STORYMIRROR

PRAVIN MAKWANA

Abstract

3  

PRAVIN MAKWANA

Abstract

મુલ્લા નસરુદ્દીન : રાજ્યનું મૂલ્ય

મુલ્લા નસરુદ્દીન : રાજ્યનું મૂલ્ય

4 mins
366


એક બાદશાહને પોતાના વિશાળ સામ્રાજ્ય માટે બહુ અભિમાન હતું. એક વાર તે બાદશાહે નક્કી કર્યું કે મારા આખા રાજ્યનું મૂલ્ય કેટલું છે એ જાણવું. બાદશાહે પોતાના રાજ્યના વિદ્વાનોને એ કામ સોંપ્યું. જુદા જુદા વિદ્વાનો બાદશાહના રાજ્યનું મૂલ્ય કરવા માટે જુદા જુદા નુસખાઓ અજમાવવા લાગ્યા, પણ તેમના જવાબોથી બાદશાહને સંતોષ ન થયો.

વિદ્વાનોના જવાબથી સંતોષ ન થતાં બાદશાહે એક વાર દરબારમાં બધાની વચ્ચે અફસોસ વ્યક્ત કર્યો કે મારા રાજ્યમાં એકપણ એવો વિદ્વાન નથી કે જે મારા રાજ્યનું મૂલ્ય નક્કી કરી શકે.

બાદશાહના શબ્દો સાંભળીને વિદ્વાનોએ શરમથી માથાશ ઝુકાવી દીધાશ, પણ એ વખતે કેટલાક દરબારીઓએ મોકાનો ફાયદો ઉઠાવીને મુલ્લા નસરુદ્દીનને મુશ્કેલીમાં નાખવાનું અને બાદશાહની ખફગીનો ભોગ બનાવવાનું નક્કી કર્યું. મુલ્લા નસરુદ્દીન દરબારી નહોતા, પણ બાદશાહની બહુ નજીક હતા અને તેમના પ્રીતિપાત્ર હતા એટલે બધા દરબારીઓને નસરુદ્દીનની બહુ ઈર્ષા થતી હતી.

નસરુદ્દીનના વિરોધી દરબારીઓએ બાદશાહને કહ્યું કે ‘તમારા સવાલનો જવાબ મુલ્લા નસરુદ્દીન જરૂર આપી શકશે. તેઓ સૌથી વધુ બુદ્ધિશાળી છે.’

બાદશાહે તાબડતોબ મુલ્લા નસરુદ્દીનને હાજર કરવાનો આદેશ આપ્યો. થોડી વારમાં સિપાઈઓએ મુલ્લા નસરુદ્દીનને દરબારમાં હાજર કર્યા. બાદશાહે તેમને સવાલ કર્યો કે ‘મારા રાજ્યનું મૂલ્ય કેટલું એ સવાલનો જવાબ આપો.’

મુલ્લા નસરુદ્દીને કેટલાક દરબારીઓને મૂછમાં મલકાતા જોયા. એટલે તેમને સમજાઈ ગયું કે એ બધાએ બાદશાહને પાટે ચડાવ્યા છે. 

મુલ્લા નસરુદ્દીને બિલકુલ વિચલિત થયા વિના કહ્યું, ‘આ સવાલનો જવાબ હું કાલે આપીશ, પણ એ માટે તમારે મારી સાથે આવવું પડશે.’

બીજા દિવસે મુલ્લા નસરુદ્દીન બાદશાહ સામે હાજર થઈ ગયા. બાદશાહ લાવલશ્કર સાથે તૈયાર હતા. નસરુદ્દીને કહ્યું, ‘તમારા સવાલના જવાબ માટે ફોજ લઈને જવાની જરૂર નથી.’

બાદશાહ એક પળ માટે અચકાયો પણ પછી તેણે બધાને આદેશ આપ્યો કે કોઈએ મારી સાથે આવવાની જરૂર નથી.

બાદશાહ અને મુલ્લા નસરુદ્દીન ઘોડા પર સવાર થઈને નગરની બહાર નીકળી પડ્યા. નગરથી થોડે દૂર રણપ્રદેશ શરૂ થતો હતો ત્યાં નસરુદ્દીને તેમના એક પરિચિતને ત્યાં ઘોડા બાંધીને તેની પાસેથી બે ઊંટ લીધા અને બંને તેના પર સવાર થઈ ગયા. 

નસરુદ્દીન બાદશાહને રણમાં લઈ ગયા. સૂરજ ઉપર આવતો ગયો અને ગરમી વધતી ગઈ. સૂરજ માથા પર આવ્યો ત્યાં સુધીમાં બાદશાહની ધીરજ ખૂટી ગઈ અને તેના ગળામાં શોષ પડવા લાગ્યો. તેણે નસરુદ્દીનને કહ્યું કે ‘મારું ગળું સુકાઈ રહ્યું છે, મારે પાણી પીવું છે. આપણે પાછા વળી જઈએ.’

