Bindya Jani

Tragedy Inspirational Thriller

4.8  

Bindya Jani

Tragedy Inspirational Thriller

નિરાલીનો નિર્ણય

નિરાલીનો નિર્ણય

7 mins
494


 નામ એનું નિરાલી. સ્વભાવે પણ નિરાળી. લોકો સાથે હળતીભળતી, નિખાલસ, જરૂરિયાતવાળાની મદદગાર, આસપાસના લોકોમાં પ્રિય, અને બાળકોની તો પ્રિય નિરાલી દીદી. 

      કોલેજ પૂરી કરી અને તેણે તેની આસપાસના બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું અને એ પણ ફી લીધા વગર. સાંજ પડે ને તેનું ઘર બાળકોની કિકીયારીથી ઊભરાઈ જાય. તેના ઘરે બાળમેળો જામે. બધા જ બાળકો નિરાલી દીદી - નિરાલી દીદી કહી તેની આસપાસ ઘુમ્યા કરે. નિરાલી કોઈને ભણાવે, કોઈને રમાડે કોઈને ચિત્રો કરાવે, તો કોઈને ગીતો પણ ગવડાવે.

       આજુબાજુના લોકો ને બાળકોની ચિંતા જ નહોય. બાળકો ની માતા તેમનું કામ પતાવવા નિંરાત જીવે જાય. બાળકો જ્યારે નિરાલી દીદી પાસે હોય ત્યારે તેઓ ને  કોઈની જરૂરત ન હોય. 

  નિરાલી તેના મમ્મી - પપ્પાની એકની એક લાડકી દીકરી. તેમનું ઘર પણ ખૂબ જ મોટું ઘરમાં સુંદર બગીચો પણ ખરો. અને નિરાલી બગીચામાં બાળકો સાથે બાળક બનીને રમતી જોવા મળે. બાળકો સાથે રમતી નિરાલીને જોઈ ક્યારેક તેની મમ્મીને ચોક્કસ વિચાર આવે કે મારી આવી ફૂલ જેવી દીકરીને સારૂ સાસરું મળી જાય તો સારું. અને જાણે કે તેના વિચારને પુષ્ટિ મળતી હોય તેમ, નિરાલી માટે તેના માસીએ તેના દૂરના સગા ના છોકરા નિર્લેપ માટે વાત કરી. નિર્લેપ સુખી સંપન્ન ઘરનો એકનો એક દીકરો, સારી કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે. નાનું એવું તેનું કુટુંબ દેખાવડો પણ ખરો. નિરાલી સુખી થશે એવું વિચારીને તેના માસીએ નિરાલીની મમ્મીને વાત કરી. નિર્લેપની નોકરી, ઘર પરિવાર અને દેખાવ જોઈને તેની મમ્મીને પણ થયું કે આ વાત નિરાલીને કરવી જોઈએ.

        બંને કુટુંબો વચ્ચે વાતચીત થઈ. અને એક દિવસ નિર્લેપ નિરાલીને જોવા આવ્યો. બંને વચ્ચે વાતચીત થઈ. નિર્લેપ ને નિરાલી ગમી ગઈ અને નિરાલીને નિર્લેપ. અને બંને કુટુંબોની પસંદગીની મહોર લાગી ગઈ. અને ધામધૂમથી લગ્ન પણ થઈ ગયા. બંને પોતાના સંસારમાં વ્યસ્ત થઈ ગયા. નિરાલી હાઉસ વાઇફ તરીકે તેની ફરજો બરાબર બજાવતી. એ લોકોની જિંદગીમાં ફરિયાદને કોઈ સ્થાન ન હતું. તેઓની જિંદગી એક ધારી વહી જતી હતી. પરંતુ લગ્નના ત્રણ વર્ષ પસાર થઈ જતાં નિર્લેપની માતાએ દાદીમા બનવાની ઈચ્છા વ્યક્ત કરી. આમને આમ બીજા પાંચ વર્ષ પસાર થઈ ગયા. તેમની માતા નિરાલીને વ્રત માનતા બાધા જેવા ઉપાય બતાવવા રહેતા. નિર્લેપનો વંશ આગળ વધે એવું ઈચ્છતા હતા. નિર્લેપ ને નિરાલી પણ બાળકની ઈચ્છા ધરાવતા હતા. પછી તે દીકરો હોય કે દીકરી. તેમણે ડોક્ટર ની સલાહ લીધેલી અને તેમની સારવાર ચાલુ જ હતી. તેમણે તેમની ઈચ્છા ભગવાન પર છોડી દીધી હતી. અને એક દિવસ નિર્લેપ ને નિરાલી એ તેમની માતાને ખુશી સમાચાર આપ્યા. તેઓએ ભગવાનનો પાડ માન્યો. તેમની માતાને મનમાં ઈચ્છા હતી કે પહેલા ખોળે દીકરો આવે. તે માતાજી ને પ્રાર્થના કરતી. 

