નવલું પ્રભાત
નવલું પ્રભાત
સમીર, આજે ખૂબ ઉદાસ હતો. કાલે એણે મુંબઈ એક કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા જવાનું છે. આજે કોઈ પણ હિસાબે અજરાઈ ગામથી નીકળી નજીકના બિલીમોરા સ્ટેશનથી ટ્રેન પકડવી પડે એમ છે. પણ આ મેઘો તો કાલ રાતથી એવો અનરાધાર વરસી રહ્યો છે કે એને ચિંતા થવા લાગી કે કાલે ઈન્ટરવ્યુ માટે કંપનીમાં કેવી રીતે પહોંચી શકાશે ? પરિસ્થિતિનો તાગ કાઢવા એ છત્રી લઈ રોડ સુધી જઈ આવ્યો પણ ઠેર ઠેર ભરાયેલા પાણીથી એ નિરાશ થઈ પાછો આવ્યો. ઘરે આવી એ હિંચકા પર માથે હાથ દઈ નિરાશ વદને બેસી ગયો. એટલામાં એના મમ્મી હેતલબેન બહાર આવ્યાં.
"સમીર દીકરા, કેમ આમ માથે હાથ દઈ ઉદાસ બેઠો છે ?"
"મમ્મી, તમને તો ખબર જ છે કાલે મારો મુંબઈમાં ઈન્ટરવ્યુ છે. આજે તો મારે કોઈપણ હિસાબે ટ્રેન પકડી મુંબઈ પહોંચવું જરૂરી છે પણ આ મેઘો."
"જો, બેટા, તને આ મેઘો આજે આકરો લાગે છે પણ ખેડૂત માટે તો એ જીવાદોરી છે. બીજી એક વાત જીવનમાં હંમેશા યાદ રાખજે. જો આપણું ધારેલું થાય તો સારું પણ જો ન થાય તો વધુ સારું કારણ ઈશ્વરે આપણા માટે કંઈ વધુ સારું વિચાર્યું હશે. આ મેઘો કંઈ બારેમાસ થોડી રહેવાનો છે. કાલે સૂરજ ઊગશે અને નવલું પ્રભાત તારા માટે કંઈક નવી આશાઓ લઈને આવશે." મમ્મીની વાત સાંભળી સમીરે હતાશા ખંખેરી નાંખી અને નવી રીતે કંઈક વિચારવા લાગ્યો.
આખી રાત વરસીને થાકેલા વરસાદે સવારે જરા પોરો ખાધો. કાળા વાદળ વિખરાયા અને તેમાંથી સૂરજના તેજ કિરણો ધરતી પર રેલાવા લાગ્યા. ત્યાં તો સમીરના મોબાઈલમાં એક મેઈલ આવ્યો. આગલા મહિને જ એ જે મલ્ટીનેશનલ કંપનીમાં ઈન્ટરવ્યુ આપી આવ્યો હતો. તેમાં એનું સિલેક્શન થઈ ગયું હતું. એ માટે એણે પંદર દિવસમાં ભારતના સિલિકોન વેલી તરીકે ઓળખાતાં બેંગલોરમાં કંપનીમાં હાજર થવાનું હતું.
સમીરને આગલે દિવસે મમ્મીએ કહેલી વાત યાદ આવી. "ઈશ્વરે તારા માટે કંઈ વધુ સારું વિચાર્યું હશે. મુશ્કેલીના કાળા વાદળ હટી જશે અને નવલું પ્રભાત તારા માટે નવી આશા લઈને આવશે." ખરેખર એનું સપનું સાકાર થયું હતું.