નસરુદ્દીને કહ્યું, ‘પણ તમારા સવાલનો જવાબ મેળવવાનો બાકી છે એટલે આપણે હજી થોડો પ્રવાસ કરવો પડશે.’

બાદશાહે કહ્યું કે, ‘મારે મારા સવાલન

ો જવાબ મેળવવો નથી. મારે પાણી પીવું છે. તરસથી મારો જીવ નીકળી જશે.’

નસરુદ્દીને કહ્યું, ‘તો તમારી મરજી. બાકી હજી થોડી વાર પ્રવાસ કરીએ તો તમને મૂંઝવતા સવાલનો જવાબ આપણે મેળવી શકીશું.’

બાદશાહે બરાડો પાડ્યો, ‘અરે મારે કોઈ જવાબ નથી મેળવવો. મને થોડી વારમાં પાણી નહીં મળે તો મારો જીવ નીકળી જશે.’

નસરુદ્દીને કહ્યું, ‘આપણે પાછા વળીશું અને નગર સુધી પહોંચીશું એમાં તો ઘણો સમય જશે. એના કરતાં આપણે થોડો વધુ પ્રવાસ કરી નાખીશું તો પાણી મળી રહેશે.’

બાદશાહે નજર દોડાવી. તેની નજર સામે ચોતરફ અફાટ રણ જ દેખાઈ રહ્યું હતું. બાદશાહે તલવાર ખેંચી લીધી અને નસરુદ્દીનને કહ્યું કે ‘બોલ તને મારા દુશ્મનોએ ફોડી નાખ્યો છે કે? તું મારા જીવ સાથે રમત કરી રહ્યો છે. મારી પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ કે હું કશું વિચાર્યા વિના તારી સાથે નીકળી પડ્યો.’

ગરમી અને તરસને કારણે બાદશાહ લવારીએ ચડી ગયો અને મુલ્લાનો શિરચ્છેદ કરવા તેના તરફ ધસ્યો. 

એ જ વખતે મુલ્લા નસરુદ્દીને પોતાના પહેરણમાં છુપાવેલી ચામડાની પાતળી થેલી બહાર કાઢી અને બાદશાહને કહ્યું કે ‘તલવાર ફેંકી દો તો પાણી 

પીવડાવું.’ 

બાદશાહે તરત જ તલવાર ફગાવી દીધી. તેમણે પોતાના ઊંટને નસરુદ્દીનના ઊંટની એકદમ નજીક લઈ જઈને પાણી માટે હાથ લંબાવ્યો, પણ નસરુદ્દીને તેને પાણી આપવાને બદલે ઊંટને ફરી નગરની દિશામાં ભગાવી મૂક્યું. 

બાદશાહ બેબાકળો થઈ ગયો. તેણે પણ પોતાના ઊંટને મુલ્લાની પાછળ દોડાવ્યું. ગળું સુકાવાને કારણે હવે તે બોલી પણ શકે એમ નહોતો. 

થોડીવાર ઊંટને ભગાવ્યા પછી મુલ્લાએ ઊંટને થોભાવ્યું. બાદશાહ તેમની લગોલગ આવી પહોંચ્યો. તેણે મુલ્લાની સામે હાથ જોડ્યા.

નસરુદ્દીન એકદમ સ્વસ્થ હતા. તેમને રણની મુસાફરીનો બહુ અનુભવ હતો એટલે તેમને હજી થાક પણ લાગ્યો નહોતો. બીજી બાજુ મહેલમાં રહેવા ટેવાયેલા બાદશાહનો જીવ નીકળી રહ્યો હતો. 

નસરુદ્દીને બાદશાહને કહ્યું કે ‘તમે તમારું અડધું રાજ્ય મને આપી દો તો હું તમને પાણી પીવડાવું.’

બાદશાહ ત્રૂટક ત્રૂટક અવાજે બોલ્યો, ‘અડધું નહીં, આખું રાજ્ય આપી દઉં, પણ મને પાણી પીવડાવો.’

નસરુદ્દીન હસ્યા. તેમણે ચામડાની થેલીનું ઢાંકણું મોઢે માંડીને એમાંથી બે ઘૂંટડા ભર્યા અને પછી એ થેલી બાદશાહને આપી. બાદશાહે નસરુદ્દીનનું એઠું પાણી પી લીધું. પાણી પીધા પછી તરસ્યા બાદશાહના જીવમાં જીવ આવ્યો. નસરુદ્દીને બાદશાહની આંખમાં આંખ પરોવીને કહ્યું કે ‘બાદશાહ સલામત, તમારા રાજ્યની કિંમત મારા એઠા પાણી જેટલી છે. તમે પોતે જ કહ્યું કે મને પાણી પીવડાવો તો હું મારું અડધું નહીં, આખું રાજ્ય આપી દઉં! મારે તમારું રાજ્ય નથી જોઈતું, પણ મેં તમને તમારા સવાલનો જવાબ આપી દીધો છે!’


Rate this content
Log in

Similar gujarati story from Abstract