નિસ્બત
નિસ્બત
સવાર પડે કે ઉદ્યોગનગરની આસપાસના ગામડાના કામદારો તેમના વાહનો લઈને નોકરી પર આવવા માટે રવાના થતા. સવારે નવ વાગ્યા સુધી તો અહીં માણસોની ચહલપહલ જોવા મળે. ફેક્ટરીઓ શરૂ થતા સહુ પોતપોતાના કામમાં લાગી જતા. ઉદ્યોગ નગરની નજીકમાં આવેલ એક ગામમાં બે મિત્રો રહેતા બંને મિત્રો એક જ ફેક્ટરીમાં કામ કરતા. બંનેનો કામ કરવાનો વિભાગ પણ એક જ. એ વિભાગ એટલે વાઈન્ડીન્ગ ડિપાર્ટમેન્ટ. આ ફેક્ટરી ઈલેક્ટ્રિક મોટર્સનું ઉત્પાદન કરતી.
ખેર, આ બંને મિત્રો એટલે સંજય અને યોગેશ. સંજય કેટલાક વર્ષો પૂર્વે આઈ.ટી.આઈ.માં ઈલેક્ટ્રિકનું ભણ્યો હતો. ત્યારબાદ તેણે જુદી જુદી કંપનીમાં નોકરી કરીને સારો એવો અનુભવ મેળવ્યો હતો. એ પછી તેણે ઈલેક્ટ્રિક મોટર ઉત્પાદન કરતી કંપનીમાં કાયમી ધોરણે જોડાઈ જવાનુંં મુનાસીબ માન્યું.
યોગેશનુંં ભણતર ધોરણ દસ સુધીનું. તેણે આઈટીઆઈનો કોઈ કોર્સ કર્યો નહોતો તે અહીં એક હેલ્પર તરીકે જોડાયો હતો. જોકે ફેક્ટરીમાં કામ કર્યે એને ત્રણેક વર્ષ થઈ ગયા હોવાથી એણે કામનો સારો એવો અનુભવ પ્રાપ્ત કરી લીધો હતો. સંજયની ગણના સિનિયરમાં થતી અને યોગેશની જુનિયરમાં. સંજય જે પ્રમાણે સૂચનો આપે એ પ્રમાણે યોગેશે કામ કરવાનુંં રહેતું હતુ જોકે બંને વચ્ચે ક્યારેય ઝગડો થયો નહોતો. બંને જણ વચ્ચે સારો એવો મેળ હતો. યોગેશની એક લાક્ષણિકતા એ હતી કે જો કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ સાથે ઝગડે તો તે તેમને શાંત પાડતો. આટલું જ નહીં તે જે તે બાબતનુંં સમાધાન પણ કરી આપતો. ફેક્ટરીમાં જો ક્યારેક આવો બનાવ બને તો તે અચૂક ત્યાં દોડી જતો. અને જે તે કામદારને સમજાવતો. અને શાંત પણ પાડતો. તેની આ લાક્ષણિકતાનાં દર્શન તેની શેરીમાં પણ થતા. એક દિવસની વાત છે. તેણે ચ્હા-પાણી પૂર્ણ કર્યા. એ પછી નોકરી પર જવા માટે તેણે ઘરની બહાર સાયકલ કાઢી. એ દરમિયાન એના કાને વાસણ ખખડવાનો અવાજ પડ્યો. તેનું ધ્યાન તરત જ ઘરની પાછળના ભાગે ગયું.
તેના ઘરની પાછળના ભાગે એક પરિવાર રહેતો; જેમાં પતિ-પત્નીનો સમાવેશ થતો હતો. આ દંપતીને કોઈ સંતાન નહોતું. તેણે સાઈકલને સ્ટેન્ડ પર ટેકવી અને ઘરની પાછળના ભાગે દોટ મૂકી. તેણે જોયું કે પેલા પતિ પત્ની એકબીજા સાથે ઝઘડી રહ્યા હતા. એ પછી તેની નજર ભોંયતળિયા પર પડી. તેના ધ્યાનમાં આવ્યું કે એક સ્ટીલનો વાટકો ઊંધો પડેલો હતો. તેણે ઓરડામાં દૂધના રેલા પણ જોયા. તેણે પતિ સામે જોઈને પૂછ્યું, "શું થયું ?"
પત્ની તરફ અંગુલિનિર્દેશ કરતા પેલો પતિ કહેવા લાગ્યો, " મારે ઠંડું દુધ પીવું હતું અને એણે ગરમ કરી દીધું. એટલે ગુસ્સો આવે કે ન આવે ?"
