નાદાન જિમ્મી
નાદાન જિમ્મી
ઑફિસથી ઘરે આવેલી હેત્વીનું ધ્યાન બારી પાસે મૂકેલાં ફ્લાવર પોટ પર ગયું. એણે જિમ્મીને પૂછ્યું, "જિમ્મી, બેટા આ કોણે મૂક્યું ? એમાં આ છોડ સાથે સિક્કા કોણે નાંખ્યા ?"
"મમ્મી, એ તો મેં પોટ મૂક્યો છે. એમાં સિક્કા એટલે નાંખ્યા છે કે જેમ જેમ એમાંનો છોડ મોટો થતો જશે તેમ તેમ સિક્કાને પણ મૂળિયાં નીકળશે. પછી એ સિક્કાને હું આપણાં ઘરનાં કંપાઉન્ડમાં રોપી દઈશ. તો એમાંથી ધીમે ધીમે મોટું રૂપિયાનું ઝાડ ઉગશે. પછી તારે મને ઘરમાં બા દાદા પાસે મૂકી ઑફિસમાં રૂપિયા કમાવા નહીં જવું પડશે." જિમ્મીની વાત સાંભળીને હેત્વીનું હૈયું ભરાય આવ્યું. એણે જિમ્મીને છાતીએ વળગાડી દીધો. એની આંખ અનરાધાર વરસી પડી. એની આંખ સામે સાત વર્ષ પહેલાંનો સમય ચિત્રપટની પટ્ટીની જેમ ફરી વળ્યો.
"હેત્વી, બેટા. હવે તો તારા બધાં નાના ભાઈ બહેનના લગ્ન પણ થઈ ગયા છે. હવે તો તારા વિશે કંઈ વિચાર કર. આજકાલ કરતાં તારી ઉંમર પાંત્રીસ વર્ષની થઈ ગઈ. અમે તો ખર્યું પાન કહેવાઈએ. અમારા પછી તારું કોણ ?"
"પપ્પા, મમ્મી, તમે મારી ચિંતા ન કરો. મારી નોકરી સારી છે એટલે મને કોઈ વાંધો નહીં આવે. તમને મૂકીને હું ક્યાંય નહીં જાઉં."
છેવટે માવતરની રડતી આંખો પાસે લાચાર થઈ હેત્વીએ નિમેષ પર પસંદગી ઢોળી. નિમેષ પણ ઘર પરિવારની જવાબદારી હેઠળ પરણવાનો બાકી જ હતો. લગ્ન કરીને બંનેએ સંસારની શરૂઆત કરી. લગ્નના ચાર પાંચ મહિના પછી નિમેષે પોત પ્રકાશ્યું. ઘરની જવાબદારી નહીં પણ ખોટી આદતો અને બેકારાવસ્થાને કારણે એના લગ્ન નહોતા થતાં. મોટા પગારની નોકરી કરતી હેત્વી સાથે લગ્ન કરવા એણે નાટક કર્યું હતું.
હેત્વીને ખબર પડી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. એ ગર્ભાવસ્થા ધારણ કરી ચૂકી હતી. દીકરીનું ઘર વસેલું જોઈ માવતરે પાંચ મહિનામાં જ એક પછી એક વિદાય લીધી હતી. પિયરનું બારણું બંધ થઈ ગયું હતું. તેથી મન મારીને હેત્વી સાસરે જ રહી. જો કે સાસુ સસરા સ્વભાવે સારા હતાં પણ નિમેષ પાસે એમનું કંઈ ઉપજતું નહીં. નિમેષના સ્વભાવની દેખાતી સારપ હવે નિષ્ઠુરતામાં પલટાઈ ગઈ હતી.
"નિમેષ, તું શું કામ ચિંતા કરે છે ? તારે નોકરી કરવાની શી જરૂર છે ? તારે ત્યાં તો 'રૂપિયાનું ઝાડ' છે. મન થાય ત્યારે ખંખેરી લેવાના." નિમેષને એના જેવાં જ લુખ્ખા દોસ્તો ચડાવતાં. હેત્વીએ ઘણી વખત આ સાંભળ્યું હતું પણ શું કરે ? જોતજોતામાં જિમ્મીનો જન્મ થયો. હેત્વીને થયું હવે સમજીને નિમેષ કંઈ કામકાજ કરશે. પણ એની આશા ઠગારી નીવડી. હવે તો એ ધોલધપાટ કરી હેત્વી પાસેથી રૂપિયા કઢાવી લેતો અને દિવસો સુધી બહાર રખડ્યા કરતો.
જિમ્મી નાનો હતો ત્યાં સુધી તો વાંધો ન આવ્યો પણ જેમ જેમ એ મોટો થતો ગયો તેમ સમજતો થયો કે પપ્પા, મમ્મીને મારીને એની પાસેથી રૂપિયા ઝૂંટવીને લઈ જાય છે. એના દોસ્તો જ્યારે ત્યારે પપ્પાને કહ્યા કરે છે, "આ તારું રૂપિયાનું ઝાડ છે ને. પછી ચિંતા શું છે ?" જિમ્મી આ બધું જોતો એટલે એના મનમાં એમ થયું કે હું જો રૂપિયાનું ઝાડ જ રોપી દઉં તો મમ્મીને માર ન ખાવો પડે. પપ્પાને જરૂર હોય ત્યારે એના પરથી રૂપિયા પાડી લે. તો મમ્મીએ મને મૂકીને નોકરીએ પણ ન જવું પડે.
નાદાન જિમ્મીની વાત સાંભળી હેત્વીએ એને છાતીસરસો ભીંસી દીધો. એણે હવે જિમ્મીના ભવિષ્ય તરફ જ ધ્યાન આપવાનું નક્કી કરી લીધું હતું.
