નવી કરામત
નવી કરામત
નિત્યા અને મુગ્ધા બંને બહેનો. કાકાની દીકરીઓ પણ બંનેને સગી બહેનો જેવો હેતભાવ. બંને ભણવામાં હોશિયાર હતી. હાઈસ્કુલ પૂરી કરી બંનેએ કોલેજમાં પ્રવેશ કર્યો. બંને દેખાવડી પણ એટલી જ... ! નિત્યા ચંચળ સ્વભાવની હરણી જેવી ઉછળકૂદ કરતી; કદી ગંભીર બની કોઈ કામ કરતી નહીં. જયારે મુગ્ધા શાંત, મૃદુ, શરમાળ સ્વભાવવાળી, કોઈ સામે ઊંચા અવાજે બોલી પણ ના શકે.
એક દિવસ કોલેજમાં બંને પહોંચ્યા. ત્યાં બધા વિદ્યાર્થીઓ ભેગા થયેલા હતા. કોલેજમાં ચૂંટણી માટે ઉમેદવારી કરવા માટે બધા ભેગા થઈ ચર્ચા કરતા હતા. કોલેજના ત્રીજા વર્ષમાં ભણતો નિર્મલ એમાં જી. એસ તરીકે ઊભો રહેવાનો હતો. નિર્મલને જોઈને મુગ્ધા અને નિત્યા એના વ્યક્તિત્વ તરફ આકર્ષાયા. નિર્મલ હતો જ એવો કે એના વ્યક્તિત્વ તરફ આકર્ષિત થવામાં કોલેજમાં અભ્યાસ કરતી દરેક યુવતીઓની લાંબી કતાર હતી. નિત્યાએ તો નિર્મલ પાસે જઈ સભ્ય તરીકે જોડાવા માટેનું ફોર્મ લઈ લીધું. પોતાના બોલકા સ્વભાવને કારણે એ તો નિર્મલની મિત્ર બની ગઈ. નિર્મલને ચૂંટણીમાં વિજેતા બનાવવા માટે નિત્યા પ્રચાર કરવા લાગી. આ તરફ મુગ્ધા મનોમન નિર્મલને ચાહવા લાગી હતી પણ આ વાત એણે નિત્યાને પણ ન કહી.
આ તરફ નિર્મલને મુગ્ધા ગમી ગઈ હતી પણ એણે પણ આ વાત કોઈ ને ન કરી. નિત્યા તો પોતાના બોલકા સ્વભાવ પ્રમાણે એક દિવસ મુગ્ધાને કહી નાખ્યું, " મુગ્ધા, હું નિર્મલને ચાહવા લાગી છું. રાત દિવસ બસ એના જ વિચારો આવે છે. આ ચૂંટણી પતે એટલે હું એને મારા દિલની વાત કહી દઈશ. તું મારી મદદ કરીશ ને... ? "
આ વાત સાંભળતા જ મુગ્ધા ભાંગી પડી. પોતે નિર્મલને ચાહે છે એ વાત એણે પોતાની અંદર જ સમાવી દીધી. પોતાની બહેન નિત્યાને એણે વચન આપ્યું કે એ હંમેશા એની સાથે જ છે એની મદદ માટે... ! ચૂંટણી થઈ, નિર્મલ વિજેતા બન્યો. આખી કોલેજમાં એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાંજે કોલેજના બધા વિદ્યાર્થીઓ માટે નિર્મલ તરફથી પાર્ટી રાખવામાં આવી. જેમાં નિત્યા તો જવા માટે એક પગ હતી પણ મુગ્ધા પોતાના પ્રેમને આજે બીજાનો થતો જોઈ શકવા માટે તૈયાર ન હતી. એણે બહાના કાઢી જોયા પણ નિત્યા આગળ એ બધું નિષ્ફળ નીવડ્યું.
નિત્યાએ તો સરસ મજાનું રેડ ગાઉન પહેરી પરી જેવી તૈયાર થઈ ગઈ. નિત્યાએ મુગ્ધાને પણ સુંદર બ્લેક કલરની સાડી પહેરાવી. મુગ્ધા કૃત્રિમ હાસ્ય સાથે નિત્યાની ખુશી માટે સાથે ગઈ. બ્લેક કલરના જીન્સ ટી-શર્ટમાં નિર્મલ ખૂબ જ દેખાવડો લાગતો હતો. એને જોઈને મુગ્ધા તો મુગ્ધ બની ગઈ. પોતાના દિલની ધડકનો પર કાબૂ રાખી એ નિત્યા સાથે ઊભી રહી. નિર્મલે નિત્યા અને મુગ્ધા બંનેને આવકાર આપ્યો. નિત્યા મુગ્ધાને કહેવા લાગી, " આ જ સમય છે મારે નિર્મલને મારા દિલની વાત કહી નાંખવી છે હું કહી દઉં મુગ્ધા... બોલ તું શું કહે છે? " મુગ્ધાએ નિત્યાને ડોકું હલાવી હા પાડી.