     એક દિવસ નિરાલી ને નિર્લેપ ફરવા જતા હતા ત્યારે અચાનક તેમની બાઈક ને પાછળથી બસની ટક્કર લાગી. તેઓ બંને ઉથલી પડ્યા. નાની મોટી ઈજાઓ થઈ. પણ નિરાલી ઉથલીને ઊંધી પડી ગઇ તેમને પેટમાં લાગી ગયું હતું તરત જ તેની જરૂરી સારવાર થઈ. ડોક્ટરે નિરાલીને સંપૂર્ણ પણે બેડરેસ્ટ કરવાનું કહ્યું. આઠમો મહિનો પૂરો થવા આવ્યો હતો. અને નવમા મહિને નિરાલીએ પરી જેવી સુંદર પુત્રીને જન્મ આપ્યો. બાળ નિષ્ણાત ડૉક્ટર આવી બેબી ને તપાસી તેમને બેબીના અમુક ટેસ્ટ કરાવવા જરૂરી છે તેવું લાગ્યું. ડોક્ટરે નિરાલી અને નિર્લેપ ને વાત કરી કે અમને શંકા છે કે તમારા અકસ્માતના કારણે બેબી ના મગજની નસ દબાઇ જવાથી તેના મગજ ને નુકસાન થયું છે. ન્યુરોલોજિસ્ટે પણ જરૂરી સારવાર શરૂ કરી દીધી.. નિર્લેપ ને નિરાલી અસમંજસમાં પડી ગયા. ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા. કુદરતને જે મંજુર હોય તે ખરું એવું નિરાલી વિચારતી રહી. તે ભગવાન પાસે ફરિયાદ કરતા કરતા રડી પડતી. હે ભગવાન તેં ઘણાં વર્ષો પછી સરસ મજાની ઢીંગલી આપી. પણ તેં મને મારા ક્યા ગુનાની સજા મારી ઢીંગલીને આપી.? તે ભગવાન પાસે રડી લેતી અને ફરિયાદ પણ કરી લેતી. પણ છતાં તેણે ભગવાન નો આભાર માન્યો. તેને મા બનવાનો અવસર મળ્યો. તેણે ભગવાન ને પ્રાર્થના કરતા કહ્યું કે હું મારી આ ઢીંગલીના કારણે તો મા છું અને તેને હું ઈશ્વરની કૃપા સમજીને જ સાચવીશ. અને તેણે બેબીનું નામ નિધિ પાડ્યું. નિધિ એટલે ખજાનો, સંપત્તિ... ભગવાન દ્વારા મળેલી સંપત્તિ તેને સાચવવાની તક મળી હતી. 

       નિર્લેપ તેમના નામ પ્રમાણે નિર્લેપ હતો. તે પિતા હોવાના નાતે તેની ફરજ બજાવવામાં પાછી પાની કરતો નહી. પણ માનસિક રીતે તે તેની પુત્રીનું એબનોર્મલ હોવું તે સ્વીકારી શકતો ન હતો. અને તેની માતા પણ અણગમતું બાળક સમજી ને નિરાલી સાથે દુર્વ્યવહાર કરતી. નિરાલીની હસતી રમતી જિંદગી જાણે બદલાય ગઈ. તેની જવાબદારી વધી ગઈ. તે નાની નિધિ ને એકલી મૂકી શકતી નહીં. નિધિ પણ માત્ર તેને જ ઓળખતી. તેને ન જુએ તો રાડારાડ કરી મૂકતી !

      નિરાલીનો નિધિ પ્રત્યે પ્રેમ દિવસે દિવસે વધતો જતો હતો. આખો દિવસ ઘર અને નિધિ પાછળ તે નિર્લેપ પ્રત્યે ધ્યાન આપી શકતી ન હતી. તે નિધિમય થઈ ગઈ હતી. અને તેના કારણે તેના અને નિર્લેપ વચ્ચે માત્ર નામનો સંબંધ રહી ગયો. જેના કારણે નિર્લેપ પણ નિરાલીથી દૂર થઈ ગયો અને તે તેની સુંદર સેક્રેટરી નૈયા સાથે હરતો - ફરતો થઈ ગયો. ઘરના આર્થિક વ્યવહારો તે બરાબર સાચવી લેતો. ક્યારેક નિરાલી નિધિ ને સાચવવા નું કહે તો તે તેને સાચવવાની કોશિશ કરે પણ તે પણ ફરજ ખાતર. નિર્લેપ તથા તેની માતા નિધિને બોજ સમજતા. ક્યારેક નિર્લેપ ની માતા ના મોઢામાંથી એવા શબ્દો નીકળી જતાં. ત્યારે પણ તે સાંભળી લેતી. તે ઘણી વાર નિર્લેપ ને કહેત' "નિધિ ના મગજ ને નુકસાન થયું તેમા નિધિ નો શું વાંક? નિધિ આપણા બંનેનું બાળક છે. તારી પણ તેના પ્રત્યે એટલી જ જવાબદારી છે." નિર્લેપે કહ્યું, " હું આર્થિક જવાબદારી તો લઉ જ છું ને......!" 

     નિધિ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ નિરાલી તેને પ્રેમથી અનેક શબ્દો બોલાવવાની કોશિશ કરતી રહેતી. હાથના ઇશારે તેને સમજાવતી રહેતી. ચિત્રો દ્વારા સમજાવતી, રંગો બતાવતી. તેને બાબાગાડીમાં બેસાડી ફરવા લઈ જતી. નિધિ નું દરેક કામ તે ઈશ્વરીય કામ સમજી ને કરતી. નિધિ પણ આંખના અને હાથના ઇશારે ઘણું સમજતી થઈ ગઈ હતી. 

નિરાલી તો મા હતી ને...! મા માટે તો તેનું બાળક તેનું સર્વસ્વ હોય છે. નિરાલી એક દિવસ નિધિને લઈને "દિવ્ય બાલ" સંસ્થામા જઈ ચડી અને ત્યાંના બાળકો સાથે, ત્યાંના વાતાવરણમાં તેણે હૂંફ અનુભવી. નિધિ પણ ત્યાંના બાળકો સાથે રમી. તેની આંખોમાં પણ એક ચમકારો નિરાલીએ અનુભવ્યો. પિતા ને તો દીકરી વહાલી હોય. પણ નિધિ પ્રત્યે નિર્લેપ ના આવા વર્તનથી નિરાલીને ખૂબ જ આઘાત લાગ્યો. ખૂબ વિચાર ના અંતે તેના નિરાળા સ્વભાવના કારણે તેણે લીધો એક પ્રેરણાદાયી નિર્ણય. તેણે નિર્લેપ ને પોતાના નિર્ણય ની વાત જણાવી તેણે નિર્લેપ ને કહ્યું કે " હું જાણું છું કે તું તારી સેક્રેટરી" નૈયા " સાથે હરેફરે છે. અમારી જવાબદારી તને આગળ વધતા રોકે છે. તો હું તારા પર બોજ બનવા નથી માંગતી તું તારી જિંદગી નૈયા સાથે શરૂ કરી શકે છે." નિરાલી એ ઘર છોડીને "દિવ્ય બાલ" સંસ્થામાં જોડાવવાનો નિર્ણય લીધો.

       નિર્લેપ તેની વાત સાંભળી અવાચક થઈ ગયો. તેણે પોતાની બધી ફરજ બરાબર નિભાવી હતી. પણ નિરાલીને તે માત્ર ફરજ ખાતર કંઈક કરે તે મંજૂર ન હતું.

        નિરાલી ના આવા નિર્ણયથી નિર્લેપ અસમંજસમાં પડી ગયો તે વિચારતો રહ્યો...... નિરાલીએ તો મા બનીને નિધિને પૂરેપૂરી હૂંફ આપી છે. પણ તે પોતે તો માત્ર પૈસા આપીને છૂટી જાય છે. અને તે પણ તેના અને નિરાલીના જીવનનું સરવૈયું કાઢે છે અને તેને થયું તેણે તો માત્ર તેની ફરજ પૂરી કરી છે. પણ નિરાલી સાથે વિતાવેલ અમુલ્ય દિવસો, નિધિના જન્મથી આજ સુધી નિરાલીએ તેના જીવનને એક બલિદાન સમજીને જ જીવ્યુ છે. તે પોતા માટે નહીં પણ બીજા માટે જ જીવે છે. અને તે જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ તેને લાગ્યું કે તેના જીવનની બાજીમા ક્યાંક ઊણો ઊતર્યો છે. તેના દિલમાં એક લાગણીની ટશર ફૂટી નીકળી અને તે રાત પછી તે હળવો ફૂલ થઈ ગયો.

        અને તેણે તે દિવસે નાની નિધિને પોતાની દીકરીની નજરે જોઈ. તે તેની પાસે ગયો અને તેની પાસે બેઠો. તેના કોમળ કોમળ હાથને સ્પર્શ કર્યો. નિધિ સ્પર્શની ભાષા સમજતી હતી. તેણે પણ નિર્લેપ નો હાથ પકડયો ને તૂટક - તૂટક શબ્દો માં બોલી". પા........ પા......" અને નિર્લેપથી તેના માથા પર હાથ મૂકાઈ ગયો. તેણે પોતાપણાનો અહેસાસ અનુભવ્યો. ધીરે ધીરે તે થોડીવાર માટે પણ નિધિને રમાડતો થયો. રમકડાં બતાવતો થયો. નિધિ પણ તૂટક તૂટક શબ્દોમાં કાલુ કાલુ બોલતી તે સાંભળતો. પહેલીવાર તેણે અનુભવ્યું કે બાળકની ભાષામાં કેટલી મીઠાશ છે. 

       તેનામાં અચાનક આવેલું પરિવર્તન જોઈ નિરાલી ને નવાઈ લાગી. તે મનોમન ભગવાન નો આભાર માનવા લાગી. નિર્લેપના બદલાયેલા વર્તનની નોંધ તેની માતા એ પણ લીધી. તે નિધિને તેડીને રમાડતો થઈ ગયો. ક્યારેક દાદીમાના હાથમાં પણ આપી દેતો. નિધિ ચાલતા શીખી ગઈ હતી. દા... દી બોલીને હાથ પકડી લેતી. 

       અને હવે નિરાલીના નિર્ણય સાથે તેનો નિર્ણય પણ જોડાઈ ગયો. નિરાલીના જીવનમાં ખુશી છવાઈ ગઈ. અને તેઓ બંને "દિવ્ય બાલ" સંસ્થા સાથે જોડાઈ ગયા. જ્યાં અનેક મંદબુદ્ધિ બાળકો પ્રેમને ઝંખતા હતા. નિરાલીએ તેમના દિલમાં પ્રેમ જ્યોત જગાવી. અને તેઓ માત્ર પોતાની દીકરી ના નહીં અનેક દિવ્ય બાળકોનાં મા-પાપા બની ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy