Kalpesh Patel

Drama Thriller

5.0  

Kalpesh Patel

Drama Thriller

પારિજાત

પારિજાત

8 mins
3.3K


રોજની જેમ તુલસી પારિજાત તરફ નજર માંડીને બેઠી હતી. આજે તેને જવાબ મળતો ન હતો ! અને આખરે તુલસીએ પારિજાત તરફ શુષ્ક નજરના આઘોષથી મનોમન આંખના રતન સમા પારિજાતને ભેટતા, તેણે એક નાનકડી બોટલ કાઢી, તેના લાલ ખોપરી અને ચોકડી છાપના લેબલને અવગણી ગટગટાવી લીધી. અને તે ધીરે ધીરે ઘેનમાં સરી પડી ત્યાં સુધી દયામણી નજરથી પારિજાતને નિરખતી રહી.

વિનોદરાય રાવલ રોજની જેમ બાજુવાળા મહેશભાઈ સાથે સાંજે ચાલવા નીકળ્યા ત્યારે તેનું ધ્યાન કમ્પાઉન્ડમાં બેભાન થઈ પડેલી તુલસી ઉપર પડ્યું. તાત્કાલિક ૧૦૮ બોલાવી અને તુલસીને હોસ્પિટલમાં લઈ ગયા. સામે બેભાન પડેલી તુલસી ને વિનોદરાય મમતા મિશ્રિત ચિંતાથી નિહાળી રહ્યા. પંચોતેર વર્ષે પણ તુલસી સુંદર લાગતી હતી. તેની સાથેની બે શબ્દોની ગોષ્ઠીની યાદમાં કોઈના પણ કલાકો વીતી જતા એવી હસમુખી અને માયાળુ. જે કોઈ તેને એક વાર પણ જુવે, તે તેનાથી પ્રભાવિત થાય તેવું વિરલ વ્યક્તિત્વ. કોઈને ખબર નહતી, સ્વભાવે વિનોદી, વિનોદરાય રાવલ વાસ્તવમાં મહેશભાઈ પટેલ ને ત્યાં એ તુલસીની ઝલક જોવા જ આંટા મારતા. તુલસીની એક મૂક નજરથી વિનોદરાયના લાંબા એકાકી જીવનમાં બહાર રહેતી.

 અરે મહેશ આ તુલસીબેન તો કાલે સાંજે તો એકદમ સ્વસ્થ લાગતા હતા, આજે અચાનક તેમણે શું ? વધુ વાત નો દોર આગળ વધે ત્યાં હોસ્પિટલ આવી ગઈ. હોસ્પિટલમાં પહોંચી ડોક્ટરે ચેકઅપ કર્યું, આતો “સુસાઈડનો કેસ છે ! આ ફોર્મ ભરી સહી કરી આપો. તમારા પત્નીને કાંઈ થાય તો અમારી જવાબદારી રહેતી નથી.” મહેશ ભાઈ કોઈનો પડછાયો શોધતા પલાયન થઈ ગયા, આખરે બચેલા વિનોદરાયે સ્વસ્થતાથી કહ્યું “પણ ડૉકટર આ મારા પત્ની નથી.” “ તો પોલીસ આવે ત્યાં સુધી રાહ જોવી પડે.” ડૉકટરે સિરસ્તાની વાત કરી. “પણ ત્યાં સુધીમાં મોડું થઈ જશે.” વિનોદરાય ઉત્સુક્તાથી બોલ્યા.

 અને ડોક્ટર કઈ પ્રતીભાવ આપે તે પહેલા, બોલ્યા “ઓકે, હું જવાબદારી લેવા તૈયાર હોઉં તો ?” વિનોદરાયે ત્વરિત નિર્ણય લીધો અને અંડરટેકિંગ ફોર્મમાં સહી કરી આપી, આખરે તુલસીના શરીરમાંથી ઝેર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ. બેભાન તુલસીને સિત્તેર વરસ પહેલાની તુલસી પાંચ વર્ષની તુલસીને પારિજાતને પાણી સીંચવા બોલાવી રહી હતી. નિશ્ચેતન શરીરમાં હવે થોડું ચેતન આવ્યું, આંખની બંધ કિકી કંઈક શોધતી હતી, પારિજાત ….