પત્નીએ યોગેશ સામે જોયું અને કહ્યું, "તમે જ કહો યોગેશભાઈ, દૂધ તો ગરમ કરીએ અને પછી પીએ તો જ સારું કહેવાય ને !"
પતિ સામે જોઈને યોગેશ કહેવા લાગ્યો, "ભાભીની વાત સાચી છે. એમણે દૂધ ગરમ કરી દીધું તો ભલે કરી દીધું; આમ વાટકો ફેંકીને નુકશાન તો ન જ કરાય ને "
પતિ- પત્નીને સમજાવવામાં અને શાંત પાડવામાં પંદર મિનિટ જેટલો સમય પસાર થઈ ગયો. એ પછી તેણે સાઈકલ પર સવાર થઈને ફેક્ટરીની વાટ પકડી. તે જ્યારે ફેક્ટરીએ પહોંચ્યો ત્યારે નવ વાગી ગયા હતા. રિસેસમાં જ્યારે સંજય સાથે જમવા બેસવાનુંં થયું ત્યારે સંજયે પૂછ્યું, " આજે કેમ ફેક્ટરીએ આવવાનુંં મોડું થઈ ગયું હતું ? "
"યાર, એ વાત જ જવા દે "યોગેશ કહેવા લાગ્યો. "પણ શું બનાવ બન્યો હતો એ તો કહે "સંજય બોલ્યો.
"અમારા ઘરની પાછળનો ભાગ છે ને ; ત્યાં એક કપલ રહે છે. આજે સવારે બંને જણ એકબીજા સાથે ઝઘડી રહ્યા હતા. એ દરમિયાન વાસણ ખખડવાનો અવાજ મારા કાને પડ્યો. એમના ઘેર જઈને મેં જોયું તો એક તરફ સ્ટીલનો વાટકો ઊંધો પડેલો હતો અને બીજી તરફ દૂધના રેલા " યોગેશે સ્પષ્ટતા કરી.
"બંને વચ્ચે બરોબ્બરની જામી હશે ! "સંજય કહેવા લાગ્યો.
"હા, એટલે જ પંદરથી વિસ મિનિટ તો એમના ઘેર જ બગડી ગઈ અને આખરે ફેક્ટરીએ આવવામાં મોડું થઈ ગયું !" યોગેશ બોલ્યો. જમવાનુંં પૂર્ણ થયું એ પછી બંને જણ પોતપોતાના કામમાં લાગી ગયા.
દૂધ ગરમ કરવાની ઘટના અને એના લીધે થયેલ ઝગડાને બે-ત્રણ દિવસો થયા હશે ને પેલા પતિ-પત્ની વચ્ચે પુન: ઝગડો થયો. યોગેશ એના નિત્યક્રમ મુજબ સાઈકલ લઈને ઘરની પાછળના ભાગે દોડી ગયો. પતિ-પત્નીને પૃચ્છા કરતા ખબર પડી કે શર્ટના કોલરના ડાઘ બાબતે બંને વચ્ચે રકઝક થઈ હતી. પત્ની કરગરી રહી હતી, " તમે નહીં માનો પણ આ ડાઘને દૂર કરવા માટે મેં ખૂબ મહેનત કરી હતી પણ તોયે ડાઘ ગયો નહી ! આમાં મારો શું વાંક છે? "
યોગેશ પતિને સમજાવવા લાગ્યો, " અમુક ડાઘ બહુ જિદ્દી હોય છે. કોઈ ગમે તેટલું બ્રશ ઘસે તો પણ તેને મીટાવી શકાતો નથી. આ ડાઘ મીટાવી ન શકવાની નાની અમથી વાતને લઈને ઝગડો કરવાની તમારે શી જરૂર છે ! "
એ પછી તે સાઈકલને પેડલ મારવા લાગ્યો અને ફેક્ટરીએ પહોંચ્યો. આ વખતે તે લગભગ અડધો કલાક મોડો પડ્યો હતો. તેણે કપડાં ઝટપટ ચેન્જ કર્યા. એ પછી સ્ટોરરૂમમાં જઈને એક નાનુંં આરમેચર લઈ આવ્યો કે જેને ' આર્મચ્યૂઅર ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે આ આર્મેચર સંજયને બતાવ્યું.
"આજે પણ મોડું થઈ ગયું ! " સંજય કહેવા લાગ્યો.
"હા દોસ્ત ! " યોગેશ બોલ્યો.
