નીતિ
નીતિ


અચાનક એક ગોળીનો અવાજ થયો અને મારો હાથ મારા ચાર માસના ગર્ભ પર ગયો. હું ગભરાઈ ગઈ. આજુ બાજુ જોયું તો દરેક લોકો ભયભીત હતા. વૃધ્ધોનો રડવાનો અવાજ. નાના બાળકની ચિચિયારીઓ મારા મગજમાં ઘુમરાઇને મને પાગલ બનાવી રહી હતી.
એક ઊંડો શ્વાસ લીધો અને જાણે મારો સમગ્ર ભૂતકાળ મારી નજર સમક્ષ તરવરવા લાગ્યો.
''મારા માઁ બાપની એકમાત્ર હું સંતાન. 10 વર્ષની અથાગ રાહે મારો જનમ થયો હતો જેથી ખૂબજ લાડકોડ અને પ્રેમમાં ઉછરી હતી. કોલેજમાં ભણવા માટે અમદાવાદ ગઈ હતી. ત્યાં મને ધ્રુવ ભટ્ટ મળ્યો હતો. ધીરે ધીરે અમે બંને એકબીજાને ચાહવા લાગ્યા. ધ્રુવ હંમેશા મારી સમીપ આવવા ઈચ્છતો પણ હું મારી મર્યાદા નહોતી ઓળંગવા માંગતી.
એક દિવસ ધ્રુવે કપટથી મને કંઈક પીવડાવ્યું અને મારા પવિત્ર કૌમાર્યને ભંગ કરી દીધું. હું આ પરિસ્થિતિને જીરવી શકવા તૈયાર નહોતી. ઘરમાં વાત કરવાનું માંડી વાળ્યું પણ નિયતિએ કંઈક બીજું જ વિચાર્યું હતું. 2 મહિના બાદ મને મારા પ્રેગ્નેટ હોવાની જાણ થઇ. હવે ઘરે વાત કરવું જરૂરી બની ગયું હતું. મેં ઘરમાં વાત કરી તો ઘરનાં લોકો પહેલા તો દુઃખી થઇ ગયા પણ પછી પપ્પાએ સ્વસ્થ થતા કહ્યું. 'બેટા તું ચિંતા નાં કરીશ તારા સારામાં સારા છોકરા સાથે લગ્ન કરાવી દઈશું. તું તારી મમ્મી સાથે જઈને અબોર્શન કરાવી આવ '. પપ્પાની વાત સાંભળીને મને ઝાટકો લાગ્યો. હું મારી ગર્ભમાં ઉછરી રહેલ બાળકને મારવા માટે બિલકુલ નહોતી ઇચ્છતી. મારી વાતને ઘરનાં લોકો નાં સમજી શક્યા અને હું ઘરેથી કોઈને કહ્યા વગર ભાગી ગઈ. નાની મોટી નોકરી કરવા હું મુંબઈ આવી ગઈ અને એક ચાલીમાં રહેવા લાગી.
મને એક પ્રખ્યાત હોટેલમાં રિસેપ્શનિષ્ટની જોબ મળી ગઈ. મારા પ્રેગ્નેટ હોવાની જાણ હજુ સુધી મેં કોઈને નહોતી કરી પણ 2-3 મહિનામાં તેની જાણ થઈજ જાત. તેમ છતાં હું વિચારતી રહી કે જો ભગવાને મને નવું જીવન આપ્યું છે તો તે જ મને સાચવશે.
અચાનક ફરી હવામાં રાઉન્ડ ફાયરિંગ થયું અને હું મારા ભૂતકાળમાંથી બહાર આવી. અમારી હોટેલ પર આતંકવાદીઓએ પૈસા માટે હુમલો કર્યો હતો. તેમનું કહેવું હતું કે જો તેમને તેમના પૈસા મળી જશે તો તેઓ અમને કો
ઈજ પ્રકારનું નુકસાન નહીં કરે. મને વિશ્વાસ હતો કે સરકાર આનો રસ્તો જલ્દી લાવી દેશે પણ હું અંદરથી ખૂબજ ભયભીત બની ચૂકી હતી. મને મારા ગર્ભમાં કંઈક અજીબ સ્પર્શ. કંઈક અજીબ લાગણી થઇ રહી હતી. હું ત્યાંથી ઉભી થઈને બાથરૂમ જવા નીકળું છું એવું કહીને બાથરૂમમાં પ્રવેશી. મારી સાથે એક આતંકવાદી માણસ પણ આવ્યો. બાથરૂમમાં પ્રવેશતા મને કંઈજ નાં સૂઝતા મેં બાજુમાં પડેલ લોખંડનો સળીયો તેના માથા પર મારી દીધો. તે જમીન પર પટકાઈ ગયો. ત્યારબાદ હું ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો વિચારવા લાગી. અંડરગ્રાઉન્ડ ગટરનો રસ્તો મને વિચારમાં આવ્યો અને મેં ફટાફટ સમય બગાડ્યા વગર તેનું ઢાંકણું ખોલી નાખ્યું અને ગટરના રસ્તે ઉતરીને ચાલવા લાગી.
ચાલતા ચાલતા મને સતત વિચાર આવતો રહ્યો કે મેં આવું સાહસ શા માટે કર્યું?? સરકાર તે આતંકવાદીઓને પૈસા આપી દેત તો એમ પણ અમે છૂટી જ જાત અને અચાનક એક મોટો ધડાકો થયો. મારા કાન સુન્ન પડી ગયા. ગટરથી બીજા રસ્તે બહાર નીકળીને જોયું તો આખી હોટેલ ધરાશાયી થઇ ગઈ. બહાર લોકોનો આક્રંદ જોઈને હું ઘડીક તો સમસમી ગઈ. મને કંઈજ નાં સૂઝ્યું. હું સીધી એક બસમાં બેસી અને મારા ઘરે સુરત આવી ગઈ.
ઘરે દરવાજો ખુલતા મમ્મીએ મને પ્રેમથી વધાવી લીધી પણ મારી હાલત જોઈને તે સમજી ગઈ. રાતે પપ્પા આવ્યા અને હું થોડી સ્વસ્થ થઇને બોલી. 'પપ્પા આજે હું મારા ગર્ભમાં રહેલ બાળકનાં લીધે બચી છું નહીં તો હું પણ મુંબઈની એ હોટેલમાં બળીને મરી ચૂકી હોત. એક ખરાબ માણસની ભૂલનાં લીધે એક નાના જીવને શું કામ મારી દેવો?? તમે લોકોએ દસ વર્ષ બાળકની રાહ જોઈ છે તો તમે એનું વિરહ સમજી જ શકો છો. જો તમે મને મારા બાળક સાથે અપનાવશો તો જ હું અહીંયા રહીશ નહીં તો હું સવારે મારો સામાન લઈને નીકળી જઈશ અને મારા બાળકનાં સહારે જીવી લઈશ.
મારી બાળકીના જનમ પર પપ્પા મારી પાસે આવ્યા અને બોલ્યા. 'નીતિ તું હંમેશા તારા જીવનમાં નીતિથી જીવી છું. તે દિવસે તે મને જીવનમાં તારા નામનો ખરો અર્થ સમજાવ્યો હતો. શરૂઆતમાં તારી બાળકીને ન અપનાવીને અમે નિયતિને સ્વીકારી નહોતા શક્યા. પણ આજે તેનો સુંદર ચહેરો જોઈને હું કહી શકું છું નીતિ કે નિયતિમાં તારી પરછાઇ જરૂર પડશે.... '