એક નાનકડી પારિજાતની ડાળી તેણે અને તેના દાદા મહિપતરાયે મળીને વાવી હતી. ઘરનું નામ પણ પારિજાત રાખેલું હતું. મહિપતરાયની એકની એક દીકરી સોનલ અને જમાઈ સોહમ, તુલસી જ્યારે એક વર્ષની હતી, ત્યારે જ એક વિમાન અકસ્માતમાં ગુજરી ગયાં હતાં. પણ દાદાને તુલસી ખૂબ વ્હાલી હતી. કોઈ એને અપશુકનિયાળ કહે તો દાદા તેનું મોઢું તોડી લઈ એને પોતાના હાથમાં સમેટી લેતાં અને કહેતાં,” આ તો મારા આંગણાનો ક્યારો છે. તેના થકી બધું શુભ-મંગલ છે.” નાનકડી પણ સમજદાર તુલસીની આંખમાં ચમકારો આવી જતો. ઓપરેશન થિયેટરમાં બંધ આંખોમાં પણ એ ચમકારો અનુભવાયો. પોતાની કેમિસ્ટ્રીની બુક વચ્ચે સૂકાઈ ગયેલા પારિજાતના ફૂલ જોતી વીસ વર્ષની તુલસી અત્યારે તેની સામે બુક લંબાવતી હતી. બેભાન તુલસીના હોઠ ફફડ્યા, તરુણ …

આજથી પચાસ વર્ષ પહેલાં યુવાન તુલસીનું રૂપ મોહક અને અનોખું હતું. જે જમાનામાં છોકરીઓ માટે મેટ્રિક બહુ મોટી વાત ગણાતી તે વખતે તુલસી બી.ઈ થઈ હતી. પાંચ ફૂટ છ ઈચની એની ઊંચાઈ, ગૌર ચમકતી ત્વચા અને ઉપરી તેની બોલવાની છટા અને ભાષા ઉપરના પ્રભુત્વથી ભલભલા અંજાઈ જતાં. સાથે ભણતો તરુણ, તેની નજરમાં વસી ગયો હતો અને તરુણને પણ તુલસી ગમતી. “છોકરીનો બાપ નીચે તે રાહે” તુલસીના દાદા મહિપતરાય, તરુણના મમ્મી-પપ્પાને મળવા ગયેલાં. તરુણના મમ્મીએ કોઈ જ્યોતિષી પાસે કુંડળી મેળવવા મોકલી. બંનેની કુંડળીમાં દોષ હોવાને કારણે તરુણના મમ્મીએ તુલસીને અમુક વ્રતો-વિધિઓ કરવાનું કહ્યું. એંજિનિયર થયેલી તુલસીએ અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો અને … ટેબલ ઉપર સૂતેલ તુલસીની આંખમાંથી આજેય તે યાદે આંસુ રેલાઈ ગયું.

મહિપતરાયે, દાદા ઉપરાંત દાદી અને તે સાથે માં અને બાપ એમ મળી ચાર ગણો પ્રેમ આપી તુલસીને ઉછરેલી અને તેથી તેઓ તુલસીને મોટી મેમસાહેબ બનતી જોવા માંગતાં હતાં. એ વખતે સ્ત્રીઓ માટે નોકરી કરવી બહુ મોટું પગલું ગણાતું પણ તુલસીને દાદાનો પૂરો ટેકો હતો એટલે તેણે કોર્પોરેશન માં એંજિનિયર તરીકે સર્વિસ ચાલુ કરી. દીકરીને મેડમ બનેલી જોઈ દાદા તો હરખ ઘેલા થયા અને સમય અંતરે તેઓ પરમ સંતોષથી અનંત યાત્રાએ ચાલ્યાં ગયાં આમ હવે સમયની થપાટે તુલસી અને પારિજાત હંમેશા એકબીજાનો સથવારો બની રહ્યાં.

