પાનખર પછીની વસંત
પાનખર પછીની વસંત
"અમે તો પાનખરના પીળા પર્ણો કોણ બાંધે અમને તોરણે?"
વિનય ના મોઢેથી આ શબ્દો સાંભળી સિંદૂર લેવા માટે ચૂડીઓથી શોભતો વર્ષાનો લંબાયેલો હાથ થંભી ગયો. આ તો પોતાની ખાસ ડાયરીમાં વર્ષાની કલમે લખાયેલા મનોભાવ..
વર્ષાની પાનખર સમી જિંદગીમાં વસંત બનીને પ્રવેશ કર્યો હતો વિનયે. એની સામે જોતાં જોતાં વર્ષાની આંખ સામે ભૂતકાળના દિવસો તરવરવા લાગ્યા.
વર્ષા અને વિનય બચપણના સાથી. યુવાવસ્થામાં પ્રવેશતા, સાચા સ્નેહસાગરના સાચા સંગાથી બને, તે પહેલાં તો વર્ષાના વિવાહ નક્કી થઈ ગયા. વિનય પોતાની લાગણીઓને મનમાં ધરબીને હસતે મોઢે લગનના બધા જ કામમાં સહભાગી થયો.
વર્ષાની કારમી કમનસીબી... સોહાગણના શણગારમાં વિદાય લીધેલી વર્ષા... રસ્તામાં થયેલા
કારમા અકસ્માતે વર્ષાને વૈધવ્યના વાઘા પહેરાવી દીધા.
વૈધવ્ય કુરિવાજ અને પીડા જોઈને વિનયનું હૃદય દ્રવી ઉઠ્યું.
વિનયે પોતાના મનની વાત વર્ષા સામે કરી અને લગ્નનો પ્રસ્તાવ મુક્યો. અભાગણીનું બિરુદ પામેલી વર્ષા મનથી ખુબ જ ભાંગી ગઈ હતી. એનામાં તો હિંમત જ નહતી કે આ પ્રસ્તાવનો સ્વીકાર કરે. વિનય વર્ષાને દિલથી સાચો પ્રેમ કરતો રહ્યો, અને વર્ષાના ઉત્તરની રાહ જોઈ રહ્યો. વર્ષા સમાજના બંધનની બેડીઓમાં મનોમંથન અનુભવતી રહી.
વખત વહેતો ગયો, વિનય પોતાના ઘરવાળાના સાથ સહકારથી વર્ષાને સમજાવવામાં સફળ રહ્યો.
સમાજનો વિરોધ સહન કરી ને પણ તેણે વર્ષા સાથે પુનર્વિવાહ કર્યા.
ચપટી સિંદૂરે વર્ષાના જીવનમાં પરિવર્તન લાવ્યું.