસ્થિતિ સમજી શકતી હતી. આમ અચાનક...... પણ શું કરી શકાય ? જો ફોન ઉપર બધું જણાવ્યું હોત તો... નહીં, અહીં જાતે પોતાની પ્રત્યક્ષ હાજરીમાં જ બધું જણાવે તોજ મનના સાચા ભાવો આંખો અને ઇન્દ્રિયો સમક્ષ સહજ રીતે વહી શકે. બેકમીરર થકી બાની છબી આશાની પડખે ઝીલાઈ રહી હતી. એ તો કેવી ડઘાઈ ગઈ! એની આંખોમાં શૂન્યાવકાશ ભમી રહ્યું હતું. એક મૂર્તિ જેવી નિઃશબ્દ એ પોતાની સીટ ઉપર જડાઈ ગઈ હતી. જાણેકે એનું વિશ્વ સમાપ્ત ન થઇ ગયું હોય! એકની એક દીકરીના જીવનમાં આવી ચઢેલું વાવાઝોડું આ ઉંમરમાં ઝીરવવું એ સહેલું ખરું ? માધવીને બાની દયા આવી. પણ થોડા સમયમાં સૌ ઠીક થઇ રહેશે એ વિચારે એણે મનને સાંત્વના આપી અને થોડી વધુ હિંમત દાખવવાની મૌન સલાહ પણ. 

સ્નેહલના માથા ઉપર હાથ ફેરવતી આશાના મનમાં સ્નેહલનું ભવિષ્ય જાણે માર્ગમાંથી ભટક્તું સ્પષ્ટ પ્રતિબિંબ પાડી રહ્યું. ફરીથી એજ સાધારણ શાળાના યુનિફોર્મમાં સ્નેહલને નિહાળતી આશાને પોતાનીજ દીર્ઘદ્રષ્ટિ થી ચીડ ઉપજી અને એ ચીડ બેકમીરરમાં એને ચોરીછૂપે નિહાળી રહેલ અંકિતની ચિંતિત દ્રષ્ટિથી છુપી રહી ન શકી. ગાડીમાં સોય પણ પડે તો સાંભળી શકાય એવી વેરાન શાંતિ પ્રસરી રહી. જાણે એમાં કોઈ બેઠૂ જ ન હોય. બે કલાકનું અંતર દોઢ કલાકમાં પત્યું. આટલી ઝડપે આ પહેલા કદી અંકિતે ગાડી દોડાવી ન હતી. હંમેશા સુરક્ષિત ગાડી હાંકવાની ટેવ ધરાવનાર અંકિત આજે સભાન રહી ન શક્યો. ભવિષ્યની અસુરક્ષા સિવાય કશું એને યાદ ન રહ્યું. 

સામાન ગાડીમાંથી નીકાળી એણે બેડરૂમમાં સીફ્ટ કર્યો. સ્નેહલને ગોદમાં ઉઠાવી આશાએ ગેસ્ટ રૂમ તરફ ડગ ભર્યા. 

"ઊંઘી જા. સવારે નિરાંતે વાત કરીએ."

 માધવીને આશા અને અંકિતના શયન ખંડ સુધી છોડી બા પોતાના ઓરડામાં જતા રહ્યા. માધવીને હતું કે કદાચ બા પોતાની જોડે.... એને પણ સ્નેહલ જેમ પોતાની બાના ગોદમાં બધાજ વિચારો પડતા મૂકી નિરાંતે ઊંઘી જવું હતું. પણ.... પોતાના મનની ઈચ્છાને શબ્દોનું સ્વરૂપ આપે એ પહેલાજ બાના ઓરડાનો બંધ કરવાનો અવાજ કાને પડ્યો અને એનું હ્ય્યુ વલોવાય ઉઠ્યું. 