વધારે પડતું ભણેલી, સુંદર અને સ્વાભિમાની સ્ત્રી આજે પણ આપણાં સમાજમાં થોડી તો છૂટી લે તો તે, સ્વચ્છંદ ગણાય છે ત્યારેના જમાનામાં તો અહો થઈ જતું. પરણવાની ઉંમર તો હવે ઢળવા આવી પણ એકલી છોકરી અને તે પણ નોકરી કરે તેવી સ્વચ્છંદ. તરુણ સાથેના પ્રણયને તુલસી ભૂલી ના શકી અને તેથી તે વૈવાહિક સુખ માટે આગળ નહોતી વધી શકતી. કોર્પોરેશનનો સ્ટાફ અને શહેરની વિવિધ સાઈટ તેમજ બંગલામાં ફાલેલા પારિજાતનું ઝાડ તુલસીના એકાકી જીવનમાં સાથી બની ગયાં હતાં. આમને આમ જીવનની સાઠ વસંત વીતી ગઈ. કોર્પોરેશનમાંથી હવે રિટાયર્ડ થવાનો સમય આવી ગયો. કામને અભાવે હવે તુલસીને એકલતાં ખાવા ધાતી. અત્યાર સુધીના વ્યસ્ત જીવનમાં કોઈ કમી નહોતી લાગતી પણ હવે એકલાં ગમતું નહોતું. સોસાયટીમાં એની આસપાસ રહેતી તેની ઉંમરની સાસુઓ પોતાની વહુના વાંક કાઢવામાં, પૌત્ર-પૌત્રીને રમાડવામાં અને ભક્તિ ભજનમાં દિવસ વિતાવતી પણ તુલસી પાસે તો એવું કંઈ જ નહોતું. એ અફાટ નવરાશની પળો કમ્પાઉન્ડમાં રહેલા પારિજાત સાથે વિતાવતી "આઈ- સી- યુ " માથી હવે તુલસીને બહાર રૂમમાં લાવવામાં આવી, બેભાન અવસ્થામાં કંઈક અસ્ફુટ શબ્દો નીકળ્યાં, "આશીલ પારેખ " …..

એક વખત તુલસી નવા પુસ્તકાલયનું બાંધકામ ચાલતું હતું ત્યાં સુપર-વીઝન માટે ગઈ હતી. મિનિસ્ટર અને "સી એમ" સાહેબ પંદરમી ઓગસ્ટે ઉદ્ઘાટન માટે આવવાના હતા. તુલસી સુપર-વીઝન માટે બપોરે સાઈટ ઉપર હતી અને તેણે જોયું કે એક યુવાન કામદારોને ધમકાવતો હતો, જલ્દી કરો...આમ કામમાં ડાંડાઈ કરશો તો છૂટા કરી દઈશ. તુલસીએ તેને બોલાવ્યો,“આટલો તાપ નકામો છે, ગુસ્સો કરવાને બદલે સમજાવટથી કામ લે ભાઈ. તુલસીએ યુવાન ને ઠંડો પાડતાં કહ્યું.“ અરે તમે આલોકોને ઓળખતા નથી. સવારના એક ખૂણો પકડી બેઠા છે, આ બધા લાતોના ભૂત છે, તેઓ વાત થી કદી માન્યા નથી અને માનશે પણ નહીં. હું આ બધાને બરાબરના ઓળખું છું, યુવાન સવિનય પગે લાગી બોલ્યો. સોરી “મધર” હું વધારે કઈ બોલી ગયો નહીં ? મધર ….સંબોધન કેટલું મીઠું લાગ્યું, મીઠાશ જાણે અત્યારે પણ કાનમાં ઓગળી રહી. ‘મધર’-નું સંબોધન ન તો પોતે ક્યારેય બોલવા પામી હતી કે, ન કદી કોઈએ તેને ‘મધર’કહી બોલાવી હતી. આ શબ્દમાં આટલો જાદુ હશે, એ તો તુલસીની કલ્પના બહાર હતું. યુવાને અનાયાસે સંબોધેલ વિશેષણથી તેના હૃદયના તાર અને સંવેદના એક સાથે આજે રણકી ઉઠ્યા.

“સોરી “મધર” હું વધારે કઈ બોલી ગયો નહીં ? ફરી કાનમાં અમૃત ઘોળાયું.

“તારું નામ, શું છે બેટા ? કેટલો તડકો છે, મારી ગાડીમાં આવીશ ?” તુલસી લાગણીના પૂરમાં તણાતાં બોલી.

“આશીલ નામ છે મારું ! આમ તો મને કોઈ જોવા પૂછવાવાળું નથી પણ સાઈટ રેઢી મૂકવાની મને અનુમતિ નથી. તેથી મને ધર્મ સંકટમાં ન મૂકો તો સારું ! મારે હજું જિંદગીમાં આગળ વધવાનું છે ! અને શિસ્તપાલન વગર તે શક્ય નથી “ખરુને મધર ?” આશીલની આંખોમાં નિર્ધાર દેખાતો હતો.

