STORYMIRROR

mariyam dhupli

Drama Tragedy Thriller

4  

mariyam dhupli

Drama Tragedy Thriller

ઓવર રિએક્ટ

ઓવર રિએક્ટ

4 mins
570

પોલીસ કમિશનરનું મગજ એમની સામે રખાયેલી ચા કરતા પણ વધુ ગરમ હતું. ઉપરથી કોલ આવ્યો હતો. શહેરના નામચીન નેતાએ ધમકી આપી હતી. પોતાના એક ના એક દીકરા જોડે થયેલા અન્યાયનો બદલો લેવા એ કેવા તત્પર હતાં એ એમના ધમકી ભર્યા અવાજથી અત્યંત સ્પષ્ટ હતું. સામે ઉભેલી ઈન્સ્પેકટર સરોજનીનું માથું નીચેની દિશામાં નમેલું હતું. કમિશનરના મોઢે નીકળી રહેલી દરેક અગન જ્વાળા એ નતમસ્તકે અને મૌન મોઢે સહી રહી હતી. એની વર્દી ઉપરના સિતારાઓ વર્ષો જૂની ફરજ પ્રત્યેની નિષ્ઠાની સાબિતી આપી રહ્યા હતાં. પોતાની સૌથી હોનહાર અને કાબેલ ઓફિસર દ્વારા આટલી મોટી બેદરકારી કઈ રીતે વર્તાઈ હતી એ હજી પણ કમિશનરનું ગરમ મગજ સમજી શક્યું ન હતું. એક ભૂલને કારણે એક વફાદાર સેવક સિસ્ટમમાંથી બહાર નીકળી જાય એ પોષાય એમ ન હતું. એજ વાતની રીસ હતી. એમ પણ આવા વફાદાર અને ઈમાનદાર સેવકો શહેરમાં ગણ્યા ગાંઠયાંજ હતાં એ કમિશનર સારી રીતે જાણતા હતાં. 

" આઈ નીડ એન એક્સપ્લેનેશન. કમોન ઈન્સ્પેક્ટર સરોજની. તમારી સફાઈમાં કંઈક કહેવું છે તમને. તમારાથી આ અપેક્ષા જરાયે ન હતી. તમે મારા શ્રેષ્ઠ ઓફિસરોની યાદીમાં છો. આવી ચૂક કઈ રીતે થઈ ગઈ ?"

કમિશનરે એક ઊંડો નિસાસો નાખ્યો. ઈન્સ્પેકટર સરોજની અંતિમ ત્રીસ મિનિટથી એમજ મૂર્તિ જેમ સ્તબ્ધ સામે ઊભી હતી. કોઈ હલનચલન નહીં. કોઈ પ્રતિક્રિયા નહીં. કોઈ ઉત્તર નહીં. 

કમિશનરનો સબરનો બાંધ છૂટ્યો. એમનો બરાડો એમની કેબિનની બહાર હાજર પોલીસ કાર્યકર સટાફને પણ સંભળાયો.

" શું કર્યું હતું એણે ? વીસ વર્ષના નવયુવાનને એવો ઢોર માર માર્યો ? એ મરતા મરતા બચ્યો. ડ્રગ્સ લેતા પકડાયો. રાઈટ ? આઈ એક્સેપટ ઈટ્સ ઈલ્લીગલ. પરંતુ તમારી ફરજ ફક્ત એની ધરપકડ સુધી હતી. એને માર મારવાની અનુમતિ કોણે આપી ? જાણો છો એનો બાપ કોણ છે ? કોનો દીકરો છે એ ? શહેરનો જાણીતો નેતા છે. એની પહોંચ ક્યાં સુધી હશે એ મારે તમને સમજાવવાની જરૂર ખરી ? હી ઈઝ ક્રિએટિંગ એ સીન નાવ. ભૂલ મારા ઓફિસરે કરી છે. એટલે કાનૂનથી પણ મારા હાથ બંધાયેલા છે. એક ઓફિસરની ભૂલને કારણે મીડિયા આખી સિસ્ટમ ઉપર કાદવ ઉછાળે એ હું ન સહીશ. જ્યાં સુધી મામલો ગરમ છે ત્યાં સુધી આમ સોરી બટ યુ વિલ હેવ ટુ ગો ઓફ ડ્યૂટી. હું ધારું તો તમને હમણાંજ સસ્પેન્ડ કરી શકું છું. પણ સિસ્ટમ માંથી તમારા જેવા બહાદુર સિપાહીની બાદબાકી કરવા મન માનતું નથી. થોડા સમય માટે બ્રેક લઈ લો. ઈટ્સ એન ઓર્ડર. "

ઈન્સ્પેકટર સરોજની એ કમિશનરની વાતનો શબ્દે શબ્દ ધ્યાનથી સાંભળી એમનો કડક આદેશ સ્વીકારતા એક કડક સલામી ભરી બહાર તરફનો માર્ગ પકડ્યો.

કારણ જાણવા આતુર કમિશનરનો અવાજ પાછળથી નરમાશ પકડાતો સંભળાયો.

" પણ હજી સુધી સમજાયું નહીં. વાય ? ફોર વોટ ? રીઝન ? આ પહેલા પણ અગણિત ગુનેગારોની ધરપકડ તમે કરી છે. તો આ ૨૦ વર્ષના નવયુવાનની આવી હાલત કરવાનું કારણ ? વાય ડીડ યુ ઓવર રિએક્ટ ?"

" જય હિન્દ સર "

કમિશનરને એમની આતુરતા જોડે એકલા છોડી ઈન્સ્પેક્ટર સરોજની પોલીસ સ્ટેશનમાંથી ગર્વ જોડે શીઘ્ર બહાર નીકળી આવી. ગાડીમાં ગોઠવાઈ એક નજર એણે રિસ્ટવોચ ઉપર નાંખી. સમય થઈ ગયો હતો. આજે ડ્રાઈવરની જગ્યાએ જાતે દીકરાને લેવા જવાનો નિર્ણય લીધો. ઘરે કોલ કરી માહિતી આપી દીધી. કેરટેકર અને ડ્રાઈવરને થોડા દિવસ માટે રજા આપી દીધી. જ્યાં સુધી પોતે રજા ઉપર છે ત્યાં સુધી દીકરાની જવાબદારી જાતે ઉપાડી લેશે. એ બહાને એની જોડે ગુણવત્તાયુક્ત સમય પસાર કરવાનો અવસર મળશે એ હકારાત્મક લાગણી જોડે એણે ગાડી સ્ટાર્ટ કરી. 

થોડાજ સમયમાં ગાડી દીકરાની શાળા આગળ આવી ઊભી રહી ગઈ. અંદર જઈ એ દીકરાને સાથે લઈ આવી. આજે ડ્રાઈવર અને કેરરની જગ્યાએ માં જાતે લેવા આવી હતી એ વાતની ખુશી દીકરાના ચહેરા ઉપર ચમકી રહી હતી. 

" આઈસ્ક્રીમ ખાઈશ ?"

દીકરા સમક્ષ મુકેલ પ્રસ્તાવ તાળીના ગડગડાટ જોડે સ્વીકારાઈ ગયો. 

શાળાની સામે તરફના માર્ગ ઉપર ઉપસ્થિત આઈસ્ક્રીમ સ્ટોલ ઉપરથી એણે બે આઈસ્ક્રીમ ખરીદી. એક આઈસ્ક્રીમ દીકરાના અધીરા હાથમાં થમાવી અને બીજી પોતાના હાથમાં લીધી. કાઉન્ટર ઉપર પૈસાની ચૂકવણી કરી દીકરાની દિશામાં ફરીજ કે મોઢામાંથી ચિંતિત સ્વર છૂટી નીકળ્યો. 

" અનુજ. શું કરે છે બેટા ? "

આખી આઈસ્ક્રીમ સફેદ યુનિફોર્મ ઉપર આવી સરી હતી. દીકરાનું રુદન ઊંચા સ્વરે પહોંચ્યું. ઈન્સ્પેટર સરોજનીની નજર ચારે દીશામાં ફરી વળી. લોકો વિચિત્ર નજરે એની દિશામાં જોઈ રહ્યા હતાં. પોતાના દીકરા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી એણે પોતાના હાથની આઈસ્ક્રીમ દીકરાને આપી દીધી.

" ઈટ્સ ઓકે અનુજ. ડોન્ટ ગેટ પેનિક. આ મમ્મીની આઈસ્ક્રીમ લઈ લે. પણ હવે બરાબર પકડ. "

એના અશક્ત હાથને યોગ્ય પકડની તાલીમ આપી એણે આઈસ્ક્રીમ ધીમે રહી પકડાવી. દીકરાના ચહેરા ઉપરનું હાસ્ય નિહાળી એને અનેરો સંતોષ મળ્યો. કાઉન્ટર ઉપરથી ટીસ્યુ ઉઠાવી એણે યુનિફોર્મ ઉપર લાગેલ ડાઘ દૂર કરવા પ્રયાસ કર્યો. એ ડાઘની વચ્ચે એને વીસ વર્ષના પેલા ડ્રગ એડિક્ટ નવયુવાનનો ચહેરો, સશક્ત હાથ, સુડોળ શરીર અને એની દરેક જન્મજાત શારીરિક અને માનસિક ક્ષમતાઓ દ્રષ્ટિમાન થઈ. એને ઈશ્વરે જે આપ્યું હતું એની કોઈ દરકાર ન હતી અને જેને એ જોઈતું હતું એની પાસે...........

કમિશનરનો કડવો અવાજ ફરી એકવાર મગજમાં ગુંજી રહ્યો...." વાય ડીડ યુ ઓવર રિએક્ટ ?" યુનિફોર્મ ઉપરનો ડાઘ સાફ કરી રહેલો હાથ અતિવેગે આગળપાછળ થવા લાગ્યો. આખરે ડાઘ દૂર થયો અને યુનિફોર્મ ઉપર છપાયેલ શાળાનું નામ ફરી સ્પષ્ટ દેખાવા લાગ્યું. ' શ્રદ્ધા ડિઝેબલ્ડ સેન્ટર. ' પોતાના વીસ વર્ષના સ્પેશ્યલી એબલ્ડ દીકરાનો હાથ થામી એ એજ ગર્વ જોડે ગાડી તરફ આગળ વધી જે ગર્વ જોડે કમિશનરની કેબિનમાંથી બહાર નીકળી હતી. 


Rate this content
Log in

Similar gujarati story from Drama