ગાડી પાર્કિંગમાં વ્યવસ્થિત ગોઠવી અંકિતે બધાંજ બારણાં બે વાર ચકાસી લીધા. એનું માથું અત્યંત ભારે થઇ ગયું હતું રાતનો ઉજાગરો અને ... શયન ખંડનું બારણું થામી ઉભી દીદીને 'ગુડનાઈટ ' કહેવા સિવાય એને કશું સુજ્યું નહીં. બીજીજ ક્ષણે અન્ય એક બારણું પણ ધડામ કરતું બંધ થયું. એ શાંત વાતાવરણ માધવીના હય્યાના કટકેકટકા કરી રહ્યું. જાણે એ પોતાના ઘરમાં નહીં કોઈ ગેસ્ટ હાઉસમાં આવી પહોંચી હતી. એણે શું ધાર્યું હતું ? અને એ શું નિહાળી રહી હતી ? ન એનું માથું બાની ગોદમાં હતું, ન તો ભાઈ-ભાભીના સ્નેહ સભર હાથ એના ખભા ઉપર. જ્યાં સ્નેહ અને આવકારભર્યા સમજદાર, પરિપક્વ વિશ્વની આશ સેવી હતી ત્યાં સમજદારી અને પરિપક્વતા હાજર તો હતા, પણ એની દિશા કેમ એના જીવનને જરાયે સ્પર્શી રહી ન હતી ? માધવીએ ધીમે રહી શયનખંડનું બારણું વાંસી દીધું અને એરકુલર શરૂ કર્યું. 

ગેસ્ટ રૂમમાં સ્નેહલને વળગી ઊંઘી રહેલી આશાએ ગરમીથી અકળાઈ પડખું ફેરવ્યું. અર્ધ જાગ્રત અવસ્થામાંજ આશાએ અકળામળ દર્શાવી. આવતી કાલેજ આપણા બેડરૂમમાં શિફ્ટ થઇ જઈશું. અહીં કેટલી ગરમી છે ? વી નીડ એરકુલર. "

અંકિતે સ્નેહલના માથે હાથ ફેરવ્યો અને માથાના ઈશારા વડે મૌન સહમતી દર્શાવી. 

એરકુલરની ઠંડી હવામાં પણ માધવીને ચેન પડી રહ્યું ન હતું. બધા મુસાફરીથી થાકી ગયા હતા કે..... 

કે...... 

એ કે..... ની આગળ વધતા મન વીંધાઈ રહ્યું હતું. શયનખંડની છતની ઉપર જાણે એ પોતાનો ભૂતકાળ ક્રમબદ્ધ નિહાળી રહી હતી. બાપુ સમય પહેલાજ દુનિયા છોડીને જતા રહ્યા. અઢાર વર્ષની આયુ હતી એની. અંકિત તો ફક્ત ૧૩ વર્ષનો. બાએ કદી રસોડાની બહાર પગ મુક્યો ન હતો. બહારની દુનિયા જોડે આંખો મેળવવાની હિંમત પણ ન હતી. કામ તો દૂરની વાત. કોલેજનો અભ્યાસ પડતો મૂકી એણે આંખો મીંચી નોકરી શરૂ કરી દીધી હતી. બાની માંદગી, દવાઓ, અંકિતનો અભ્યાસ બધીજ જવાબદારી પોતાના ખભે ઊંચકી લીધી. જીવન ઘસડાતું રહ્યું અને એ ઘસડાતા જીવનમાંજ એને જીવનની સાર્થકતા અનુભવાઈ. અંકિતનો અભ્યાસ ખલેલ વિના આગળ વધ્યો. એને કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ન કરવો પડે એની સંપૂર્ણ તકેદારી રાખી. આખરે અંકિતને જયારે નોકરી મળી અને એ પોતાના પગ ઉપર ઉભો થયો ત્યારે માધવીને જાણે પોતાના જીવન સંઘર્ષનું ફળ મળ્યું. પણ વાત અહીં પુરી ન થઇ. પોતે પહેલા લગ્ન ન કરશે. પહેલા અંકિતના લગ્ન કરાવશે એ હઠ એણે નિભાવી પણ ખરી. લગ્નનો બધો ખર્ચ માધવીએ પોતાની જીવન બચતમાંથીજ ઉઠાવ્યો. બાને બાપુની કોઈ કમી ન અનુભવાય એનો સંપૂર્ણ ખ્યાલ રાખ્યો. આખરે આશા ઘરમાં આવી અને જાને પોતે રિટાયર્ડ થવાનું મન થઇ આવ્યું. 

અંતિમ રેખા ઉપર પહોંચેલ ખેલાડી જયારે જીતવાની ખુશી જોડે આખું શરીર થાકીને લોટપોટ જમીન ઉપર લંબાવી નાખે એ રીતેજ એનો બધો થાક એકીસાથે ઉમટી પડ્યો હતો. તેથીજ લગ્ન પછી નોકરી ન કરશે એ પૂર્વ શરતે જ એણે લગ્ન કર્યા હતા. વિચારોના થાક જોડે એસીની ઠંડી હવામાં ધીમે - ધીમે માધવીની આંખો ક્યારે મીંચાઈ ગઈ એની એને પોતાને પણ જાણ ન થઇ... 

ધીમે - ધીમે બારણું ઠોકવાનો અવાજ એના કાન ઉપર પહોંચ્યો. સફાળી જાગી માધવીની આંખો સામેની ભીંત ઉપર લટકતી ઘડિયાળ ઉપર પડી. સૂરજની કિરણોએ એને યાદ અપાવ્યું. પોતે ભારતમાં હતી, અમેરિકામાં નહીં. નવ વાગી ગયા હતા. પણ શરીર હજી પીડા આપી રહ્યું હતું જેટલેગનો થાક હતો. ઉતરતા- ઉતરતા એકાદ દિવસ લાગશે એ વિચારે આળસ મરોડી એણે બારણું ખોલ્યું. ટ્રેમાં ચા થામી ઉભેલી બાને જોઈ એને રાહત થઇ. રાત્રે નકામા કેવા- કેવા વિચારોએ ચઢી ગઈ હતી ?  

"ગુડ મોર્નિંગ બા "

ચાની ટ્રે લઇ બા ધીરે રહી ઓરડામાં આવ્યા. આશા ઘરની સાફસફાઈ કરી રહી હતી. બાને ઓરડામાં જતા જોઈ એની આંખો માધવી જોડે મળી અને એક ઔપચારિક હાસ્ય જોડે એ ફરીથી પોતાના કામે વળગી. અંકિત નજરે ચઢે એ પહેલા બાએ ઓરડાનું બારણું અંદર તરફ ખેંચી લીધું. માધવીના હાથમાં ચાનો કપ થમાવી એમણે કૂલર બઁધ કર્યું. પોતાનો અવાજ ઓરડાની બહાર ન જાય એ પ્રમાણે એમણે વાતનો સેતુ બાંધ્યો. 

"જો માધવી સમસ્યા દરેક સંબંધમાં હોય. પણ આમ ઘર છોડીને આવી જવાતું હોય ? આજ સંસ્કાર આપ્યા છે આ ઘરે તને ? બે વાસણ સાથે ખખડે તો ખરાજ ને. મિલિંદનું હૃદય તો કેટલું મોટું છે! રાજ કરે છે તું ત્યાં ને આમ.... "

માધવીએ બાની વાત વચ્ચેજ કાળજું સખત કરી શબ્દો વહાવી દીધા.

"બા હાથ ઊંચકે છે મારી ઉપર. શરાબની લત છે એને. એકાંત માં તો એકાંતમાં.... લોકોની વચ્ચે પણ ..."

"પતિ છે તે તારો. સ્વભાવ થોડો આકરો હોય તો સંભાળી લેવાનું એમાં..."

માધવી ફાટી આંખે બાને જોઈ રહી. આગળ બા કઈ બોલે એ પહેલાજ એણે સ્પષ્ટતા માંગી. 

"એટલે તું એમ કહેવા માંગે છે કે ઇટ્સ ઑકે ટુ સફર ડોમેસ્ટિક વાયોલન્સ ? "

"જો માધવી આમ મોટા- મોટા શબ્દો વાપરવાથી કાંઈ ન વળશે. તું થોડું જતું કરશે તો આપણું આખું પરિવાર સચવાઈ જશે . "

માધવીની દરેક ભ્રમણાના સ્તર એક પછી એક નિર્દય રીતે ઉખડી રહ્યા હતા. 

"એટલે તું તારી દીકરીના બલિદાને.... તો સાંભળી લે બા . હું નિર્ણય લઈ ચુકી છું. હું અમેરિકા પરત ન જઈશ. હું અહીંજ રહીશ. મારા ઘરમાં. "

બાના શબ્દો એના ચહેરા જેવાજ કડક થઇ ઉઠ્યા. 