હું પણ, કર્મની જોગણ છું દીકરા. ગાડીમાં આવ સાથે બેસી સેન્ડવિચ ખા બેટા !” આ પોતે કઈ ભાષા બોલવા લાગી હતી, તુલસીને નવાઈ લગતી હતી.

"આશીલ" તુલસીની હોંડા સિટીમાં બેઠો, તુલસીએ લંચ બોક્સમાથી સેન્ડવિચ અને ગાડીના પોર્ટેબલ ફ્રિજમાથી કોલ્ડ -ડ્રિંકનું ટીન આપ્યું. તુલસીએ તે બપોરે પોતાના માટે લાવેલું બધું જ ખાવાનું તે છોકરાને જમાડી દીધું.

અરે વાહ તમે તો સાક્ષાત અન્નપૂર્ણા છો. તમારા હાથની સેન્ડવિચ ખાઈને મને આનંદ થયો. હું હવે જાઉં પેલા લોકોને કામમાં જોતરું, તમે ફરી આવો તો મળીશું. આશીલે ગાડીમાંથી બહાર નીકળી હાથ જોડી વંદન કરતા ગાડીમા બેઠેલી તુલસીને કહ્યું.

 “ઑ કે, બેટા કામ પતાવડાવજે, જેથી છેલ્લી ઘડીની દોડધામના રહે, તે તાકીદ કરી તુલસી સાઈટ ઉપરથી નીકળી ચાલી.

બપોરની રેગ્યુલર મુલાકાતોથી પંદરની ઓગસ્ટ આવી ત્યાં સુધીમાં તુલસી અને આશીલ વચ્ચેનું રહ્યું સહયું અંતર પીગળી ગયું. અને જાણ્યું કે આશીલ તરુણ શુકલનો દીકરો હતો. અને તેના પપ્પા તરુણ કેન્સરની બીમારી ગયે વરસે ગુજરી ગયા હતા. તુલસી માટે આઘાત મોટો હતો. પણ તે આશીલને તેની માતા અંગે વધુ કઈ પૂછી ન શકી કે તરુણ માટેમો પ્રેમ જાહેર ન કરી શકી. બીજા શનિવારે તુલસીએ તેના પારિજાત બંગલે સત્સંગ કરાવ્યો. તેમાં આશીલને સહકુટુંબ બોલાવ્યો. રાત્રે ભજન પત્યા પછી આશીલના દાદી તુલસીને મળ્યા ત્યારે તેઓ, બે પ્રેમીઓમાં આડખીલીનું કારણ બનવાથી દુખ અનુભવતા હતા, પરંતુ આશીલની હાજરીમાં તેઓ મૌન રહી છૂટા પડ્યા. આમને આમ તુલસીએ તો આશીલની આસપાસ પોતાનું અસ્તિત્વ ગૂંથી લીધું હતું.

“એક દિવસે આશીલ તુલસી પાસે આવ્યો, તેને જોતાં તુલસી બોલી ઊઠી 

“શું થયું મારા દીકરા, કેવો લેવાઈ ગયો છે !” તુલસીની અંદરની મા હવે જાગી ઊઠી હતી.

“બસ, કઈ નહીં તારા આશરે આવ્યો છું. મા !” કહી આશીલ તુલસી પાસે ઢળી પડ્યો. તુલસીએ પાણી છાંટયું. ભાનમાં આવતા તેને “મારી માં ની સારવાર માટે થોડાં રૂપિયાની પણ જરુર પડશે. આપ આપી શકશો ?” આશીલે ડરતા ડરતા પૂછ્યું. તુલસી એ કહ્યું તું બેસ હું હાલ બેંકમાં જઈને પૈસા લઈ આવું, બોલ તારે કેટલા જોઈશે.

તુલસી પછી આવી ત્યારે આશીલ પણ નહતો. તુલસીને લાગ્યું આશીલને તાત્કાલિક દવાખાને જવું પડ્યું હશે. તેણે બીજા દિવસે રાહ જોઈ અને તે પછી તુલસી વારે વારે આશીલના મોબાઈલનો નંબર લગાવતી પણ કોઈ જવાબ મળતો નહતો મળતો, ‘મારો દીકરો મુસીબતમાં હશે !’ વિચારી રાહ જોતી રહેતી. અને ઉદાસીમાં પારિજાત જોડે થોડાંક દિવસની માણેલી ચાંદનીની વાતો વગોળી રહી હતી પણ..

