મુનાસીબ
મુનાસીબ
" તુજે પતા હે આજ ક્યા હે ? "
અડધી રાત્રીએ બદનામ ગલીની એક દાદર ઉપર સિગારેટના ગોટા હવામાં ઉડાવતી રેશ્માએ પડખે બેઠી રઝિયાના
પ્રશ્નનો કોઈ ઉત્તર ન આપ્યો. રઝિયાએ એક ત્રાંસી નજર રેશ્મા ઉપર નાખી અને પછી જાતેજ પ્રશ્નનો ઉત્તર આપ્યો.
" આજ વેલેન્ટાઈન હે. પ્યાર કા દિન. ફૂલ, તોહફએ ...ક્યા ક્યા મિલતા હે આજ કે દિન લડકિયોં કો ...લેકિન હમે ..."
ગલીના અવરજવર પર તકાયેલી રઝિયાની આશાભરી નજર ફરીથી સિગરેટના ગોટા હવામાં ઉડાવી રહેલી રેશ્મા ઉપર આવી ઠરી. રઝિયાનો ઉત્તર સાંભળી સિગારેટ હાથમાં થામી રેશ્મા ખડખડાટ હસી પડી. એ આમજ હસતી. મન મૂકીને. એની ટેવ હતી. બધુંજ દિલ ઠોકીને કરવાની. બદનામગલીની સૌથી બદનામ, બદતમીઝ, બદમિઝાઝ, બદબખ્ત યુવતી. ચૌદ વર્ષની હતી જયારે ગામથી સાથે લઈ આવેલ સગો કાકો જ થોડા પૈસાના લાલચમાં એના કોમળ, નિર્દોષ શરીરને આ જંગલમાં છોડી ગયો હતો. બહુ સમય ન લાગ્યો એને આ જંગલના કાયદાઓ શીખતાં. એની દરેક અદાઓમાં જંગલીપણું ઠુસી ઠુસીને એણે ભર્યું હતું. રઝિયા જેવું સુંવાળું હૈયું ન હતું એનું.
રઝિયાનો તો જન્મ જ આ જંગલમાં થયો હતો. માએ નક્કી કર્યું હતું કે જે પણ થાય એની દીકરી અહીં આ દલદલમાં ન રહેશે. પણ એ ભૂલી ગઈ હતી કે આ દલદલમાં એકવાર પગ પડ્યો પછી બહાર નીકળવું અશક્ય. એઈડ્ઝની જીવલેણ માંદગીમાં માને આંખો સામે રિબાઈ રિબાઈ મરતા એણે નિહાળી હતી. એ માંદગી માની જોડે રઝિયાની મુક્તિની ચાવી પણ ઘસડી ગઈ. છતાં એનું હૈયું આજે પણ એક સામાન્ય જીવનના અરમાન દરરોજ સજાવતું અને દર રાતે એ અરમાનોને કફન ચઢી જતું.
રેશ્માના હાસ્યથી આખી ગલી ગૂંજી ઊઠી. નીચે પસાર થતા કેટલાક ગ્રાહકોની નજર એ તરફ ખેંચાઈ.
" એ વહાઁ સે ક્યાં ઘુરતા હે ? ઉપર આના મેરી જાન."
એક ગ્રાહકને સંબોધી રેશ્માએ એની જોડે આંખ પલકારી. ઉપર આવવામાં આળસ આવતી હોય એમ ગ્રાહક નીચે તરફ મેકપ કરી કતારમાં ઉભેલી યુવતીઓ તરફ આગળ વધી ગયો.
" દેખ મેરી જાન, " ગ્રાહક તરફથી પોતાની નજર સમેટી રેશ્માએ સિગારેટ થમાયેલા હાથ વડે રઝિયાને ખભા તરફથી આલિંગનમાં લીધી." યે પ્યાર , બિયાર...કુછ નહીં હોતા. હર આદમી કો ઔરતસે એક હી ચીઝ ચાહિયે. "
કોઈ અતિ મૂલ્યવાન સલાહ મફતમાં આપી મહેરબાની કરી હોય એમ એણે રઝિયાના માથે હાથ ફેરવ્યો. રઝિયાએ અકળાઈને હાથ દૂર હડસેલ્યો. પોતાના ખ્વાબોની ઈમારત જાણે રેશ્માએ લાત મારી વેરવિખેર કરી મૂકી હોય એમ રિસાયેલા હાવભાવો જોડે એની નજર ફરી ગલીની ભીડ પર મંડાઈ ગઈ.
રઝિયાની પ્રતિક્રિયા સામે રેશ્મા એકવાર ફરી ખડખડાટ હસી પડી. રઝિયાને હાસ્યના એ પડઘા ઉપર અકળામણ થઈ ઊઠી. મોઢું વાંકુ કરી એણે મનની બળતરા બહાર કાઢી.
" અંગુર ન મિલા તો ખટ્ટા ! "
રેશ્માએ ફરી એકવાર બળજબરીએ રિસાયેલી રઝિયાને પોતાના બાહોપાશમાં લઈ લીધી.
" સચ ખટ્ટા નહીં, કડવા હોતા હે રાની ! પહેલે ફૂલ, ફિર સોગાત, ફિર હોટલમેં ખાના, ફિર માંબાપસે મિલાયેંગે, ફિર સાત ફેરે ઔર ઉસકે બાદ મિલેગી જન્નત."
રેશ્માએ બીજા હાથ વડે સિગારેટનો ઊંડો કશ ભર્યો અને ધુમાડાની જોડે ફરી એનું અટ્ટહાસ્ય વાતાવરણને ધ્રુજાવી રહ્યું. નીચે તરફથી પસાર થઈ રહેલા પુરુષો તરફ એણે સિગારેટ વાળા હાથ થકી સંકેત કર્યો.
" યે દેખ. અગર દુનિયામેં સચમે પ્યાર નામકી ચીઝ હોતી તો યે બાઝાર આબાદ નહીં હોતે. યહાં જલેબી કી તરહ કુછભી ગોલ ગોલ નહીં. સીધી બાત. એક હાથ દે ઔર એક હાથ સીધી જન્નત લે. કોઈ લંબા તમાશા નહીં. જ્યાદા ફિલ્મે મત દેખ. દિમાગ ખરાબ હો જાયેગા,મેરી જાન. "
રેશ્માની વાતે રઝિયા પર અસર કરી. કોઈ કડવી દવા પીધા બાદ ચહેરા પર છવાતા હાવભાવો જેવી રેખાઓ રઝિયાના ચહેરા ઉપર ઉપસી આવી. પ્રેમ સાચે જ કશે નથી ? વાસ્તવિકતાના ભારથી થાકેલું માથું રેશ્માની પહોળી છાતી ઉપર લપાઈ ગયું. થાકેલા મનને લોરી સંભળાવી રહી હોય એમ રેશ્માએ રઝિયાના ગાલ પંપાળતા એક જૂનું ફિલ્મી ગીત એક વ્યવસાયિક ગાયકની અદામાં ગણગણવા માંડ્યું.
" છોડ દે સારી દુનિયા કિસીકે લિયે
યે મુનાસીબ નહીં આદમી કે લિયે
પ્યારસે ભી ઝરૂરી કઈ કામ હે,
પ્યાર સબ કુછ નહીં જિંદગીકે લિયે ."
રઝિયાની આંખોમાં પાણી છલકાઈ ઉઠ્યું. એ ભીનાશમાં થોડી ક્ષણ માટે માનો ચહેરો ઉપસી આવ્યો. હાથ વડે આંખો લૂછી ત્યારે માની જગ્યાએ એને રેશ્માનો ચહેરો દેખાયો.
રેશ્માની નજર આભ તરફ મંડાઈ હતી. સ્વચ્છ આકાશમાં ટમટમી રહેલા સિતારાઓને એ એકીટશે તાકી રહી હતી.
" રઝિયા, ઉપરવાલા અગર યહાં નીચે આકે મુજે કહેગા કે ઉસને પ્યાર જેસી કોઈ ચીઝ બનાયી હે, તભી મેં માનું . "
દાદર ચઢતા ડગલાઓએ બંને યુવતીઓનું ધ્યાનભંગ કર્યું. બે પુરુષો પૈકી એક પુરુષને ઝીણી દ્રષ્ટિએ ઓળખી કાઢી રેશ્માએ આંગળી મોઢામાં નાખી એક મોટી સીટી વગાડી. પોતાના રોજિંદા ગ્રાહકને નિહાળી રઝિયાએ રેશ્મા તરફ એક કટાક્ષભર્યું સ્મિત ફેંક્યું. ઝડપથી પોતાના બ્લાઉઝ અને સાડીને આકર્ષક લાગે એ રીતે વ્યવસ્થિત કરતા એ ઊભી થઈ.
" ધંધે કા વક્ત હો ગયા, મેરી જાન.જા જીલે આપની જિંદગી. "
રેશ્માના ખડખડાટ છૂટેલા હાસ્યના પડઘાથી બીજા પુરુષનું ધ્યાન એની તરફ ખેંચાયું. રેશ્માની નજર પણ એની તરફ પડી. જાણીતા ગ્રાહક દ્વારા એ પુરુષને જાણે દાદર ચઢવાની બળજબરી થઈ રહી હતી. પહેલીવાર શાળાએ જનાર બાળકને માતપિતા જે રીતે હાથ ખેંચીને વર્ગ સુધી લઈ જાય તદ્દન એ રીતે જ. શાળાએ ન જવા માટે બાળકનો ચહેરો જેવો અર્ધો ઉદાસ અને અર્ધો જિદ્દી થઈ ઉઠે તેવોજ ચહેરો રેશ્માને એ પુરુષના ચહેરામાં દેખાઈ રહ્યો હતો.
હાથમાંની સિગારેટ પગ નીચે કચડી એ ભરાવદાર શરીરને સંકેલી ઊભી થઈ.
"આજ એક્સ્ટ્રા ક્લાસ લગેગા ..." ફક્ત રઝિયા સાંભળી શકે એ રીતે મંદ સ્વરમાં બોલતા એણે રઝિયાના ખભા જોડે પોતાનો ખભો અડાડ્યો. રેશ્માના વ્યંગ ઉપર ઉપસી આવેલા પોતાના હાસ્યને એ બંને પુરુષ ન નિહાળી શકે એમ રઝિયાએ રેશ્મા તરફ ચહેરો ફેરવી આંખ પલકારી.
રઝિયાનો નિયમિત ગ્રાહક પાસે આવી ઊભો રહી ગયો. એણે રેશ્મા તરફ એક નજર કરી ને પછી પોતાની જોડે લઈ આવેલ પુરુષનો હાથ છોડ્યો. વર્ષોના ધંધાના અનુભવે એ આંખોની મૌન ભાષા રેશ્માએ વાંચી પણ લીધી અને સમજી પણ લીધી. રેશ્માએ એક નજર એ નવા પુરુષના શરીર ઉપર ફેરવી. રઝિયાએ પોતાના ગ્રાહકના ખભે અદાથી હાથ ગોઠવ્યો. એ હાથના સ્પર્શથી ઉત્તેજિત થઈ ગ્રાહકે એને કમરમાંથી પકડી પોતાની દિશામાં ખેંચી લીધી. રઝિયા સંગીતમય હસી પડી. બંને પાછળ તરફની ઓરડીમાં અદ્રશ્ય થયા અને બારણું ચુસ્ત વાંસી દેવાયું.
એકલા પડેલા યુગલ વચ્ચે એક અજુગતું મૌન ઉભું હતું. પુરુષે એક નજર રેશ્મા તરફ નાખી. રેશ્મા પોતાની વ્યવસાયિક અદાઓનું પ્રદર્શન કરતી અહીંથી ત્યાં શરીરને હિંચકે ઝુલાવી રહી હતી. એની કાજલધારી તેજ કટાર આંખો જાણે પુરુષના શરીરને વીંધીને આરપાર નીકળી રહી હતી. એ નજર અસહ્ય હોય એમ પુરુષે તરતજ પોતાની નજર નીચે ઢાળી દીધી. હયા અને શરમના ઘરેણાંથી મઢાયેલો પુરુષ રેશ્માએ પહેલીવાર નિહાળ્યો હતો. તેથી જ કદાચ એની આંખોમાં હેરત અને મશ્કરી એકજોડે ઉભરાઈ આવી હતી. બાકી અહીં આવતા પુરુષોમાં એણે તો ફક્ત જંગલી વરુઓ નિહાળ્યા હતા. જે સ્ત્રીના શરીરને નિહાળી એક સેકન્ડનો પણ સમય વેડફી ન શકે.