"તો ઠીક છે. તારી મરજી. પણ હા, અંકિતનો હવે પરિવાર છે. એની પત્ની, એનું બાળક. એના પગારમાં... તારે ફરી નોકરી કરવી પડશે. ઘરખર્ચમાં ભાગ આપવો પડશે. "

માધવીના મગજમાં તમ્મર ચઢી ગયા. આ શું એ સાંભળી રહી હતી ? એક ધક્કા જોડે એ પલંગ ઉપર પછડાઈ બેસી પડી. બાની વાત હજી પૂરી ન થઇ હતી. 

"અને હા, તારો સામાન ગેસ્ટ રૂમમાં ખસેડી લેજે. અંકિતનું પરિવાર છે. તું એકલી છે. તો તને એ નાનકડા રૂમમાં ફાવી જશે. "

માધવીને લાગ્યું જાણે કોઈ ખંજર વડે એનું આખું હૃદય નિર્દય પણે ચીરી રહ્યું હતું. પણ એ અવાજ પણ કરી શકતી ન હતી. અસહ્ય વેદનાથી વીંધાતી માધવીને ઓરડા બહારની બુમાબુમ સ્પષ્ટ સંભળાઈ. 

"પણ પપ્પા તમે જેન્ટલમેન પ્રોમિસ કર્યું હતું કે તમે ઓફિસ નહીં જશો. ફોઈ જોડે ફરીશું. મસ્તી કરીશું." 

"આશા એને સંભાળ તો. સ્નેહલ સામેથી હટ. મને મોડું થાય છે. કામ તો કરવુંજ પડે. ઘર ચલાવવું હોય તો..." 

અંકિતે ઉચ્ચારેલું અંતિમ વાક્ય સ્નેહલ માટે તો ન જ હતું. એ વાક્યએ માધવીની આશનું ગળું નિર્ણાયક પણે ઘોંટી નાખ્યું. એના શરીરના દરેક રુંવાડા ઉભા થઇ ગયા. સ્નેહલ પોક મૂકીને રડી રહી હતી. પણ જાતે તો આમ રડીને હળવી પણ ન થઇ શકે. સ્નેહલને શાંત કરાવવા બા ઓરડામાંથી બહાર નીકળીજ કે માધવીએ બારણું અંદરથી વાંસી દીધું. 

પલંગ ઉપર ઉંધી થઇ તકીયાની મદદ વડે એણે પોતાના રૃદનનું ગળું ઘોંટી નાખ્યું. કેટલા સમય સુધી એ આમજ અશ્રુઓ વહાવતી રહી. ભાનમાં આવી ત્યારે એણે આંસુઓ ખંખેર્યા. ઉભી થઇ. અરીસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળ્યું. કંઈક ઊંડું મનોમંથન કર્યું અને મક્કમ હ્રદયે મોબાઈલ ઉઠાવી કેટલાક આંકડાઓ દબાવ્યા. 

વહેલી સાંજે ઘરની ડોરબેલ વાગી. અંકિતનો ઘર પરત થવાનો સમય હજી થયો ન હતો. સ્નેહલ પોતાની ઢીંગલી જોડે બેઠક ખંડમાં રમી રહી હતી. બાએ વિમાસણમાં બારણું ખોલ્યુજ કે એમની આંખો ચોંકી. 

"જમાઈ તમે ? " 

"ફુઆજી... ફુઆજી..." 

સ્નેહલના અવાજથી આખું ઘર ગુંજી ઉઠ્યું. રસોડામાંથી આશા પણ બહાર દોડતી આવી પહોંચી. બાએ સ્વસ્થ થવાનો પ્રયાસ કરતા જમાઈને ઘરમાં પ્રવેશવાનું આમંત્રણ આપ્યું. 

"હું તો તમનેજ ફોન કરવાની હતી .. "

"એની જરૂર નથી "ગેસ્ટ રૂમમાંથી બહાર નીકળેલી માધવી પોતાની બેગ અને લગેજ જોડે તૈયારજ હતી. બા કશું સમજે એ પહેલાજ માધવીના ડગલાં ઘરની બહાર તરફ ઉપડ્યા. 

"હું જાઉં છું." 

"પણ જમાઈ આમ......."

મૂંઝવણ ભર્યા શબ્દો સામે બન્ને હાથ સહ આદર જોડી, પત્નીનો સામાન ટેક્ષીમાં ગોઠવી, પોતાની પત્નીને હકાધિકાર જોડે સાથે લઇ ટેક્ષી થોડાજ સમયમાં ઘરથી દૂર નીકળી ગઈ . 