આજે સવારે એક નોટિસ આવી ગઈ. “અમારે બંગલાનું રિનોવેશનનું કામકાજ શરૂ કરવાનું હોવાથી તાત્કાલિક બંગલો ખાલી કરવાનો છે. બે દિવસનો સમય છે પરમ દિવસે જગ્યા સાફ કરી નાખવામાં આવશે.” સાથે ખરીદ-વેંચાણના કાગળની એક નકલ જોડેલી હતી. કોઈ "આશીલ શુકલ " નામના માણસે પારિજાત બંગલો ખોટી સહી કરી વેચી નાખ્યો હતો. તુલસી હજુ વિચક્ષણ હતી, આશીલની મીઠી વાતો અને વર્તનની ગેડ મળી ગઈ. તે ઉભડક જીવે ઊભી થઈ તિજોરી ખોલી તો તેની આંખ ફાટી ગઈ. તિજોરી ખાલી હતી અને તેમાં એક ચિઠ્ઠી હતી.

સોરી મિસ "તુલસી આંટી" – આ પત્ર વાંચશો ત્યારે તમે હકીકતથી વાકેફ થઈ ગયા હશો. તુલસી આંટી... હા હવે "તુલસી આંટી..જ ", હવે મધર નહીં... મારો ધ્યેય પૂરો પડી ગયો છે..તમને નહતું જણાવવું પણ ચાલો જાણવી દઉં... તમારા સાથેના પ્રણયભંગથી દૂભાયેલા મારા પિતા તરુણ શુક્લએ મારી માં સાથે વિવાહ તો કર્યો, પરંતુ તેઓએ જીવંત પર્યંત કદીય મારી માં ને દિલથી સ્વીકારી નહતી, વર્ષોની મારી માં ની આંખની ઉદાસી હવે હું તમારી આંખમાં જોવા ગતો હતો. તમારી સાથેનો ઘરેબો મારી યોજનાનો ભાગ હતો. તમારા કરતાં તમારા બંગલાની મારે વધારે જરૂર છે, મે બદલો લઈ લીધો અને હવે પાછું વળી જોવા માંગતો નથી....તમને ખબર છે ને ?....મારે ખૂબ આગળ વધવાનું છે. અને હા તમે કોઈ વૃદ્ધાશ્રમમાં જાવ તો કહેજો તેનું ભાડું હું જરૂર આપીશ "ગુડ બાય માય "તુલસી આંટી "......

"પારિજાત" …. બોલતાં જ તુલસી સફાળી ઊભી થઈ, જોયું તો સામે વિનોદરાય હતા અને સાથે હતી પોલીસ પલટણ. તુલસીએ વિનોદરાયને કહ્યું, “ઘણું મોડું થઈ ગયું છે, વિનોદજી તમારો આભાર માનું તેટલો ઓછો છે, તમે મને અત્મહત્યાના મોટા પાપમાંથી બચાવેલી છે. શું હું તમારી મદદની આશા રાખી શકું ? આપણે આશીલે આચરેલા ફ્રોડને મારે જરૂર પકડાવો જોઈએ. એ મારા વિશ્વાસનો ખૂની છે.” તેને માફ કેવી રીતે કરાય ?

વિનોદરાયને તુલસીના આ બફાટમાં કોઈ ફોડ ન પડ્યો, પણ અજાણતા તેઓના મનની મુરાદ ફળતી જોઈ, જોમથી ઊભા થઈ બોલ્યા. કેમ નહીં ?, હું જરૂર તારે પડખે છું.

ત્રીજે દિવસે સાઈઠના વિનોદરાય અને પંચોતેરની તુલસીની જોડી જામી ગઈ હતી. તેથી વિનોદરાયના મહેશભાઈને ત્યાં સાંજના ચક્કર બંધ થઈ ગયા, અને તેની જગ્યાએ સાંજની બેઠકના દોરમાં ભાગ લેવા હવે તુલસી વિનોદરાય રાવલના પારિજાત બાંગ્લામાં, મહેશભાઈના ચક્કર ચાલુ થયા હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama