STORYMIRROR

Mariyam Dhupli

Drama Inspirational Thriller

1.0  

Mariyam Dhupli

Drama Inspirational Thriller

મુલાકાત

મુલાકાત

3 mins
14.6K


"નમ્રતા ,જરા પપ્પાને મળી આવીએ તો ..."

શયનખંડમાં અલમારીની સગવડમાં વ્યસ્ત નમ્રતાએ નજર ઉપર ઉઠાવ્યા વિના જ જવાબ વાળ્યો. કૌશિકનો પ્રશ્ન કેટલો અતાર્કિક અને આશ્ચર્ય ઉપજાવનાર હતો એ નમ્રતાના ઉત્તરના લહેકા ઉપરથીજ સ્પષ્ટ કળી શકાતું હતું.

"હમણાં? આ સમયે? અચાનક? તને ખબર તો છે કૌશિક હજારો કામ માથે પડ્યા છે . એક કાર્ય પૂરું થતું નથી કે યાદીમાં બીજા નવા દસ જોડાય છે. આ બધી દોડાદોડીની વચ્ચે ...ને એમ પણ બે દિવસ પછી તો એ અહીં આવવાના જ છે ...."

નમ્રતાને એની વ્યસ્તતા જોડે એકલી છોડી કૌશિક એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના જ શયનખંડની બહાર જતો રહ્યો. એના શરીરના હાવભાવોની નિરાશા અને હતાશા શયનનખંડમાં પાછળ છૂટી રહ્યા. નમ્રતાની અતિ વ્યસ્ત દ્રષ્ટિ જાણે એ નિરાશા અને હતાશાની સૌરભ કળી રહી.

પોતાના કાર્ય પર પુનઃ ધ્યાન કેન્દ્રિત કરવા છતાં નમ્રતાનું હૃદય કૌશિકનાં વિચિત્ર વલણનું મૂલ્યાંકન કરી રહ્યું.

'આમ અચાનક આજે શું થયું કે પપ્પાને મળવું છે? તે પણ આવા વ્યસ્તતાથી ભરપૂર દિવસોની વચ્ચે જ્યાં એક એક ક્ષણ કિંમતી છે. ને જો વાત કરવી જ હોય તો કોલ પણ કરી શકાય ને? આમ મોડી રાત્રીએ આટલી દૂર જવાની જરૂર શા માટે?'

મનમાં ઉઠી રહેલા પ્રશ્નો કૌશિક આગળ મુકવા પહેલા શેષ વધેલા કાર્યોને પૂર્ણ કરવા નમ્રતાના હાથ વધુ વેગ પકડી રહ્યા.

કૌશિકનાં પોતાના માતા-પિતા તો એના લગ્નનાં થોડા વર્ષો પછી જ અવસાન પામ્યા હતાં. નમ્રતા પણ યુવાનીમાં જ માતાના વાત્સલ્યની છાયાં ગુમાવી બેઠી હતી. લગ્ન પછી શહેરના અન્ય છેડે રહેતા પિતાથી પણ જીવને અંતર લઇ લીધું હતું.

લગ્નના શરૂઆતનાં દિવસોમાં નમ્રતા અને કૌશિક બન્ને પપ્પાની નિયમિત મુલાકાત લેવા જતાં. ધીરે ધીરે કૌશિકના ઓફિસનાં કાર્યોની વ્યસ્તતા વધતા એની મુલાકાતો ખાસ્સી એવી ઘટી ગઈ અને એક તબક્કે નહિવત બની. વાર તહેવારે કે કોઈ ખાસ પ્રસંગે અને એમના જન્મદિવસે કેટલીક ઔપચારિક મુલાકાતો થઇ જતી એ જ. નમ્રતાનાં પપ્પાએ એ અંગે કદી કોઈ ફરિયાદો પણ કરી ન હતી. પોતાનો જમાઈ પોતાનાં પરિવાર માટે પ્રામાણિકતાથી તનતોડ મહેનત કરતો એ જ એમના માટે સૌથી ગર્વની વાત હતી. પરિવારની ખુશીઓ માટે અથાક દોડાદોડી કરતા કૌશિક આગળ પોતાને શા માટે મળવા નથી આવતો કે કોલ ન

થી કરતો જેવી નકામી ફરિયાદો વાગોળવા કરતા એની મહેનતને સમજવાની અને એની વ્યસ્તતાને માન આપવાની પરિપક્વતા દર્શાવવાનો જ વિકલ્પ તેમને યોગ્ય લાગતો.

