ન્યાય
ન્યાય


કિરણના કેસની આજે તારીખ હોવાથી પોલીસ તેને કોર્ટમાં લઈ આવી. હાથકડી, અસ્તવ્યસ્ત કપડાં અને પોલીસના ધક્કા વચ્ચે પણ એની ટટાર ચાલ જોઈ હાજર બધાને નવાઈ લાગી." જૂઓ તો ખરા ખોટું કર્યાની જરાપણ શરમ નથી!"
ઘટના સ્થળના સાક્ષીના કહેવા પ્રમાણે કિરણે ઉધોગપતિના દિકરા ટોનીને ગામની વચ્ચે પથ્થર ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો છે.
જજ સાહેબ આવતા તેમણે કોર્ટની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો.
"સાહેબ, ત્યાં હાજર દુકાનવાળો પોતાની જુબાની આપવા તૈયાર છે." સામા પક્ષના વકીલે કાર્યવાહી શરુ કરી.
"બોલાવો."
"હું ગંગારામ, દુકાનમાં બેઠો હતો ત્યારે મેં નજરે જોયું કે કિરણ ટોનીના માથે ખુન્નસ સાથે પથ્થર મારતો હતો જાણે તેની ચટણી કરી નાખવાનો હોય!"
કિરણે વકીલ રોક્યો ન હતો તેને પોતાના બચાવમાં કહેવા માટે આદેશ અપાયો.
"સાહેબ હું મારી વાત જાતે જ કહીશ, મારે મારી વાત કહેવા માટે કોઈ ભાડુતી માણસની જરૂર નથી." કહેતા કિરણે ઉધોગપતિ તરફ નજર કરી વાત આગળ ચલાવી.
"મારે તો ટોનીના આખા શરીરનો છૂંદો કરી નાખવો હતો. શેતાનનો એક અંશ પણ બાકી રહી જાય તો ગામ આખાને બરબાદ કરી દે." અવાજ બદલાઈ ગયો.
"તે દિવસે હું ખેતરે જતો હતો ત્યારે મારા પડોશીની દસ વર્ષની દીકરી મીનુ મારી આગળ જ દોડતી, રમતી જતી હતી. પાછળથી આવતી કોઈ ગાડીના કારણે એટલી બધી ધૂળ ઉડી કે મારે આંખ બંધ કરી દેવી પડી. આંખ ખોલીને જોયું તો મીનુ દેખાતી ન હતી. મને એમ કે એ દોડતી ઘણી દૂર નીકળી ગઈ હશે. આખો દિવસ ખેતરે કામ કરાવીને ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે મીનુ ગાયબ થઈ ગઈ છે. ગામ આખું શોધતું રહ્યું એ દીકરીને ! બીજે દિવસે દીકરી મળી તો ખરી પણ આખા શરીરે અને મન પર એટલા ઘા હતા કે તે કંઈ બોલી ન શકી. પૂછતાં ફક્ત તેણે બંધ મુઠ્ઠી ખોલીને ચોકલેટ બતાવી. તેના બીજા હાથમાં અટવાયેલા ટોનીના લોકેટે આખી ઘટના વર્ણવી દીધી. મને એમ થાય છે કે આ જુઠ્ઠા ત્રણ માણસોને હમણાં જ સળગાવી દઉં." કહેતો કિરણ વિટનેસ બોક્ષ તોડીને દુકાનવાળો ઊભો હતો તે વિટનેસ બોક્ષ તરફ દોડ્યો.
પોલીસે તેને રોક્યો, હાથકડી પહેરાવી દીધી.
જજ સાહેબે તેને પૂછ્યું," ત્રણ કોણ છે, જેને તને મારી નાખવાનું મન થાય છે."
"સાહેબ આ દુકાનવાળો."
"એ તો એક જ છે."
"ના સાહેબ એમાં ત્રણ જુઠ્ઠા માણસો છુપાયેલા છે. પેલા ત્રણ વાંદરા જેવા." કહી કોર્ટના રૂમમાં પડેલા ત્રણ વાંદરાનું ચિત્ર બતાવ્યું.
"દુકાનવાળાએ નજરે એ દીકરીની કરુણ હાલત જોઈ છે છતાં આંધળો બને છે, તેને મેં સાચી હકીકતથી વાકેફ કર્યો છતાં તે બહેરો બની ગયો છે અને આજે અહીં સાચું છુપાવ્યું છે."
"પણ તું કેવી રીતે કહી શકે એ જ ખોટો માણસ છે અને તું સાચો છે?”
"સાહેબ મીનુ એ દુકાનદારની જ દીકરી છે ! થોડા પૈસા માટે કાળજાનાં કટકાનો સોદો કરી નાંખ્યો છે એણે. કાયદાની નજરે હું ગુનેગાર! જજ સાહેબ તમે શું સુનવણી આપશો તે મને ખબર નથી પણ મેં તો મારી સુનાવણી આપીને દીકરીને ન્યાય આપી દીધો છે."
કોર્ટમાં વ્યાપેલા સન્નાટામાં મીનુનાં ન સંભળાયેલા ડૂસકાં પણ સંભળાયા.