JHANVI KANABAR

Tragedy Thriller Others

3.9  

JHANVI KANABAR

Tragedy Thriller Others

પાંજરાની પેલે પાર

પાંજરાની પેલે પાર

6 mins
255


`સરુ ! ઓ સરુ !.. બેટા પાણી ભરતી આવ.. બટુકકાકા આવ્યા છે.’ ગંગાબેને બટુકભાઈને આવકારો દેતા દેતા જ હુકમ છોડ્યો. સરુએ બ્લાઉઝ ચણિયા પર પહેરેલ ઓઢણી સરખી કરતાં કરતાં બટુકભાઈને પાણીનો ગ્લાસ ધર્યો. બટુકભાઈએ પાણી લેતા લેતા સરુને નિહાળતા કહ્યું, `કાલ જ માધાભાઈ જોડે વાત થઈ. સરુ માટે ઠેકાણું ધ્યાનમાં રાખવાની ભલામણ કરતાં’તા.. ઈ માટે જ આજ આવવાનું થ્યું ભાભી. બે’ક ઠેકાણા છે, તમને ધ્યાન પડે તો.’

`હા હા, કાલ જ સરુના બાપુજીએ કીધું કે, બટુકભાઈની જોડે વાત થઈ છે. ન્યાતનો કોઈ સારો છોકરો મળી જાય તો સરુનો ભવ સુધરી જાય. લાવો લાવો ! બતાવો ભાઈ !’ કહેતા કહેતા ગંગાબેને બટુકભાઈના હાથમાંથી કુંડળીઓ લીધી. સરુ પાણીનો ગ્લાસ લઈ રસોડામાં ચાલી ગઈ.

`બેટા સરુ ! બટુકભાઈ માટે ચા....’ હજુ વાક્ય પૂરુ થાય એ પહેલા જ ઘરની મહેમાનગતિથી અવગત સરુ ચા લઈ આવી ગઈ. બટુકભાઈને પણ થ્યું કે, છોકરી તૈયાર છે. જ્યાં જશે ત્યાં નાક રહી જાશે. જશ અપાવે એવી છે.

બટુકભાઈ ચા-પાણી કરી, છોકરાના ઘરપરિવારની બાંયધરી અને ખાનદાનીની ગેરંટી આપી ચાલ્યા ગયા, પણ સરુ ઉર્ફ સરસ્વતીનું મન આકુળવ્યાકુળ થઈ ગયું. રાત્રે પથારીમાં પડી પડી બા-બાપુજીના સંવાદો કાને પડ્યા, `સરુને સારુ ઘર-વર મળી જાય એટલે આપણે ગંગા નાહ્યા. માથેથી ભાર ઉતરે.’ આ “ભાર” શબ્દ સરુને જાણે ભાલાની જેમ ખૂંચ્યો. `આઘી જાને બેન !’ બાજુમાં સૂતેલો નાનો ભાઈ ગોવિંદ સરુને વધારે જગ્યા માટે ધક્કો મારી રહ્યો હતો. સરુને ગુસ્સો આવ્યો અને તેણે ઓશીકું લઈ જમીન પર જ લંબાવી દીધું. ગમે ત્યાં સૂવે કંઈ જ લાભ નહોતો, કારણ તેને ઊંઘ તો આવવાની જ નહોતી.

