નિશ્ચય
નિશ્ચય
રોહન, એક ખુશમિજાજ છોકરો હતો પણ એનામાં એક જ ખામી હતી. એ કોઈની પણ મશ્કરી કરતા શરમાતો નહીં. કોઈ પણ દિવ્યાંગ હોય તેના પણ તે ચાળા પાડતો. એના મમ્મી પપ્પા એને ઘણી વાર ટોકતાં પણ એના પર કોઈ અસર થતી નહીં. બીજાને મૂરખ સાબિત કરવામાં એને ખૂબ આનંદ આવતો હતો.
એકવાર એણે અંધજનનો રોલ કરી લોકોને હેરાન કરવાનું વિચાર્યું. એણે આંખ પર કાળા ગોગલ્સ ચડાવી દીધા અને હાથમાં અંધજનો પકડે તેવી લાકડી લઈ રસ્તા પર નીકળી પડ્યો. એને રસ્તો ક્રોસ કરતા જોઈ વાહન વ્યવહાર થોડો સમય માટે અટકી ગયો. એ પોતે તો ગોગલ્સ પાછળથી બધું જોઈ શકતો હતો. એને તો ખૂબ મજા પડી. એને થયું આવું થોડો સમય ચાલુ રાખું જોઉં તો ખરો શું થાય છે ?
થોડા દિવસ પછી એ એવી જ રીતે રસ્તો પસાર કરી રહ્યો હતો ત્યારે ખરેખર અંધ એવી એક છોકરી ત્યાંથી રસ્તો ક્રોસ કરવા પ્રયત્ન કરી રહી હતી. તરતજ એક યુવાન ત્યાં આવ્યો અને એણે એ દિવ્યાંગ છોકરીનો હાથ પકડીને તેને રસ્તો ક્રોસ કરાવ્યો. એ યુવાનની બીજાને સહાયરૂપ થવાની ભાવના જોઈ રોહનને પોતાના વર્તન બદલ ખૂબ પસ્તાવો થયો. એણે તે જ વખતે મનથી ' નિશ્ચય ' કર્યો કે હવેથી તે કદી કોઈ દિવ્યાંગની મજાક નહીં કરે પણ તેમને દરેક રીતે સહાયરૂપ થવા પ્રયત્ન કરશે.
રોહને ઘરે આવી પોતાના મમ્મી પપ્પાને અને પોતાના મિત્રોને પણ પોતાના નિશ્ચયની જાણ કરી. સૌએ તેના નિશ્ચયને વધાવી લીધો અને એના કાર્યમાં સાથ સહકાર આપવાની તૈયારી બતાવી. પછી તો રોહને પોતાના મિત્રો સાથે મળી એક એવું ગ્રુપ બનાવ્યું જે દિવ્યાંગ લોકોને ગમે ત્યારે મદદરૂપ થઈ શકે. એક એવી એપ બનાવી જેમાં જોઈન્ટ થનાર દરેક દિવ્યાંગ પોતાની કોઈ પણ મુશ્કેલીમાં એક જ નંબર દબાવે એટલે ગ્રુપનો કોઈ પણ મેમ્બર એની પડખે નિઃસ્વાર્થ ભાવે હાજર થઈ જાય.
ધીમે ધીમે રોહનના આ ગ્રુપની કામગીરીના ચારેકોર વખાણ થવા લાગ્યા. જુદા જુદા માધ્યમો દ્વારા એની એપની ખ્યાતિ ફેલાતી ગઈ. સરકારના ધ્યાનમાં પણ આ વાત આવી અને એક દિવસ રોહનના ગ્રુપને સરકાર તરફથી એવોર્ડ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું. રોહનને સમજાઈ ગયું કે બીજાની મશ્કરી કરવાથી નહીં પણ સહાયરૂપ બનવાથી નામના મળે છે.