"આજે મોડું આવવાનુંં કારણ શું છે ? "સંજય પૂછવા લાગ્યો.
"પેલા પતિ-પત્નીને છોડાવવા ગયો હતો " યોગેશે કહ્યું.
"આજે કઈ બાબતે એમની વચ્ચે ઝગડો થયો હતો ? "સંજયે પૂછ્યું.
"પત્ની શર્ટના કોલરનો ડાઘ મીટાવી શકી નહી અને તેને લઈને પતિએ ઝગડો કર્યો. "યોગેશે કહ્યું.
"આમ વારંવાર મોડો આવે છે અને તારો પગાર કપાય છે તે તને પોષાય છે ? "સંજય કહેવા લાગ્યો.
"પગાર તો કપાય જ છે ! પણ કોઈ ઝગડતું હોય અને છોડાવવા ન જઈએ એ બરોબર ન કહેવાય સંજય….."યોગેશે કહ્યું. એ પછી સંજયે એની નજર આરમેચર ઉપર સ્થિર કરી.
"આનુંં શું કરવાનું છે? "સંજયે પૂછ્યું.
"દાસ સાહેબ કહેતા હતા કે આમાં વાયરો અંદરથી શોટ થઈ ગયા છે ! "યોગેશ બોલ્યો.
ટેબલ તરફ અંગુલિનિર્દેશ કરતાં સંજયે કહ્યું, "આની ઉપર મૂક. આજે તો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય પણ કાલે બાલે ચેક કરી લઈશ. પેલા પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝગડો થતો હતો. ઝગડો થવાનો સમય પણ મોટા ભાગે સવારનો રહેતો. એ દિવસે શનિવાર હતો. ચ્હા-નાસ્તો પૂર્ણ કરી યોગેશ તૈયાર થઈ ગયો. તેણે ટિફિન બોક્સ સાઈકલના કેરિયર પર ગોઠવ્યું. એ પછી તે સાઈકલ પર સવાર થઈ પેડલ જ મારવા જતો હતો કે એના કાને અપશબ્દો અથડાયા. દર વખતની જેમ આ વખતે પણ તે તાબડતોબ ઘરના પાછળના ભાગે પહોંચી ગયા. તેણે જોયું તો પતિએ હાથમાં કેરોસીનનું ડબલું પકડ્યું હતું. સામે પત્ની ઊભી હતી. યોગેશ કાંઈ કહે એ પૂર્વે તો પતિએ પત્ની ઉપર કેરોસીન છાંટવા માંડ્યુ. યોગેશે પત્નીને ધક્કો માર્યો. જોકે આમ કરતા તેની ઉપર પણ કેરોસીન પડ્યું. તેનાં કપડાં પણ કેરોસીનથી ભીનાં થઈ જવા પામ્યા. હવે માત્ર એક દીવાસળી જ સળગાવવાની બાકી હતી. થોડી જ વારમાં પતિએ પત્ની ઉપર સળગતી દીવાસળી ફેંકી. યોગેશે ' ખસી જાવ' કહેતા પત્નીને હડસેલી. પત્ની ખૂણામાં ફસડાઈ પડી. તે બચી જવા પામી. જોકે યોગેશને દીવાસળીનો સ્પર્શ થતાં જ તે ભડકે બળવા લાગ્યો. ચારેકોર હાહાકાર મચી જવા પામ્યો. તે બૂમો પાડી રહ્યો હતો. તેની બૂમો સાંભળી તેની પત્ની રમીલા અને બાળકો દોડી આવ્યા. એ પછી ખૂણામાં ફસડાઈ પડેલી પત્ની ઊભી થઈ. તે તાબડતોબ ગોદડુ લઈ આવી. યોગેશ કપડાં સમેત સળગી રહ્યો હતો. તેણે યોગેશની ઉપર ગોદડુ ફેંક્યું. આગની જ્વાળા શાંત પડવા લાગી. એ પછી તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
સંજયે મોબાઈલમાં જોયું તો દસ વાગ્યા હતા. ' હજી સુધી ન આવ્યો કદાચ રજાના મૂડમાં હશે ! ' સંજયે વિચાર કર્યો. એ પછી તે તેના કામમાં પરોવાયેલો રહ્યો. બીજે દિવસે પણ યોગેશ નોકરી પર ન આવ્યો. દાસ સાહેબ વર્કશોપમાં આંટો મારવા આવ્યા. સંજય સામે જોઈને એમણે કહ્યું, "અલ્યા સંજય, આ તારો ભાઈબંધ દેખાતો નથી ! ક્યાં ગયો છે આજકાલ ? "
"હા સાહેબ; ગઈકાલે નહોતો આવ્યો. અને આજે પણ રજા પાડી હોય એવું લાગે છે. !"સંજય બોલ્યો. જમવાનો સમય થયો હોઈ તે એકલો જમવા બેઠો. "શું કરતો હશે એ "સંજયે વિચાર કર્યો. જમવાનુંં પૂર્ણ કરી તે તેના કામમાં લાગી ગયો. જોતજોતામાં સમય પસાર થઈ ગયો. તેણે મોબાઈલમાં જોયું તો પાંચ વાગવામાં દસ મિનિટ બાકી હતી. તે ઊભો થઈ પાણીના નળ તરફ ચાલવા લાગ્યો. જેવો તે હાથ- પગ ધોઈને પોતાના ટેબલ તરફ આવ્યો કે સાયરનનો અવાજ તેના કાને પડ્યો. થોડી વાર બાદ સાઈકલની ઘંટડીનો અવાજ પણ તેણે સાંભળ્યો. તેણે ટિફિન બોક્સ લીધું ને પાર્કિંગ એરિયામાં આવી પહોંચ્યો. ગાભા વડે બેઠક સાફ કરી ને મોટરસાઈકલ ઉપર સ્થાન ગ્રહણ કરી ઘેર આવવા રવાના થયો.
