મુલાકાત
મુલાકાત
લાલુ શેઠ આરામખુરશી પર થોડા લંબાવીને સૂતા છે. અચાનક જ વર્ષો પહેલાની કોલેજ યાદ આવી જાય છે. છ-સાત મહિના માંડ કોલેજમાં..... કોલેજ યાદ આવતા જ નજર સામે લીલાનો ચહેરો આવી જાય છે. ત્યાં તો મનુ દોડતો દોડતો આવે છે.
લાલુ શેઠ : કેટલી વાર તને ના પાડી છે કે આમ ઠેકડા મારતું નહી આવવાનું.?
મનુ : શેઠ, વાત જ એવી છે કે......
લાલુ શેઠ : પહેલાં થાક ખા. લે પાણી પી. જો મનુ ગમે તેવી પરિસ્થિતિ હોય હંમેશા ધીરજ રાખવી. ધીરજથી...
વચ્ચે જ મનુથી બોલ્યા વગર ન રહેવાયું.
મનુ : બે-બે પગથિયાં ઠેકીને જ તો આવ્યો છું. ને તમે રોજ મને આ સલાહ દિવસમાં દસ વાર આપતા હોય એવું લાગે છે.
લાલુ શેઠ : સારું બોલ , શું સમાચાર છે ?
મનુ : આ જુઓ, આમંત્રણપત્રિકા.
લાલુ શેઠ : આમંત્રણપત્રિકામાં શહેરનું નામ વાંચી બંધ કરી મૂકી દે છે.
મનુને આશ્ચર્ય થાય છે.
મનુ : શેઠ, ગમે તેમ થાય, આપણે જવું જ છે.
લાલુ શેઠ : (પરેશાન થઈ ને) પણ શું કામ? મારી ઈચ્છા નથી.
ના પાડી દેજે.
મનુ : હું પણ એ જ પુછુ છુ કે શું કારણ? ન જવા માટે.
તમારા હાથે દીપ પ્રાગટય રાખ્યું છે.
લાલુ શેઠ: સારુ વિચારીશ.
મનુ પગ પછાડતો બબડતો જતો રહે છે કે માંડ ક્યાંક ફરવા જવા મળે ત્યારે પણ શેઠ ના પાડી દે. બંગલો ગોળાકાર હોવાથી અંદરની સીડી ઉતરતાં ઉતરતાં બબડયો એટલે લાલુ શેઠ સાંભળી લે છે. લાલુ શેઠ મનમાં વિચારે છે કે મનુને કેમ સમજાવું કે એ શહેરમાં જવું કેટલું ખતરનાક છે. આજે એ વાતને દસ વર્ષ વીતી ગયા, પરંતુ ડર તો લાગે જ ને !
***
ખુબ વિચારને અંતે.........
લાલુ મનુની ઈચ્છા સાથે પોતાની લીલાને મળવાની ઈચ્છા ભેળવી દે છે. જે શહેરમાં દસ વરસ પછી પગ મુકશે એ શહેર હવે કેવું હશે? લીલા કેવી લાગતી હશે? લગ્ન થઈ ગયા હશે? નહીં થયા હોય તો પણ મારી સાથે લગ્ન કરવાની હા પાડશે? મારો ભૂતકાળ ખબર પડ્યા પછી મને ન સ્વીકારે તો હું એનો નિર્ણય માન્ય રાખીશ. હજી વિચારોનો વંટોળ બેઠો નથી ને મનુ વળી હાંફળોફાંફળો બે-બે પગથિયાં ઠેકતો ઠેકતો ઉપર આવે છે.
લાલુ શેઠ: કેટલી વાર તને કહ્યુ છે કે ઉતાવળ નહી...
મનુ : જલ્દી ચાલો, આપણા બંગલા સામે એક વૃધ્ધ બેભાન.... લાલુ શેઠ તરત જ પેલા વૃધ્ધને દવાખાને લઈ જવા નિકળી જાય છે. હવે મનુ વિચારે છે કે આવા પરોપકારી શેઠ બહારગામ જતા શા માટે ડરે છે ?
***
થોડા દિવસ પછી ........
મનુ શેઠને સુરત જવાનો દિવસ યાદ કરાવી દે છે. હા, શેઠ હજી સુરત જતા ડરે છે. બીજે દિવસે સવારમાં નિકળીશું, એવું શેઠ નક્કી કરે છે.
***
નક્કી કરેલા દિવસે સવારમા દસ વાગ્યે નીકળી બે વાગ્યે પહોંચી જાય છે. કોઈ સારી હોટલમાં રોકાણ કરે છે, કેમ કે કોલેજ દીપ પ્રાગટય માટે બીજે દિવસે સવારે જવાનું હોય છે.