આંખમાં વહેતા દડદડ આંસુ સાથે વીતેલા સુખદ દિવસો યાદ કરવા લાગી. ગામની સીમ પર આવેલી શાળામાં સરુ ભણવા જતી. શાળાના શિક્ષકો પ્રત્યે સરુને વિશેષ માન. અન્ય વિદ્યાર્થીઓ જ્યારે જ્યારે શિક્ષકની ઠેકડી ઊડાડતા ત્યારે ત્યારે સરુનું નાકનું ટેરવું ચડી જતું. ભણવામાં સરુનો કોઈ જોટો ન જડે, રમતગમતમાં પણ એક્કો, શાળાના નિયમો અને શિક્ષકોની આજ્ઞા પાળવામાં મોખરે. પંદર ઓગસ્ટના એ દિવસે મેદાનમાં વિદ્યાર્થીઓને ક્વાયત પણ તેણે જ કરાવી હતી, ધ્વજ લહેરાવાથી માંડી, રાષ્ટ્રીયગીત ગવડાવવા સુધીની બધી જ જવાબદારી તેને માથે હતી. આઝાદીની ગાથાઓ, સ્વાતંત્ર્યસેનાનીઓના જીવનની કંઈ કેટલીય ચોપડીઓ વાંચતી. રસોડામાં માને રોટલીઓ શેકાવતા, કચરા-પોતા કરતાં, કે નાના ભાઈને જમાડતા તેના એક હાથમાં તો પુસ્તક જ રહેતું. દેશની આઝાદીના કિસ્સાઓ વાંચતી સરુને ઘરમાં મોટેથી બોલવાની, હસવાની, ગમતું કરવાની, ભાવતું ખાવાની, ત્યાં સુધી કે, ઘરના આંગણે કે બારી પાસે ઊભા રહેવાની પણ આઝાદી નહોતી. આ છતાં પણ સરુને આશ હતી તો માત્ર એક ભણવાની આઝાદીની. તે આશ પણ સમાજની સ્ત્રી પ્રત્યેની કઠોરતા સામે હારી ગઈ.

સરુને કેટલીયવાર ગંગાબેન ટોકતા, `આ તારા થોથા નાખ ચુલામાં. સાસુ ચલાવી નઈ લ્યે.’

`પણ બા મારા મેડમ તો કેતા'તા કે, મારે કલેક્ટર થાવાનું છે. હજુ બહ વાંચવું પડશે. પછી તો ઓફિસ મળે, ગાડી મળે, ઘર મળે, ને લીલાલ્હેર....’ આઠ વર્ષની સરુ આંખો મીચકાવી બોલતી.

`બહુ જોઈ તારી મેડમ. એને શું ખબર પડે ?’ બા બોલતા અને સરુને પોતાના શિક્ષક વિશે જેમતેમ સાંભળવું ન ગમતું એટલે તે દલીલ પડતી મૂકતી. બિચારી સરુએ મેટ્રિક સુધી ભણવા માટે પણ બા-બાપુજીને કેટલા વિનવ્યા હતા, ત્યારે માન્યા હતા, પણ આજે બા-બાપુજીના તેને પરણાવી દેવાના આ નિર્ણય સામે તે દલીલ જ ન કરી શકી, એનું કારણ એ રાત્રે તેના માટે પ્રયોજાયેલ “ભાર” શબ્દ જ હતો. તે મનોમન વિચારી રહી, `મારી જોડે ક્યાં કંઈક અજુગતુ થઈ રહ્યું છે ? અહીં ગામમાં તેની બધી જ સહેલીઓ સાથે પણ આ જ થાય છે. હું કંઈ નવી નવાઈની છું ?’

મુંબઈના એક ધનાઢ્ય શેઠ્યાના એકના એક દિકરા રાઘવ જોડે તેના વિવાહ થયા. સહેલીઓ મીઠા મેણા મારવા લાગી, `બાઈ તો શેરમાં જાશે. મેમ બનીને રે'શે, ત્યાં અહીંની જેમ ઘૂંઘટા થોડા તણાય ? ત્યાં તો સાડી પે'રવાની. હાથમાં પર્સ અને ઘરવાળા જોડે સિનેમા જોવા જાશે.’ સરુ બધું સાંભળ્યા કરતી. બીજુ બધું તો ઠીક પણ ત્યાં વાંચવાની તો છૂટ હશે ને ? વળી મન કહેતું, હોય જ ને.. મુંબઈમાં તો તેને જોઈતી સ્વતંત્રતા મળશે જ. મનમાં ને મનમાં રાજી થતી તેણે તો એક બેગ પુસ્તકોની જ ભરી. આખરે સરસ્વતીની વિદાયવેળા આવી. બા-બાપુજી, સગા-સ્નેહીજનો વચ્ચેથી અશ્રુભર્યા નેત્રે પિતૃગૃહ ત્યજી શ્વસુરગૃહે પ્રવેશ કર્યો.