એ દિવસે રાત્રે એની પત્ની સુધા તેને કહેવા લાગી, "તમે જાણ્યુ; આપણા ગામનુંં જ કો'ક બળી ગયું હતું. આજે એનુંં પેપરમાં છપાયું છે. "
"ના હું જાણતો નથી. પેપર લાવ તો…"સંજય કહેવા લાગ્યો. સુધા પથારીમાંથી ઊભી થઈ અને પેપર લઈ આવી. સંજયે પેપર ખોલ્યું એટલે સુધાએ કોઈ એક સમાચાર તરફ આંગળી ચીંધી. સંજય એ સમાચાર વાંચવા લાગ્યો. થોડી વાર બાદ તેનુંં મોઢું બગડી ગયું. આ જોઈ સુધા પૂછવા લાગી , "શું થયું? "
"સુધા, આ બળી જનાર બીજું કોઈ નહી પણ મારી સાથે ફેક્ટરીમાં કામ કરતો મારો ભેરુ યોગેશ છે. "સંજયે સ્પષ્ટતા કરી. "અરે રે …...બહુ ખરાબ થયું. આવતીકાલે રવિવાર છે. ખબર કાઢવા જઈ આવજો. જાણ્યા પછી ન જઈએ તો ખરાબ દેખાય" સુધા કહેવા લાગી ..
"ભલે સુધા; આવતીકાલે જઈ આવીશ" કહેતાં સંજય પડખું ફર્યો.
સવારે સંજયે યોગેશનો મોબાઈલ નંબર ડાયલ કર્યો.
"હેલ્લો, કોણ બોલો ? "રમીલા પૂછી રહી હતી.
"ભાભી, હું યોગેશનો ભાઈબંધ સંજય ! "સંજયે કહ્યું.
"બોલો સંજયભાઈ; એમને તો ઓસપિટલમા દાખલ કર્યા છે. " રમીલા કહેવા લાગી
"કઈ હોસ્પિટલમાં ? "સંજયે પૂછ્યું
"મીરા હોસ્પિટલમાં કદાચ દાખલ કર્યો હશે એને "સંજયે વિચાર કર્યો. પોતાના ગામની નજીકમાં એ જ એક સારી હોસ્પિટલ હતી.
"સંજયભાઈ મીરા ઓસપિટલમા "રમીલા બોલી.
"હું અત્યારે જ યોગેશની ખબર કાઢવા આવું છું. મને વોર્ડ નંબર જણાવો" સંજય કહેવા લાગ્યો.
"અંઈ આવીને ખાલી એટલું જ કહેજો કે વોર્ડ નંબર પાંચમા જવું છે. બીજે માળ આવજો સંજય ભાઈ હો કે…."રમીલા બોલી.
"એ હા; મૂકુ છું." કહેતાં સંજયે કોલ ડિસકનેક્ટ કર્યો. હોસ્પિટલના મેઈન ગેટ આગળ વોચમેન ઊભો હતો. તેની પાસે જઈને સંજય કહેવા લાગ્યો, "મારે વોર્ડ નંબર પાંચમા જવું છે. મને ત્યાં લઈ જવામાં મદદ કરશો ? "સંજયે નમ્રતાપૂર્વક વાત કરી તેથી વોચમેનને સારું લાગ્યું. તે કહેવા લાગ્યો, "કેમ નહી ! ચાલો મારી સાથે" સંજય વોચમેનને અનુસરવા લાગ્યો.