નિત્યા તો સ્ટેજ પર પહોંચી ગઈ. એણે નિર્મલને પણ સ્ટેજ પર બોલાવ્યો. "નિર્મલ કેટલાય દિવસોથી હું તને મારા દિલની વાત કહેવા માંગતી હતી પણ ચૂંટણીની વ્યસ્તતાને કારણે એ કહી શકી નથી પણ આજે હું જે કહેવા જઈ રહી છું એ મજાક નથી ખૂબ જ ગંભીર બનીને કહું છું. "
મુગ્ધા નિત્યાના આગળના શબ્દો સાંભળી શકે એવી સ્થિતિમાં ન હતી છતાં પોતાની બહેન માટે એ બધું જતું કરવા તૈયાર હતી.
નિર્મલ પણ નિત્યાને આટલી ગંભીર જોઈને કહેવા લાગ્યો, " બોલ નિત્યા શી વાત છે. . ? આટલી ગંભીર જોઈને મને તે વિચારતો કરી મૂક્યો છે. "
તો સાંભળ " નિર્મલ, તને દિલથી પ્રેમ કરવાવાળી, હજી સુધી તને કહી શકી નથી એવી મુગ્ધાને તું તારા દિલમાં જગ્યા આપી દે. !"
મુગ્ધા આ સાંભળતા જ નિત્યા પાસે દોડી ગઈ, "આ શું બોલે છે... ? તું નિર્મલને પ્રેમ કરતી હતી તું તારા દિલની વાત એને આજે કહી દેવાની હતી તો પછી આવું કેમ બોલે છે. . ? "
નિર્મલ મુગ્ધા સામે જોઈને નિત્યાને કહેવા લાગ્યો, હા, હું મુગ્ધાને મારા દિલમાં સ્થાન આપી ચૂક્યો છું. . ! પણ મુગ્ધા મને ચાહે છે કે નથી ચાહતી એની મને ખબર નથી.' બોલી નિર્મલ જોરદાર તાડીઓ પાડી નિત્યાએ કરેલી કરામત માટે એને શાબાશી આપવા લાગ્યો.
" નિત્યા, આ બધું શું છે. . ? " મુગ્ધા બોલી પડી.
નિત્યા હસતાં હસતાં કહેવા લાગી, " અરે. . મારી પ્યારી બહેન,કેમ તું જ નાટક કરી શકે છે હું નહીં. તું મનોમન નિર્મલને ચાહતી હતી પણ આ વાત તે મને પણ ન કરી. તારા સ્વભાવવશ તું મારા માટે પોતાના પ્રેમનું બલિદાન આપવા જઈ રહી હતી પણ હું તને આટલા વર્ષોમાં ઓળખી ગઈ છું કે તું મારા માટે બધું જ કરવા તૈયાર છે એટલે જ મને જ્યારે નિર્મલ પણ તને પ્રેમ કરે છે એ વાત જાણવા મળી ત્યારે નિર્મલ સાથે મળી અમે આ પ્લાન બનાવ્યો. બોલ કેવી લાગી આજની મારી આ નવી કરામત... !"
મુગ્ધા નિત્યાને વળગી પડી. એની આંખો હર્ષના આસું સાથે છલકાઈ રહી. એ એટલું જ બોલી, " તારા જેવી બહેન પામીને આજે હું ધન્ય થઈ ગઈ છું. તે મારા દિલની વાત મારા કહ્યા વગર જાણી લીધી. તે મને મારા પ્રેમને મેળવી આપવા આવી સુંદર કરામત કરી એ માટે હું તારો કંઈ રીતે આભાર માનું એ જ મને સમજાતું નથી. હું જાણે સ્વપ્ન જોઈ રહી છું એવું મને લાગી રહ્યું છે. "
"ચાલ હવે મને રડાવશે કે શું... ?"
"જા તારો પ્રેમ તારી રાહ જોઈ ઊભો છે. જા પહોંચી જા તારી મંઝિલ પાસે... ! "
મુગ્ધા નિર્મલ પાસે જઈ એટલું જ બોલી, નિર્મલ હું તને... . " આગળ એ કંઈ બોલે એ પહેલા જ નિર્મલે એને ઊંચકીને બાહોમાં લઈ પ્રેમનો એકરાર કરી દીધો.
નિત્યા અને કોલેજના બધા મિત્રોએ જોરદાર તાડીઓ પાડી એમને વધાવી લીધા.