ઊંબરામાં કુમકુમ પગલા પાડતા જ સરુના કાને શબ્દો પડ્યા, `અમારા રઘુને તો કેટલાય સાહુકારોના ઠેકાણા આવતા પણ સાધારણ ઘરની દીકરી હોય તો, આપણા કહ્યામાં રે.’ સાસુમાં કુટુંબની સ્ત્રીઓને તેનો પરિચય આપતા હતા. સરુએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું, તેને તો રાઘવને મળવું હતું. અત્યાર સુધીમાં એણે રાઘવને માત્ર જોયો હતો. તેને સાંભળ્યો નહોતો. આજે તેને પોતાના ભાવિ પતિને જાણવો હતો, તેના વિચારો જાણવા હતા, પોતાની ઈચ્છાઓ કહેવી હતી. મધરાત્રિ થવા આવી હતી. મહેમાનોની સૂવાની સગવડ થઈ એ પછી રાઘવ અને સરુને એકલા મળવાનો સમય આવ્યો. સરુએ રાઘવ સાથે વાત કરવાની શરૂઆત કરી, પણ રાઘવ તો આજે ભાઈબંધોએ શીખવેલ ધણીપણું ભોગવવા અધીરો બન્યો હતો. બસ... સરુની એકમાત્ર આશા પણ ત્યારે છિન્નભિન્ન થઈ ચૂકી. સાસરામાં પહેલો સૂર્યોદય સરુ માટે અનેક બંધનો, રિવાજો અને ફરજો લઈને આવ્યો. ધનાઢ્ય શ્વસુરગૃહના મોભાને છાજે એ માટે સોનાના દાગીના પોતાના હાડપિંજર જેવી કાયા પર લાદી સરુ ઘરના ઢસરડા જેવા કાર્યો કરવા લાગી જતી. પોતાની ઈચ્છાઓને નાનપણથી જ મારતા શીખેલી સરુ માટે આ કંઈ બહુ આકરુ નહોતું પણ ઘણીવાર તેને પોતાનો અભ્યાસ, શિક્ષકોની અપેક્ષાઓ અને પુસ્તકો યાદ આવતા ત્યારે આંખો ભીની થઈ જતી. જો તેને અભ્યાસ માટે આઝાદી મળી હોત તો પોતે ઘણું કરી શકી હોત.... એવા કંઈ કેટલાય વિચારો આવતા અને તેને પોતાના કાળજાના પાતાળમાં ઊંડે ઊંડે ધરબી દેવા મથતી સરુ હંમેશા નિષ્ફળ રહેતી.

વહેતા સમય સાથે બાંધછોડ કરતી સરુના જીવનમાં માતૃત્વએ પગરવ માંડ્યા. સરુના ગર્ભમાં વારસદાર છે કે બોજારૂપ દીકરી એ જાણવા ગર્ભપરિક્ષણ કરાવવાનું નક્કી થયું, એ સમયમાં હજુ ગર્ભપરિક્ષણ ગુનો નહોતું. ગર્ભપરિક્ષણ સમયે સરુને તપાસનાર એક સ્ત્રી ડોક્ટર હતી. ડોક્ટર સાથે એકલામાં તક મળતા સરુએ પૂછતા ડોક્ટરે કહ્યું કે, ગર્ભમાં દીકરી છે. સરુએ ડોક્ટર સામે હાથ જોડી વિનંતી કરી, `મહેરબાની કરો મેડમ ! દીકરી હોવાનું બહાર ન પાડતા. મારી દીકરીને ગર્ભમાં જ મારી નાખશે.’ સરુની આજીજી સાંભળી ડોક્ટરમેડમ પણ પીગળી ગયા અને બહાર બેઠેલા સરુના સાસુ અને સરુના પતિને કહ્યું કે, `દિકરો છે.’ અને વાતવાતમાં જણાવી દીધું કે, પરિક્ષણ 100 ટકા સાચુ ન હોઈ શકે. જેથી તેમના પર કોઈ આળ ન આવે. અભણ સાસુ અને પતિદેવે તો દિકરો છે વિચારીને મોં મીઠું કર્યું.

સરુને થોડા દિવસ આરામ મળે એ માટે સરુના મા-બાપે વેવાઈને વિનંતી કરી કે, સરુ થોડા દિવસ પિયર આવીને રહે. રજા મળતા સરુના મા-બાપ તેને પિયર તેડી લાવ્યા. પોતાના ઘરમાં પગ મૂકતા જ સરુની સામે તેનું બાળપણ તરી આવ્યું. પિયરની ઠંડકભરી છાયામાં દિવસો સુખમય જતા હતાં પણ પાછું ગર્ભમાં રહેલી દીકરી માટે બોલેલું અસત્ય યાદ આવતું. શું થશે આ દીકરીના જન્મ પછી ? પોતાની અને પોતાની દીકરીની કેવી હાલત કરશે ? મનમાં આવતા અનેક વિચારો તેને વ્યાકુળ કરતાં હતાં.

આજે 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ હતો. સરુ છત પર કપડા સૂકવી નીચે આવી રહી હતી. રેડિયો અને ટીવીમાં પરેડ તેમજ રાષ્ટ્રગીતો સંભળાતા હતા. પોતાની શાળાની ક્વાયત અને ધ્વજની સલામીના દ્દ્રશ્યો સરુની આંખો સામે તાદ્શ થયા. વિચારોમાં ને વિચારોમાં તેનો પગ સીડીએથી લપસ્યો અને સરુ ગબડતી નીચે આવી, અને બે પગ પાસેથી લોહીની ધાર વહેવા લાગી. સરુ બેભાન થઈ ગઈ. જ્યારે ભાનમાં આવી ત્યારે જાણવા મળ્યું કે, તેના ગર્ભમાં રહેલો “ભાર” હળવો થઈ ગયો હતો. જે સત્ય તેના ગર્ભમાં છૂપાયુ હતું, તે હવે લોહી બની વહી ગયું હતું. `મારી દીકરી….’ કહી ચીસ પાડી સરુએ. પણ તેના આક્રંદમાં “દીકરી” શબ્દ ધરબાઈ ગયો. આજે 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસે સરુની કૂખમાંથી એક સ્ત્રીભૃણે જાણે આ સમાજમાં જન્મ લેતા પહેલા જ આઝાદી મેળવી લીધી.

`તમે અમારો વંશ ઉજાડી દીધો. અમારો કુળદીપક જન્મ લેતા પહેલા જ ઓલવી નાખ્યો. ગર્ભવતી દીકરીને સાચવવાની તાકાત નહોતી તો, શું કામ તેડાવી ?’ જેવા અનેક મહેણાં સત્યથી અજાણ એવા સાસુ-સસરાએ તીરની જેમ સરુના મા-બાપને ભોંક્યા.

પોતાના ઓરડાના બારણાને અઢેલીને ઊભેલી સરુનું માતૃહૃદય પોકારી પોકારી કહેતું હતું, `ભલે ન માંડી પગલી તે મારા આંગણામાં મારી દીકરી ! નહિ તો સમાજમાં તને “ભાર” કહેનારાના મોં કેમ કરીને બંધ કરત ?  સ્ત્રીઓના સ્વાતંત્ર્યને ગૂંગળાવી નાખનારા આ સમાજથી તારુ રક્ષણ કઈ રીતે કરત ?

મિત્રો, હજુ એ વાતનો રંજ છે કે, દેશને સ્વતંત્રતા તો મળી ગઈ, પણ સ્ત્રીઓના પગમાં ગુલામીની સાંકળ હજુ ય એવી જ મજબૂત છે. સમાજના બનાવેલા કઠોર નિયમોમાં જકડાયેલી નારીને હજુ પણ આશા છે પાંજરાની પેલે પારની, ખુલ્લા આકાશવાળી દુનિયાની.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy