નવજાત બાળક
નવજાત બાળક
વીસેક વરસની છોકરી કાળી ડિબાંગ રાત માથે ઓઢી ઠંડીમાં પણ પરસેવે રેબઝેબ રસ્તા પર ચાલી રહી છે. હાથમાં નવજાત બાળક, પાલવમાં પ્રિત, મમતા સમેટીને એક જ રાતમાં ન્યોછાવર કરતી ચાલી રહી છે. છોકરી વિચારશૂન્ય મગજે પગને ગતિમાન રાખે છે. ક્યાં અટકશે ? શું શોધે છે ? ક્યાં જવું છે ?
અચાનક એક મોટી કચરાપેટી પર ધ્યાન પડે છે. એમાં બદનસીબ છોકરી બાળકના સદનસીબે ખાલી ટોપલો પડેલો જુએ છે. ટોપલામાં બાળકને પોઢાડી દે છે. સામેના ઘર પર નજર પડતા જ કંઈક વિચારે છે. ટોપલો ઉઠાવી કચરાપેટીના બદલે આ ઘરની સામે મુકી દે છે. છોકરીને આ રાત ભયાનક એટલે લાગતી હતી કે માથે આભ જેવડું દુઃખ તૂટી પડયું છે. પોતાની માથે આખું ને આખું આભ પાડનાર તો કદાચ.........આનંદ કરતો હશે.
આ કાતિલ ઠંડી વરસાવતી રાત મને ભયાનક લાગે છે, પણ એને કદાચ મધમીઠી પ્રેમ વરસાવનારી પણ લાગી શકે ! આ બધા વિચારમાં છોકરી ટોપલો મૂકીને પાછી વળતી હતી, રસ્તા પર આવી કે એ ઘરમાંથી બારી બંધ કરતા દાદા એને જોઈ જાય છે. દાદા બૂમ પાડે છે, પણ આ અંધારી રાતમાં એ છોકરી જાણે ઓગળી જ ગઈ.
દાદા ઘરનો દરવાજો ખોલે છે તો પગમાં ટોપલો, રસ્તાને સામે કાંઠેથી જોતી છોકરીની નજર આ જ ઘરની અગાસીમાં સ્થિર..............બંધ આંખે પણ જેને ઓળખી જાય એ કોઈ અન્ય કે પોતાની પત્ની જોડે નૃત્ય કરતો નજરે પડે છે.
છોકરીની નજર ઊંચે..... બાળકનો પિતા.....
દાદાની નજર નીચી....... નવજાત બાળક...
વિધિની વિચિત્રતા કહો કે બાળકનું ભાગ્ય. એ પોતાના જ ઘરે પહોંચી ગયું.
પણ છોકરી તદ્દન અજાણ હતી કે પોતાને ભોળવનાર અહીં રહે છે. અત્યારે જ ખબર પડે છે ને નજર સામે..........
છોકરી ઘોર અંધારી ભયાનક રાતને ચીરતી આગળ વધી જાય છે. એના પગ એને અનાથાશ્રમ તરફ લઈ જાય છે.