લાલુ સુરતમાં પોતાના ઘરે જાય છે. બાપ દારુના નશામાં જ રહેતો. બાપ નવો હતો, પણ મા તો પોતાની જ હતી. લાલુ શેઠ ખુબ ડર સાથે ગંદકીવાળા વિસ્તારમાં પગ મુકે છે. ભાડાની ખોલીમાં દરવાજો ખખડાવે છે. બીજા કોઈએ દરવાજો ખોલતાં નિરાશ થઈ જાય છે. પાછા ફરતાં ગલીના નાકે સવિતામાસીને જોઈ જાય છે. સવિતામાસી જોડે વાત-ચીત કરતાં ખબર પડે છે કે મા દીકરાના આઘાતમાં ને બાપ દારુમાં, એમ બંને મૃત્યુ પામ્યા છે. સવિતામાસી જાણવાની કોશિશ કરે છે કે તું કોણ છે? પણ જવાબ આપ્યા વિના આંખોમા આંસુ સાથે નીકળી જાય છે. ક્યાંથી ઓળખાય? ત્યારનો સતર- અઢાર વર્ષનો નાસમજ કિશોર જે આજે અઠ્ઠાવીસ વર્ષનો નવયુવાન સમજુ ઠરેલ અને શાંત બની ગયો છે. આપોઆપ તેના પગ પોતાને રસ્તે ચડાવનાર ઘરડાઘર તરફ વળે છે. લાલુ શેઠ ત્યાંના સંચાલકના ખાતામાં દર વર્ષે દસ લાખ જમા કરાવતા હોય છે. ત્યાંના સંચાલકને મળી દસ લાખનો ચેક આપી એક સંતોષ સાથે હોટલ પાછો આવે છે. એ ઘરડાઘરનું નામ "બા-દાદાનું ઘર" રાખવામાં આવ્યું છે.
મારા વાંચકમિત્રો,ઓળખ્યા આ લાલુને... હા એ એનાં જીવનની છેલ્લી ચોરી હતી. દાદાએ ઘડિયાળ તો સામેથી આશીર્વાદ રુપે આપી હતી. એ આશીર્વાદ લાલુને ફળ્યા.
***
લાલુ શેઠ બીજે દિવસે સવારે સાડા આઠે કોલેજ પહોંચી જાય છે. આજે મનુ પણ સાથે છે. મનુએ ગઈકાલે હોટલમાં ખાઈ- પી ને જલસા જ કર્યા હતા. (દારુ નહી હો..) કોલેજના જીર્ણોદ્ધાર માટે દાન આપ્યુ હોવાથી લાલુ શેઠના હસ્તે દીપ પ્રાગટય રાખવામાં આવ્યુ હોય છે. દીપ પ્રાગટય બરાબર સમયસર થઈ જાય છે. સ્વાગત સમારંભ પણ પૂરો થઈ ગયો. હવે કોલેજમાં બધા આમ-તેમ ફરતા હોય છે. બધા મિત્રો એકબીજાને ઓળખે છે, વાતો કરે છે. ત્યાં તો પાછળથી આવીને પ્રકાશ ધબ્બો મારે છે ને હું તેનો હાથ પકડી તેની સામે જાઉં છું. તે માફી માંગુ એમ બોલ્યો કે ......સમીર પ્રકાશને બોલાવા આવ્યો. અમે ત્રણેય એકબીજા સામે જોયા કર્યું. હું તો ઓળખી ગયો હતો, એટલે હસી પડ્યો. બંને બાઘાને થોડું યાદ કરાવ્યું તો ભેટી પડ્યા. મેં તરત જ પુછ્યુ કે લીલાના કંઈ સમાચાર? સમીરે લીલાના ટેબલની દિશામાં ઈશારો કરીને ......અમે ત્રણેય એના ટેબલ પાસે ગયા. એ તો ઊભી થઈ ગઈ ને બોલી લાલુ શેઠ....... આ નામ જ સ્ટેજ પર.....સમીર અને પ્રકાશ પણ નામમાં જ થાપ ખાઈ ગયા -- મેં કહ્યુ. લીલા તો મારો અવાજ સાંભળીને જ ખુશ થઈ ગઈ. મારો હાથ પકડી અમારા મનગમતા વૃક્ષ નીચે લઈ ગઈ.
મેં હિંમત કરીને મારો ભૂતકાળ લીલાને કહી દીધો. લીલાએ ગંભીર બનીને કહ્યુ કે હું એમ.એસ સી. એમ. એડ કરી નોકરી કરું છું. તને તો ખબર છે કે હું નાની જોડે રહેતી હતી. પરંતુ એ હવે મૃત્યુ પામ્યા છે. અને હા, હું નોકરી ચાલુ રાખીશ. તારા પૈસા પૂરતા છે, પણ ભણાવવું મારો શોખ છે. મેં પણ હસતા હસતા કહ્યુ કે હા, એ અભ્યાસ તો ચાલુ જ રહેવો જોઈએ. આપણાં ચુનુ- મુનુને તું જ તો ભણાવીશ. એ શરમાઈ ગઈ.
****
અમે સુરતથી આવી ગયા. પ્રકાશ અને સમીર પોતાના કુટુંબ સાથે આવ્યા હતા. અહીંના બહુ જ થોડા લોકોની હાજરીમાં અમારા લગ્ન થઈ ગયા. મનુ તો રાજી રાજીના રેડ હતો કે એને શેઠાણી મળી ગયા. શેઠાણી પાસે જઈને કહી પણ આવ્યો કે હું શેઠને સુરત ન લાવ્યો હોત તો લગ્ન જ ન થાત. એને શું ખબર કે.............આમ કોલેજના મેળાવડામાં બે પ્રેમીઓની મુલાકાત લગ્નમાં પરિણામી.
અમે બંને સસ્મિત એકબીજા સામે જોઈ રહ્યા.
સમાપ્ત....પણ આના પછી 'અંતિમ વિસામો' જરુર વાંચવી.
'લાલુએ લખેલ બા - દાદાને પત્ર' 'અંતિમ વિસામો' વાંચી લીધા પછી વાંચવો. જેથી લાલુની સંપૂર્ણ જીવનયાત્રા માણી શકાય.