ક્યાં જવું, શું કરવુંની મૂંઝવણમાં પુરુષનું શરીર થોડું અહીંથી ત્યાં ફંટાઈને દાદરની દિશામાં વળ્યું. રેશ્માએ તરત જ પોતાનો હાથ એ દિશામાં વિઘ્ન સમો લંબાવી મુક્યો.
" ઈસ તરફ ...."
પાછળ તરફની ઓરડીને મળેલા સંકેત જોડે પુરુષ પાછળની દિશામાં વળ્યો. અડધી મિનિટ જેટલો સમય એણે ઓરડીના બારણાને તાકવામાં જ વેડફી નાખ્યો. પાછળ તરફથી રેશ્મા એ વિચિત્ર પ્રાણીનું છૂપું અવલોકન કરી રહી. બદનામગલીમાં આવી પડેલો કોઈ એન્ટિક પીસ નિહાળી રહી હોય એમ એની આંખોની ભૃકુટિ નવાઈનું નૃત્ય કરી રહી.
જાણીજોઈને પુરુષના ખભાને સ્પર્શ થાય એ રીતે પોતાના ખભાને અડકાવીને રેશ્મા આગળ નીકળી. ઓરડીના બારણે પહોંચી પોતાનું શરીર પુરુષની રાહમાં એક મૂર્તિની અદામાં મરોડદાર વણાંક આપી ઉભું રાખ્યું. એની હરકતથી લજાયો હોય એમ એ પુરુષ નજર ફેરવી દાદરને તાકવા લાગ્યો. અચાનકથી એક ઊંડો શ્વાસ ખેંચી એ ખૂબજ ઉતાવળા ડગલે રેશ્માની ઓરડીમાં ધસી ગયો. અંદર જતા પુરુષ તરફ લુચ્ચું સ્મિત ફરકાવી રેશ્માએ ઓરડીનું બારણું વિજયી નજર જોડે વાંસી દીધું.
આછા અજવાસ ભરી ઓરડીમાં હવાની અવરજવર નિષેધ હતી. પુરુષે પોતાના ઉપર સુધી શિષ્ટબદ્ધ બંધ રાખેલા શર્ટના બટનને એકવાર સ્પર્શ કર્યો. પછી મનમાં આવેલા વિચારને માંડી વાળ્યો હોય એમ ઉપરના ટોચના બટનને બંધ જ રહેવા દઈ હાથ બટન પરથી ખસેડી લીધો.
રાચરચીલાંનાં નામે ફક્ત એક જર્જરિત ખુરશી, એક નાનું જૂનું ટેબલ, એક પથારી સિવાય એની ચારે તરફ ચકળવકળ થઈ રહેલી દ્રષ્ટિને કશું ન જડ્યું. એનો ભારે શ્વાચ્છોશ્વાસ એ બંધ ઓરડીમાં એનો જીવ ઘોંટાય રહ્યાની ચાડી ખાઈ રહ્યો હતો.
નકામો સમય ન વેડફવામાં માનનારી રેશ્માએ પોતાના વ્યવસાયિક શિસ્તનું પાલન કરતા સાડીનો પાલવ દૂર હડસેલ્યો. પરસેવામાં લથપથ કપાળ જોડે પુરુષ પથારીમાં બેસી પડ્યો. એના હાથનો ધ્રુજારો દૂરથીજ રેશ્માની ચપળ આંખોને વળગ્યો.
મગજમાં આવેલ કોઈ ત્વરિત વિચારને અનુસરતો હોય એમ એણે ખિસ્સામાંથી ધ્રુજતા હાથે પર્સ ખેંચી કાઢ્યો. પર્સમાં સંભાળીને સચકાયેલી તસ્વીરને એ એવી રીતે નિહાળી રહ્યો જાણે એ તસ્વીર એને અણગમતી પરિસ્થિતિમાંથી ઉઘારી લેવાની હોય.