"પેશન્ટનું નામ શું છે ? "વૉચમેને સવાલ કર્યો.
"યોગેશ "સંજય બોલ્યો.
"આખા શરીરે દાઝી ગયા છે એ જ ભાઈ ને ? "વોચમેને પૂછ્યું.
"હા એ જ "સંજયે કહ્યું.
વૉચમેન સંજયને વોર્ડ નંબર પાંચના દરવાજા સુધી દોરી લાવ્યો. સંજયે જોયું કે રમીલા સ્ટૂલ પર બેઠી હતી. યોગેશ પથારીમાં હતો. તેના શરીર પર ઠેકઠેકાણે દવા-મલમ ચોપડવામા આવ્યાં હતાં. કેટલાક ભાગ ઉપર પાટો બાંધવામાં આવ્યો હતો. ચામડી બળી જવાને કારણે કાળી પડી ગઈ હતી. અલબત તે ભાનમાં હતો. એટલે ધીમેથી વાતો કરી શકતો હતો.
સંજયે યોગેશની આંખોમાં આંખો પરોવી પૂછ્યું, "શું બીના બની હતી એ તો કહે ? "
"પેલા પતિ- પત્નીને છોડાવવા ગયો હતો ત્યારે આમ બન્યું હતું. "યોગેશે કહ્યું.
" ભગવાનનો પા'ડ માન આંખો બચી જવા પામી ! બહુ ચિંતા કરતો નહી. ભગવાન ઉપર ભરોસો રાખજે. બધું સારું થઈ જશે !" દિલાસો આપતાં સંજયે કહ્યું.
"હું તો એમને દર વખતે ના જ પાડ્યા કરતી હતી કે એ ધણી ધણિયાણીના કકળાટમાં પડશો નહીં પણ મારું કહ્યું માન્યું નહીં ને આ ઉપાધિ નોતરી ! "રમીલાએ બળાપો કાઢ્યો.
"ખર્ચાનુંં કેવુંક છે ? પેલા લોકો ખર્ચો આપશે ને ? "સંજય રમીલાને પૂછવા લાગ્યો.
"એ શું ખર્ચો આપવાના ! ગઈકાલે જ હુ એમના ઘેર ગઈ હતી. મદદ કરવા અંગેની વાત મૂકી તો તરત જ હાથ ઊંચા કરી દીધા ! "રમીલા બોલી.
"કહ્યું શું એ લોકોએ ? " સંજયે પૂછ્યું.
"એ લોકોએ એવું કહ્યું કે અમારા ઝગડામાં વચ્ચે પડવાનુંં એમને કોણે કહ્યું હતું ? "રમીલા કહેવા લાગી.
થોડીવાર બાદ એણે ઉમેર્યું, "એક લાખ જેટલો ખર્ચ આવશે."
દોસ્તીના નાતે સંજયને બસો- પાંચસો રૂપિયા મદદ કરવાની ઈચ્છા થઈ આવી. પરંતુ એ પછી તેને વિચાર આવ્યો કે , "આટલા રૂપિયાથી શું થવાનુંં છે !" તેણે મદદ કરવાનો વિચાર માંડી વાળ્યો. ત્યારબાદ તેણે ત્યાંથી રજા લીધી. અને ઘેર આવવા રવાના થયો.
એ દિવસે રાત્રે એણે સુધાને સઘળી વાત જણાવી. વાતોમાં ને વાતોમાં ઘણો સમય પસાર થઈ ગયો.
"પેલા લોકોએ થોડી મદદ તો કરવી જોઈએ ને ? "સુધા સામે જોઈને સંજય કહેવા લાગ્યો.
સંજયની વાત સાંભળી સુધા કહેવા લાગી, "પણ તેઓ એમને છોડાવવા જ શું કામ ગયા હતા ? પોતાનુંં સંભાળીને બેસી રહ્યા હોત તો આવી હાલત ન થાત ! અને હવે સૂઈ જાવ. મોડું ઊઠાશે તો નોકરી પર જવાનુંં પણ મોડું થશે. "
સુધાના મોંએ મોડું થવાની વાત આવી એટલે સંજયને યોગેશની ફેક્ટરી પર મોડા આવવાની વાત યાદ આવી. તેના ચહેરા પર સ્મિત રેલાઈ રહ્યું.
