Vrajlal Sapovadia

Drama Classics Children

4.5  

Vrajlal Sapovadia

Drama Classics Children

પાણી રે પાણી

પાણી રે પાણી

2 mins
187


આજ તમારું પાણી માપવું છે. પહેલા તો થયું કે મગ જે પાણીએ ચડતા હોય તે પાણીએ જ ચડાવાય, પણ પછી મારી જાતને પાણી ચડાવ્યું કે આજ તો નેવાનાં પાણી મોભારે ચડાવવાં છે. પણ શાંત પાણી ઊંડા હોય એટલે પાણી પહેલા પાળ બાંધી લઉં. તમારે આ વાર્તા વાંચીને વહેતા પાણીમાં હાથ ધોઈ લેવાના નથી. આમ તો સોનાની જાળને પાણીમાં ન ફેંકાય, પણ પાણીમાંથી પોરાં કાઢતાં નહીં કે વાર્તામાં ખાલી પાણી જ આવ્યાં કરે છે. તમે જાતે જ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાખજો એટલે કર્યા ઉપર પાણી ફેરવાય જાય નહીં અને કોઈના પેટનું પાણી ના હલે, બરોબર ને?


અજાણ્યા પાણીમાં ઊતરવું નહિ પણ બુદ્ધિ આગળ બળ પાણી ભરે, હું રાણી, તું રાણી તો કોણ ભરે પાણી? ચાલવા દ્યો જેમ ચાલે છે તેમ, ધૂળધાણી ને વા પાણી થઈને જ રહેશે. એમ કાંઈ ઊને પાણીએ ઘર ન બળે, જેમ લીંબુંનું પાણી સૌમાં ભળે એમ વાર્તામાં તમે ભળી જશો. ખેડ ખાતર ને પાણી, ધનને લાવે તાણી પણ પાણી પીને ઘર પૂછવું થોડું વ્યાજબી કહેવાય? એટલે આ વાત ઉપર ટાઢું પાણી રેડી દેવું જ સારું!


પાણીની આ વાત સાંભળી પાણી પાણી થઈ ગયાં કે ઊંડા પાણીમાં ઊતરી ગયાં? આપણે બધાં આમ તો એક સંપથી રહીયે, ડાંગે માર્યા પાણી થોડાં જુદા પડે ? પાણીમાં બેસી જવું સારું નહીં, કોઈ મહેણું મારશે કે ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મર ! લોકોને એમ કે ટાઢા પાણીએ ખસ ગઈ. ઘાંચમાં ગયેલું ગાડું, નેફામાં ગયેલું નાડું અને પાણીમાં ગયેલું પાડું જલ્દી બહાર નીકળતા નથી. ગામમાં પેસવાના ફાંફા અને પટેલને ઘેર ઊના પાણી, બહુ ફાંકો હતો પણ આ વાત સાંભળી એનું તો પાણી જ ઉતરી ગયું ! 


પાણીમાં રહીને મગર સાથે વેર ન બંધાય એટલે ગમે ત્યાં પાણીમાંથી પોરા થોડા કઢાય? એવી નાની અમથી વાતમાં પૈસાનું પાણી કરવું ઠીક ના કહેવાય, સાચી વાત ને? આમ તો કોને સમય છે આ બધું વાંચવાનો? એટલે દે દામોદર દાળમાં પાણી, નાતનો માલ નાત જમે, મુસાભાઈના વા ને પાણી થઈ ને જ રહેશે, શું લાગે છે તમને ? સાચું પૂછો તો પથ્થર ઉપર પાણી, કોઈ અસર જ નથી થતી બિચારાને. ગમે એટલું પાણી ચડાવો પણ એને પાણી દેખાડીયે એવું જ લાગે છે. મેં તમારું પાનું ઉતાર્યું કે મારુ પાણી ઉતરી ગયું એ ખબર જ ના પડી. શું કરવું? બધાને પાણી ભરતાં કરી દીધા છે. આ તો પાણી ફેરવી નાખે છે દરેક બાબતે એટલે અન્નજળ પાણી ખૂટી ગયાં હોય તો વાર્તાને પાણીચું આપવું જ સારું!


Rate this content
Log in

Similar gujarati story from Drama