સામે સાડીનો પાલવ હડસેલી ઊભી રહેલી રેશ્માના શરીરમાંથી જાણે અપમાનનો કરંટ પસાર થઈ ગયો. એક નિર્જીવ તસ્વીર જાણે એની સ્પર્ધામાં આવી ઊભી રહી ગઈ હતી. એને પડકાર ફેંકી રહી હતી. હારવું એની ફિતરત ન હતી. સામે બેઠા પુરુષને લલચાવવા એણે ધીમે ધીમે શરીર ઉપરથી વસ્ત્રો દૂર કર્યા. ધીમે ડગલે એ પથારીની અત્યંત નજીક આવી ઊભી રહી ગઈ. પોતાના ભરાવદાર શરીર ઉપર ગર્વ લેતી એ પુરુષની આંખોમાં ઝાંખી રહી. પુરુષ ત્વરાથી પથારી છોડી ઊભો થઈ ગયો. જાણે સામે ઉભા નગ્ન શરીરની એના માનસ પર કોઈ અસર ઉપજી ન હોય એમ પર્સમાંથી એક નોટ કાઢી એણે રેશ્મા આગળ ધરી દીધી.
રેશ્માએ ધીમે રહી હાથ વડે એ હાથને નીચે તરફ હડસેલ્યો અને પોતાના શરીરને પુરુષના શરીરની વધુ નજીક લઈ જવા પ્રયાસ કર્યો.
પ્રશ્ન પૈસાનો નહીં સ્વાભિમાનનો હતો. એને કોઈ પણ હાલમાં જીતવું હતું. પુરુષ અકળાયો. થોડો પાછળ હટ્યો. રેશ્માએ પોતાનું નેતૃત્વ જમાવવા એના ચહેરાને બાથમાં ભરવાનો પ્રયાસ કર્યો જ કે એક જોરદાર થપ્પડ એના ગાલને હચમચાવી ગયો. એ નખશીખ ધ્રુજી ઊઠી. આવો દમદાર તમાચો જીવનમાં પહેલીવાર ખાધો હતો. એને તમ્મર ચઢી આવ્યા. એનું નગ્ન શરીર પથારી પર બેસી પડ્યું. હવામાં ઊડતી કડકડતી નોટ એના શરીર પર આવી વળગી.
શોક્ગ્રસ્ત મગજ કાંઈ સમજી શકે એ પહેલા ઓરડીનું બારણું ખુલ્યું અને ફરીથી બહાર તરફથી અંદર હડસેલાઈ ગયું.
પોતાના શરીર ઉપર આવી વળગેલી નોટને રેશ્માએ ધિક્કાર જોડે દૂર ઉડાવી મૂકી. ગુસ્સામાં ભાન ભૂલેલા હૈયે એણે ઓરડીમાં ફેલાયેલા વસ્ત્રો ગમે તેમ શરીર ઉપર ચઢાવ્યા અને ઓરડીના બારણાને લાત મારતી બહાર નીકળી આવી. બદલા માટે ભાન ભૂલેલી આંખો દાદર ઉપરથી ગલીમાં ચારેકોર ફરી વળી. પરંતુ ગલીની ભીડભાડમાં એ ચહેરો કશે દેખાયો નહીં.
એ ફરીથી ઓરડીના અંદર ધસી. પથારી પાસેના ટેબલ પરથી સિગારેટનો ડબ્બો ઉઠાવ્યો. ક્રોધમાં ધ્રુજી રહેલી આંગળીઓ વડે એણે એક સિગારેટ સળગાવી અને ઓરડીની બહાર નીકળી ગઈ. એ થપ્પડનો ધબકાર હજી સુધી એના લાલ થઈ ઉઠેલા ગાલના દરેક સ્નાયુઓમાં સંભળાઈ રહ્યો હતો. એના શરીરનું લોહી લાવા જેમ ઉકળી રહ્યું હતું. અસહ્ય બેચેની વડે એનું શરીર દરેક દિશામાં ચક્કર કાપી રહ્યું હતું.
એ જ સમયે પડખેની ઓરડીમાંથી શર્ટના બટન બંધ કરતો પુરુષ બહાર નીકળ્યો. એની પાછળ બ્લાઉઝ અને પાલવ બરાબર ગોઠવતી રઝિયા પણ આવી પહોંચી.
હાથમાંની સિગારેટ જમીન ઉપર પછાડી રેશ્મા શિકાર પર નીકળેલા પ્રાણી માફક એ પુરુષ પર ત્રાટકી. એના શર્ટનો કોલર એણે પોતાની આંગળીઓની સખત પકડમાં લઈ લીધો. અચાનક થયેલા હુમલાથી પુરુષ રઘવાયો થયો. રઝિયાએ એને છોડાવવા પ્રયાસ કર્યો. પરંતુ ભાન ભૂલેલી રેશ્માએ એને પણ હડસેલી.
" કિસકો લેકે આયા થા ? કોન થા વો ? "
પોતાના બચાવમાં બોલતા પુરુષનો અવાજ થોથવાયો.
" દોસ્ત હે મેરા ...પહેલીબાર યહાં આયા થા ...ઉસને કુછ ..."
પુરુષ આગળ પૂછપરછ કરે એ પહેલા રેશ્માની રાડ નીકળી.
" ફોકટકા ટાઈમપાસ કરને આયા થા સાલા. વેશ્યા હું લેકિન મેં હરામ કી નહીં ખાતી. સમજા ક્યા ? "
કોલર છોડી રેશ્માએ એને દાદર તરફ ધકેલ્યો. રઝિયા હેબતથી સ્તબ્ધ થઈ ગઈ. એને કશું સમજાઈ રહ્યું ન હતું.
પુરુષનો શ્વાસ થોડો હેઠો બેઠો. પરિસ્થિતિ પામી જતા એણે માફી માંગી લેવાને પ્રાધાન્ય આપ્યું.
" વો યહાં નહીં આના ચાહતા થા. મેં હી જબરદસ્તી ઉસે યહાં લે આયા. " રેશ્માના શ્વાસ હજી ક્રોધથી ભારોભાર હતા. એક વિરામ લઈ પુરુષે વાત આગળ વધારી. " દો સાલ પહેલે ઉસકી બીવીકા એક્સિડન્ટ હો ગયા થા. તબસે બીવી કોમા મેં હે. બહોત ચાહતા હે બીવી કો. પુરા દિન કામ કર કે ઈલાજકે પૈસે જમા કરતા હે ઔર પુરી રાત હ્સ્પતાલ મેં ....મુજે લગા યહાં આયેગા તો થોડા જી બહલ જાયેગા ..."
આગળ કશું બોલવું જરૂરી ન લાગતા નજર ઢાળી એ દાદર ઉતરી મિત્રની શોધમાં નીકળી પડ્યો.
રેશ્મા અવાક બની થોડા સમય સુધી એજ દિશામાં તાકતી રહી. પછી પોતાના પીડા આપી રહેલા ગાલ ઉપર એક હાથ મુક્યો અને અચાનકથી આક્રંદ જોડે રડવા લાગી. રઝિયા સહેમી ઊઠી. પહેલીવાર જીવનમાં એણે રેશ્માને રડતા નિહાળી હતી. હંમેશા બિન્ધાસ્ત રહેનારી રેશ્માની આંખોમાં પહેલીવાર આજે લાચારી અને પીડા ઉમટી આવી હતી. ભયભીત રઝિયા રેશ્માની દિશામાં ધપી ગઈ. એને સંભાળવાનો પ્રયાસ કરવા લાગી. અશ્રુઓના ધોધ વચ્ચે ધૂંધળી દેખાઈ રહેલી રઝિયાને સંબોધી રેશ્મા એક બાળક જેમ ધ્રૂસકાઓ જોડે બોલી પડી.
" રઝિયા, આજ ઉપરવાલા યહાં નીચે આયા થા. ઉસને મુજે એક થપ્પડ લગાયા ઔર કહા કી ઉસને પ્યાર બનાયા તો હે, સિર્ફ હમારે લિયે નહીં બનાયા. "
રઝિયાએ રેશ્માને ચુસ્ત આલિંગનમાં લઈ લીધી. એની નજર ઉપર આકાશ તરફ ઊઠી. ટમટમી રહેલા તારલાઓ નિહાળતા આંખોમાંથી ખારો સમુદ્ર વહી પડ્યો. રેશ્માને રાહત આપવા એણે બાળક જેમ સ્નેહથી એની પીઠ થપથપાવી અને રેશ્માએ એને સંભળાવેલું જૂનું ગીત એણે રેશ્મા માટે જ કામપતા શબ્દોમાં ગાવા માંડ્યું.
" છોડ દે સારી દુનિયા કિસીકે લિયે
યે મુનાસીબ નહીં આદમી કે લિયે
પ્યારસે ભી ઝરૂરી કઈ કામ હે,
પ્યાર સબકુછ નહીં જિંદગીકે લિયે ...."
