ઑપરેશન
ઑપરેશન
વિહાન આજે સવારથી પેટ પકડીને બેસી ગયો હતો. "મમ્મી, બહુ પેટમાં દુઃખે છે." કરી રડવા લાગ્યો. પહેલાં તો શ્વેતાને થયું કે સ્કૂલ ન જવા માટે વિહાન બહાનાં બતાવી રહ્યો છે. એટલે એણે એને પૂછ્યું, "વિહાન, હોમવર્ક બાકી છે?"
"મમ્મી, મારું બધું હોમવર્ક થઈ ગયું છે. પણ મને બહુ પેટમાં દુઃખે છે. મારાથી સ્કૂલ નહીં જવાય, પ્લીઝ મમ્મી. કંઈ કરને."
વિહાનની વાત સાંભળી શ્વેતાને થયું, "જો હોમવર્ક કર્યું છે તો એ બહાનું નહીં હોય." એણે ઘરના રસોડામાંથી અજમો અને સંચળની ફાકી લાવી એને પીવડાવી. ગેસ થયો હશે તો હમણાં મટી જશે. ફાકી પીને વિહાન થોડી વાર ઊંઘી ગયો પણ પાછો ઊઠી એ પેટ પકડીને બેસી ગયો. હવે શ્વેતા અને સમીર ગભરાયા. એ લોકો વિહાનને ફેમિલી ડૉ. શાહ પાસે લઈ ગયાં. એમણે વિહાનને તપાસી દવા આપી બીજે દિવસે ફરી આવવાનું કહ્યું.
બીજે દિવસે પણ વિહાનને કંઈ ફરક ન દેખાયો એટલે ડૉ. શાહે એની વધારે તપાસ માટે હૉસ્પિટલમાં જવા કહ્યું.
હૉસ્પિટલમાં વિહાનની ફૂલ બોડી ચેકઅપ કરવામાં આવી. એમાં એના આંતરડામાં મળ સખ્ત રીતે જામી ગયો હતો. એને લીધે એના પેટમાં દુઃખાવો થતો હતો. ઑપરેશન કરી એના આંતરડાને સાફ કરવાનો નિર્ણય લેવા પહેલાં ડૉકટરે વિહાનના ખોરાકની વિગત પૂછી. તે જાણી ડૉ. સાહેબ પણ નવાઈ પામી ગયા.
શ્વેતાએ કહ્યું, "વિહાનને ઘરનું ખાવાનું ભાવે જ નહીં. એને દરરોજ ખાવામાં પિત્ઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, કોલ્ડ ડ્રીંક, વગેરે જ જોઈએ. ન આપીએ તો જીદ કરે, રડારોડ કરે. એકનું એક સંતાન એટલે ઘરના એની જીદ સામે ઝૂકી જાય. એ જે માંગે તે એને આપી દે. ઘરના શાક રોટલી, ફળો, દૂધ, દહીં વગેરે તો એને ભાવે જ નહીં. મારું કોઈ સાંભળે નહીં હું શું કરું ?"
"જુઓ, સમીરભાઈ, શ્વેતાબેન અત્યારની પેઢીને આવું જ બધું ખાવું હોય પણ આ બધી તંદુરસ્તીને હાનિકારક છે. એમાં વપરાતી વસ્તુઓમાં મેંદો એ સૌથી ખતરનાક છે. એને કારણે મળ એના આંતરડામાં જામ થઈ ગયો છે. હમણાં તો આપણે ઑપરેશન કરી એના આંતરડા સાફ કરી નાંખીશું પણ પછી પણ એની ખોરાકની રીત આ જ રહેશે તો ભવિષ્યમાં મોટી તકલીફ આવી શકે છે."
વિહાને પણ આ બધું સાંભળ્યું. એને પોતાની ભૂલ સમજાય ગઈ. એણે મમ્મી, પપ્પા અને ડૉક્ટરને વચન આપ્યું કે આ ઓપરેશન પછી એ પોતાની ખાવાની પદ્ધતિ સુધારશે અને એ શરીરને ઉપયોગી ખોરાક જ ખાશે. બીજે દિવસે એનું ઑપરેશન કરવામાં આવ્યું. થોડા દિવસ પછી એને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ત્યારબાદ વિહાને પોતાની ખાવાની પદ્ધતિમાં ફેરફાર કરી નાંખ્યો અને ઘરનું ખાવાનું તથા શાકભાજી, ફળો, દૂધ વગેરે ખોરાકમાં લેવાનું શરૂ કર્યું. શ્વેતાએ વિચાર્યું જાગ્યા ત્યાંથી સવાર.