નમ્રતા પણ માતૃત્વ-જગતમાં પ્રવેશ્યા પછી ઘર, બાળક અને કૌશિકના કાર્યો પાછળ ખાસ્સી એવી વ્યસ્ત રહેવા લાગી. શરૂઆતમાં નિયમિત પપ્પાની મુલાકાત લઇ આવવાનો ક્રમ અઠવાડિયામાં એક વાર મુલાકાતમાં ઢળી ગયો. અઠવાડિયામાં એક વારથી ધીરે- ધીરે મહિનામાં બે વાર અને મહિનામાં બે વારથી સીધો જ મહિનામાં એકવારની મુલાકાતમાં સરી પડ્યો.

બાળપણમાંથી તરુણાવસ્થા અને તરુણાવસ્થામાંથી યુવાનીમાં પ્રવેશતા પોતાના બાળક તેમજ ઘરની અને ઓફિસની ચક્કી વચ્ચે પીસાતા કૌશિક અને નમ્રતા કદાચ ભૂલી જ ગયા હતા કે પપ્પા પણ હવે વડીલમાંથી વૃદ્ધત્વમાં ઢળી રહયાં હતાં અને આ ઢળાવમાં બાળકોનો સહવાસ દવાનું કામ કરતો હોય છે.

પરંતુ હવે તો ઈન્ટરનેટનાં વિશ્વમાં રૂબરૂ મુલાકાતોની અનિવાર્યતા બચી જ ક્યાં છે? કૌશિક અને નમ્રતાએ ભેટ આપેલા આઈ ફોન ઉપર દિવસમાં એકાદવાર વાત થઇ જતી. ક્યારેક અઠવાડિયામાં કોલ ન આવે તો પપ્પા સામેથી કોલ કરી નાખતાં. પોતાના સંસારમાં સુખી પોતાની દીકરીનો ફક્ત અવાજ પણ સાંભળવા મળી જાય તો એક પિતાને એનાથી વધુ શું જોઈએ ?

લગ્ન કરી ઘરમાંથી ઉડી જતી એ નાનકડી પરીઓ પતંગિયા જેવી ચંચળ ઉડતી રહે , ફરી હાથમાં ક્યાંથી આવે? આવે ન આવે કે ફરી ઉડી જાય .... ફક્ત દૂરથી ઉડતી જોઈ શકાય એમાંજ પિતૃમનની ખુશીનું સમાધાન સાધવું પડે.

પોતાના કાર્યોને અંતિમ સ્પર્શ આપી નમ્રતા શયનખંડમાંથી બહાર નીકળી. પોતાના પ્રશ્નોનો ઉત્તર મેળવવા અને કૌશિકનાં વિચિત્ર વર્તન પાછળનું કારણ જાણવા એની આંખો બેઠકખંડમાં સર્વત્ર ફરી રહી.

ફૂલોથી શણગારાયેલાં બેઠકખંડમાં ઘરની બહારની દીવાલો પર શણગારાયેલાં ઉજવણીનાં બલ્બનો પ્રકાશ ઝબકારા છોડી રહ્યો હતો . બેઠકખંડની મધ્ય દીવાલ ઉપર મઢાયેલ ટીવીના પરદા ઉપર પોતાની બાળકી જોડેનાં બાળપણના સંસ્મરણોની સીડી જોવામાં ધ્યાનમગ્ન કૌશિકે બે દિવસ પછી થનારા એક ની એક દીકરીનાં લગ્નની નિમંત્રણ-પત્રિકા છાતી સરસી ચાંપી દીધી હતી. આંખો મૌન વરસી રહી હતી.

નમ્રતાનો ઉત્તર આંખો સામેના દ્રશ્યમાં જ મળી ગયો .

'એક પતંગિયું અહીંથી પણ ઉડી જવાનું હતું !'


Rate this content
Log in

Similar gujarati story from Drama