ઢળતી સાંજે તાજ હોટેલના પારદર્શી કાચમાંથી દેખાતો દરિયો માધવી એકીટશે તાકી રહી હતી. આગળ ધરાયેલા કોફીના કપથી એ તંદ્રામાંથી તૂટી. પણ નજર તો હજી એ દરિયા પરજ સ્થિર હતી. કોફીનો ગરમ કપ હાથમાં આવતાજ માધવીનો આખા દિવસનો થાક થોડો હળવો જરૂર થયો. એની સૂજેલી આંખો નજીકથી નિહાળી મિલિંદે એક હાથમાં પોતાનો કોફીનો કપ ઉઠાવતા પ્રશ્ન પૂછ્યો. 

"આપણે સાથે લેન્ડિંગ કર્યું. હું હોટેલમાં આવતો રહ્યો. બધુજ સરપ્રાઈઝ પ્લાન થઇ ગયું હતું ને આમ અંતિમ ઘડી એ... તે કહ્યું કેમ નહીં ? ન મને કહેવા દીધું. એ એક પ્રેન્કજ તો હતી... "

દરિયા તરફ જડાયેલી આંખો મિલિંદની આંખોમાં ઊંડે ઉતરી. 

"નહીં મિલિંદ. એ ફક્ત એક પ્રેન્ક ન હતી. એ તો મારા જીવનનો સૌથી મોટો પાઠ હતો. "

ફરીથી બન્નેની આંખો દરિયા ઉપર સ્થિર થઇ ગઈ. 

"મિલિંદ..... "

"હા,બોલ... "

"મને નોકરી કરવી છે. ફરીથી કામ શરૂ કરવું છે. જ્યાં સુધી જીવું મારા પગ ઉપર ઉભા રહેવું છે." 

"તને જો એનાથી ખુશી મળતી હોય તો વાય નોટ ? "

મિલિંદનો પરિપક્વ હાથ માધવીના ખભાને અડ્યો. માધવીનો ચહેરો તદ્દન એને સામેના દરિયા જેવોજ ભાસ્યો. જે ઉછળીને ધસી આવી રહેલા મોજાઓ જોડે જેટલો વિહ્વળ લાગી રહ્યો હતો, પરત થઇ રહેલા મોજાઓ જોડે એટલોજ શાંત...... 

થોડા મહિનાઓ પછી અમેરિકાના ફ્લેટમાં માધવીનો મોબાઈલ રણકી ઉઠ્યો. સામે છેડે ફરીથી બાનો પ્રશ્ન અન્ય શબ્દોમાં પુનરાવર્તિત થયો. 

"તો તે શું વિચાર્યું પછી ? "

માધવીએ તદ્દન વ્યવહારુ અને સ્પષ્ટ શબ્દોમાં ઉત્તર આપ્યો. 

"બા, અંકિતને અહીં અમેરિકામાં આવી સેટ થવું હોય તો ભલે. પણ અહીં પૈસા બમણા છે તો મહેનત પણ બમણી છે. બધું ઘરમાં મળે એમ હાથમાં તો નજ મળશે. સેલ્ફડિપેન્ડન્ટ બનવું પડશે. સવારથી સાંજ સુધી પોતાના બધાજ કામ જાતે કરવા પડશે. અહીં તમે કે આશા તો હશો નહીં. અને હું તો નોકરી કરું છું. ભારતની જેમ અહીં કામ વાળા હોતા નથી. બધું જ ઘરકામ વહેંચીને કરવું પડશે. અને હા, અહીંની લાઇફસ્ટાઇલ પણ ઘણી ખર્ચાળ છે. તો એણે ઘરખર્ચ માટે પણ ભાગ આપવો પડશે. નોકરી ના પૈસા માંથી બચત નહીંવત હશે તો... તમે એકવાર પૂછી લો એને.. સમય લો.. પછી મને જણાવો.. હું નીકળું છું... મારે નોકરી પર જવાનો સમય થઇ ગયો... "

માધવી પર્સ ઉઠાવી નોકરી ઉપર નીકળી ગઈ. 

ઘણા દિવસો વીતી ગયા. 

પણ હજી સુધી ભારત થી કોઈ ફોન આવ્યો નથી......


Rate this content
Log in

Similar gujarati story from Drama